સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અંગે અપડેટ્સ
Posted On:
03 APR 2020 6:43PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદે આજે તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો અને લેફ્ટેનન્ટ ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજીને આ બીમારી સામે લડવાની તૈયારીઓની સ્થિતિ, કોવિડ-19ના ફેલાવાને રોકવા સામે નિઃસહાય વર્ગ પર મુખ્યત્વે ધ્યાન આપીને નાગરિક સમાજ/સ્વૈચ્છિક સંગઠનો/ખાનગી ક્ષેત્રની ભૂમિકા તેમજ રેડ ક્રોસની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો જેમાં કટોકટીના અનિશ્ચિત સમય દરમિયાન દેશવાસીઓએ બતાવેલી અભૂતપૂર્વ શિસ્ત અને એકતાની લાગણીની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે સામાજિક અંતરના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો અને તમામ દેશવાસીઓને લૉકડાઉનના અમલમાં મદદરૂપ થવા માટે અપીલ કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને દર્દીઓ અને તેમના પરિવારજનોને અપીલ કરી હતી કે, તેઓ ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓના કામમાં કોઇપણ પ્રકારે અડચણો ઉભી ન કરે. તેમણે સમગ્ર દેશમાં અગ્ર હરોળમાં સેવા આપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ કોરોના યોદ્ધાઓ છે જેઓ કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લાવવા અને તેને ખતમ કરવા માટે અવિરત દેશની સેવા કરી રહ્યા છે અને તેમના યોગદાનની માનનીય પ્રધાનમંત્રીએ પણ પ્રશંસા કરી છે કારણ કે અત્યાર સુધીમાં કોવિડ-19ના 156 દર્દીઓ સાજા થઇ ગયા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2 એપ્રિલ 2020ના રોજ કોવિડ-19 સંબંધિત તાલીમ સામગ્રી માટે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે જે https://www.mohfw.gov.in/pdf/AdvisoryforHRmanagement.pdf પર ઉપલબ્ધ છે. આમાં ક્ષમતા નિર્માણ તાલીમ અને ફિલ્ડ સર્વેલન્સ, આઇસોલેશન સુવિધાઓના તબીબી વ્યવસ્થાપન, ક્વૉરેન્ટાઇન, સાઇકો-સોશિયલ સંભાળ, લોજિસ્ટિક્સ અને પૂરવઠા સાંકળ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પણ સમાવી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, AIIMS દ્વારા ફિઝિશિયનોને ICU સંભાળ અને વેન્ટિલેશન વ્યૂહરચના વિશે ઑનલાઇન તાલીમ તેમજ કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓની સંભાળ લેવા અંગે નર્સોની ઑનલાઇન તાલીમ પણ કરવામાં આવી રહી છે. તમામ વેબીનારના શિડ્યૂલ આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે: https://www.mohfw.gov.in/
અત્યાર સુધીમાં, કોરોના વાયરસથી અસરગ્રસ્ત 2301 કેસોની પુષ્ટિ થઇ છે અને 56 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે. 156 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
RP
******
(Release ID: 1610832)
Visitor Counter : 255