સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19માંથી બહાર આવવા માટેની તૈયારીઓથી અવગત થવા માટે ડૉ. હર્ષવર્ધને ડૉ. RML અને સફદરગંજ હોસ્પિટલની જાતે જ મુલાકાત લીધી; દર્દીઓના ખબરઅંતર પૂછ્યા


RML ખાતે ટ્રોમા સેન્ટર કોવિડ-19 માટેના ખાસ આઇસોલેશન વૉર્ડ તરીકે કામ કરશે

સફદરગંજ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉકને વિશેષ કોવિડ-19 વ્યવસ્થાપન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યો

Posted On: 03 APR 2020 4:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19માંથી બહાર આવવા માટે હોસ્પિટલોની તૈયારીઓથી અવગત થવા માટે જાતે જ ડૉ. RML અને સફદરગંજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ડૉ. RML હોસ્પિટલ ખાતે, કેન્દ્રીય મંત્રીએ ફ્લૂ કોર્નર, ઇમરજન્સી કૅર સેન્ટર, ટ્રોમા સેન્ટર બ્લૉક અને કોરોના સ્ક્રિનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ કેન્દ્રોની કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી, આરોગ્ય મંત્રીએ સ્ક્રિનિંગની પ્રક્રિયાની ઝડપ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે માઇક્રો બાયોલોજી વિભાગની પણ મુલાકાત લીધી હતી જ્યાં દરરોજ ખૂબ મોટી સંખ્યામાં નમૂનાઓની તપાસ કરવામાં આવે છે. ત્યાં તેમણે નમૂના પ્રાપ્ત કરવાની અને વૈજ્ઞાનિક ઢબે તેના પરીક્ષણની પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું. નિર્ધારિત ચેપ નિયંત્રણ પ્રોટોકોલનું પાલન કરવા બદલ તેમજ તેના પરિણામરૂપે પરીક્ષણના પરિણામોમાં ચોક્કસાઇ અને પ્રમાણિતા સુનિશ્ચિત કરવા બદલ તેમણે આ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. આઇસોલેશન બેડની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખતા, ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ડૉ. RML હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટર કોવિડ-19 માટેના વિશેષ આઇસોલેશન વૉર્ડ તરીકે કામ કરશે.
ત્યારબાદ, કેન્દ્રીય મંત્રીએ સફદરગંજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સુપર સ્પેશિયાલિટી બ્લૉકમાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બ્લૉકને પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ કોવિડ-19 આઇસોલેશન વ્યવસ્થાપન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં 400 આઇસેલેશન અને 100 ICU બેડ છે.
બંને હોસ્પિટલોમાં દર્દીઓના વ્યવસ્થાપન અને સારવાર અંગે વિગતવાર સમીક્ષા દરમિયાન ડૉ. હર્ષવર્ધને ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલ અને સફાઇ વિભાગના કર્મચારીઓ જેમાં ખાસ કરીને કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતા સ્ટાફને સંબોધીને કહ્યું હતું કે, દર્દીઓને તાત્કાલિક રાહત આપવા માટે તેઓ થાક્યા વગર અવિરત કામ કરે છે અને પરિણામલક્ષી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમણે વિશેષ ઓળખ બનાવી છે. તેમણે દેશમાં કોવિડ-19ની અસરોને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય ક્ષેત્રને જે પડકારોનો સામનો કરવો પડે છે તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે તમામ લોકોને તેમનું કામ સતત આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કારણ કે આ બધુ જ માનવજાતની સેવા માટે છે. દેશમાં ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય સંભાળ પ્રોફેશનલોની સખત પરિશ્રમ સાથેની પ્રતિબદ્ધતા અને એકાગ્રતાને તેમણે વંદન કરતા કહ્યું હતું કે, આપણા સમર્પિત સ્વાસ્થ્ય પ્રોફેશનલોની કામગીરીનું દેશ ગૌરવ લે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોવિડ-19 મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઇ છે. પ્રધાનમંત્રી દ્વારા નિયમિત દેખરેખ અને માર્ગદર્શનના કારણે તેમજ સ્વાસ્થ્ય યોદ્ધાઓ દ્વારા ત્વરીત કામગીરી અને તેમના સહકારના કારણે અમે આ બીમારીને ભારતમાં અસરકારક રીતે અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19 સામેની આ લડાઇ નિયમિત અને યોગ્ય રીતે હાથ ધોવા, મોં અને આંખોને સ્પર્શવાનું ટાળવું અને સામાજિક અંતર જાળવવું વગેરે સ્વચ્છતાની પાયાની સલાહો અનુસરીને ખંતપૂર્વક લડી શકાય છે. તેમણે કહ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંદેશામાં ફરી એકવાર આ આવશ્યક સાવચેતીઓનું ધ્યાન રાખવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19ની અસરને નિયંત્રણમાં લેવા માટે લૉકડાઉન એક યોગ્ય તક છે જેમાં દરેક વ્યક્તિ ઘરમાં જ રહીને યોગદાન આપે અને આ બીમારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટેનું તે એક મહત્વપૂર્ણ હથિયાર છે.
 


(Release ID: 1610738) Visitor Counter : 161