આયુષ
કોવિડ-19ના સંકટ દરમિયાન સ્વ-કાળજી માટે આયુર્વેદના રોગપ્રતિકારક શક્તિ વધારતા કેટલાક ઉપાયો
Posted On:
31 MAR 2020 2:31PM by PIB Ahmedabad
કોવિડ-19ની સમસ્યાને પગલે સમગ્ર વિશ્વની સંપૂર્ણ માનવજાત તકલીફ ભોગવી રહી છે. શરીરની કુદરતી સુરક્ષા વ્યવસ્થા (રોગપ્રતિકારક શક્તિ) એ સારામાં સારું આરોગ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલેથી કાળજી રાખવી એ તેનો ઉપચાર કરવા કરતા ઉત્તમ છે. અત્યાર સુધી કોવિડ-19નો હજુ સુધી કોઈ ઈલાજ મળી નથી શક્યો ત્યારે આવા સમયમાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે તેવા સાવચેતીના પગલાઓ લેવા એ વધુ સારી બાબત છે.
જીવનનું વિજ્ઞાન હોવાના નાતે આયુર્વેદ એ તંદુરસ્ત અને સુખી જીવન જાળવી રાખવા માટે કુદરત દ્વારા આપવામાં આવેલ ભેટનો પ્રચાર કરે છે. અટકાયતી કાળજી ઉપર આધારિત આયુર્વેદનું વ્યાપક જ્ઞાન એ તંદુરસ્ત જીવન જાળવવા માટે ‘દિનચર્યા’– દૈનિક જીવન અને ‘ઋતુચર્યા’– ઋતુ અનુસારનું જીવન આ બંને ખ્યાલોમાંથી આવે છે. આયુર્વેદના પૌરાણિક શાસ્ત્રોમાં પોતાની જાત પ્રત્યેની જાગૃતતાની સરળતા અને દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારીને આરોગ્ય જાળવી રાખવાની બાબત પર ભાર મુકવામાં આવ્યો છે.
આયુષ મંત્રાલય શ્વસનતંત્રના આરોગ્યના વિશેષ સંદર્ભમાં અટકાયતી આરોગ્ય (Prevention) પગલાઓ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નીચે મુજબની સ્વ-કાળજી માર્ગદર્શિકાઓની ભલામણ કરે છે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું છે.
સામાન્ય પગલાઓ
- આખા દિવસ દરમિયાન નવશેકું પાણી પીવો.
- આયુષ મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવ્યા અનુસાર દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનીટ સુધી યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનમાં બેસવાનો અભ્યાસ કરવો
- હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલાનો રસોઈમાં ઉપયોગ કરવો.
આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ વધારનારા પગલાઓ
- સવારમાં 10 ગ્રામ (1 ચમચી) ચ્યવનપ્રાશ લેવું. ડાયાબિટીસ ધરાવતા લોકોએ શુગર ફ્રી ચ્યવનપ્રાશ લઇ શકાય.
- તુલસી, તજ, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલી હર્બલ ટી કે ઉકાળો દિવસમાં એક અથવા બે વાર પીવો. જો જરૂર લાગે તો સ્વાદ અનુસાર ગોળ અથવા તાજો લીંબુનો રસ ઉમેરી શકાય.
સરળ આયુર્વેદિક પ્રક્રિયાઓ
- નસ્ય પ્રક્રિયા – સવારે અને સાંજે તલનું તેલ/નારિયેળનું તેલ અથવા ગાયનું ઘી બંને નાકોરામાં નાખવું (પ્રતિમાર્શ નસ્ય)
- ઓઈલ પુલિંગ થેરાપી (સ્નેહગંડૂશ) – 1 ચમચી તલનું તેલ અથવા નારિયેળનું તેલ મોઢાંમાં લો. તેને પીશો નહી, 2 કે ૩ મિનીટ સુધી મોઢાંમાં ફેરવવું અને ત્યારબાદ થૂંકી નાખવું. પછીથી નવશેકા પાણી વડે કોગળા કરવા. આ પ્રક્રિયા દિવસમાં બે કે ત્રણ વખત કરી શકાય.
સૂકી ઉધરસ અથવા ગળું સુકાતું હોય તો
- તાજા ફુદીનાના પત્તા અથવા અજમો પાણીમાં નાખીને દિવસમાં એકવાર વરાળ લઇ શકાય.
- ઉધરસ અથવા ગળામાં ઘસારો થતો હોય તો લવિંગના ભુક્કાને ગોળ અથવા મધ સાથે ભેળવીને દિવસમાં 2 કે ૩ વાર લઇ શકાય.
- આ ઈલાજ સામાન્ય રીતે સાધારણ સૂકી ઉધરસ અને સૂકા પડેલા ગળાનો ઈલાજ કરે છે. આમ છતાં જો લક્ષણો યથાવત ચાલુ રહે તો ડૉક્ટરને બતાવવું હિતકારી છે.
ઉપર સૂચવવામાં આવેલા પગલાઓ શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિની પોતાની અંગત અનુકૂળતા અનુસાર લઇ શકાય. આ પગલાઓ સમગ્ર દેશના ખ્યાતનામ વૈદ્યો દ્વારા સૂચવવામાં આવ્યા છે અને શક્ય છે કે તેઓ ચેપની વિરુદ્ધ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે તેમ છે: પદ્મ શ્રી વૈદ્ય પી આર કૃષ્ણકુમાર, કોઇમ્બતુર; પદ્મ ભૂષણ વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણા, દિલ્હી; વૈદ્ય પી એમ વેરીયર, કોટ્ટાકલ; વૈદ્ય જયંત દેવપુજારી, નાગપુર; વૈદ્ય વિનય વેલંકર, થાણે; વૈદ્ય બી એસ પ્રસાદ, બેલગામ; પદ્મ શ્રી વૈદ્ય ગુરદીપ સિંઘ, જામનગર; આચાર્ય બાલક્રિષ્ણજી, હરિદ્વાર; વૈદ્ય એમ એસ બઘેલ, જયપુર; વૈદ્ય આર બી દ્વિવેદી, હરદોઇ યુપી; વૈદ્ય કે એન દ્વિવેદી, વારાણસી; વૈદ્ય રાકેશ શર્મા, ચંડીગઢ; વૈદ્ય અબીચલ ચટ્ટોપાધ્યાય, કોલકાતા; વૈદ્ય તનુજા નેસારી, દિલ્હી; વૈદ્ય સંજીવ શર્મા, જયપુર; વૈદ્ય અનુપ ઠાકર, જામનગર.
ડિસ્ક્લેઇમર: ઉપર આપવામાં આવેલ સલાહ કોવિડ-19ના ઈલાજનો દાવો નથી કરતી.
GP/RP
(Release ID: 1609694)
Visitor Counter : 920
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada