માહિતી અને પ્રસારણ મંત્રાલય
કોવિડ મહામારી સામે ભારતે લીધેલા તબક્કાવાર પગલાં
Posted On:
28 MAR 2020 11:03AM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારી સામે ભારતે લીધેલા પગલાં આ ક્રમાનુસર છે.
WHO દ્વારા આ બીમારીને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી (30 જાન્યુઆરી) તે પહેલાંથી જ ભારતે તેની સરહદો પર વ્યાપક પ્રતિક્રિયા તંત્રનો અમલ કરી દીધો છે.
ભારતમાં આવી રહેલા વિદેશી મુસાફરોના સ્ક્રિનિંગની શરૂઆત બાદ વીઝા સ્થગિત કરવા અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ જેવા પગલાં અન્ય દેશોની તુલનાએ ઘણા અગાઉથી જ લેવામાં આવ્યા છે.
ચીન અને હોંગકોંગથી આવી રહેલા આંતરરાષ્ટ્રીય મુસાફરોના થર્મલ સ્ક્રિનિંગની શરૂઆત 18 જાન્યુઆરીથી કરવામાં આવી હતી જે 30 જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત પ્રથમ કેસ મળી આવ્યો તેની ઘણી અગાઉથી જ શરૂઆત હતી.
વૈશ્વિક પરિદૃશ્ય પર નજર કરીએ તો કોવિડ-19ના કારણે બરબાદ થઇ ગયેલા ઇટાલી અને સ્પેન જેવા દેશોએ પ્રથમ કેસ નોંધાયા પછી અનુક્રમે 25 અને 39મા દિવસે વિદેશી પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવાનું શરૂ કર્યુ હતું.
કેન્દ્ર સરકાર દ્વારા આગોતરી તૈયારી રૂપે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં મુસાફરીના પ્રતિબંધો, સ્ક્રિનિંગ પ્રક્રિયામાં વધુ દેશો અને હવાઇમથકો ઉમેરવા, વીઝા સ્થિગત કરવા અને સેલ્ફ ક્વૉરેન્ટાઇન જેવા વિવિધ પગલાં સામેલ છે જેથી આ બીમારીના ફેલાવાને વધુ અસરકારક રીતે નિયંત્રણમાં લઇ શકાય, રોકી શકાય અને વ્યવસ્થાપન કરી શકાય. અત્યાર સુધીમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની સમયરેખા નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
- 17 જાન્યુઆરી- ચીનનો પ્રવાસ કરી કરેલા મુસાફરો માટે માર્ગદર્શિકા બહાર પાડી.
- 18 જાન્યુઆરી - ચીન અને હોંગકોંગથી આવી રહેલા મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયું.
- 30 જાન્યુઆરી – ચીનનો પ્રવાસ ટાળવા માટે કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી.
- 3 ફેબ્રુઆરી - ચીની નાગરિકો માટે ઇ-વીઝા સુવિધા સ્થગિત કરવામાં આવી.
- 22 ફેબ્રુઆરી - સિંગાપોરનો પ્રવાસ ખેડવાનું ટાળવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી; કાઠમંડુ, ઇન્ડોનેશિયા, વિએતનામ અને મલેશિયાથી આવતી તમામ ઉડાનોમાં સાર્વત્રિક સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું
- 26 ફેબ્રુઆરી - ઇરાન, ઇટાલી અને કોરિયા પ્રજાસત્તાકના પ્રવાસે જવાનું ટાળવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. આ દેશોમાંથી ભારત આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું અને સ્ક્રિનિંગ તેમજ જોખમના મૂલ્યાંકનના આધારે જરૂર જણાય તો ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું શરૂ કરાયું.
- 3 માર્ચ: ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનથી આવતા તમામ મુસાફરોના વીઝા સ્થગિત કરવામાં આવ્યા; ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઇરાન, ઇટાલી, હોંગકોંગ, મકાઉ, વિએતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાળ, થાઇલેન્ડ, સિંગાપોર અને તાઇવાનથી સીધા આવતા અથવા ત્યાંની મુલાકાત લઇને અન્ય દેશોથી આવતા હોય તેવા તમામ મુસાફરોનું ફરજિયાત આરોગ્ય સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું.
- 4 માર્ચ: તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સાર્વત્રિક સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું. સ્ક્રિનિંગ અને જોખમની પ્રોફાઇલના આધારે ક્વૉરેન્ટાઇન, હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં મોકલવાનું શરૂ કરવામાં આવ્યું.
- 5 માર્ચ: ઇટાલી અથવા કોરિયા પ્રજાસત્તાકથી આવતા મુસાફરોને દેશમાં પ્રવેશ પહેલા તબીબી પ્રમાણપત્ર મેળવવાનું આવશ્યક કરાયું.
- 10 માર્ચ: હોમ આઇસોલેશન: ભારત આવી રહેલા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ જાતે જ તેમના આરોગ્યની દેખરેખ રાખવી અને સરકાર દ્વારા અપાયેલા “આટલું કરવું” અને “આટલું ન કરવું”ના સૂચનોનું પાલન કરવું: ચીન, હોંગકોંગ, કોરિયા પ્રજાસત્તાક, જાપાન, ઇટાલી, થાઇલેન્ડ, સિંગાપોર, ઇરાન, મલેશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીનો પ્રવાસ ખેડ્યો હોવાની હિસ્ટ્રી ધરાવતા મુસાફરોને તેમના આગમનની તારીખથી 14 દિવસ સુધી હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું શરૂ કરાયું.
- 11 માર્ચ: ફરજિયાત ક્વૉરેન્ટાઇન –15 ફેબ્રુઆરી 2020 પછી ચીન, ઇટાલી, કોરિયા પ્રજાસત્તાક, ફ્રાન્સ, સ્પેન અને જર્મનથી આવેલા અથવા ત્યાંની મુલાકાત લીધી હોય તેવા તમામ મુસાફરો (ભારતીયો સહિત)ને ઓછામાં ઓછા 14 દિવસ સુધી ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા.
- 16, 17, 19 માર્ચ- વ્યાપક માર્ગદર્શિકા:
16 માર્ચ
ફરજિયાત ક્વૉરેન્ટાઇન વધારીને યુએઇ, કતાર, ઓમાન અને કુવૈતથી આવતા અથવા ત્યાંની મુલાકાત લીધી હોય તેવા મુસાફરોને પણ ઓછામાં ઓછા 14 દિવસ ક્વૉરેન્ટાઇન કરવાનો નિર્ણય.
યુરોપીયન સંઘ, યુરોપીયન મુક્ત વ્યાપાર સંગઠનના સભ્ય દેશો, તુર્કી અને યુનાઇટેક કિંગડમથી ભારતમાં કોઇપણ મુસાફરોને આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
17 માર્ચ
અફઘાનિસ્તાન, ફિલિપાઇન્સ અને મલેશિયાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
19 માર્ચ
ભારત આવી રહેલી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 22 માર્ચના રોજ અમલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
- 25 માર્ચ: ભારત આવી રહેલી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ લંબાવીને 14 એપ્રિલ 2020 સુધી કરવામાં આવ્યો.
સમગ્ર દુનિયામાં આ બીમારીના ફેલાવાને ધ્યાનમાં રાખીને, પ્રવાસ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી અને તમામ હવાઇમથકો પર સ્ક્રિનિંગની શરૂઆત કરવામાં આવી.
તમામ હવાઇમથકો પર આરોગ્ય અધિકારીઓ દ્વારા મુસાફરોનું સ્ક્રિનિંગ થયા પછી આરોગ્ય અધિકારીએ કરેલા જોખમના મૂલ્યાંકનના આધારે તેમને ક્વૉરેન્ટાઇન અથવા હોસ્પિટલમાં મોકલવાની શરૂઆત કરવામાં આવી. જેઓ આરોગ્ય અધિકારીઓની તપાસમાંથી પસાર થઇ ગયા હોય તેમની વિગતો પણ રાજ્ય સરકારના અધિકારીઓને સોંપવામાં આવી જેથી તેમના રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો આવશ્યક દિવસો સુધી તેમના પર દેખરેખ રાખી શકે.
30 હવાઇમથકો, 12 મુખ્ય અને 65 નાના બંદરો અને તમામ જમીન સરહદો પર સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું. કુલ 36 લાખથી વધુ મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું.
‘સમૃદ્ધ ભારતીયો’ને સ્ક્રિનિંગ વગર પરત આવવાની મંજૂરી આપવામાં આવે છે તે નિવેદન અવિવેકી છે. સ્ક્રિનિંગ, ક્વૉરેન્ટાઇનની વ્યાપક અને મજબૂત તંત્રવ્યવસ્થા માટે સરકારે ઝડપથી પગલાં લીધા અને શરૂઆતથી જ દેખરેખ એ તેમની જાહેર આરોગ્ય કટોકટીમાં મજબૂત પ્રતિભાવનો એક હિસ્સો છે. આમાં મુસાફરો, વ્યાવસાયિક મુસાફરી કરીને પરત આવતા ભારતીયો અથવા પર્યટન, વિદ્યાર્થીઓ તેમજ વિદેશીઓ બધા જ આવી જાય છે.
રાજ્ય સરકારોને નિયમિત ધોરણે દેખરેખની કામગીરી જાળવી રાખવા અને તેમાં વધુ સુધારો કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેથી સંપૂર્ણ કવરેજ થઇ શકે અને ક્યાંય પણ કોઇ ઉણપ ન રહી જાય. સાવચેતીપૂર્ણ તંત્રથી રાજ્યોને એવા તમામ લોકો પર દેખરેખ રાખવામાં મદદ મળી છે જેઓ દેખરેખ ટાળવાનો પ્રયાસ કરે છે અથવા જેઓ ક્વૉરેન્ટાઇનના માપદંડોનું પાલન કરતા નથી.
કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્ય સરકારો સાથે 20 વીડિયો કોન્ફરન્સ કરી છે અને કેબિનેટ સચિવે રાજ્યના મુખ્ય સચિવો સાથે 6 વીડિયો કોન્ફરન્સ કરી કોરોનાની સમસ્યા સામે લડવા માટેની તમામ પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી છે અને આગળના પગલાં લીધા છે. એકીકૃત બીમારી દેખરેખ તંત્ર જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો પર દેખરેખ પણ સામેલ છે તે સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર આ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે.
DS/GP
(Release ID: 1608762)
Visitor Counter : 444