વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

શ્રી પીયૂષ ગોયલે ઇ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગના હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી


આવશ્યક ચીજવસ્તુઓ લોકો સુધી સૌથી અનુકૂળ અને સલામત રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું

Posted On: 27 MAR 2020 12:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે તેમજ વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ગુરુવારે ઇ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગના હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોવિડ-19ના પગલે લૉકડાઉનના કારણે તેમને પડતી મુશ્કેલીઓ અને તેને ઉકેલવા સંબંધિત પગલાં અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે આ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીને ખાતરી આપી હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ લોકો સુધી સૌથી અનુકૂળ અને સલામત રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

આ બેઠકમાં નીચે દર્શાવેલી ઇ-કોમર્સ કંપનીના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા:

સ્નેપડિલ્સ, શૉપક્લૂઝ, ફ્લિપકાર્ટ, ગ્રોફર્સ, નેટમેડ્સ, ફાર્મઇઝી, 1MG ટેક, ઉડાન, એમેઝોન ઇન્ડિયા, બિગ બાસ્કેટ, ઝોમેટો, મેટ્રો, કેશ એન્ડ કેરી, વૉલમાર્ટ, PRG સહિતાના મોટા ગજાના રિટેઇલ ઓપરેટર્સના પ્રતિનિધીઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એક્સપ્રેસ ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સિલ, ડેલ્હીવરી, સેફએક્સપ્રેસ, પેટીએમ, સ્વિગી જેવી કંપનીના પ્રતિનિધીઓએ લૉજિસ્ટિક્સ ઓપરેટર્સ તરફથી રજૂઆતો કરી હતી.

DPIIT નિયમિત રીતે છૂટક વિક્રેતાઓ અને ઇ-કોમર્સ કંપનીઓ સાથે સંકળાયેલો રહે છે જેથી આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠાની સાંકળ જળવાઇ રહે અને તમામ કામગીરીઓ સરળતાથી પાર પડે તે માટે વિવિધ સુવિધાઓ પણ ચાલુ રહે. DPIIT દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે, ગૃહ મંત્રાલયે આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા સંબંધિત વિવિધ પરિબળોનું કેવી રીતે રીતે વ્યવસ્થાપન કરવું તે વિશે રાજ્ય સરકારોની માર્ગદર્શિકાઓ માટે આદર્શ પ્રમાણભૂત પ્રક્રિયા પ્રસ્તુત કરી છે. લૉકડાઉનના સમય દરમિયાન સામાન્ય માણસો સુધી પરિવહન અને માલસામાનની ડિલિવરી, ઉત્પાદન, જીવનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી વગેરે પર દેખરેખ રાખવા માટે અને વિવિધ હિતધારકોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે આ વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.

લૉકડાઉનને ધ્યાનમાં રાખીને ભારતીય પેટન્ટ્સ ઓફિસ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા, જવાબો આપવા, ફીની ચૂકવણી કરવા વગેરે માટે નિર્ધારિત તારીખ લંબાવવામાં આવી છે. આના કારણે જે અરજદારોને લૉકડાઉનના સમયગાળા દરમિયાન પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક માટે જમા કરાવવાની તારીખ આવી ગઇ હોય તે તમામને મદદ મળી રહેશે.

GP/RP



(Release ID: 1608546) Visitor Counter : 188