પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 21 દિવસ માટે સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી


કોવિડ-19 અંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો

Posted On: 24 MAR 2020 11:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે આજે મધ્યરાત્રિથી આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટેલિવિઝન પર આપેલા વિશેષ રાષ્ટ્રજોગ સંદેશામાં કહ્યું હતું કે, જે રાષ્ટ્રોમાં શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે તેઓ પણ આ વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવી શક્યા નથી. આવી સ્થિતિમાં આ વાયરસના શમન માટે સામાજિક અંતર એકમાત્ર વિકલ્પ છે.

તેમણે જણાવ્યું હતું કે, “તમે સૌ એ વાતના સાક્ષી છો કે, કેવી રીતે દુનિયામાં ખૂબ જ આધુનિક દેશો પણ આ મહામારીના સમયમાં તદ્દન નિઃસહાય સ્થિતિમાં આવી ગયા છે. આ દેશોએ પૂરતા પ્રયાસો નથી કર્યા અથવા તેમની પાસે સંસાધનોનો અભાવ છે તેવું નથી. વાસ્તવમાં આ વાયરસ એટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે કે, તમામ પૂર્વતૈયારીઓ અને પ્રયાસો કરવા છતાં પણ, આધુનિક દેશોને પણ આ વાયરસનો ફેલાવો થતો રોકવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

છેલ્લા બે મહિનામાં આ તમામ દેશોમાં જે પણ ઘટનાક્રમ બન્યો તેના વિશ્લેષણ અને નિષ્ણાતોના મંતવ્ય પરથી પૂરવાર થયું છે કે કોરોના વાયરસ સામે લડવાની અસરકારક રીત માત્રને માત્ર સામાજિક અંતર છે.

જેઓ હજુ પણ બેદરકારી રાખી રહ્યા છે તેમને ચેતવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “કેટલાક લોકોની બેદરકારી, કેટલાક લોકોની ખોટી માન્યતાઓ તમને અને તમારા સંતાનોને, તમારા માતાપિતાને, તમારા પરિવારને, તમારા મિત્રોને અને સમગ્ર રાષ્ટ્રને ખૂબ જ મોટા સંકટમાં ધકેલી શકે છે. જો આ બેદરકારી આમને આમ ચાલુ રહેશે તો ભારતે તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે તેનો અંદાજ લગાવવો પણ શક્ય નથી.”

તેમણે તમામ લોકોને વિનંતી કરી હતી કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અમુક ભાગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારો દ્વારા લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે જેનો લોકોએ સ્વીકાર કરવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આજે મધ્યરાત્રિથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવામાં આવશે. આગામી 21 દિવસ સુધી લોકોને તેમના ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રના નિષ્ણાતોના અનુભવો અને અન્ય દેશોના અનુભવો અનુસાર આ વાયરસનો ચેપ ફેલાતો રોકવા તેની સાંકળ તોડવી જરૂરી હોવાથી 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉનનો અમલ આવશ્યક હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થિતિ જનતા કર્ફ્યૂ કરતા થોડી આગળના સ્તરની છે અને તેની તુલનાએ વધુ કડક અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશને બચાવવા માટે અને દેશના દરેક નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.

આ મહામારીના કારણે થનારી આર્થિક અસરો અંગે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ લૉકડાઉનના કારણે દેશે ચોક્કસપણે ઘણી મોટી આર્થિક કિંમત ચૂકવવી પડશે. જોકે, દરેક ભારતીયનું જીવન બચવાવવું એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. આથી, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે, તમે દેશમાં હાલમાં જ્યાં પણ છો ત્યાં જ રોકાઇ જાવ.”

પ્રધાનમંત્રીએ  જણાવ્યું હતું કે, જો આગામી 3 અઠવાડિયામાં સ્થિતિ નિયંત્રણમાં નહીં લાવવામાં આવે તો આપણે 21 વર્ષ પાછળ ધકેલાઇ જઇશું અને કેટલાક પરિવારો હંમેશ માટે વિખેરાઇ જશે. આથી, તેમણે લોકોને વિનંતી કરી હતી કે, આગામી 21 દિવસ સુધી તેઓ માત્ર તેમના ઘરમાં જ રહેવાનું એકમાત્ર કામ કરે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક દેશોએ કોરાના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લીધો છે તેના કારણે આશાનું કિરણ દેખાયું છે.

તેમણે કહ્યું કે, જે દેશોમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો અને જ્યાં લોકોએ કાયદાનું ચુસ્ત પાલન કર્યુ હતું તે દેશો આ મહામારીને નિયંત્રણમાં લેવામાં સફળ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત અત્યારે એવા તબક્કે છે જ્યાં આપણા વર્તમાન પગલાં એ નક્કી કરશે કે આપણે આ આપત્તિની અસર ઓછી કરવામાં કેટલા સક્ષમ છીએ. આ આપણા સંકલ્પને સતત વધુને વધુ મજબૂત કરવાનો સમય છે. અત્યારે દરેક ડગલેને પગલે અત્યંત સાવચેતી રાખવાનો સમય છે. તમારે યાદ રાખવું પડશે કે ‘જાન હૈ તો જહાન હૈ’. આ સમય ધીરજ અને શિસ્તપાલનનો છે. જ્યાં સુધી લૉકડાઉનની સ્થિતિ રહેશે ત્યાં સુધી, આપણે દૃઢ સંકલ્પ સાથે આપણું વચન પાળવું જ પડશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોને તેમના રોજિંદા જીવનમાં કોઇપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અવિરત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, દેશમાં તમામ જીવનજરૂરી ચીજોને પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે માટે યોગ્ય જોગવાઇ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, કટોકટીના આ સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે, જાહેર સમાજ અને સંસ્થાઓના સભ્યો પણ સતત ગરીબ લોકોની સમસ્યાઓને ઘટાડવા માટે પ્રયત્નશીલ છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે અને કોરોનાથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રૂપિયા પંદર હજાર કરોડ (રૂ. 15,000,00,00,000) આપવામાં આવ્યા છે.

તેમણે લોકોને અપીલ કરી હતી કે, આવા સમયમાં ફેલાતી કોઇપણ પ્રકારની અફવાઓ અથવા અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું. તેમણે લોકોને જો કોઇપણ પ્રકારના ચેપના લક્ષણો લાગે તો, ડૉક્ટરની સલાહ વગર કોઇપણ પ્રકારની દવા ન લેવાની પણ અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કટોકટીના આ સમયમાં સરકાર અને સ્થાનિક સત્તાધીશો દ્વારા લાગુ કરવામાં આવેલા તમામ પ્રતિબંધોનું લોકો ચુસ્ત પાલન કરશે.

કટોકટીના આ સમયમાં જનતા કર્ફ્યૂને સફળ બનાવવા માટે સંપૂર્ણ જવાબદારી અને સંવેદનશીલતા સાથે આગળ આવનારા અને યોગદાન આપનારા તમામ ભારતીયોની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ”એક દિવસના જનતા કર્ફ્યૂથી, ભારતે પૂરવાર કરી દીધુ છે કે, આપણા દેશમાં આવતા કટોકટીના સમયમાં, માનવતા પર આવતા સંકટના સમયમાં, દરેક ભારતીયો એકબીજાની સાથે છે અને તેનો સામનો કરવા માટે સૌ એક છે.”

પ્રધાનમંત્રીએ અંતે દેશવાસીઓને કહ્યું હતું કે, આગામી 21 દિવસ સુધી દેશમાં સંપૂર્ણ લૉકડાઉન છે પરંતુ તમારી અને તમારા પરિવારની સલામતી આ પગલું આવશ્યક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુશ્કેલ સ્થિતિ સામે દરેક ભારતીય સફળતાપૂર્વક લડી શકશે અને આ લડાઇમાં વિજયી પણ થશે.

RP

 



(Release ID: 1608047) Visitor Counter : 357