સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 વિશે અપડેટ: નિયંત્રણ અને નિવારણ માટે સલાહ અને માર્ગદર્શિકા

Posted On: 17 MAR 2020 8:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય સચિવે આજે વિવિધ સંબંધિત મંત્રાલયો/વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન, તેમણે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા અનુસાર સામાજિક અંતરના માપદંડોના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બીમારીનો ફેલાવો અટકાવવામાં સામાજિક અંતર ઘણી મોટી ભૂમિકા નિભાવશે. તેમણે વિવિધ રાજ્યોમાં ક્વૉરેન્ટાઇન સુવિધાઓ, હોસ્પિટલોના વ્યવસ્થાપન અને લોકજાગૃતિ અભિયાનો અંગેની તૈયારીની પણ સમીક્ષા કરી હતી.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અસરકારક અને અવિરત સંકલન જળવાઇ રહે તે માટે, વિવિધ મંત્રાલયોમાંથી સંયુક્ત સચિવ અને તેનાથી ઉપરના સ્તરના 30 નોડલ અધિકારીઓને સંપર્ક, સંકલન માટે અને રાજ્યોને ભારત સરકાર તરફથી કોઇપણ જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમને વિવિધ રાજ્યોમાં નિયુક્ત કરવામાં આવશે અને તેઓ આ બાબતે રાજ્યોની તૈયારીઓ અને પ્રતિભાવ માપદંડો અંગે સંકલન માટે રાજ્યના અધિકારીઓ સાથે નીકટતાપૂર્વક કામ કરશે. તમામ અધિકારીઓની કાર્યલક્ષી બેઠકનું આયોજન આવતીકાલે કરવામાં આવશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સચિવે ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગોના સચિવોને આજે લેખિતમાં વિનંતી કરી હતી કે, બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓ/સલાહોનો અમલ કરવામાં આવે અને તેમને તેમજ તેમની હેઠળ આવતી સંસ્થાઓને આ લાગુ થવા પાત્ર છે.

11 માર્ચ, 2020 અને 16 માર્ચ, 2020ના રોજ યાત્રિકો માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં નિમ્નલિખિત વધારાના સૂચનો ઉમેરવામાં આવ્યા છે:

  1. અફઘાનિસ્તાન, ફિલપાઇન્સ, મલેશિયાથી ભારત આવનારા યાત્રિકોની યાત્રા તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવી છે. ભારતીય સમય અનુસાર બપોરે 3.00 કલાક પછી આ દેશોમાંથી ભારત માટે કોઈ હવાઈજહાજ નિકળશે નહીં.
  2. આ નિર્દેશ હંગામી ધોરણે 31 માર્ચ, 2020 સુધી લાગુ રહેશે અને ત્યારબાદ આ અંગે સમીક્ષા કરવામાં આવશે.

આ ઉપરાંત, અન્ય ત્રણ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. (આ www.mohfw.gov.in પર ઉપલબ્ધ છે):

  • કોવિડ-19ના ફેલાવાના ક્લિનિકલ વ્યવસ્થાપન (દર્દીઓને વહેલી તકે ઓળખવા), ચેપ નિવારણ અને નિયંત્રણના માપદંડોના અમલીકરણમાં ફેરફાર અને સુધારો કરવામાં આવ્યો છે.
  • આદર્શ સાચવેતીઓ, ચેપ નિવારણ અને નિયંત્રણના પગલાં, મૃતદેહને સંભાળવાની કામગીરી અને પર્યાવરણમાં તેનો ચેપ ફેલાતો રોકવાની દિશામાં મૃતદેહ વ્યવસ્થાપન સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
  • કોવિડ-19નું પરીક્ષણ શરૂ કરવા માગતી ખાનગી ક્ષેત્રની લેબોરેટરીઓ માટે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
  • પરીક્ષણ માટે ICMRના માર્ગદર્શન અનુસાર યોગ્યતા પ્રાપ્ત ચિકિત્સક દ્વારા સૂચન કરવામાં આવે ત્યારે જ લેબોરેટરી પરીક્ષણ કરવું જોઇએ. માર્ગદર્શિકામાં સમયાંતરે સુધારો થતો હોવાથી તાજેતરના સંસ્કરણનું પાલન કરવું જોઇએ.
  • ICMR લેબોરેટરી પરીક્ષણ માટે SOP શેર કરશે અને સંબંધિત ખાનગી લેબોરેટરીએ SOP અનુસાર પ્રાઇમર (દ્રવ્યો), પ્રોબ્સ (સાધનો) અને રીએજન્ટ્સ (રાસાયણિક પદાર્થો) પ્રાપ્ત કર્યા બાદ શક્ય એટલી વહેલી તકે પરીક્ષણ કરવા માટે સકારાત્મક નિયંત્રણો આપવામાં આવશે. પરીક્ષણ માટે વ્યાપારિક કીટ્સ lCMR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) પૂણે દ્વારા હાથ ધરાયેલી માન્યતાઓના આધારે અપનાવવાની રહેશે.
  • શંકાસ્પદ દર્દીના નમૂના લેતી વખતે યોગ્ય જૈવ-સલામતી અને જૈવ-સુરક્ષાનાં સાચવેતીરૂપ પગલાં લેવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે. વૈકલ્પિકરૂપે, બીમારી વિશેષ અલગ એકત્રીકરણ જગ્યા બનાવી શકાય.
  • તમામ ખાનગી પરીક્ષણ લેબોરેટરીઓએ તાત્કાલિક/ વાસ્તવિક સમયમાં IDSP (ભારત સરકારના એકીકૃત બીમારી દેખરેખ કાર્યક્રમ)ના રાજ્યના અધિકારીઓને અને IMCRના વડામથકને જાણ કરવાનું સુનિશ્ચિત કરવું પડશે જેથી સમયસર ટ્રેસિંગ અને સંશોધન પ્રવૃત્તિ હાથ ધરી શકાય.
  • ICMR આગ્રહપૂર્વક અપીલ કરે છે કે, ખાનગી લેબોરેટરીઓએ વિનામુલ્યે કોવિડ-19નું નિદાન કરી આપવું જોઇએ.

કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ મંત્રાલયો/વિભાગોના કર્મચારીઓએ લેવાના સુરક્ષાત્મક પગલાંની માહિતી આપતી માર્ગદર્શિકા કર્મચારી વર્ગ અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા બહાર પાડવામાં આવી છે. તમામ મંત્રાલયો/વિભાગોને નીચે દર્શાવ્યા અનુસાર સલાહ આપવામાં આવી છે:

  • શક્ય હોય ત્યાં સરકારી ઇમારતોમાં પ્રવેશદ્વાર પર થર્મલ સ્કેનરો લગાવવા. સરકારી ઇમારતોમાં પ્રવેશદ્વાર પર ફરજિયાત હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવા. જેમને તાવ જેવા લક્ષણો જોવા મળે તેમણે યોગ્ય સારવાર લેવી/ક્વૉરેન્ટાઇનમાં રહેવું વગેરે સલાહ આપવામાં આવે છે.
  • ઓફિસ પરિસરોમાં મહત્તમ સ્તર સુધી મુલાકાતીઓના પ્રવેશને ટાળવાનો પ્રયાસ કરવો. મુલાકાતી/હંગામી પાસ ઇશ્યુ કરવાની નિયમિત કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવી. માત્ર જે મુલાકાતીઓ અધિકારીઓને મળવા માગતા હોય તેમની યોગ્ય પરવાનગી હોય તેઓને યોગ્ય રીતે સ્કેન કર્યા પછી મળવા માટે જવા દેવા.
  • શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરવી. અનિવાર્ય સંજોગો સિવાય શક્ય હોય ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો સામેલ થતા હોય તેવી મિટિંગ ઓછી કરવી અથવા તેના સમયમાં ફેરફાર કરવો.
  • બિન-જરૂરી સત્તાવાર પ્રવાસ ટાળવો.
  • સત્તાવાર ઇમેઇલ પર જરૂરી સંદેશાવ્યવહાર કરવો અને અન્ય વિભાગોમાં શક્ય હોય ત્યાં સુધી ફાઇલો અને દસ્તાવેજો મોકલવાનું ટાળવું.
  • વ્યવહારુ રીતે શક્ય હોય ત્યાં સુધી, ઓફિસની ઇમારતના પ્રવેશદ્વાર પર જ પોસ્ટની ડિલિવરી અને પ્રાપ્તિની સુવિધા ઉભી કરવી.
  • સરકારી ઇમારતોમાં તમામ જીમ/રીક્રિએશન કેન્દ્રો/ ક્રેન્ચ (ઘોડિયાઘર) બંધ કરવા.
  • કાર્યસ્થળની યોગ્ય સફાઇ અને વારંવાર સેનિટાઇઝેશન સુનિશ્ચિત કરવું, જેમાં ખાસ કરીને વારંવાર સ્પર્શ થતી સપાટીઓ સફાઇની વિશેષ કાળજી લેવી. હેન્ડ સેનિટાઇઝર્સ, સાબુ અને વૉશરૂમમાં પાણીનો નિયમિત પૂરવઠો સુનિશ્ચિત કરવો.
  • તમામ અધિકારીઓને તેમના સ્વાસ્થ્યની પોતે જ કાળજી લેવાની અને શ્વાસોચ્છવાસમાં તકલીફ/તાવ પર ધ્યાન આપવાની તેમજ જો નાદુરસ્તી લાગે તો, રિપોર્ટિંગ અધિકારીને જાણ કરીને તાત્કાલિક કાર્યસ્થળ છોડવાની સલાહ આપવામાં આવે છે. તેઓ MoHFW ની માર્ગદર્શિકા અનુસાર હોમ ક્વૉરેન્ટાઇનમાં રહી શકે છે (નીચે આપેલા URL પર ઉપલબ્ધ છે: www.mohfw.gov.in/DraftGuideIinesforhomequarantine.pdf.)
  • રજાની મંજૂરી આપતા અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે સાવચેતીના પગલાંરૂપે જ્યારે પણ હોમ ક્વૉરેન્ટાઇનની કોઇપણ વિનંતી કરવામાં આવે ત્યારે રજા મંજૂર કરવી.
  • જેમને અતિ જોખમ છે જેવા કર્મચારીઓ જેમકે, વૃદ્ધ કર્મચારીઓ, ગર્ભવતી મહિલા કર્મચારીઓ અને જેઓ તબીબી સારવાર હેઠળ હોય તેવા કર્મચારીઓને વિશેષ સાવચેતી લેવાની સલાહ આપવામાં આવે છે. મંત્રાલયો/વિભાગો જ્યાં જાહેર લોકો સાથે સીધો સંપર્ક હોય તેવા પ્રથમ હરોળના કાર્યોમાં આવા કર્મચારીઓને નિયુક્ત ન કરીને વિશેષ કાળજી લઇ શકે છે.

RP



(Release ID: 1606846) Visitor Counter : 217