પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
કોરોના વાઇરસનો ચેપ લાગે તો અફવાઓથી દૂર રહો અને તબીબી મદદ માંગો: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કહ્યું, નમસ્તે કરવા માટે એકજૂથ થવાનો આ યોગ્ય સમય છે
Posted On:
07 MAR 2020 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાના લાભાર્થીઓ અને જન ઔષધી કેન્દ્રોના સ્ટોર માલિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોના વાઇરસના જોખમનો સામનો કરવા માટે જરૂરી પગલાં લઇ રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં પણ ખૂબ જ કૌશલ્ય ધરાવતા ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ સંસાધનો છે તેમજ લોકોમાં સંપૂર્ણપણે જાગૃતિ ફેલાયેલી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના વાઇરસનો ફેલાવો રોકવામાં સતર્ક નાગરિકો ભૂમિકા ખૂબ મહત્વની છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારંવાર હાથ ધોવાના મહત્વને ઓછુ આંકી શકાય નહીં. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ છીંક ખાતી વખત અથવા ઉધરસ આવે ત્યારે પોતાનું મોં ઢાંકવું જોઇએ જેથી અન્ય લોકોને ચેપ ના લાગે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હોય તેવા તમામ કેસને જરૂરી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પરંતુ જો કોઇ વ્યક્તિમાં શંકા લાગે છે કે, તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા હતા, તો તેમણે ગભરાવાની જરૂર નથી પરંતુ તમારી નજીકની હોસ્પિટલમાં જઇને ચેકઅપ કરાવી શકો છો. પરિવારમાં બાકીના લોકોને પણ ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે, તેવા કિસ્સામાં તેમણે જરૂરી પરીક્ષણો કરાવી લેવા જોઇએ.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને વિનંતી કરી હતી કે, તેઓ કોરોના વાઇરસ મહામારી અંગે કોઇપણ પ્રકારની અફવાઓથી દૂર રહે અને માત્ર ડૉક્ટરની સલાહ લેવાની તેમજ તેને અનુસારવાની સલાહ આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, “હા, અત્યારે આખી દુનિયા નમસ્તે કરવાની આદત પાડી રહી છે. જો કોઇપણ કારણથી આપણે આ આદત ભૂલી ગયા હોઇએ તો, નમસ્તે કહેવાની આ આદતમાં જોડાવા માટે ફરી એકજૂથ થવાનો આ યોગ્ય સમય છે.”
DS
(Release ID: 1605749)