પ્રધાનમંત્રીનું કાર્યાલય

26.01.2020 ના રોજ ‘મન કી બાત 2.0’ના આઠમાં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 JAN 2020 6:35PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું. સાથીઓ, દિવસ બદલાય છે, અઠવાડિયું બદલાઈ જાય છે, મહિનો બદલાઈ જાય છે, વર્ષ બદલાઈ જાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી, આપણે પણ કંઈ કરીને જ રહીશું. Can do, Can doનો ભાવ, સંકલ્પ બનીને ઉભરી રહ્યો છે. દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દરેક દિવસે, પહેલાંથી વધુ મજબૂત થતી જાય છે. સાથીઓ, ‘મન કી બાત’ના મંચ પર, આપણે બધાં, એક વાર ફરી એકઠાં થયાં છે. નવા-નવા વિષયો પર ચર્ચા કરવા માટે અને દેશવાસીઓની નવી-નવી ઉપલબ્ધિઓને ઉજવવા માટે, ભારતને ઉજવવા માટે. ‘મન કી બાત’ વહેંચવાનું, શીખવાનું અને એક સાથે વિકસવાનું એક સારું મંચ બની ગયું છે. દર મહિને હજારોની સંખ્યામાં લોકો પોતાનાં સૂચનો, પોતાના પ્રયાસ, પોતાના અનુભવ વહેંચે છે. તેમનામાંથી સમાજને પ્રેરણા મળે, આવી કેટલીક વાતો, લોકોના અસાધારણ પ્રયાસો પર આપણને ચર્ચા કરવાનો અવસર મળે છે.

‘કોઈએ કંઈ કરી દેખાડ્યું છે’ – તો શું આપણે પણ કરી શકીએ છીએ? શું આ પ્રયોગને સમગ્ર દેશમાં પુનરાવર્તિત રીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ? શું તેને સમાજની એક સહજ ટેવના રૂપમાં વિકસિત કરીને, તે પરિવર્તનને સ્થાયી કરી શકીએ છીએ? આવા જ કંઈક પ્રશ્નોના જવાબ શોધતાંશોધતાં દર મહિને ‘મન કી બાત’માં કંઈક અનુરોધ, કંઈક આહ્વાન, કંઈક કરી બતાવવાના સંકલ્પનો ક્રમ ચાલે છે. ગયાં અનેક વર્ષોમાં આપણે કંઈ નાના-નાના સંકલ્પો લીધા હશે, જેમ કે No to single use plastic, ખાદી અને સ્થાનિક ચીજો ખરીદવાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, દીકરીઓનું સન્માન અને ગર્વની ચર્ચા હોય. ઓછું રોકડ અર્થતંત્રનું આ નવું પાસું- તેમને શક્તિ આપવાની હોય. આવા અનેક બધા સંકલ્પોનો જન્મ આપણી આ હળવી મનની વાતોથી થયો છે. અને તેને શક્તિ પણ તમે લોકોએ જ આપી છે.

મને એક ખૂબ જ પ્રેમભર્યો પત્ર મળ્યો છે. બિહારના શ્રીમાન શૈલેશનો. આમ તો અત્યારે તેઓ બિહારમાં નથી રહેતા. તેમણે કહ્યું છે કે તેઓ દિલ્લીમાં રહીને કોઈ એનજીઓમાં કામ કરે છે. શ્રીમાન શૈલેશજી લખે છે, “મોદીજી, આપ દર ‘મન કી બાત’માં કંઈક અપીલ કરો છો. મેં તેમાંથી અનેક ચીજોને કરી છે. આ ઠંડીમાં મેં લોકોનાં ઘરોમાંથી કપડાં એકઠાં કરીને જરૂરિયાતવાળા લોકોને વહેંચ્યાં છે. મેં ‘મન કી બાત’માથી પ્રેરણા લઈને અનેક ચીજોને કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી ધીરેધીરે કેટલુંક હું ભૂલી ગયો અને કેટલીક ચીજો છૂટી ગઈ. મેં આ નવા વર્ષે એક ‘મન કી બાત’નો સંકલ્પપત્ર બનાવ્યો છે, જેમાં મેં આ બધી ચીજોની એક યાદી બનાવી છે. જે રીતે લોકો નવા વર્ષ પર નવા વર્ષના સંકલ્પો લે છે, મોદીજી આ મારા માટે નવા વર્ષનો સામાજિક સંકલ્પ છે. મને લાગે છે કે આ બધી નાની-નાની ચીજો છે, પરંતુ ઘણું પરિવર્તન લાવી શકે છે. શું તમે આ સંકલ્પપત્ર પર તમારા હસ્તાક્ષર આપીને મને પાછો મોકલી શકો છો?” શૈલેશજી- તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. તમને નવા વર્ષના સંકલ્પ માટે ‘મન કી બાતનું સંકલ્પપત્ર’ આ ખૂબ જ નવીન છે. હું મારી તરફથી શુભકામનાઓ લખીને, તેને જરૂર તમને પાછો મોકલીશ. સાથીઓ, આ ‘મન કી બાત સંકલ્પપત્ર’ને જ્યારે હું વાંચી રહ્યો હતો, ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો છે! આટલા બધા હૅશટૅગ છે! અને આપણે બધાંએ મળીને અનેક બધા પ્રયાસ પણ કર્યા છે. ક્યારેક આપણે ‘સંદેશ ટૂ સૉલ્જર’ની સાથે આપણા જવાનો સાથે ભાવનાત્મક રૂપથી અને મજબૂતીથી જોડાવાનું અભિયાન ચલાવ્યું, ‘Khadi for Nation - Khadi for Fashion’ની સાથે ખાદીના વેચાણને નવા મુકામ પર પહોંચાડ્યું. ‘સ્થાનિક ચીજો ખરીદો’નો મંત્ર અપનાવ્યો. ‘હમ ફિટ તો ઇંડિયા ફિટ’થી ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારી. ‘My Clean India’ અથવા ‘Statue Cleaning’ના પ્રયાસોથી સ્વચ્છતાને જન આંદોલન બનાવ્યું. હૅશ ટૅગ (#NoToDrugs,) હૅશ ટૅગ (#BharatKiLakshami), હૅશ ટૅગ (#Self4Society), હૅશ ટૅગ (#StressFreeExams), હૅશ ટૅગ (#SurakshaBandhan), હૅશ ટૅગ (#DigitalEconomy), હૅશ ટૅગ (#RoadSafety) ઓ હો હો! અગણિત છે!

શૈલેશજી, તમારા આ ‘મન કી બાત’ના સંકલ્પપત્રને જોઈને અનુભૂતિ થઈ કે આ સૂચિ ખરેખર બહુ લાંબી છે. આવો, આ યાત્રાને ચાલુ રાખીએ. આ ‘મન કી બાત સંકલ્પપત્ર’માંથી તમારી રુચિના કોઈ પણ કાર્ય સાથે જોડાવ. હૅશ ટૅગનો ઉપયોગ કરીને, સૌની સાથે, ગર્વથી પોતાના પ્રદાનને વહેંચો. દોસ્તોને, પરિવારને અને બધાંને પ્રેરણા આપીએ. જ્યારે દરેક ભારતવાસી એક ડગ ચાલે છે તો આપણું ભારતવર્ષ 130 કરોડ ડગ આગળ વધે છે. આથી ચરૈવેતિ-ચરૈવેતિ-ચરૈવેતિ, ચાલતા રહો-ચાલતા રહો-ચાલતા રહો આ મંત્રને લઈને પોતાના પ્રયાસ કરતા રહો.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે ‘મન કી બાત સંકલ્પપત્ર’ વિશે વાત કરી. સ્વચ્છતા પછી જનભાગીદારીની ભાવના, સહભાગિતાની ભાવના, આજે એક બીજા ક્ષેત્રમાં ઝડપથી વધી રહી છે અને તે છે ‘જળ સંરક્ષણ’. ‘જળ સંરક્ષણ’ માટે અનેક વ્યાપક અને નવીન પ્રયાસો દેશના દરેક ખૂણામાં ચાલી રહ્યા છે. મને એ કહેતા ઘણી ખુશી થાય છે કે ગત ચોમાસાના સમયે શરૂ કરાયેલું આ ‘જળશક્તિ અભિયાન’ જનભાગાદારીથી અત્યધિક સફળતાની તરફ આગળ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં તળાવો, તળાવડી વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. સૌથી મોટી વાત એ છે કે આ અભિયાનમાં સમાજના દરેક વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપ્યું. હવે રાજસ્થાનના ઝાલોર જિલ્લાને જ જુઓને- અહીંની બે ઐતિહાસિક વાવ કચરા અને ગંદા પાણીનો ભંડાર બની ગઈ હતી. પછી શું? ભદ્રાયુ અને થાનવાલા પંચાયતના સેંકડો લોકોએ ‘જળશક્તિ અભિયાન’ હેઠળ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપ્યું.વરસાદ પહેલાં જ તે લોકો આ વાવડીમાં ભેગું થયેલું ગંદું પાણી, કચરા અને કાદવને સાફ કરવામાં લાગી ગયા. આ અભિયાન માટે કોઈએ શ્રમદાન આપ્યું તો કોઈએ ધનનું દાન. અને આનું જ પરિણામ છે કે આ વાવડીઓ આજે ત્યાંની જીવનરેખા બની ગઈ છે. કંઈક આવી જ વાર્તા છે ઉત્તર બારાબંકીની. ત્યાં 43 હૅક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું સરાહી સરોવર પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. પરંતુ ગ્રામીણોએ પોતાની સંકલ્પ શક્તિથી તેમાં નવો પ્રાણ ફૂંકી દીધો. આટલા મોટા મિશનના માર્ગમાં તેમણે કોઈ કચાશ આવવા ન દીધી. એક પછી એક અનેક ગામો પરસ્પર જોડાતાં ગયાં. તેમણે સરોવરની ચારે તરફ, એક મીટર ઊંચી પાળી બનાવી દીધી. હવે સરોવર પાણીથી ભરપૂર છે અને આસપાસનું વાતાવરણ પક્ષીઓના કલરવથી ગૂંજી રહ્યું છે.

ઉત્તરાખંડનું અલ્મોડા-હલ્દવાની હાઇવે પાસે આવેલા ‘સુનિયાકોટ ગામ’માંથી પણ જનભાગીદારનું આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગામના લોકોએ જળ સંકટમાંથી બહાર નીકળવા માટે પોતે જ ગામડા સુધી પાણી લાવવાનો સંકલ્પ કર્યો. પછી શું? લોકોએ એકબીજા પાસેથી પૈસા એકઠા કર્યા, યોજના બનાવી, શ્રમદાન થયું અને લગભગ એક કિલોમીટર દૂર સુધી પાઇપ બિછાવાઈ. પમ્પિંગ સ્ટૅશન લગાવવામાં આવ્યું અને જોતજોતામાં બે દશક જૂની સમસ્યા હંમેશાં માટે સમાપ્ત થઈ ગઈ. તો તમિલનાડુથી બૉરવેલને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો એક ખૂબ જ નવીન કીમિયો સામે આવ્યો છે. દેશભરમાં ‘જળ સંરક્ષણ’ સાથે જોડાયેલી આવી અગણિત કથાઓ છે, જે ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને શક્તિ આપી રહી છે. આજે આપણા જળશક્તિ વિજેતાઓની કથાઓ સાંભળવા સમગ્ર દેશ આતુર છે. મારો આપને અનુરોધ છે કે જળસંચય અને જળસંરક્ષણ પર કરવામાં આવેલા, પોતાના દ્વારા કે તમારી આસપાસ થઈ રહેલા પ્રયાસોની કથાઓ, તસવીરો અને વિડિયો #jalshakti4India તેના પર જરૂર મૂકશો.

મારા પ્રિય દેશવાસીઓ અને ખાસ કરીને મારા યુવા સાથીઓ, આજે ‘મન કી બાત’ના માધ્યમથી, હું આસામની સરકાર અને આસામના લોકોને ‘ખેલો ઇન્ડિયા’ની શાનદાર યજમાની માટે ખૂબખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, 22 જાન્યુઆરીએ જ ગુવાહાટીમાં ત્રીજી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સમાપન થયું છે. તેમાં વિભિન્ન રાજ્યોના લગભગ 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રમતોના આ મહોત્સવની અંદર 80 વિક્રમો તૂટ્યા છે અને મને ગર્વ છે કે તેમાંથી 56 વિક્રમ તોડવાનું કામ આપણી દીકરીઓએ કર્યું છે. આ સિદ્ધિ દીકરીઓનાં નામે થઈ છે. હું બધા વિજેતાઓની સાથે, તેમાં ભાગ લેનારા બધાં સ્પર્ધકોને અભિનંદન આપું છું. સાથે જ ‘ખેલો ઇન્ડિયા રમતો’ના સફળ આયોજન માટે તેની સાથે જોડાયેલા બધાં લોકો, પ્રશિક્ષકો અને તકનીકી અધિકારીઓનો આભાર માનું છું. એ આપણાં બધાં માટે ખૂબ જ સુખદ છે કે વર્ષ-પ્રતિ વર્ષ ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ખેલાડીઓની ભાગીદારી વધી રહી છે. તે બતાવે છે કે નિશાળના સ્તર પર બાળકોમાં રમતો પ્રત્યેનો ઝુકાવ કેટલો વધી રહ્યો છે. હું તમને કહેવા માગું છું કે વર્ષ 2018માં જ્યારે ‘ખેલો ઇન્ડિયા રમતો’ની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં પાંત્રીસ સો ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ માત્ર ત્રણ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા 6 હજારથી વધુ થઈ ગઈ છે, અર્થાત્ લગભગ બમણી. એટલું જ નહીં, માત્ર ત્રણ વર્ષમાં ‘ખેલો ઇન્ડિયા રમતો’ના માધ્યમથી બત્રીસ સો પ્રતિભાશાળી બાળકો ઉભરીને સામે આવ્યાં છે. તેમાંથી અનેક બાળકો એવાં છે જે અભાવ અને ગરીબી વચ્ચે મોટાં થયાં છે. ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ભાગ લેનારાં બાળકો અને તેમનાં માતાપિતાના ધૈર્ય અને દૃઢ સંકલ્પોની કથાઓ એવી છે જે દરેક હિન્દુસ્તાનીને પ્રેરણા આપશે. હવે ગુવાહાટીની પૂર્ણિમા મંડલને જ લો. તે પોતે ગુવાહાટી નગર નિગમમાં એક સફાઈ કર્મચારી છે, પરંતુ તેમની દીકરી માલવિકાએ ફૂટબોલમાં પોતાની શક્તિ દર્શાવી તો તેમના એક દીકરા સુજીતે ખો-ખોમાં, તો બીજા દીકરા પ્રદીપે હૉકીમાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું.

કંઈક આવી જ ગર્વાન્વિત કરી દેતી કથા તમિલનાડુના યોગાનંથનની છે. તે પોતે તો તમિલનાડુમાં બીડી બનાવવાનું કાર્ય કરે છે, પરંતુ તેમની દીકરી પૂર્ણાશ્રીએ વેઇટ લિફ્ટિંગનો સુવર્ણ ચંદ્રક જીતીને દરેકનું હૃદય જીતી લીધું. જો હું ડેવિડ બૅકહામનું નામ લઈશ તો તમે કહશો કે જાણીતા આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ખેલાડી. પરંતુ હવે તમારી પાસે પણ એક ડેવિડ બૅકહામ છે અને તેણે ગુવાહાટીમાં યૂથ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને તે પણ સાઇકલિંગ સ્પર્ધાની 200 મીટર સ્પ્રિંટ સ્પર્ધામાં. કેટલાક સમય પહેલાં હું જ્યારે અંડમાન-નિકોબાર ગયો હતો, કાર-નિકોબાર દ્વીપના રહેવાસી ડેવિડનાં માથેથી તેમનાં માતાપિતાની છત્રછાયા ઊઠી ગઈ હતી. કાકા તેમને ફૂટબૉલર બનાવવા માગતા હતા તો જાણીતા ફૂટબૉલરના નામે તેમનું નામ રાખી દીધું. પરંતુ તેમનું મન સાઇકલિંગમાં લાગેલું હતું. ‘ખેલો ઇન્ડિયા’ યોજના હેઠળ તેમની પસંદગી થઈ પણ ગઈ અને આજે જુઓ, તેમણે સાઇકલિંગમાં એક નવો કીર્તિમાન રચી નાખ્યો.

ભિવાનીના પ્રશાંતસિંહ કન્હૈયાએ પૉલ વૉલ્ટ સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 19 વર્ષના પ્રશાંત એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય લાગશે કે પ્રશાંત માટીમાં પૉલ વૉલ્ટનો અભ્યાસ કરતા હતા. તે જાણ્યા પછી રમત વિભાગે તેમના પ્રશિક્ષકને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એકેડેમી ચલાવવામાં મદદ કરી અને આજે પ્રશાંત ત્યાં પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.

મુંબઈની કરીના શાન્ક્તાની કથામાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનવાની એક દૃઢ ઈચ્છાશક્તિ દરેકને પ્રેરણા આપે તેવી છે. કરીનાએ તરણમાં 100 મીટર બ્રૅસ્ટ સ્ટ્રૉક સ્પર્ધાની અંડર-17 શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. દસમા ધોરણમાં ભણતી કરીના માટે એક સમય એવો પણ આવ્યો જ્યારે ઘૂંટણમાં ઈજાના કારણે તેને પ્રશિક્ષણ છોડવું પડ્યું પરંતુ કરીના અને તેમની માતાએ હિંમત ન હારી અને આજે પરિણામ આપણાં બધાંની સામે છે. હું બધાં ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. તેની સાથે જ હું બધાં દેશવાસીઓની તરફથી આ બધાંનાં માબાપને પણ નમન કરું છું જેમણે ગરીબીને બાળકોના ભવિષ્યનો અવરોધ બનવા નથી દીધી. આપણે બધાં જાણીએ છીએ કે રાષ્ટ્રીય ખેલ સ્પર્ધાના માધ્યમથી જ્યાં ખેલાડીઓને પોતાનું જનૂન દર્શાવવાનો તક મળે છે તો બીજી તરફ તેઓ બીજાં રાજ્યોની સંસ્કૃતિથી પણ પરિચિત થાય છે. આથી અમે ‘ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ’ની જેમ જ દર વર્ષે ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ પણ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.

સાથીઓ, આગામી મહિને 22મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં પહેલી ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ આયોજિત થવા જઈ રહી છે. તેમાં ભાગીદારી માટે 3,000થી વધુ ખેલાડીઓ લાયક ઠરી ચૂક્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, પરીક્ષાની ઋતુ આવી ગઈ છે તો દેખીતું છે કે બધાં વિદ્યાર્થીઓ પોતપોતાની તૈયારીને અંતિમ ઓપ દેવામાં લાગેલાં હશે. દેશના કરોડો વિદ્યાર્થી સાથીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના અનુભવ પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશનો યુવાન આત્મવિશ્વાસથી ભરેલો છે અને દરેક પડકાર માટે તૈયાર છે.

સાથીઓ, એક તરફ પરીક્ષાઓ અને બીજી તરફ, ઠંડીની ઋતુ. આ બંને વચ્ચે મારો આગ્રહ છે કે પોતાને ચુસ્તતંદુરસ્ત જરૂર રાખો. થોડો વ્યાયામ જરૂર કરજો, થોડું રમજો. રમતગમત ફિટ રહેવાનો મૂળ મંત્ર છે. આમ તો હું આ દિવસોમાં જોઈ રહ્યો છું કે ‘ફિટ ઇન્ડિયા’ વિષય પર અનેક કાર્યક્રમો થાય છે. 18મી જાન્યુઆરીએ યુવાનોએ દેશભરમાં સાઇકલૉથૉનનું આયોજન કર્યું જેમાં જોડાયેલા લાખો દેશવાસીઓએ ફિટનેસનો સંદેશો આપ્યો. આપણું ન્યૂ ઇન્ડિયા સંપૂર્ણ રીતે ફિટ રહે તે માટે દરેક સ્તર પર જે પ્રયાસો જોવા મળી રહ્યા છે તે જોશ અને ઉત્સાહથી ભરી દેનારા છે. ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયેલી ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ની ઝુંબેશ પણ હવે રંગ લાવી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 65,000થી વધુ શાળાઓએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. દેશની બાકી બધી શાળાઓને મારો અનુરોધ છે કે તે શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને અભ્યાસની સાથે જોડીને ‘ફિટ સ્કૂલ’ જરૂર બને. તેની સાથે જ હું બધાં દેશવાસીઓને એ અનુરોધ કરું છું કે તેઓ પોતાની દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓને વધુમાં વધુ ઉત્તેજન આપે. રોજ પોતાને યાદ અપાવો કે આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ.

મારા પ્રિય દેશવાસીઓ, બે સપ્તાહ પહેલાં, ભારતના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ તહેવારોની ધૂમ હતી. જ્યારે પંજાબમાં લોહડી, જોશ અને ઉત્સાહની ઉષ્ણતા ફેલાવી રહી હતી, તો તમિલનાડુની બહેનો અને ભાઈઓ પોંગલનો તહેવાર મનાવી રહ્યા હતા, તિરુવલ્લુવરની જયંતી ઉજવી રહ્યાં હતાં. આસામમાં બિહુની મનોહારી છટા જોવા મળી રહી હતી, ગુજરાતમાં બધી તરફ ઉત્તરાયણની ધૂમ અને પતંગોથી ભરપૂર આકાશ હતું. આવા સમયમાં, દિલ્લી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બની રહી હતી. દિલ્લીમાં એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તેની સાથે જ 25 વર્ષ જૂની બ્રૂ રિયાંગ શરણાર્થી, કટોકટીનો એક પીડાદાયક અધ્યાયનો અંત થયો,- હંમેશાં હંમેશાં માટે તે સમાપ્ત થઈ ગઈ. પોતાની વ્યસ્ત દિનચર્યા અને તહેવારોની ઋતુના કારણે તમે કદાચ આ ઐતિહાસિક સમજૂતી વિશે વિસ્તારથી જાણી ન શક્યા હો, એટલે મને લાગ્યું કે તેના વિશે ‘મન કી બાત’માં હું તમારી સાથે અવશ્ય ચર્ચા કરું. આ સમસ્યા 90ના દશકની છે. 1997માં જાતિવાદી તણાવના કારણે બ્રૂ રિયાંગ જનજાતિના લોકોને મિઝોરમમાંથી નીકળીને ત્રિપુરામાં શરણ લેવું પડ્યું હતું. આ શરણાર્થીઓને ઉત્તર ત્રિપુરાના કંચનપુર સ્થિત અસ્થાયી શિબિરોમાં રાખવામાં આવ્યા. એ ખૂબ જ પીડાદાયક છે કે બ્રૂ રિયાંગ સમાજના લોકોએ શરણાર્થીઓના રૂપમાં પોતાના જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ગુમાવી દીધો. તેમના માટે શિબિરોમાં જીવન વિતાવવાનો અર્થ હતો- દરેક મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું. 23 વર્ષ સુધી- ન ઘર, ન જમીન, ન પરિવાર માટે, બીમારી માટે ઈલાજનો પ્રબંધ અને ન બાળકોના શિક્ષાની ચિંતા અથવા તેમના માટે સુવિધા. જરા વિચારો, 23 વર્ષ સુધી શિબિરોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન વિતાવવું, તેમના માટે કેટલું દુષ્કર રહ્યું હશે. જીવનની દરેક પળ, દરેક દિવસનું એક અનિશ્ચિત ભવિષ્ય સાથે આગળ વધવું, કેટલું કષ્ટદાયક રહ્યું હશે. સરકારો આવી અને ગઈ, પરંતુ તેમની પીડાનો ઉકેલ નીકળી ન શક્યો. પરંતુ આટલા કષ્ટ છતાં ભારતીય સંવિધાન અને સંસ્કૃતિ પ્રત્યે તેમનો વિશ્વાસ અડગ જળવાયેલો રહ્યો. અને આ વિશ્વાસનું પરિણામ છે કે તેમના જીવનમાં આજે એક નવું પ્રભાત ઉગ્યું છે. સમજૂતી હેઠળ, હવે તેમના માટે ગરીમાપૂર્ણ જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો છે. છેવટે 2020નું નવું દશક બ્રૂ-રિયાંગ સમુદાયના જીવનમાં એક નવી આશા અને અપેક્ષાનું કિરણ લઈને આવ્યું. લગભગ 34,000 બ્રૂ શરણાર્થીઓને ત્રિપુરામાં વસાવાશે. એટલું જ નહીં, તેમના પુનર્વાસ અને સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર લગભગ 600 કરોડ રૂપિયાની મદદ કરશે. પ્રત્યેક વિસ્થાપિત પરિવારને પ્લૉટ આપવામાં આવશે. ઘર બનાવવામાં મદદ કરવામાં આવશે. તેની સાથે જ તેમના કરિયાણાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેઓ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકશે. આ સમજૂતી અનેક કારણોથી બહુ વિશેષ છે. તે સહકારી સમવાયતંત્રની ભાવનાને દર્શાવે છે. આ સમજૂતી બંને રાજ્યોની જનતાની સંમતિ અને શુભકામનાઓથી જ સંભવ થયું છે. તેના માટે હું બંને રાજ્યોની જનતાનો, ત્યાંના મુખ્ય પ્રધાનોનો વિશેષ રૂપે આભાર માનવા માગું છું. આ સમજૂતી ભારતીય સંસ્કૃતિમાં સમાહિત કરુણાભાવ અને સહૃદયતાને પણ પ્રગટ કરે છે. બધાને પોતાના માનીને ચાલવા અને સંપ સાથે રહેવું આ પવિત્રભૂમિના સંસ્કારોમાં વસેલું છે. એક વાર ફરી હું આ રાજ્યોના નિવાસીઓ અને બ્રૂ રિયાંગ સમુદાયના લોકોને હું વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આટલી મોટી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સફળ આયોજન કરનારા આસામમાં એક બીજું મોટું કામ થયું છે. તમે પણ જોયું હશે કે હજુ કેટલાક દિવસો પહેલાં જ આસામમાં, આઠ અલગ-અલગ ત્રાસવાદી જૂથોના 644 લોકોએ પોતાનાં હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું. જે પહેલાં હિંસાના રસ્તે ચાલ્યા ગયા હતા તેમણે પોતાનો વિશ્વાસ શાંતિમાં વ્યક્ત કર્યો અને દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો નિર્ણય કર્યો છે, મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. ગત વર્ષે ત્રિપુરામાં પણ 80થી વધુ લોકો હિંસાનો માર્ગ છોડીને મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. જેમણે એમ વિચારીને હથિયાર ઊઠાવી લીધા હતા કે હિંસાથી સમસ્યાઓનું સમાધાન નીકળી શકે છે, તેમનો એ વિશ્વાસ દૃઢ થયો છે કે શાંતિ અને સંપ જ કોઈ પણ વિવાદને ઉકેલવાનો એક માત્ર રસ્તો છે. દેશવાસીઓને એ જાણીને ખૂબ જ પ્રસન્નતા થશે કે ઈશાન ભારતમાં વિદ્રોહ બહુ મોટા પ્રમાણમાં ઓછો થયો છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક મુદ્દાને શાંતિ સાથે, પ્રમાણિકતા સાથે, ચર્ચા કરીને ઉકેલવામાં આવી રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણામાં અત્યારે પણ હિંસા અને હથિયારના જોરે સમસ્યાઓનો ઉકેલ શોધી રહેલા લોકોને આજે, આ પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે અપીલ કરું છું કે તેઓ પાછા ફરે. મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં, પોતાની અને આ દેશની ક્ષમતાઓ પર ભરોસો રાખો. આપણે એકવીસમી સદીમાં છીએ જે જ્ઞાન-વિજ્ઞાન અને લોકતંત્રનો યુગ છે. શું તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં હિંસાથી જીવન વધુ સારું થયું હોય? શું તમે કોઈ કેવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં શાંતિ અને સદભાવ જીવન માટે મુસીબત બન્યા હોય? હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતી નથી. દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, કોઈક બીજી સમસ્યા પેદા કરવાથી નહીં, પરંતુ વધુમાં વધુ સમાધાન શોધીને જ મેળવી શકાય છે. આવો, આપણે બધાં મળીને એક એવા નવા ભારતનું નિર્માણ કરવામાં જોડાઈ જઈએ, જ્યાં શાંતિ દરેક પ્રશ્નના જવાબનો આધાર હોય. એકતા દરેક સમસ્યાના સમાધાનના પ્રયાસમાં હોય. અને ભાઈચારો દરેક વિભાજન અને ભાગલાના પ્રયાસને નિષ્ફળ બનાવે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે ગણતંત્ર દિવસના પાવન અવસર પર મને ‘ગગનયાન’ વિશે જણાવતાં અપાર હર્ષ થઈ રહ્યો છું. દેશ, તે દિશામાં એક બીજું ડગલું આગળ વધી ગયો છે. 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાનાં છે. અને આ પ્રસંગે આપણે ‘ગગનયાન મિશન’ની સાથે એક ભારતવાસીને અંતરિક્ષમાં લઈ જવાના પોતાના સંકલ્પને સિદ્ધ કરવાનો છે. ‘ગગનયાન મિશન’ 21મી સદીમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારતની એક ઐતિહાસિક ઉપલબ્ધિ હશે. નવા ભારત માટે, આ એક સીમાચિહ્ન સાબિત થશે.

સાથીઓ, તમને ખબર જ હશે કે આ મિશનમાં ઍસ્ટ્રૉનૉટ એટલે કે અંતરિક્ષયાત્રી માટે ચાર ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ ચારેય યુવા ભારતીય વાયુ સેનાના પાઇલૉટ છે. આ પ્રતિભાશાળી યુવાનો ભારતના કૌશલ્ય, પ્રતિભા, સાહસ અને સપનાંઓના પ્રતીક છે. આપણા ચારેય મિત્ર, આગામી કેટલાક દિવસોમાં પ્રશિક્ષણ માટે રશિયા જવાના છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારત અને રશિયા વચ્ચે મૈત્રી અને સહયોગનો વધુ એક સુવર્ણ અધ્યાય બનશે. તેમને એક વર્ષથી વધુ સમય સુધી પ્રશિક્ષણ આપવામાં આવશે. તે પછી દેશની આશાઓ અને આકાંક્ષાઓની ઉડાનથી અંતરિક્ષ સુધી લઈ જવાની જવાબદારી તેમનામાંથી એકના ખભા પર જ હશે. આજે ગણતંત્ર દિવસના શુભ અવસર પર આ ચારેય યુવાનો અને આ મિશન સાથે જોડાયેલા ભારત અને રશિયાના વૈજ્ઞાનિકો અને ઈજનેરોને હું અભિનંદન આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, ગત માર્ચમાં એક વીડિયો, મિડિયા અને સૉશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બનેલા હતા. ચર્ચા એ હતી કે એકસો સાત વર્ષનાં એક વૃદ્ધ માતા રાષ્ટ્રપતિભવન સમારોહમાં પ્રૉટોકૉલને તોડીને રાષ્ટ્રપતિજીને કેવા આશીર્વાદ આપી રહ્યાં છે. આ મહિલાં હતાં સાલુમરદા થિમક્કા, જેઓ કર્ણાટકમાં ‘વૃક્ષ માતા’ના નામે પ્રખ્યાત છે. અને તે સમારોહ હતો- પદ્મ પુરસ્કારનો. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમાંથી આવતાં થિમક્કાના અસાધારણ યોગદાનને દેશે જાણ્યું સમજ્યું અને સન્માન આપ્યું હતું. તેમને પદ્મશ્રી સન્માન મળી રહ્યું હતું.

સાથીઓ, આજે ભારત પોતાની આ મહાન વિભૂતિના સંદર્ભે ગર્વની અનુભૂતિ કરે છે. ધરાતલ સાથે જોડાયેલા લોકોનું સન્માનિત કરીને ગૌરવાન્વિત અનુભવે છે. દર વર્ષની જેમ, ગઇકાલે સાંજે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. મારો અનુરોધ છે કે તમે આ બધાં લોકો વિશે જરૂર વાંચો. તેમના યોગદાન વિશે પરિવારમાં ચર્ચા કરો. 2020માં પદ્મ પુરસ્કારો માટે આ વર્ષે 46 હજારથી વધુ નામાંકન પ્રાપ્ત થયા છે. આ સંખ્યા 2014ની સરખામણીએ 20 ગણાથી વધુ છે. આ આંકડા જન-જનના એ વિશ્વાસને દર્શાવે છે કે પદ્મ એવૉર્ડ હવે પીપલ્સ એવૉર્ડ બની ગયા છે. આજે પદ્મ પુરસ્કારોની બધી પ્રક્રિયા ઑનલાઇન છે. પહેલાં જે નિર્ણય સીમિત લોકો વચ્ચે થતા હતા તે આજે પૂરી રીતે લોકો દ્વારા સંચાલિત છે. એક રીતે કહીએ તો પદ્મ પુરસ્કારો માટે દેશમાં એક નવો વિશ્વાસ અને સન્માન પેદાં થયાં છે. હવે સન્માન મેળવનારાઓમાં અનેક લોકો એવા હોય છે જે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને જમીનથી ઊઠ્યા છે. સીમિત સંસાધનનાં વિઘ્નો અને પોતાની આસપાસ ઘનઘોર નિરાશાને તોડીને આગળ વધ્યા છે. હકીકતે, તેમની દૃઢ ઈચ્છાશક્તિ સેવાની ભાવના અને નિઃસ્વાર્થ ભાવ આપણને સહુને પ્રેરિત કરે છે. હું એક વાર ફરી બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપું છું. અને તમને બધાંને તેમના વિશે વાંચવા, વધુ જાણકારી મેળવવા માટે વિશેષ અનુરોધ કરું છું. તેમના જીવનની અસાધારણ કથાઓ, સમાજને સાચા અર્થમાં પ્રેરિત કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, ફરી એક વાર ગણતંત્ર પર્વની અનેક-અનેક શુભકામનાઓ. આ સમગ્ર દેશ, તમારા જીવનમાં, ભારતના જીવનમાં, નવા સંકલ્પોવાળું બને, નવી સિદ્ધિઓવાળું બને. અને વિશ્વ, ભારત પાસેથી જે અપેક્ષા રાખે છે તે અપેક્ષાઓને પૂર્ણ કરવાનું સામર્થ્ય ભારત પ્રાપ્ત કરીને રહે. આ એક વિશ્વાસ સાથે આવો, નવા દશકની શરૂઆત કરીએ. નવા સંકલ્પો સાથે મા ભારતી માટે લાગી જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

SD/RP



(Release ID: 1600619) Visitor Counter : 365