પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે ‘નમામિ નર્મદા’ ઉત્સવમાં હાજરી આપી


ગુજરાતના કેવડિયામાં ઇકો-પ્રવાસન સ્થળ પર પતંગિયા ઉદ્યાનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ કહ્યું સ્ટેચ્યુ ઑફ યુનિટીએ ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન અપાવ્યું છે

જમ્મુ અને કાશ્મીર પર સરકારના નિર્ણય પાછળ સરદાર પટેલની દૂરંદેશીતાનું પ્રેરણાબળ છે

જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં સમૃદ્ધિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જવાનો વિશ્વાસ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 17 SEP 2019 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે નમામિ નર્મદાઉત્સવમાં હાજરી આપી હતી. આ ઉત્સવ ગુજરાત સરકાર દ્વારા ડેમ તેની 138.68 મીટરની સંપૂર્ણ સપાટી સુધી ભરાવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે. 2017માં ડેમની ઊંચાઇ વધાર્યા બાદ પ્રથમ વખત 16મી સપ્ટેમ્બરની સાંજે જળસપાટી તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. પ્રધાનમંત્રીએ ડેમના સ્થળે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના પાણીનું સ્વાગત કરવા પૂજા-અર્ચના પણ કરી હતી.

બાદમાં પ્રધાનમંત્રીએ કેવડિયામાં ખલવાની ઇકો-પ્રવાસન સ્થળ અને થોર ઉદ્યાનની પણ મુલાકાત લીધી હતી. કેવડિયામાં પતંગિયા ઉદ્યાન ખાતે પતંગિયાઓથી ભરેલા મોટા ટોપલામાંથી પતંગિયાઓને મુક્ત કર્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં આવેલી એકતા નર્સરીની પણ મુલાકાત લીધી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની બાજુમાં જાહેર સભા સંબોધી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 138 મીટરથી વધારે ઊંચાઇ પર જોઇને હું હર્ષની લાગણી અનુભવું છું. સરદાર સરોવર ડેમ ગુજરાતના લોકો માટે આશાનું કિરણ છે. તે સખત મહેનત કરતાં લાખો ખેડૂતો માટે વરદાન સ્વરૂપ છે.

સ્ટેચ્યુ ઑફ લિબર્ટી સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસીઓના ધસારાની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અનાવરણના 11 મહિનાની અંદર, સ્ટેચ્યુ ઑફ યુનિટી 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જેટલા જ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના કારણે કેવડિયા અને ગુજરાત વિશ્વ પ્રવાસન નકશા પર છે. મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 11 મહિનાઓમાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી 23 લાખ જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે.સ્ટેચ્યુ ઑફ લિબર્ટી દરરોજ લગભગ સરેરાશ 10,000 પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ તમારે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તે 133 વર્ષ જૂનું છે. જ્યારે બીજી બાજુ સ્ટેચ્યુ ઑફ યુનિટી માત્ર 11 મહિના જૂનું છે. તેમ છતાં તે પ્રતિ દિન 8,500થી વધારે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ એક ચમત્કાર છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી 31મી ઓક્ટોબર, 2018ના રોજ દેશના પ્રથમ ગૃહમંત્રીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સરદાર પટેલની દૂરંદેશિતાની પ્રશંસા કરતાં ઉમેર્યુ હતુ કે જમ્મુ અને કાશ્મીર અંગે ગત મહિને સરકારનો નિર્ણય ભારતના પ્રથમ ગૃહમંત્રીની પ્રેરણાનું પરિણામ હતું. અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય સરદાર પટેલ પાસેથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને દાયકાઓ જૂની સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લાખો સાથીદારોના સક્રિય સહકારથી તે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં સમૃદ્ધિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જી શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમારો સેવક ભારતની એકતા અને સર્વોચ્ચતા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમે છેલ્લા 100 દિવસો દરમિયાન આ કટિબદ્ધતાને વધારે મજબૂત કરી છે અને નવી સરકાર પહેલા કરતાં પણ વધુ ગતિશિલતાથી કામ કરશે તથા અગાઉ કરતાં પણ ઊંચા લક્ષ્યો હાંસલ કરશે.

 

DK/NP/J.KHUNT/RP


(Release ID: 1585471) Visitor Counter : 365