પ્રધાનમંત્રીનું કાર્યાલય

07 સપ્ટેમ્બર, 2019ના રોજ મુંબઈમાં અનેકવિધ વિકાસકાર્યોની પહેલના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 SEP 2019 7:13PM by PIB Ahmedabad

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

નમસ્કાર, મુંબઈકર.

ગણપતી બાપ્પા મોરિયા, ગણપતી બાપ્પા મોરિયા.

અહિયાં આવતા પહેલા મને પારલેમાં લોકમાન્ય સેવા સંઘમાં ગણપતિ બાપ્પાના દર્શનનું પણ સૌભાગ્ય મળ્યું. આ વર્ષે લોકમાન્ય સેવા સંઘના ગણેશોત્સવનું શતાબ્દી વર્ષ પણ છે. લોકમાન્ય તિલકે સમાજને મજબૂત કરવા માટે જે પરંપરાનો વિસ્તાર કર્યો, આજે તેની ગૂંજ દેશ વિદેશમાં પણ છે.

આપણા નવા રાજ્યપાલ પણ અહિયાં આવ્યા છે, શ્રીમાન કોશિયારીજી. ઘણા ઓછા લોકોને જાણ હશે કે તેઓ ઉત્તરાખંડના ખૂબ જ યશસ્વી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેના કરતા પણ મોટી વાત, જેનો ઉલ્લેખ કરવામાં મને ગર્વનો અનુભવ થાય છે કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કાર્ય કરતો હતો, ક્યારેક ઉત્તરાખંડનો પ્રભારી હતો તો તેમના જ માર્ગદર્શનમાં હું કામ કરતો હતો.

સાથીઓ, મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને હંમેશા અભિભૂત કરી દે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રમાં અહિયાંના અનેક શહેરોમાં ગયો, તમારી સાથે સંવાદ કર્યો. મુંબઈમાં તો જે રાત્રે સભા થઇ હતી, તેની ચર્ચા અનેક દિવસો સુધી ચાલતી રહી હતી. આ સ્નેહ માટે, આ આશીર્વાદ માટે હું આપનો ખૂબ-ખૂબ આભારી છું.

બનતા બગડતા હવામાનની વચ્ચે આજે પણ તમે તમારો સમય કાઢીને આટલી મોટી સંખ્યામાં આવીને આ કાર્યક્રમની શોભા વધારી, તે તમારા મિજાજની ઓળખ છે અને તમારા સપનાઓનો સંકેત પણ છે.

સાથીઓ, હું રશિયામાં હતો, ત્યારે પણ મને મુંબઈની ખબર મળતી રહેતી હતી. હું ગઈકાલે સવારે જ ત્યાંથી પાછો ફર્યો છું, પછી સાંજે બેન્ગ્લુરું જતો રહ્યો. બેન્ગલુરુંમાં આખી રાત ઈસરોના વૈજ્ઞાનિક સાથીઓની સાથે રહ્યો. તેમણે જે હિંમત દેખાડી છે, તેને જોઈને હું ખૂબ જ પ્રભાવિત છું. પોતાના લક્ષ્ય માટે કઈ રીતે દિવસ રાત એક કરી નાખવામાં આવે છે, કઈ રીતે વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં પણ, મોટામાં મોટા પડકારમાં પણ તન્મયતાની સાથે કઈ રીતે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવે છે; તે ઈસરોના આપણા વૈજ્ઞાનિકો, આપણા એન્જીનીયરો પાસેથી આપણે શીખી શકીએ છીએ.

ભાઈઓ અને બહેનો, આપણા શાસ્ત્રમાં એક રીતે જ્ઞાનનો ભંડાર છે. ભર્તૃહરીએ કહ્યું હતું-

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः ,

प्रारभ्य विघ्नविहिता विरमन्ति मध्याः ।

विघ्नै: पुनः पुनरपि प्रतिहन्यमानाः ,

प्रारभ्य च उत्तमजनाः न परित्यजन्ति ।।

એટલે કે કોઇપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરનારા ત્રણ પ્રકારના લોકો હોય છે. સૌથી નીચલી હરોળમાં એ લોકો હોય છે જે અડચણોના ભયથી ક્યારેય કામની શરૂઆત જ નથી કરતા; ત્યારબાદ મધ્યમ સ્તરના– હવે મધ્યમ સ્તર પર કેટલાક લોકો એવા હોય છે જેઓ કામ શરુ તો કરી નાખે છે, પરંતુ પહેલી અડચણ આવતાં જ ગાયબ થઇ જાય છે, ભાગી થઇ જાય છે. આ બંને પ્રકારના લોકોથી અલગ સૌથી ઊંચા સ્તર પર એવા લોકો પહોંચે છે જેઓ સતત અડચણ છતાં પણ, મોટામાં મોટા પડકાર છતાં પણ સતત પ્રયાસ કરે છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દમ લે છે.

અને સાથીઓ આપણે એ પણ યાદ રાખવાનું છે કે ચંદ્રયાનની સાથે મોકલવામાં આવેલ ઓર્બીટર હજુ ત્યાં જ છે, ચંદ્રમાંની પરિક્રમા કરી રહ્યું છે, આ પણ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. મેં મુંબઈના લોકોના ઉત્સાહ વિષે ઘણું સાંભળ્યું છે, જોયું છે, અનુભવ કર્યો છે. આજે ઈસરોના લોકોનો જુસ્સો જોયો અને સમજ્યો તો મને જરૂરી લાગ્યું કે તમારી સાથે પણ જરા એ વાતોને વહેંચું.

ભાઈઓ અને બહેનો, પોતાના સંકલ્પોની માટે સતત પ્રયાસ, ગણેશોત્સવના ઉમંગ અને આ જ માહોલમાં આજે મહારાષ્ટ્રમાં હજારો કરોડો રૂપિયાની યોજનાઓના શ્રીગણેશ થઇ રહ્યા છે, શુભારંભ થઇ રહ્યા છે.

મુંબઈ પછી મારો ઔરંગાબાદ જવાનો કાર્યક્રમ પણ છે. ત્યાં પણ અનેક પરિયોજનાઓની શરૂઆત થશે. હું ખાસ કરીને મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. 20 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ આજે અહિયાં શરુ થઇ રહ્યું છે. નવી મેટ્રો લાઈન હોય, મેટ્રો ભવન હોય, મેટ્રો સ્ટેશનમાં સુવિધાઓનો વિસ્તાર હોય, બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડવાનો પ્રોજેક્ટ હોય; આ બધી જ પરિયોજનાઓ મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ તો આપશે જ, અહિયાંના લોકોના જીવનને સરળ બનાવવામાં પણ મદદ કરશે.

બાંદ્રા-કુર્લાને એક્સપ્રેસ હાઇવે સાથે જોડનારો પ્રોજેક્ટ તો લાખો વ્યવસાયિકો માટે ખૂબ મોટી રાહત લઇને આવશે.

બીકેસી તો વેપારી પ્રવૃત્તિઓનું બહુ મોટું કેન્દ્ર છે. હવે અહિયાં આવવા-જવાનું વધુ સરળ થશે, ઓછા સમયમાં થઇ શકશે અને હવે તો મિનીટોમાં મુંબઈ. દરેક વ્યક્તિ અવાજ કરે છે – મિનીટોમાં મુંબઈ. આ બધી પરિયોજનાઓ માટે હું આપ સૌને, દરેક મુંબઈકરને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, મુંબઈ એ શહેર છે, જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. અહિંના પરિશ્રમી લોકો, અહિંના વ્યવસાયિકો, અહિંની માતાઓ, બહેનો, યુવાનો, આપ સૌ લોકો આ શહેરને પ્રેમ કરો છો, ગર્વથી કહો છો મી મુંબઈકર. વીતેલા પાંચ વર્ષોમાં આમચી મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે અમે ખૂબ ઈમાનદારીથી પ્રયાસ કર્યો છે. અહિં ફડણવીસજીની સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રના એક એક પ્રોજેક્ટ માટે કેટલી મહેનત કરી છે, તે હું બહુ સારી રીતે જાણું છું. આજે આ જ બધા પ્રયાસોની એ અસર છે કે મુંબઈમાં ધીમે-ધીમે પરિવર્તન આવવાની શરૂઆત થઇ છે અને હું તેમાં સૌથી વધુ હકારાત્મક પક્ષ એ જોઉં છું કે વર્તમાનની સાથે જ ભવિષ્યની જરૂરિયાતો, આવનારા દાયકાઓની જરૂરિયાતના હિસાબે અત્યારથી જ કામ કરવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમિકના લક્ષ્યની તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે આપણા શહેરોને પણ 21મી સદીની દુનિયાને અનુસાર બનાવવા જ પડશે. આવાગમન હોય, જોડાણ હોય, ઉત્પાદકતા હોય, સંતુલિતતા હોય કે પછી સુરક્ષા, દરેક રીતે એક વધુ સારી વ્યવસ્થા આપણે તૈયાર કરવાની છે. આ જ વિચારધારાની સાથે અમારી સરકાર આગામી પાંચ વર્ષમાં આધુનિક માળખાગતબાંધકામ પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે. આ રકમનો બહુ મોટો લાભ મુંબઈની સાથે-સાથે સમગ્ર મહારાષ્ટ્રના તમામ શહેરોને પણ મળવાનો છે.

સાથીઓ, દેશભરમાં શહેરોમાં આવાગમનને, વાહનવ્યવહારને વધુ સારો બનાવવા માટે અમે એક સંકલિત વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકી રહ્યા છીએ. રોડ હોય, રેલ્વે હોય, મેટ્રો હોય, એવા દરેક માધ્યમને એકબીજાની  સાથે જોડવામાં આવી રહ્યા છે. આજે અહિયાં મુંબઈ મેટ્રોપોલીટન પ્રદેશ, તેમાં વધુ સારા જાહેર વાહનવ્યવહાર તંત્ર તૈયાર કરવા માટે પણ એક વિઝન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં આવવા જવાના જુદા જુદા માધ્યમો, જેમ કે મુંબઈ લોકલ હોય, બસોની સિસ્ટમ હોય કે પછી મેટ્રો. તેનો કઈ રીતે સાચો ઉપયોગ થઈ શકે, તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મુંબઈ મેટ્રોની માટે માસ્ટર પ્લાન આમાં બનાવવામાં આવ્યો છે.

ભાઈઓ અને બહેનો, વીતેલા પાંચ વર્ષોથી મને મુંબઈ મેટ્રોના વિસ્તૃતિકરણ સાથે સતત જોડાયેલા રહેવાનો અવસર મળતો રહ્યો છે. આશરે દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે મેટ્રો નેટવર્કનો વિસ્તાર અહિયાં કરવામાં આવી રહ્યો છે. હમણાં મુંબઈમાં માત્ર 11 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક છે. પરંતુ 2020, 2023, 2024 સુધી તે વધીને સવા ત્રણ સો કિલોમીટરથી વધુ થઇ જશે. તેનો સૌથી મોટો લાભ એ થશે કે આજે જેટલા લોકો મુંબઈમાં લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરે છે, લગભગ તેટલી જ ક્ષમતા મેટ્રોની પણ થઇ જશે. લોકલને આધુનિક બનાવવાની સાથે સાથે મેટ્રોના વિસ્તારનું આ મિશ્રણ મુંબઈની વર્તમાન જરૂરિયાતોને પૂરી કરવાની સાથે જ આવનારા વર્ષોની માટે પણ તૈયાર કરશે.

સાથીઓ, આપણે માત્રમેટ્રો લાઈન જ નહી, માત્ર તેને જ પાથરી રહ્યા છીએ એવું નથી, પરંતુ આ લાઈન પર જે મેટ્રો દોડશે, તેના કોચ પણ ભારતમાં જ બની રહ્યા છે. થોડા સમય પહેલા જ મેં મોકપ કોચને જોયા છે. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત બનનારા આ આધુનિક મેટ્રો કોચ મુંબઈ મેટ્રોને સુરક્ષિત અને સુવિધાજનક અને સસ્તી બનાવનાર છે.

ભાઈઓ અને બહેનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જેટલો સંબંધ ઈકોનોમી સાથે છે, જીવન જીવવાની સરળતા સાથે છે તેટલો જ રોજગારી સાથે પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવાનો અર્થ છે તેટલા જ રોજગારના નવા અવસરો ઉપલબ્ધ કરાવવા. જો હું માત્ર મુંબઈમાં શરુ થયેલા મેટ્રોના કાર્યોની વાત કરું તો તેનાથી 10 હજાર એન્જીનીયરો અને 40 હજાર કૌશલ્ય પ્રાપ્ત કરેલ અને કૌશલ્ય ન ધરાવતા લોકોને રોજગારનો અવસર મળશે.

ભાઈઓ અને બહેનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કામ ગામડાઓમાં થઇ રહ્યું છે, શહેરોમાં થઇ રહ્યું છે, તે સ્થાનિક સ્તર પર જે રીતે રોજગાર ઉત્પન્ન કરે છે, નાના-નાના વેપારીઓ માટે વ્યવસાયના અવસરો ઉભા કરે છે, તેની બહુ ચર્ચા લોકો કરતા નથી. કદાચ તેનું એક કારણ એ પણ રહ્યું છે કે આજે જે ગતિ અને સ્કેલ પર કામ થઇ રહ્યું છે, તે પહેલા ક્યારેય થયું જ નથી. એટલા માટે આ બાજુ લોકોનું ધ્યાન પણ ઓછુ જાય તે સ્વાભાવિક છે. હવે જ્યારે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તો આ વિષય પણ હવે ચર્ચામાં આવવાનો શરુ થયો છે. જરા વિચારો, શું કોઈ પહેલા વિચારી પણ શકતું હતું કે વર્ષોથી અટકેલા નવી મુંબઈના એરપોર્ટનું કામ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લીંકનું કામ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આટલા વ્યાપક રૂપે શરુ થશે? આટલી ઝડપી ગતિએ આગળ વધશે? આ બધા જ પ્રોજેક્ટ્સ મુંબઈ અને આસપાસના લોકોના રોજગારની માટે નવા અવસર આપી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો, જ્યારે હું ગતિ અને સ્કેલની વાત કરું છું તો મારી પાસે એટલા ઉદાહરણ હોય છે કે તેમને ગણાવતા ગણાવતા કદાચ સાંજ પડી જાય. આજે અહિયાં મેટ્રોના મોટા પ્રોજેક્ટ શરુ થયા છે તો હું તેનું જ ઉદાહરણ તમને આપવા માંગું છું.

સાથીઓ, આપણા દેશમાં પહેલી મેટ્રો ૩૦-35 વર્ષ પહેલા શરુ થઇ હતી. તે પછી 2014 સુધી કેટલાક જ મોટા શહેરોમાં મેટ્રો ચાલી શકી. આજે દેશમાં 27 શહેરોમાં મેટ્રો કાં તો શરુ થઇ ચૂકી છે અથવા નજીકના ભવિષ્યમાં શરુ થવાની છે. આજે દેશભરમાં પોણા સાતસો કિલોમીટરની કાર્યરત છે, જેમાંથી 400 કિલોમીટરની મેટ્રો સેવા વીતેલા પાંચ વર્ષમાં શરુ થઇ છે. જરા વિચારો, અડધા કરતા પણ વધુ મેટ્રો લાઈન છેલ્લા પાંચ વર્ષમાં જોડાઈ છે. અને હજુ 850 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈન પર કામ ચાલી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, લગભગ 600 કિલોમીટરની નવી મેટ્રો લાઈનની સ્વિકૃતિ છેલ્લા પાંચ વર્ષોમાં આપી દેવામાં આવી છે. મુંબઈ હોય, પૂણે હોય કે નાગપુર, મેટ્રો અને તેના કામ આ જ સમય દરમિયાન શરુ થયા છે અને હું ફડણવીસજીની પ્રશંસા કરીશ કે આ પરિયોજનાઓ પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, દેશને 21 સદીના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવો દેશને ઝડપી ગતિએ આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે. આજે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક સમગ્રતયા રીતે વિકસિત કરવા ઉપર કામ ચાલી રહ્યું છે. ટુકડા ટુકડાઓમાં નહી, એક ભારત શ્રેષ્ઠ ભારતના દૃષ્ટિકોણ વડે જઅમે આગળ વધી રહ્યા છીએ. એક રાષ્ટ્ર, એક પાવર ગ્રીડથી લઈને એક રાષ્ટ્ર એક આવાગમન કાર્ડ સુધી, એક રાષ્ટ્ર એક ટેક્સથી લઈને એક રાષ્ટ્ર, અને ઓપ્ટીકલ ફાયબરના એક નેટવર્ક સુધી, સમગ્ર દેશમાં અમારી સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો, આપણા સૌની એ જવાબદારી છે કે આપણા બાળકો, આપણી આવનારી પેઢીઓ તે પરેશાનીમાં ના રહે જેમાં આપણે રહેતા આવ્યા છીએ. આપણે બાળકોને વિરાસતમાં મુશ્કેલીઓ ના આપીએ. દરેક વ્યક્તિના જીવન સ્તરમાં થનારો સુધારો દેશની સ્થિતિમાં સુધારો લાવી શકે છે. આપણે આપણો વર્તમાન, ભૂતકાળના સપનાઓ પૂરા કરવાની સાથે જ ભવિષ્યની તૈયારીઓમાં પણ હોમવો પડશે. દેશ ભવિષ્યની માટે આજથી જ તૈયાર થશે, ત્યારે જ તમારા બાળકો સુખી જીવન વિતાવી શકશે.

તમારા આશીર્વાદથી નવી સરકાર બન્યા બાદ અમારી સરકારે જે નિર્ણયો લીધા, તે ભારતવાસીઓના ભવિષ્યને મજબૂત કરશે, સુરક્ષિત કરશે.

સાથીઓ, દેશની જનતાએ જે જનાદેશ આપ્યો હતો, તેનું સન્માન કરતા સાચી દિશામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સરકારને 100 દિવસ હજુ હવે થઇ રહ્યા છે અને આ 100 દિવસોમાં જ એવા એવા કાર્યો થયા છે, જે અભૂતપૂર્વ પણ છે અને ઐતિહાસિક પણ છે. જળજીવન મિશનની શરૂઆત હોય કે દેશના દરેક ખેડૂતને કિસાન સન્માન નિધિની હદમાં લાવવાનો નિર્ણય હોય, આપણી મુસ્લિમ બહેન દીકરીઓને ત્રણ તલાકના સંકટમાંથી મુક્તિ અપાવનારો કાયદો હોય કે પછી બાળકોની સુરક્ષા સાથે જોડાયેલ કાયદો; દરેક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ સરકારના આ નિર્ણયો અને આ કાર્યોની વચ્ચે, તમારી સેવાની વચ્ચે મેં એક અન્ય સંકલ્પ પણ લીધો છે. આ સંકલ્પ છે વધુમાં વધુ લોકોને, વધુમાં વધુ અવસરો પર પોતાની ફરજો પ્રત્યે સજાગ કરવાનો. એક ભારતીય એક સંકલ્પ. લોકમાન્ય તિલકજીએ કહ્યું હતું, ‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે’. આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે, આપણી માટે નવો મંત્ર છે- ‘સુરાજ્ય આપણે દેશવાસીઓનું કર્તવ્ય છે.’ એક ભારતીય - એક સંકલ્પની સાથે હું તમને પ્રાર્થના કરીશ- તમારો નક્કી કરેલો સંકલ્પ... એક તો તમે સંકલ્પ જરૂરથી કરજો અને જે પણ સંકલ્પ કરો, દેશહિતની માટે કરજો અને સંકલ્પ પૂરો કરવાના વિષયમાં ક્યારેય પાછા ના પડતા. તમે લોકો મુંબઈના હિતમાં, મહારાષ્ટ્રના હિતમાં જે પણ સંકલ્પ લેવા માંગો તે સંકલ્પ લઇ શકો છો.

જો કે એક સૂચન હું તમને અત્યારે જ આપી શકું છું, તમે માનશો ખરા? અવાજ થોડો ધીમો થઇ ગયો. માનશો ખરા? પાક્કું માનશો ને? પૂરું કરશો? એકલા પણ કરશો અને સાથે મળીને પણ કરશો ને?

સાથીઓ, બાપ્પાની વિદાય દરમિયાન ઘણું બધું પ્લાસ્ટિક અને અન્ય કચરો સમુદ્રમાં જતો રહે છે. આ વખતે આપણે પ્રયાસ કરવાનો છે કે એવો સામાન જે જળ પ્રદુષણ વધારતો હોય, તેને પાણીમાં નહી વહાવીએ. એટલું જ નહી, વિસર્જન બાદ આપણે આપણા પોત પોતાના સ્તર પર સમુદ્રમાંથી મીઠી નદી સહીત પાણીના અન્ય સ્ત્રોતોને પ્લાસ્ટિક મુક્ત કરવામાં લાગી જઈશું. તમે આ કામ કરશો? જરા પાછળથી પણ અવાજ આવી જાય, કરશો? પાક્કું કરશો ને? મને પૂરો વિશ્વાસ છે કે તમારો આ જ ઉત્સાહ સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત કરવામાં બહુ મોટી ભૂમિકા નિભાવશે.

એક વાર ફરી આપ સૌને વિકાસના તમામ પ્રોજેક્ટ્સની માટે અનેક અનેક શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ઉત્સવના સમયે તમામ વ્યસ્તતાઓની વચ્ચે પણ આપ સૌ અહિયાં પધાર્યા, તેની માટે હું હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું.

જય મુંબઈ, જય મહારાષ્ટ્ર.

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ખૂબ-ખૂબ આભાર!

RP



(Release ID: 1585113) Visitor Counter : 323