પ્રધાનમંત્રીનું કાર્યાલય

પૂર્વીય આર્થિક મંચની બેઠક માટે રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાતે રવના થતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

Posted On: 03 SEP 2019 3:53PM by PIB Ahmedabad

હું 4-5 સપ્ટેમ્બર, 2019ના રોજ રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાત લઇ રહ્યો છું.

રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશની ભારતીય પ્રધાનમંત્રી તરીકેની મારી આ પ્રથમ મુલાકાત અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધોના જોડાણને બન્ને પક્ષો તરફથી વધારે વૈવિધ્યપૂર્ણ બનાવવા અને વધારે મજબૂત કરવાની ઇચ્છા દર્શાવે છે.

મારી મુલાકાતના બે હેતુ – રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર 5માં પૂર્વીય આર્થિક મંચના મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવાનો અને તેમની સાથે 20મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન હાથ ધરવાનો છે. આ મંચ રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશમાં વ્યાપાર અને રોકાણની તકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે ગાઢ અને પરસ્પર લાભદાયક સહકાર વિકસાવવાની પ્રચંડ સંભાવનાઓ રજૂ કરે છે.

આપણા બન્ને દેશો પોતાની વિશિષ્ટ અને આગવી વ્યૂહાત્મક ભાગીદારીના મજબૂત પાયા પર નિર્માણ પામેલા સર્વશ્રેષ્ઠ સંબંધોનો ફાયદો મેળવે છે. બન્ને દેશો સંરક્ષણ, નાગરિક અણુ ઉર્જા અને અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વ્યાપકપણે સહકાર ધરાવે છે. આપણે મજબૂત અને વૃદ્ધિ પામી રહેલા વેપાર અને રોકાણ સંબંધો ધરાવીએ છીએ.

આપણી મજબૂત ભાગીદારી બહુઆયામી વિશ્વને પ્રોત્સાહન કરવાની ઇચ્છા દ્વારા પૂરક બને છે અને બન્ને દેશો પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મંચ પર આ હેતુ સિદ્ધ કરવા પરસ્પર ગાઢ સહકાર આપે છે.

હું અમારી દ્વિપક્ષીય ભાગીદારી તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના વ્યાપક ક્ષેત્રો પર મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરવાની આતુરતાથી રાહ જોઉ છું. હું પૂર્વીય આર્થિક મંચમાં ઉપસ્થિત રહેનારા અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત અને તેમા ભાગ લઇ રહેલા ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપની આશા રાખું છું.



(Release ID: 1584008) Visitor Counter : 212