મંત્રીમંડળ

મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો માટે સત્તામંડળ સ્થાપિત કરવાનો ખરડો, 2019 મારફતે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (આઇએફએસસી) માટે એકીકૃત સત્તામંડળની સ્થાપના કરવા માટે મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આંતરરાષ્ટ્રીય નાણાં સેવા કેન્દ્રો સત્તામંડળ ખરડો, 2019 મારફતે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનાં કેન્દ્રો (આઇએફએસસી)માં પ્રદાન કરવામાં આવતી તમામ નાણાકીય સેવાઓનું નિયમન કરવા માટે એકીકૃત સત્તામંડળની સ્થાપનાને મંજૂરી આપી છે.

ભારતમાં પ્રથમ આઇએફએસસીની સ્થાપના ગુજરાતનાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં થઈ છે. આઇએફએસસી એવી નાણાકીય સેવાઓ અને નાણાકીય વ્યવહારોને પરત લાવવા સક્ષમ છે, જેને અત્યારે ભારતીય કૉર્પોરેટ સંસ્થાઓ વિદેશમાં નાણાકીય કેન્દ્રો અને નાણાકીય સંસ્થાઓ (એફઆઇ)ની વિદેશી શાખાઓ/પેટાકંપનીઓ દ્વારા હાથ ધરે છે. ભારતમાં આઇએફએસસી લંડન અને સિંગાપોર જેવા દુનિયાનાં અન્ય અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાં કેન્દ્રોને સમકક્ષ વ્યાવસાયિક અને નિયમનકારક વાતાવરણ ઓફર કરે છે. આ કેન્દ્ર ભારતીય કૉર્પોરેટને આંતરરાષ્ટ્રીય નાણાં બજારોની સુલભતા સરળતાપૂર્વક પ્રદાન કરશે. આઇએફએસસી ભારતમાં નાણાકીય બજારોમાં પૂરક બનશે અને વધુ વિકાસને પ્રોત્સાહન આપશે.

અત્યારે આઇએફએસસીમાં બેંકિંગ, મૂડીબજારો અને વીમા ક્ષેત્રોનું નિયમન વિવિધ નિયમનકારક સંસ્થાઓ એટલે કે આરબીઆઈ, સેબી અને ઇરડા દ્વારા થાય છે. આઇએફએસસીમાં વ્યવસાયોનાં સંચાલન માટે આંતરનિયમનકારક સંકલન જરૂરી છે. આ માટે આઇએફએસસીમાં નાણાકીય પ્રવૃત્તિઓનાં સંચાલન માટે હાલનાં નિયમનોમાં નિયમિતપણે સ્પષ્ટતાઓ અને અવારનવાર સુધારાની જરૂર પણ છે. આઇએફએસસીમાં નાણાકીય સેવાઓ અને ઉત્પાદનોનાં વિકાસ માટે કેન્દ્રિત અને પ્રતિબદ્ધત નિયમનકારક હસ્તક્ષેપની જરૂર પડશે. એટલે ભારતમાં નાણાકીય બજારોનાં સહભાગીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું નિયમનકારક વાતાવરણ પ્રદાન કરવા એકીકૃત નાણાકીય નિયમનકારની જરૂરિયાત અનુભવવામાં આવે છે. ઉપરાંત આ વેપારવાણિજ્યને સરળ કરવાની દ્રષ્ટિએ પણ જરૂરી બનશે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રદાન કરીને વિકાસને વધારે વેગ આપવા પણ એકીકૃત સત્તામંડળની જરૂર પડશે.

આઇએફએસસીની નિયમનકારક જરૂરિયાતો અને નાણાકીય ક્ષેત્રની હાલની કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લેતાં નાણાં મંત્રાલય (એમઓએફ)નાં આર્થિક બાબતોનાં વિભાગ (ડીઇએ)એ આઇએફએસસી માટે અલગ એકીકૃત નિયમનકારક સંસ્થાની સ્થાપના માટે ખરડો તૈયાર કર્યો છે. આ ખરડાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ

સત્તામંડળનું વ્યવસ્થાપન: સત્તામંડળમાં ચેરપર્સન, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા, સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી), ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડા) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએફઆરડીએ) દ્વારા નિયુક્ત એક-એક સભ્ય, કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે સભ્ય અને અન્ય બે પૂર્ણકાલિન કે કામચલાઉ સભ્યો હશે.

સત્તામંડળની કામગીરીઃ સત્તામંડળ આઇએફએસસીમાં નાણાકીય ક્ષેત્રનાં નિયમનકારક સંસ્થાઓ દ્વારા મંજૂરી આપવામાં આવેલી તમામ પ્રકારની નાણાકીય સેવાઓ, નાણાકીય ઉત્પાદનો અને નાણાકીય સંસ્થાઓનું નિયમન કરશે. સત્તામંડળ સમયે-સમયે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇડ કરવામાં આવે એ આ પ્રકારનાં નાણાકીય  ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અથવા નાણાકીય સંસ્થાઓનું નિયમન પણ કરશે. આ કેન્દ્ર સરકારને આ પ્રકારનાં અન્ય નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓની ભલામણ પણ કરી શકે છે, જેને આઇએફએસસીમાં મંજૂરી આપવામાં આવી હોય એવું બની શકે છે.

સત્તામંડળનાં અધિકારો: સંબંધિત કાયદાઓ હેઠળ સંબંધિત નાણાકીય ક્ષેત્ર નિયમનકારી સંસ્થાઓ (એટલે કે આરબીઆઈ, ઇરડા, સેબી અને પીએફઆરડીએ વગેરે)ને પ્રાપ્ત તમામ અધિકારોનો ઉપયોગ આઇએફએસસીમાં કાર્યરત થનાર સત્તામંડળ નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને એફઆઇનાં સંબંધમાં કરશે, જેની મંજૂરી આઇએફએસસીમાં કામ કરવા માટે આપવામાં આવી છે.

સત્તામંડળની પ્રક્રિયાઓ અને કામ કરવાની રીતોઃ સત્તામંડળ આ પ્રકારનાં નાણાકીય ઉત્પાદનો, સેવાઓ કે સંસ્થાઓને લાગુ કરી શકાય એવા ભારતીય સંસદનાં સંબંધિત કાયદાની જોગવાઈઓને અનુરૂપ પ્રક્રિયાઓ અને કામ કરવાની રીતોનું અનુસરણ કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા સહાય: આ માટે સંસદમાં કાયદા દ્વારા ઉચિત મંજૂરી મળ્યાં પછી કેન્દ્ર સરકાર સત્તામંડળને એની કામગીરી માટે ઉપયોગી થઈ શકે એવી ઉચિત નાણાકીય સહાય કરી શકે છે.

વિદેશી ચલણમાં નાણાકીય વ્યવહારો: આઇએફએસસીમાં નાણાકીય સેવાઓનાં નાણાકીય વ્યવહારો વિદેશી ચલણમાં હાથ ધરવામાં આવશે, જે માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચાવિચારણા કરીને સત્તામંડળ સૂચનો તૈયાર કરશે.

આઇએફએસસી માટે એકીકૃત નાણાકીય નિયમનકારક સંસ્થાની સ્થાપના થવાથી બજારનાં સહબાગીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનાં નિયમનકારક વાતાવરણથી લઈને વેપાર-વાણિજ્યમાં સરળતાની સુવિધા મળશે. આ સંસ્થા ભારતમાં આઇએફએસસીનાં વધુ વિકાસને વેગ આપશે તથા વિદેશમાં નાણાકીય કેન્દ્રોમાં હાલ હાથ ધરવામાં આવતી નાણાકીય સેવાઓ અને નાણાકીય વ્યવહારોને ભારતમાં પરત લાવવામાં મદદરૂપ થશે. એનાથી આઇએફએસસીમાં રોજગારીનું નોંધપાત્ર સર્જન થશે તેમજ ભારતમાં નાણાકીય ક્ષેત્રમાં સંપૂર્ણપણએ રોજગારીમાં વધારો થશે.

 

J.Khunt/RP



(Release ID: 1563449) Visitor Counter : 322