પોસ્ટેડ ઓન:
17 NOV 2026 1:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઈન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરના આમંત્રણ પર મનિલામાં 23મી ભારત-આસિયાન શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે ‘નેવિગેટિંગ અવર ફ્યુચર, ટુગેધર’ થીમ હેઠળ આસિયાનની સફળ અધ્યક્ષતા અને ભારત માટે કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકેના તેમના સમર્થન બદલ રાષ્ટ્રપતિ માર્કોસને અભિનંદન પાઠવ્યા હતા.
શિખર સંમેલનને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારત આસિયાન સાથેની તેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને જે મહત્વ આપે છે તે રેખાંકિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પુષ્ટિ કરી હતી કે આસિયાન અને ભારતે આ ક્ષેત્રમાં અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને પૂર્વાનુમાનિતતા માટે કામ કરવું જોઈએ. ભારત મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ અને નિયમો-આધારિત ઈન્ડો-પેસિફિકમાં માને છે તેની નોંધ લેતા તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રનું ભવિષ્ય સહકાર પર નિર્ભર છે, સ્પર્ધા પર નહીં.
ભારત આસિયાનની એકતા અને કેન્દ્રીયતા પ્રત્યે દૃઢપણે પ્રતિબદ્ધ છે તેના પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે આસિયાન કોમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047 ભારત અને આસિયાનના લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓના સમયે, ભારત અને આસિયાન વચ્ચેના સહિયારા મૂલ્યો, સમાન વૈશ્વિક દૃષ્ટિકોણ અને ઊંડા સાંસ્કૃતિક સંબંધોએ ભાગીદારીને એક નવું પરિમાણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની એક્ટ ઈસ્ટ નીતિએ ભારત-આસિયાન સંબંધોને નવી ગતિ આપી છે.
વિશ્વના ભવિષ્ય માટે ટેકનોલોજીના મહત્વનો ઉલ્લેખ કરતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને આસિયાન માત્ર ટેકનોલોજીના ગ્રાહક જ ન બની રહેવા જોઈએ, પરંતુ તેનું સહ-નિર્માણ કરવું જોઈએ અને આપણા લોકોને કૌશલ્યપૂર્ણ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 2027 ભારત-આસિયાન સંબંધો માટે એક વિશેષ વર્ષ હશે, જ્યારે બંને પક્ષો તેમના સંબંધોના 35 વર્ષ અને તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના 5 વર્ષની ઉજવણી કરશે.
પ્રધાનમંત્રીએ ભારત-આસિયાન જોડાણને મજબૂત કરવા માટે અનેક પ્રસ્તાવો સૂચવ્યા હતા, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
· કનેક્ટિવિટી, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ સહકાર, મેરીટાઇમ ડોમેન અવેરનેસ અને ખલાસીઓની સુરક્ષા વધારવા પર લાંબા ગાળાનો આસિયાન-ભારત મેરીટાઇમ કોઓપરેશન પ્લાન;
· આ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત સાયબર ફોરેન્સિક્સ તાલીમ કાર્યક્રમ;
· આસિયાન-ભારત પરમાણુ ઊર્જા ટેકનિકલ આદાનપ્રદાન;
· આસિયાન-ભારત સ્પેસ હેકાથોન;
· ખાણકામ અને મહત્વપૂર્ણ ખનિજો પર આસિયાન-ભારત સહકાર;
· યુથ સમિટ, યુવા સાંસદોના આદાનપ્રદાન અને સ્ટાર્ટ-અપ હેકાથોન દ્વારા આસિયાન-ભારત યુથ કનેક્ટ;
· નાલંદા યુનિવર્સિટીમાં આસિયાન દેશો માટે શિષ્યવૃત્તિમાં વધારો;
· WAVES 2027 ખાતે આસિયાન-ભારત ક્રિએટિવ પાર્ટનરશિપ પેવેલિયન; અને
· આસિયાન દેશોના પ્રવાસીઓ માટે મફત ઈ-વિઝા.
પ્રધાનમંત્રીએ શિખર સંમેલનનું આયોજન કરવા બદલ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને આસિયાનના આગામી અધ્યક્ષ તરીકે સિંગાપોરના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.
નેતાઓએ આપત્તિ વ્યવસ્થાપનમાં સહકાર પર આસિયાન-ભારત સંયુક્ત નિવેદન [link] સ્વીકાર્યું હતું. પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય અહીં જોઈ શકાય
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com