ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવાર, 21 ઓક્ટોબર 2026ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદ દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે


કેન્દ્રીય ગૃહમંત્રી 'ડ્રગ્સ સામેની લડાઈ' થીમ પર એક રાષ્ટ્રવ્યાપી મોટરસાઇકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

આ રેલીના ભાગરૂપે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય દળોના પોલીસ રાઇડર્સ 31 ઓક્ટોબર 2026 ના રોજ એકતા પરેડમાં જોડાવા માટે એકતા નગર, ગુજરાત પહોંચશે

21 ઓક્ટોબર 1959 ના રોજ, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ભારે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં દસ બહાદુર પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

આ શહીદો અને ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા અન્ય તમામ શહીદોની યાદમાં 21 ઓક્ટોબરની ઉજવણી કરવામાં આવે છે

પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષા તથા અખંડિતતા જાળવવામાં તેમની સર્વોપરી ભૂમિકાની કદરરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ શહીદ દિન-2018 ના રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું

પોસ્ટેડ ઓન: 19 OCT 2026 5:50PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવાર, 21 ઓક્ટોબર 2026 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદ દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ગૃહમંત્રી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી); કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CRPF, CISF, BSF, SSB, ITBP અને NSG) અને કેટલાક કેન્દ્રીય પોલીસ સંગઠનો (RPF, NDRF અને NIA) ના આશરે 90 પોલીસ રાઇડર્સની મોટરસાઇકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ 'ડ્રગ્સ સામેની લડાઈ' (ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ) થીમ પરની રાષ્ટ્રવ્યાપી રેલીનો એક ભાગ છે, જેમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય દળોના પોલીસ રાઇડર્સ 31 ઓક્ટોબર 2026 ના રોજ એકતા પરેડમાં જોડાવા માટે એકતા નગર, ગુજરાત પહોંચશે.

21 ઓક્ટોબર 1959 ના રોજ, લડાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ભારે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં દસ બહાદુર પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારથી, દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ શહીદ દિન (પોલીસ કોમેમોરેશન ડે) તરીકે મનાવવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષા તથા અખંડિતતા જાળવવામાં તેમની સર્વોપરી ભૂમિકાની કદરૂપે, પ્રધાનમંત્રીએ પોલીસ શહીદ દિન-2018 ના રોજ ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારક (NPM) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ સ્મારક પોલીસ દળોને રાષ્ટ્રીય ઓળખ, ગૌરવ, હેતુની એકતા, સામાન્ય ઈતિહાસ અને ભાગ્યની અનુભૂતિ કરાવે છે, ઉપરાંત પોતાના જીવનના ભોગે પણ રાષ્ટ્રનું રક્ષણ કરવાની તેમની કટિબદ્ધતાને મજબૂત કરે છે. આ સ્મારકમાં સેન્ટ્રલ સ્કલ્પ્ચર, 'વોલ ઓફ વેલર' (વીરતાની દીવાલ) અને એક મ્યુઝિયમનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ સ્કલ્પ્ચર, જે 30 ફૂટ ઊંચું ગ્રેનાઈટ મોનોલિથ સ્મારક છે, તે પોલીસ કર્મચારીઓની શક્તિ, દૃઢતા અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. 'વોલ ઓફ વેલર' જેના પર શહીદોના નામ કોતરાયેલા છે, તે આઝાદી પછી ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા પોલીસ જવાનોની બહાદુરી અને બલિદાનની અવિચળ સ્વીકૃતિ તરીકે ઊભી છે. આ મ્યુઝિયમ ભારતમાં પોલીસિંગ પરના એક ઐતિહાસિક અને વિકસતા પ્રદર્શન તરીકે વિભાવિત કરવામાં આવ્યું છે. આ સ્મારક પોલીસ કર્મચારીઓ અને નાગરિકો બંને માટે તીર્થધામ અને આદરનું સ્થાન છે. સોમવાર સિવાય તમામ દિવસે NPM જનતા માટે ખુલ્લું રહે છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) દર શનિવાર અને રવિવારે સાંજે સૂર્યાસ્તના એક કલાક પહેલાં NPM ખાતે બેન્ડ ડિસ્પ્લે, પરેડ અને રિટ્રીટ સેરેમનીનું આયોજન કરે છે.

અગાઉના વર્ષોની જેમ જ, પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં પોલીસ શહીદ દિન, એટલે કે 21 ઓક્ટોબર મનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય પોલીસ સ્મારક, નવી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને દિલ્હી પોલીસની સંયુક્ત પરેડ યોજાશે. પરંપરા મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, પોલીસ બેકગ્રાઉન્ડ ધરાવતા સાંસદો, CAPFs/CPOs ના વડાઓ અને અન્ય મહાનુભાવો પણ પુષ્પચક્ર અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. નિવૃત્ત ડીજી, પોલીસ બિરાદરીના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધિત કરશે. હોટ સ્પ્રિંગ્સના શહીદોને સમર્પિત વેદી પર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પુષ્પચક્ર અર્પણ કરવા સાથે કાર્યક્રમનું સમાપન થશે. આ કાર્યક્રમનું દૂરદર્શન પર સીધું પ્રસારણ, પોલીસ વેબસાઈટ પર વેબકાસ્ટ અને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) તથા મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવશે.

યાદગાર પ્રસંગોના ભાગરૂપે, CAPFs/CPOs દ્વારા 22 થી 30 ઓક્ટોબર દરમિયાન NPM ખાતે વિવિધ સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં શહીદોના પરિવારજનોની મુલાકાત, પોલીસ બેન્ડ ડિસ્પ્લે, મોટરસાઇકલ રેલીઓ, રન ફોર માર્ટિયર્સ, રક્તદાન શિબિરો, બાળકો માટે નિબંધ/ચિત્ર સ્પર્ધાઓ અને પોલીસ જવાનોના બલિદાન, વીરતા અને સેવાઓ દર્શાવતી વિડિયો ફિલ્મોનું પ્રદર્શન સામેલ હશે. આ સમયગાળા દરમિયાન દેશભરના તમામ પોલીસ દળો દ્વારા આવા જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક

ચાણક્યપુરી, નવી દિલ્હી

SM/DK/JD

 


(રીલીઝ આઈડી: 2325227) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Malayalam