ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને મહાત્મા ગાંધીજી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી અને થિરુ કે. કામરાજજીને શ્રદ્ધાંજલિ અર્પી

પોસ્ટેડ ઓન: 02 OCT 2026 12:24PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે મહાત્મા ગાંધીજી, પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી થિરૂ કે. કામરાજજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.


રાજ ઘાટ ખાતે ઉપરાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના ચિરંજીવ વારસાને યાદ કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સત્ય અને અહિંસામાં મહાત્મા ગાંધીજીની અચળ શ્રદ્ધા, ન્યાય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને દરેક વ્યક્તિની ગરિમામાં ગાઢ વિશ્વાસ માનવતાને સતત પ્રેરણા આપે છે.

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીનું જીવન અને સંદેશ શાંતિ, કરુણા, નિઃસ્વાર્થતા અને સેવાનો એક ચિરંતન માર્ગદર્શક દીપક બની રહે છે. તેમણે મહાત્મા ગાંધીજી દ્વારા જતન કરાયેલા મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃનિશ્ચિત કરવા અને એક ન્યાયી, સંવાદિતાપૂર્ણ અને સર્વસમાવેશી સમાજ નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા દરેકને આહ્વાન કર્યું હતું.

વિજય ઘાટ ખાતે ઉપરાષ્ટ્રપતિએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

શાસ્ત્રીજીને શાંત શક્તિ અને અસાધારણ સંકલ્પના નેતા તરીકે વર્ણવતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે તેઓ નમ્રતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ હતા. તેમણે યાદ કર્યું કે, ભારતની યાત્રાની એક નિર્ણાયક ક્ષણે શાસ્ત્રીજીના નેતૃત્વએ આત્મવિશ્વાસ અને એકતા જગાડી હતી, જ્યારે તેમના "જય જવાન, જય કિસાન"ના નારાએ દેશના સૈનિકોના બલિદાન અને તેના ખેડૂતોના મહત્વપૂર્ણ યોગદાનને ચિરંજીવ ઓળખ આપી હતી.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન એ વાસ્તવિક યાદ અપાવે છે કે સાચું નેતૃત્વ સરળતા, હિંમત અને રાષ્ટ્રસેવામાં રહેલું છે.


ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે, ઉપરાષ્ટ્રપતિએ થિરૂ કે. કામરાજજીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જાહેર જીવન તથા રાષ્ટ્રનિર્માણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને યાદ કર્યું હતું.

કામરાજજીને એક ઉચ્ચ કક્ષાના રાજમર્મી અને સાચા લોકનાયક તરીકે વર્ણવતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે તેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સેવા અને સામાન્ય લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

તેમણે કહ્યું કે કામરાજજી તેમનું સમગ્ર જીવન ગાંધીવાદી વિચારોથી પ્રેરાઈને જીવ્યા હતા અને રસ્તાઓ તથા શિક્ષણ સંસ્થાઓનો વિસ્તાર કરીને, મધ્યાહન ભોજન કાર્યક્રમ શરૂ કરીને અને ગરીબોના જીવનમાં નવી આશા લાવીને તમિલનાડુના વિકાસમાં કાયમી યોગદાન આપ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ બંધોના નિર્માણ અને ઔદ્યોગિક વસાહતોની સ્થાપના દ્વારા સિંચાઈ અને ઔદ્યોગિક વિકાસમાં કામરાજજીના યોગદાનને પણ યાદ કર્યું હતું, જેણે તમિલનાડુમાં કૃષિ અને ઉદ્યોગના વિકાસ માટે પાયો નાખ્યો હતો.

 

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2318106) મુલાકાતી સંખ્યા : 16