પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

UPSCના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 01 OCT 2026 1:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગીઓ - ડૉ. જિતેન્દ્ર સિંહ જી, પી.કે. મિશ્રાજી, ટી.વી. સોમનાથનજી, અજય કુમારજી; UPSCના તમામ સન્માનનીય સભ્યો; વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગના અધ્યક્ષો; અન્ય વિશિષ્ટ અતિથિગણ, દેવીઓ અને સજ્જનો.

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલાં, હું ગઈકાલે બનેલી એક ઘટના વિશે વાત કરવા માંગુ છું. હું ભારતના કેપ્ટન સ્મિત દ્વારા દર્શાવવામાં આવેલી ધીરજ, ત્વરિત નિર્ણયશક્તિ અને સાહસ પર પ્રકાશ પાડવા માંગુ છું. જેમ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી ઉલ્લેખ કર્યો છે તેમ, આ ભારતીયે 9/11 જેવી દુર્ઘટનાને અટકાવી છે. સ્મિતની બહાદુરી દરેક ભારતીયનું ગૌરવ વધારે છે. આજે મેં તેમના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને પત્ની સોનલબેન સાથે પણ વાત કરી. તેઓ હાલમાં સારવાર હેઠળ છે અને આજે સમગ્ર વિશ્વને તેમના પર ગર્વ છે. હું મારા દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ સ્મિતના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે અને ભારતનું ગૌરવ વધારનાર ભાઈ સ્મિતને સલામ કરે.

મિત્રો,

આજે માત્ર UPSCની શતાબ્દીની ઉજવણી જ નથી થઈ રહી, પરંતુ તેની વિરાસતની પણ ઉજવણી થઈ રહી છે. આ દર વર્ષે લાખો યુવાનો દ્વારા સેવવામાં આવતી આકાંક્ષાઓની ઉજવણી છે. આ એ વિશ્વાસની ઉજવણી છે જે દરેક ભારતીય આ સંસ્થામાં મૂકે છે. આ 100 વર્ષની સફરમાં પેઢીઓ બદલાઈ છે, સરકારો બદલાઈ છે, ટેક્નોલોજી વિકસી છે અને અભ્યાસક્રમોમાં સુધારા થયા છે; તેમ છતાં, UPSC પ્રત્યેનો વિશ્વાસ અગાઉની જેમ જ અટલ રહ્યો છે - અને આ તમારા બધા માટે એક અમૂલ્ય સંપત્તિ છે. આ 100 વર્ષની સફરની યાદમાં, હમણાં જ એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યા છે. 100 મહત્વપૂર્ણ કેસ-લો (ન્યાયિક નિર્ણયો)ના સંગ્રહનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું આ 100 વર્ષની સફર સાથે જોડાયેલા તમામ વિશિષ્ટ મહાનુભાવોને નમન કરું છું અને આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. હું હમણાં જ ત્યાં તૈયાર કરવામાં આવેલી એક નાની ગેલેરીનું નિરીક્ષણ કરી રહ્યો હતો; હું આપ સૌને વિનંતી કરીશ કે તમે પણ તેને જુઓ - તેમાં માત્ર 10-15 મિનિટનો સમય લાગશે. મેં ત્યાં 75મી વર્ષગાંઠના કાર્યક્રમનો એક ફોટોગ્રાફ પણ જોયો, જેમાં લેફ્ટનન્ટ જનરલ સુરેન્દ્ર નાથ જોવા મળે છે; તેઓ આજે 90 વર્ષની વયે આપણી વચ્ચે ઉપસ્થિત છે.

મિત્રો,

 

એવા ઘણા વ્યક્તિઓ છે જેમણે પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાથી આ સફરને નવી દિશા આપી છે, સમયસર જરૂરી ફેરફારો અમલમાં મૂક્યા છે અને આ સંસ્થાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેઓ સૌ આપણા આદર અને પ્રશંસાને પાત્ર છે. ગેલેરી જોતી વખતે, મને ૧૯૨૦ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જે પ્રક્રિયામાંથી પસાર થયા હતા તેની વિગતો જોવા મળી. મને એ વાતનો વિશેષ ખ્યાલ આવ્યો કે તે સમયે બ્રિટિશ શાસન હોવા છતાં, પરીક્ષામાં સંસ્કૃત વિષયનું પેપર સામેલ હતું અને સુભાષ બાબુએ ખરેખર તેમનું પેપર સંસ્કૃતમાં જ લખ્યું હતું.

મિત્રો,

આ ઐતિહાસિક અવસરે, હું સરદાર વલ્લભભાઈ પટેલને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગુ છું. આઝાદી પછી, તેમની સમક્ષ માત્ર દેશની સ્વતંત્રતા જાળવી રાખવાનો જ નહીં, પરંતુ રાષ્ટ્રના શાસન અને વહીવટની જવાબદારી સંભાળવાનો પણ પડકાર હતો. સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે જરૂરી 'સ્ટીલ ફ્રેમ'—એટલે કે વહીવટી માળખાનો મજબૂત આધાર—પૂરો પાડ્યો. તેમણે આ સંસ્થાને સ્વતંત્ર ભારતના એક મુખ્ય સ્તંભ તરીકે સ્થાપિત કરી અને તેને સુદ્રઢ બનાવી.

મિત્રો,

જ્યારે 1926માં આ સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો ત્યારે પ્રાથમિકતાઓ અલગ હતી. તે સમયે, સમગ્ર વ્યવસ્થાનું ધ્યાન અને સમર્પણ બ્રિટિશ શાસન તરફ કેન્દ્રિત હતું. દેશને આઝાદી મળ્યા બાદ, સ્વતંત્ર ભારતના સપનાં અને ભારતીય વ્યવસ્થા પોતે જ મુખ્ય કેન્દ્રબિંદુ બની ગયા. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં UPSCએ પોતાની જવાબદારીઓ ખૂબ જ પ્રશંસનીય રીતે નિભાવી છે—આ વિષય પર આ મંચ પરથી અગાઉ પણ વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે. તેથી, હું તે મુદ્દાઓનું પુનરાવર્તન કે વિસ્તૃત વર્ણન કરવા માંગતો નથી. ઇતિહાસથી આગળ વધીને, હવે ભારતનું ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. ૨૧મી સદીનો એક ચોથો ભાગ—એટલે કે ૨૫ વર્ષ—વીતી ચૂક્યા છે. આગામી ૨૦ થી ૨૫ વર્ષ ભારત માટે, દરેક ભારતીય નાગરિક માટે અને દરેક ભારતીય સંસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી જ આજે હું મારું વક્તવ્ય આ દિશા પર કેન્દ્રિત કરીશ.

મિત્રો,

'વિકસિત ભારત' માટે દેશને જે પ્રકારના શાસનની જરૂર છે, તે પૂરું પાડવામાં UPSC અને રાજ્ય ભરતી આયોગો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ભરતી થનારા યુવાનો વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે અને તેના મુખ્ય લાભાર્થીઓ પણ તેઓ જ હશે. આ બાબતને ધ્યાનમાં રાખીને, આપણે હંમેશા બે માપદંડોને ધ્યાનમાં રાખવા જોઈએ: 'રાષ્ટ્ર પ્રથમ' અને 'નાગરિક પ્રથમ'. દરેક પસંદગી પ્રક્રિયાને આ બે માપદંડોના આધારે તપાસવી જોઈએ. જ્યારે ઉમેદવારોનું મૂલ્યાંકન આ માનસિકતા સાથે કરવામાં આવે છે - અને જ્યારે આ ભાવના ધરાવતા લોકોની પસંદગી થાય છે - ત્યારે રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું કાર્ય ઘણું સરળ અને સુગમ બની જાય છે.

મિત્રો,

વર્ષ 2047નું ભારત આજની સરખામણીમાં ઘણું અલગ હશે. તે વધુ શહેરીકૃત હશે અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટ્યું હશે. આપણા નાગરિકોની - ખાસ કરીને યુવાનોની - આકાંક્ષાઓ અને અપેક્ષાઓ ઘણી વધારે હશે. આપણે આ પરિવર્તનને અત્યારે જ આકાર લેતું જોઈ શકીએ છીએ. તેથી, આજનો મુદ્દો માત્ર સેવા પૂરી પાડવાનો નથી; પરંતુ તે એ પણ છે કે શું જાહેર સેવાઓ એવી દુનિયા સાથે કદમ મિલાવી શકે છે જે ત્વરિત સેવા મેળવવાની આદત ધરાવે છે? શું તે તે ગતિએ કામ કરી શકે છે? આજના નાગરિકો કોઈ સેવા માટે અઠવાડિયા કે મહિનાઓ સુધી રાહ જોવા માંગતા નથી. જ્યારે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) માત્ર થોડી ક્ષણોમાં હજારો દસ્તાવેજોની પ્રક્રિયા કરી શકે છે અને સરકાર પાસે 'રિયલ-ટાઇમ' ડેટા ઉપલબ્ધ હોય છે, ત્યારે નાગરિકો ઝડપી ઉકેલોની અપેક્ષા રાખે છે. માનસિકતામાં આવેલો આ બદલાવ આપણી સિવિલ સર્વિસીસમાં પણ પરિવર્તનની માંગ કરે છે. પરિણામે, આપણે આપણા પસંદગીના માપદંડો અને ભરતી પ્રક્રિયાઓને ભવિષ્યની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવી પડશે. આપણે જાહેર સેવામાં એવા યુવાનોને લાવવાની જરૂર છે જેઓ જાહેર હોદ્દાના આકર્ષણથી નહીં, પરંતુ જનસેવાની ભાવનાથી પ્રેરાઈને આવે છે. તેથી, ભરતી પરીક્ષાઓએ માત્ર ઉમેદવારના જ્ઞાનનું મૂલ્યાંકન ન કરવું જોઈએ; પરંતુ તે યુવાન સિવિલ સર્વિસીસમાં શા માટે જોડાવા માંગે છે તે પાછળના મૂળ કારણોને પણ સમજવા જોઈએ. કારણ કે જ્યારે પ્રેરણા સાચી હોય, ત્યારે બદલાતી જતી જન-આકાંક્ષાઓ સાથે કદમ મિલાવવા અને તે મુજબ અનુકૂલન સાધવાનું સરળ બની જાય છે.

મિત્રો,

તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે જ્યારે પણ હું તાલીમાર્થી અધિકારીઓને મળું છું, ત્યારે હું તેમને શરૂઆતમાં જ—પોતાના હાથે—તે કારણો લખવાનું કહું છું જેના લીધે તેઓ સિવિલ સર્વિસીસમાં જોડાયા હતા. આવું એટલા માટે કારણ કે સમય જતાં જવાબદારીઓ વધે છે અને નવા પડકારો ઊભા થાય છે. આવા સમયે, તે સાદી નોંધ તેમના મૂળ ઉદ્દેશ્યની યાદ અપાવે છે; તે આત્મ-મૂલ્યાંકનનું સાધન બની રહે છે. UPSC અને રાજ્ય પંચો પણ આવી જ કોઈ વ્યવસ્થા વિકસાવવા અંગે વિચારણા કરી શકે છે.

મિત્રો,

આપણે ભૂતકાળમાં એવો યુગ જોયો છે જ્યારે સરકારને સર્વોચ્ચ સત્તા—'માઈ-બાપ' (પાલનહાર અને રક્ષક)—તરીકે જોવામાં આવતી હતી. જોકે, આજે આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે 'નાગરિક દેવો ભવ'—એટલે કે નાગરિક આપણા માટે દેવતા સમાન છે. નાગરિકની સેવા કરવી એ સર્વોપરી છે.

તેથી જ, મિત્રો,

૨૧મી સદીનું ભારત એક નવી કાર્ય-સંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યું છે. તેના મુખ્ય સિદ્ધાંતો છે: પ્રજાલક્ષી, સક્રિય અને સુશાસન. 'જન-કેન્દ્રિત'નો અર્થ છે વહીવટી સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે નાગરિકોના હિતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને કામ કરવું. 'સક્રિય'નો અર્થ છે સંકટ ઊભું થયા પછી પ્રતિક્રિયા આપવાને બદલે સમસ્યાઓનો અંદાજ લગાવીને અગાઉથી જ ઉકેલો તૈયાર રાખવા. 'સુશાસન'નો અર્થ એવી વ્યવસ્થા છે જ્યાં સરકાર ન તો ગેરહાજર હોય કે ન તો દમનકારી હોય, અને જ્યાં કોઈ બિનજરૂરી દખલગીરી ન હોય. રાષ્ટ્રીય અને રાજ્ય એમ બંને સ્તરે, આપણે આ ભાવનાને અનુરૂપ આપણી પસંદગી પ્રક્રિયાઓ ઘડવી જોઈએ. જન-કેન્દ્રિત અભિગમ, સક્રિયતા અને સુશાસન સુનિશ્ચિત કરવાના માપદંડોના આધારે, આપણે દેશને એવા વ્યાવસાયિકો આપવાની જરૂર છે જેઓ ગરીબોની મુશ્કેલીઓ સમજવાની સંવેદનશીલતા ધરાવતા હોય; જેઓ યુવા ઉત્સાહ સાથે પહેલ કરે; જેઓ જટિલ સમસ્યાઓના નવીન ઉકેલો શોધે; જેઓ દેશની જરૂરિયાતોને સમજે; અને જેઓ કાયદાનો અમલ કરતી વખતે એ પણ પારખે કે તે કાયદો લોકોનું જીવન સરળ બનાવી રહ્યો છે કે અવરોધો ઊભા કરી રહ્યો છે. મિત્રો,

મિત્રો,

આજે આપણે જે ઝડપે યુગ અને ટેક્નોલોજી બદલાઈ રહ્યા છે, તેના સાક્ષી બની રહ્યા છીએ. આવનારો સમય સમાજ માટે નવા પ્રકારના પડકારો લઈને આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની વૈશ્વિક ચર્ચાઓથી આપણે સૌ વાકેફ છીએ. પરિણામે, આપણા સરકારી અધિકારીઓએ તદ્દન અલગ પરિસ્થિતિઓમાં કામ કરવું પડશે. માહિતી યુદ્ધ, ડીપફેક્સ, અલ્ગોરિધમિક પૂર્વગ્રહ સંબંધિત પડકારો અને આબોહવા ન્યાય જેવા જટિલ મુદ્દાઓનો સામનો કરવો પડશે. તેથી, આપણી પસંદગી પ્રક્રિયામાં, જટિલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા અને દૂરંદેશીની ચકાસણી કરવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવી જોઈએ.

મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ કે દેશ અત્યારે 'સુધારાની ગતિ’ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. આવા સમયે, આપણી પરીક્ષા સંસ્થાઓએ વર્તમાન સમયની જરૂરિયાતોને અનુરૂપ સુધારાઓ ઝડપથી અમલમાં મૂકવા જોઈએ. ઉદાહરણ તરીકે, પરીક્ષા યોજવામાં લાગતો સમય એ એક મહત્વપૂર્ણ બાબત છે. આપણે પરીક્ષાને માત્ર એક ઘટના તરીકે ન જોવી જોઈએ; તે તેના કરતાં ઘણું વધારે છે—તે આપણા યુવાનોના ભવિષ્ય અને તેમના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. પરીક્ષામાં થોડા મહિનાનો વિલંબ પણ યુવાનો માટે મોટું સંકટ ઊભું કરી શકે છે. કોચિંગ ફી, ઘરનું ભાડું અને મુસાફરી જેવા ખર્ચાઓ પરિવારો પર ભારે બોજ નાખે છે. તેથી, એ આવશ્યક છે કે આપણી પરીક્ષા પ્રણાલી 'સમયની નિશ્ચિતતા'ના સિદ્ધાંતને અપનાવે. UPSC અને દેશભરના તમામ પસંદગી પંચોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગુણવત્તાના ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના પરીક્ષાનું ચક્ર ટૂંકું કરવામાં આવે. હું હમણાં જ ગેલેરી જોઈ રહ્યો હતો; પરીક્ષાની સમયમર્યાદામાં લગભગ 100 દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે તે બાબત ચોક્કસપણે પ્રશંસનીય છે અને હું આપ સૌને અભિનંદન આપું છું.

પરંતુ મિત્રો,

આ માત્ર વહીવટી સુધારો નથી; આ સમાનતા માટેનો સુધારો પણ છે.

મિત્રો,

તમે બધા 'મુખ્ય સચિવોની પરિષદ' અને 'ડીજીપી પરિષદ' વિશે જાણો છો. છેલ્લાં એક દાયકામાં, આ પરિષદો સંસ્થાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તિત થઈ છે, જ્યાં દેશભરના મુખ્ય સચિવો ત્રણ દિવસ સુધી વિચાર-વિમર્શ કરવા માટે એકત્રિત થાય છે. તેવી જ રીતે, તમામ રાજ્યોના ડીજીપી પણ સંવાદ સાધવા માટે ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લે છે. આ પરિષદોનો ઉદ્દેશ્ય એ છે કે રાજ્યો એકબીજાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ વિશે જાણે અને સમજે, તથા જ્યાં યોગ્ય જણાય ત્યાં તેને પોતાના અધિકારક્ષેત્રમાં અમલમાં મૂકે. મને જાણવા મળ્યું છે કે UPSC રાજ્ય જાહેર સેવા આયોગો સાથે મળીને વાર્ષિક રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરે છે. તમે ચોક્કસપણે તેના સ્વરૂપ અને માળખાને નવું પરિમાણ આપવા વિશે વિચારતા હશો—જેમ કે તેનો વ્યાપ વધારવો, તેને વધુ ઉત્પાદક બનાવવી અને તેમાં નવા વિચારોનો સમાવેશ કરવો. આવા પ્રયાસો વિવિધ સંસ્થાઓ વચ્ચે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાનને સરળ બનાવે છે. જોકે, આ પરિષદોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓનું પણ પરીક્ષણ થવું જોઈએ. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓની કાર્યક્ષમતા વધારવા પર વિશેષ ચર્ચા થવી જોઈએ. પરસ્પર શીખવાની આ પહેલથી UPSC તેમજ દરેક રાજ્યના ભરતી આયોગોને લાભ થશે. આપણે આપણી પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓમાં એકરૂપતા લાવવા વિશે પણ વિચારવાની જરૂર છે; આમ કરવાથી યુવાનોને ખૂબ મદદ મળશે.

મિત્રો,

અન્ય એક મહત્વપૂર્ણ બાબત UPSC અને રાજ્ય ભરતી આયોગોની ક્ષમતા નિર્માણ છે—એક એવી પ્રક્રિયા જે સતત ચાલતી રહેવી જોઈએ. 'મિશન કર્મયોગી' હેઠળ તૈયાર કરાયેલા 'iGOT' પ્લેટફોર્મનો ઉપયોગ આપણી આંતરિક પ્રણાલીઓ અને આપણી સાથે કામ કરતી ટીમોની ક્ષમતાઓ વધારવા માટે કરી શકાય છે.

મિત્રો,

તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમારું કાર્ય આપણા યુવાશક્તિના ભવિષ્ય સાથે જોડાયેલું છે. યુવાશક્તિના માધ્યમથી રાષ્ટ્રીય તાકાત ઊભી કરવાના મિશનમાં તમે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છો અને છેલ્લાં કેટલાક વર્ષોમાં તમે આ પ્રયાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. જ્યારે UPSC ની સ્થાપના થઈ હતી, ત્યારે મોટા શહેરો, સમૃદ્ધ પરિવારો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના યુવાનોને તકો વધુ સરળતાથી મળતી હતી. જોકે, આજે ગામડાંઓ અને નાના નગરોના યુવાનો પણ જાહેર સેવામાં જોડાઈ રહ્યા છે. આપણી દીકરીઓની ભાગીદારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 1952માં સિવિલ સર્વિસીસમાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ માત્ર 3 ટકા હતું; આજે તે આંકડો 30 ટકાને વટાવી ગયો છે. વધુમાં, UPSCના સમગ્ર ઇતિહાસમાં ચાર મહિલા અધ્યક્ષો રહી ચૂક્યા છે—અને તેમાંથી ત્રણ મહિલાઓએ 2014 પછી આ પદ સંભાળ્યું છે. આ ફેરફારો માત્ર આંકડાકીય બાબતો નથી; તે દર્શાવે છે કે દેશભરમાં તકોનું ક્ષેત્ર કેટલું વ્યાપક બન્યું છે.

મિત્રો,

વર્ષ 1976ની સરખામણીમાં — જ્યારે UPSCએ તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠ ઉજવી હતી — પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યામાં 45 ગણાંથી વધુનો વધારો થયો છે. આનો અર્થ એ છે કે આજે આપણી સમક્ષ પ્રતિભાનો વિશાળ ભંડાર ઉપલબ્ધ છે. આ દેશ માટે અત્યંત ગૌરવની બાબત છે. પરિણામે, આપણી જવાબદારી પણ એટલી જ મોટી છે. જ્યારે તમે પ્રતિભાના આવા વિશાળ ભંડારનો સામનો કરી રહ્યા હોવ — જેના પર બાકીની દુનિયા ઈર્ષ્યા કરે છે — ત્યારે તમે માત્ર કોઈ ઉમેદવારની પસંદગી નથી કરી રહ્યા હોતા; તમે એવી વ્યક્તિની પસંદગી કરી રહ્યા હોવ છો જે ભવિષ્યમાં સરકારના પ્રતિનિધિ બનશે. પાયાના સ્તરે રહેલા લોકો માટે, તે વ્યક્તિ સ્વયં સરકારનું સ્વરૂપ ગણાશે. તેથી, યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની જવાબદારી તમારા બધા પર રહેલી છે.

મિત્રો,

પોતાની પ્રથમ સદી દરમિયાન, UPSCએ સતત પોતાની વિશ્વસનીયતા મજબૂત કરી છે. હવે, જ્યારે આ સંસ્થા તેની બીજી સદીમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે નવી શક્યતાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને તેણે તે વિશ્વસનીયતાને વધુ સમૃદ્ધ બનાવવી પડશે. અત્યાર સુધી જે મૂલ્યો આપણી તાકાત રહ્યા છે તેને જાળવી રાખીને, આપણે ભવિષ્યને અનુરૂપ આપણી પ્રણાલીઓને પણ આધુનિક બનાવવી પડશે. UPSCની ઓળખ તેની સ્વતંત્રતા, નિષ્પક્ષતા, મેરિટ-આધારિત અભિગમ, ગુપ્તતા અને પારદર્શક પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે. આ મૂલ્યો હંમેશા જળવાઈ રહેવા જોઈએ. આ ભાવના સાથે, હું ફરી એકવાર આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર!

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2317576) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी