આયુષ
azadi ka amrit mahotsav

ભારત અને સમગ્ર વિશ્વમાં 11મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી; નાગપુરમાં ભવ્ય રાષ્ટ્રીય ઉજવણી યોજાઈ


આયુર્વેદ દિવસની ઉજવણી પુરાવા-આધારિત સંશોધન, ઇનોવેશન અને સ્વસ્થ જીવનશૈલી પર પ્રકાશ પાડે છે

પરંપરાથી પુરાવા અને ઇનોવેશન સુધીની આયુર્વેદની યાત્રા ભાવી પેઢીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરશે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે સ્વસ્થ જીવનશૈલી અને નિવારાત્મક આરોગ્યસંભાળને જન આંદોલન બનાવવા આહ્વાન કર્યું

જ્ઞાન, પુરાવા અને ઇનોવેશન આયુર્વેદના ભવિષ્યને આકાર આપશે: આયુષ સચિવ, વૈદ્ય રાજેશ કોટેચા

11મા આયુર્વેદ દિવસની ઉજવણી પ્રસંગે સેફ્ટી ડોઝિયર્સ, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ, આયુષ સર્વિસિસ સેક્ટર રિપોર્ટ, આયુષ વિઝન 2030 અને CCRAS–AGNI પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું

વૈજ્ઞાનિક સત્રો ભવિષ્યની હેલ્થકેર, જાહેર આરોગ્ય અને બિન-ચેપી રોગોના બોજને ઉકેલવામાં આયુર્વેદની ભૂમિકા પર પ્રકાશ પાડે છે

પોસ્ટેડ ઓન: 23 SEP 2026 3:48PM by PIB Ahmedabad

11મા આયુર્વેદ દિવસની ઉજવણી ભારત અને સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ભવ્ય રાષ્ટ્રીય ઉજવણી મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાઈ હતી. આ વર્ષની થીમ “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ (સ્વસ્થ ભવિષ્ય કે લિએ આયુર્વેદ)” હતી. આ કાર્યક્રમમાં આયુષ સર્વિસિસ સેક્ટર પરના રિપોર્ટ અને “આયુષ વિઝન 2030” સહિતના મુખ્ય અહેવાલો અને દસ્તાવેજોના અનાવરણ સાથે CCRAS–AGNI વેબ પોર્ટલનું લોન્ચિંગ જોવા મળ્યું હતું. આ ઇવેન્ટમાં હેલ્થકેર અને જાહેર આરોગ્યમાં આયુર્વેદની ભૂમિકા તેમજ 2047 તરફના રોડમેપ પર વૈજ્ઞાનિક સત્રો પણ યોજાયા હતા.

આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીજીનો સંદેશ કાર્યક્રમ દરમિયાન વાંચી સંભળાવવામાં આવ્યો હતો. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પરંપરાથી જ્ઞાન, પુરાવા અને ઇનોવેશન સુધીની આયુર્વેદની યાત્રા ભાવી પેઢીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુરક્ષિત કરવામાં યોગદાન આપશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે આયુર્વેદની ઓળખ ભારતની સરહદોથી આગળ વધી છે, જેમાં આયુષ વીઝા સુવિધા વિદેશી નાગરિકોને ભારતમાં આયુષ પદ્ધતિઓ હેઠળ સારવાર મેળવવા માટે સક્ષમ બનાવે છે. 'શક્તિ કી સાધના'ના સંકલ્પનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી કહ્યું કે ભારત વિકસિત ભારત તરફ સતત આગળ વધી રહ્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આયુર્વેદ સાથે સંકળાયેલી સંસ્થાઓ, નિષ્ણાતો અને યુવાનો આ સમૃદ્ધ પરંપરાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને એક સ્વસ્થ, સક્ષમ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપશે.

ઉજવણી સમારોહનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ દ્વારા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા; સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (CCRAS) ના ડાયરેક્ટર જનરલ પ્રો. (વૈદ્ય) રવિનારાયણ આચાર્ય અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ઉજવણીને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આયુર્વેદને ભારતના આરોગ્ય વિઝનના એક મુખ્ય ભાગ તરીકે વર્ણવતા કહ્યું કે, "સ્વાસ્થ્યનું પહેલું કેન્દ્ર હોસ્પિટલ નથી, આપણું ઘર છે. સ્વાસ્થ્યનો પહેલો આધાર દવા નથી, આપણી જીવનશૈલી છે." "સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્, આતુરસ્ય વિકાર પ્રશમનમ્" ના સિદ્ધાંતને ટાંકીને તેમણે કહ્યું કે આયુર્વેદ સારવારની સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણીને પ્રાથમિકતા આપે છે, આ એક એવો અભિગમ છે જે જીવનશૈલી સંબંધિત આરોગ્યની વધતી ચિંતાઓ વચ્ચે વધુને વધુ પ્રાસંગિક બની રહ્યો છે.

શ્રી પ્રતાપરાવ જાધવે જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, ITRA જામનગરને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેની માન્યતા અને WHO ICD-11 વર્ગીકરણમાં આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીના સમાવેશને પરંપરાગત ચિકિત્સાના આંતરરાષ્ટ્રીયકરણના મુખ્ય પગલાં તરીકે ટાંક્યા હતા. તેમણે પરંપરાને જ્ઞાન, પુરાવા અને ઇનોવેશન સાથે જોડવા આહ્વાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે આયુર્વેદ દિવસ વાર્ષિક ઉજવણીથી આગળ વધીને સ્વસ્થ જીવનશૈલી પર વ્યાપક જનભાગીદારી વધારવો જોઈએ.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદનું ભવિષ્ય તેની જ્ઞાન પરંપરાને વૈજ્ઞાનિક પુરાવા, ઇનોવેશન અને જાહેર આરોગ્યના પરિણામો સાથે જોડવામાં રહેલું છે. તેમણે આયુર્વેદ અને અન્ય હેલ્થકેર સિસ્ટમ્સ વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરવાની સાથે સંશોધન, ગુણવત્તા, સુરક્ષા અને માનકીકરણને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, આયુષ રિસર્ચ પોર્ટલ પર 43,000 થી વધુ સંશોધન પ્રકાશનો, 200 થી વધુ BIS ધોરણો અને આયુષ ક્વોલિટી માર્ક સહિતના મુખ્ય વિકાસ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે આ પ્રયાસોનો ઉદ્દેશ્ય આયુષ પદ્ધતિઓને વધુ વૈજ્ઞાનિક, પુરાવા-આધારિત અને વૈશ્વિક સ્તરે પ્રાસંગિક બનાવવાનો છે.

આ કાર્યક્રમમાં ગોક્ષુર (ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ) અને ચંદ્રશૂર (લેપિડિયમ સેટિવમ) પર સેફ્ટી ડોઝિયર્સ, ત્વચાના વિકારો પર સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ (STGs) અને રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS) દ્વારા તૈયાર કરાયેલ "આયુષ સર્વિસિસ સેક્ટર" પરનો સર્વપ્રથમ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જે આયુષ સેવાઓ ક્ષેત્રનું આકલન પૂરું પાડે છે.

આ ઇવેન્ટમાં “ફ્રોમ ટ્રેડિશનલ વિઝડમ ટુ ગ્લોબલ લીડરશિપ: આયુષ વિઝન 2030”, ભારતમાં આયુષ-સંબંધિત શોધો પરનો સ્ટેટસ રિપોર્ટ અને CCRAS–AGNI એસેસમેન્ટ સ્કેલ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ જોવા મળ્યું હતું. આ પહેલો સંશોધન, દસ્તાવેજીકરણ, ઇનોવેશન, ક્લિનિકલ માર્ગદર્શન અને વ્યવહારમાં આયુર્વેદિક જ્ઞાનના વ્યવસ્થિત અનુવાદને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ દ્વારા ચાર લાયક ઉદ્યોગોને આયુષ ક્વોલિટી માર્ક સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું હતું, જે આયુષ ક્ષેત્રમાં ગુણવત્તા અને માનકીકરણ પરના ભારને દર્શાવે છે.

ઉજવણીમાં હેલ્થકેર અને જાહેર આરોગ્યમાં આયુર્વેદની વિકસતી ભૂમિકા પર બે વૈજ્ઞાનિક સત્રો યોજાયા હતા. પ્રથમ સત્ર, “શાશ્વતમ થી વિશ્વાસ – આયુર્વેદ ફોર એ હેલ્ધિયર ટુમોરો એન્ડ ધ રોડ ટુ 2047”, જેમાં ડૉ. જી. ગીથાકૃષ્ણન પિલ્લાઈ, યુનિટ હેડ, WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, જામનગર મુખ્ય વક્તા હતા, અને તેમાં આયુર્વેદના ભવિષ્યના માર્ગ, પુરાવા નિર્માણ અને 2047 તરફના વ્યાપક આરોગ્ય વિઝનમાં તેની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દ્વિતીય સત્ર, “ઇન્ટિગ્રેટીંગ થેરાપીઝ ઇઝ નીડેડ ટુ રિડ્યુસ NCD બર્ડન બાય 2027”, જેમાં ડૉ. શિવ કુમાર સરીન, ડાયરેક્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (ILBS), નવી દિલ્હી મુખ્ય વક્તા હતા, અને તેમાં બિન-ચેપી રોગોના વધતા બોજને ઘટાડવામાં એકીકૃત ઉપચારાત્મક અભિગમોની ક્ષમતા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિક વિચાર-વિમર્શ પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરના વાઇસ ચાન્સેલર પ્રો. સંજીવ શર્મા દ્વારા સારાંશ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રો. (ડૉ.) ઉન્નત પી. પંડિત, કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ, એ પણ ભારતમાં આયુષ-સંબંધિત શોધો અંગેના અહેવાલ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા, જ્યારે આયુષ મંત્રાલયના સલાહકાર (આયુર્વેદ) ડૉ. એ. રઘુએ ત્વચાના વિકારો પરની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ વિશે વાત કરી હતી.

આ ઇવેન્ટમાં શ્રી સત્યજીત પોલ, સિનિયર સ્ટેટિસ્ટિકલ એડવાઇઝર, આયુષ મંત્રાલય; અને પ્રો. સચિન કુમાર શર્મા, ડાયરેક્ટર જનરલ, રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS) તેમજ આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, આયુષ કાઉન્સિલો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્થળે એક રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને મુલાકાતીઓ તથા સહભાગીઓમાં નોંધપાત્ર રસ જગાવ્યો હતો.

નાગપુરમાં રાષ્ટ્રીય ઉજવણીએ દેશભરના પ્રેક્ટિશનરો, સંશોધકો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, સંસ્થાઓ અને અન્ય હિતધારકોને એકમંચ પર લાવ્યા, જે આયુર્વેદને આગળ ધપાવવામાં પુરાવા, સંશોધન, ઇનોવેશન, ગુણવત્તા અને સર્વગ્રાહી સંભાળ પર વધતા ધ્યાન પર પ્રકાશ પાડે છે.

 

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2314101) મુલાકાતી સંખ્યા : 9