ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભ્રામક ટીપિંગ પ્રોમ્પ્ટ્સ અને ડાર્ક પેટર્ન બદલ CCPAએ રેપિડો પર ₹10 લાખનો દંડ ફટકાર્યો


સીસીપીએ એ રેપિડોના રાઇડ-બુકિંગ ઇન્ટરફેસમાં “કન્ફર્મ શેમિંગ” અને “ઇન્ટરફેસ ઇન્ટરફિયરન્સ” શોધી કાઢ્યા

સીસીપીએએ રેપિડોને ભ્રામક પ્રોમ્પ્ટ્સ અને પદ્ધતિઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો જે ગ્રાહકોને વધુ ચૂકવણી કરવા તરફ દોરી જાય છે

સીસીપીએની કાર્યવાહી રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ દ્વારા એડવાન્સ-ટીપિંગ અને ડાયનેમિક પ્રાઇસિંગ પદ્ધતિઓની ક્ષેત્ર-વ્યાપી તપાસને અનુસરે છે

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 5:24PM by PIB Ahmedabad

મુખ્ય કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની આગેવાની હેઠળના સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ભ્રામક જાહેરાતો, અયોગ્ય વેપાર પદ્ધતિઓ, અયોગ્ય કરાર અને ડાર્ક પેટર્ન માટે રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ રેપિડો ચલાવતી રોપન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ પર ₹10 લાખનો દંડ ફટકાર્યો છે, જે રીતે રાઇડર્સને તેમની રાઇડ્સ કન્ફર્મ થાય તે પહેલાં વધુ ચૂકવણી કરવા માટે પ્રોમ્પ્ટ (પ્રેરિત) કરવામાં આવતા હતા.

આ કાર્યવાહી ભારતમાં કાર્યરત કેબ અને બાઇક-ટેક્સી એગ્રીગેટર પ્લેટફોર્મ્સની પ્રી-રાઇડ ટીપિંગ અને ડાયનેમિક પ્રાઇસિંગ સંબંધિત પદ્ધતિઓની તપાસ કરવા માટે સીસીપીએ દ્વારા હાથ ધરવામાં આવેલી ક્ષેત્ર-વ્યાપી તપાસને અનુસરે છે. વિવિધ પ્લેટફોર્મ્સની તેની તપાસ દરમિયાન, સીસીપીએ એ શોધી કાઢ્યું કે જ્યારે રાઇડરનું બુકિંગ હજુ પણ પ્રોસેસ થઈ રહ્યું હતું ત્યારે રેપિડો એપ પર “Higher the price, higher the chance of getting a ride” (જેટલી કિંમત વધારે, રાઇડ મળવાની તક એટલી જ વધારે) અને “Captains aren't accepting at ₹60. Try adding +10, +20, +30” (કેપ્ટન ₹60  સ્વીકારી રહ્યા નથી. +10, +20, +30 ઉમેરીને પ્રયાસ કરો) જેવા પ્રોમ્પ્ટ્સ દર્શાવવામાં આવતા હતા.

સીસીપીએ એ પ્રોમ્પ્ટ્સને “કન્ફર્મ શેમિંગ” સમાન ગણાવ્યા

સીસીપીએ એ શોધી કાઢ્યું કે રેપિડોનું એલ્ગોરિધમ પહેલા રાઇડરને ભાડું ટાંકે છે અને રાઇડરે તે ભાડા પર બુક કર્યા પછી, રાઇડરને એવા આધારે વધુ ચૂકવણી કરવા માટે પ્રેરિત કરે છે કે કેપ્ટન મૂળ કિંમત સ્વીકારી રહ્યા નથી. સીસીપીએ એ ચુકાદો આપ્યો હતો કે આ પદ્ધતિ એક ખોટી છાપ ઊભી કરે છે કે રાઇડરની ઝડપથી રાઇડ મેળવવાની તકો વધારાની રકમ ચૂકવવા પર આધારિત છે, જે બરાબર એવા તબક્કે થાય છે જ્યારે રાઇડર બુકિંગ માટે પ્રતિબદ્ધ થઈ ચૂક્યો હોય અને તેની પાસે વાટાઘાટો કરવાની મર્યાદિત તક હોય. આ પદ્ધતિ ડાર્ક પેટર્નને અટકાવવા અને નિયમન માટેની માર્ગદર્શિકા, 2023 હેઠળ ઓળખવામાં આવેલ ડાર્ક પેટર્ન “કન્ફર્મ શેમિંગ” બનાવે છે, કારણ કે તે ઉતાવળની લાગણી અને જો ગ્રાહક વધુ ચૂકવણી કરવા સંમત ન થાય તો રાઇડ ગુમાવવાનો ડર ઊભો કરે છે.

કલર-કોડેડ પ્રાઇસિંગ સ્લાઇડર બીજી ડાર્ક પેટર્ન તરીકે બહાર આવ્યું

સીસીપીએ એ રેપિડોના “સેટ યોર પ્રાઇસ” સ્લાઇડરની પણ તપાસ કરી અને શોધી કાઢ્યું કે રાઇડરના ભાવ નિર્ધારણના નિર્ણયને પ્રભાવિત કરવા માટે તેને કલર-કોડ કરવામાં આવ્યો હતો.

કિંમત વધારવાથી લીલા રંગમાં “રાઇડ મળવાની ઊંચી તક” દર્શાવાતી હતી.

કિંમત ઘટાડવાથી લાલ અથવા નારંગી રંગની ચેતવણી મળતી હતી.

સ્લાઇડરમાં કિંમત ઘટાડવા કરતાં કિંમત વધારવા માટે વધુ જગ્યા આપવામાં આવી હતી.

સીસીપીએ એ ચુકાદો આપ્યો હતો કે આ બીજી ડાર્ક પેટર્ન “ઇન્ટરફેસ ઇન્ટરફિયરન્સ” સમાન છે કારણ કે ઇન્ટરફેસની ડિઝાઇન દ્રશ્ય રીતે ગ્રાહકોને સાથેના લખાણથી મુક્ત રહીને, વધુ રકમ ચૂકવવા તરફ દોરી જાય છે.

એડવાન્સ પેમેન્ટને વાસ્તવિક “ટીપ” તરીકે રજૂ કરી શકાય નહીં

સીસીપીએ નોંધ્યું છે કે બુકિંગ સમયે રાઇડરને દર્શાવવામાં આવતા ભાડામાં અંતર, સમય, ટ્રાફિક, ટોલ અને કેપ્ટનને ચૂકવવાપાત્ર રકમ સહિતના પરિબળોને પહેલેથી જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ સંદર્ભમાં, સીસીપીએ ને રાઇડ શરૂ થાય તે પહેલાં તે જ રાઇડ માટે રાઇડરને વધારાની રકમ ચૂકવવાનું સુચન કરવા માટે કોઈ ઔચિત્ય મળ્યું નથી. સીસીપીએ અવલોકન કર્યું કે ટીપ એ સામાન્ય રીતે સેવા પૂરી પાડવામાં આવ્યા પછી કરવામાં આવતી સ્વેચ્છિક ચૂકવણી છે અને તેને સેવા પૂરી પાડવા માટેની શરત તરીકે રજૂ કરવી જોઈએ નહીં.

સીસીપીએ એ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ, 2025 નો પણ ઉલ્લેખ કર્યો છે, જે જરૂરિયાત આપે છે કે કોઈપણ ટીપિંગ ફીચર માત્ર રાઇડ પૂરી થયા પછી જ ઉપલબ્ધ કરાવવું જોઈએ, બુકિંગ સમયે કે રાઇડ દરમિયાન નહીં. રેપિડોએ દલીલ કરી હતી કે ટીપિંગ સ્વેચ્છિક છે, તેનું મેચિંગ એલ્ગોરિધમ રાઇડર વધારાની રકમ ચૂકવે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના કામ કરવાનું ચાલુ રાખે છે, અને પ્રોમ્પ્ટ્સ માત્ર રાઇડર અને ડ્રાઇવર વચ્ચેની ઓફલાઇન વાતચીત સમાન રિયલ-ટાઇમ વાટાઘાટોને પ્રતિબિંબિત કરે છે.

સીસીપીએ એ આ સબમિશન્સને ફગાવી દીધા હતા, અને ચુકાદો આપ્યો હતો કે પ્રોમ્પ્ટ્સનો સમય અને ડિઝાઇન રાઇડર પર એ જ ક્ષણે દબાણ લાવે છે જ્યારે રાઇડર પ્લેટફોર્મ પર સૌથી વધુ નિર્ભર હોય છે. વધુમાં નોંધ્યું છે કે રેપિડોએ રેકોર્ડ પર એવો કોઈ ડેટા મૂક્યો નથી જે દર્શાવે કે વધારાની રકમ ચૂકવવાથી ખરેખર રાઇડરને રાઇડ મળવાની સંભાવના વધે છે. તેથી દાવાને અપ્રમાણિત અને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો.

રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ્સની ક્ષેત્ર-વ્યાપી તપાસ

રેપિડો સામેની આ કાર્યવાહી રાઇડ-હેલિંગ અને બાઇક-ટેક્સી પ્લેટફોર્મ્સ પર એડવાન્સ-ટીપ અને ડાર્ક-પેટર્ન પદ્ધતિઓની સીસીપીએ ની વ્યાપક તપાસનો એક ભાગ છે. સીસીપીએ એ અગાઉ ઉબેર (Uber), ઓલા (Ola), રેપિડો અને નમ્મા યાત્રી સહિતના પ્લેટફોર્મ્સને નોટિસ પાઠવી હતી, જેમાં તેમને ગાઇડલાઇન્સ ફોર પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ ડાર્ક પેટર્ન્સ, 2023 નું પાલન કરવા અને અનુપાલન અંગે સ્વ-ઘોષણાઓ સબમિટ કરવા નિર્દેશ આપ્યો હતો. આ સંબંધમાં ઉબેર અને ઓલા અંગે સીસીપીએની તપાસ હાલમાં ચાલુ છે.

ગ્રાહક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા સીસીપીએ દોહરાવે છે

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ તેના વૈધાનિક જનાદેશની પાબંદી કરીને, સીસીપીએ વર્ગ તરીકે ગ્રાહકોનું રક્ષણ કરવા, અયોગ્ય વેપાર પદ્ધતિઓને અટકાવવા અને વસ્તુઓ અથવા સેવાઓ સંબંધિત કોઈ ખોટી કે ભ્રામક જાહેરાત ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લેવાનું ચાલુ રાખે છે. ભ્રામક જાહેરાતો, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અથવા ડાર્ક પેટર્ન સંબંધિત ફરિયાદો કે મુશ્કેલીઓ ધરાવતા ગ્રાહકો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) પર 1915 પર તેમની ફરિયાદો નોંધાવી શકે છે અથવા com-ccpa[at]gov[dot]in પર સીસીપીએ ને લખી શકે છે.

આખરી આદેશ સીસીપીએની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2310570) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Kannada