પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 8મી સપ્ટેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે
પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે, જે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું ચિહ્નિત કરે છે
પ્રધાનમંત્રી રેલવેના ત્રણ અને હાઇવેના ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરશે
GFF 2026ની થીમ: “પોટેન્શિયલ ટુ ઇમ્પેક્ટ: એજેન્ટિક એઆઈ, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – ટ્રસ્ટેડ, કનેકટેડ, ગ્લોબલ સિસ્ટમ ફોર ઈન્કલ્યુસિવ ફાઇનાન્સ” છે
પોસ્ટેડ ઓન:
07 SEP 2026 11:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનસભાને પણ સંબોધિત કરશે.
સાંજે લગભગ 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે અને ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે.
વડોદરામાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC)ના 326 રૂટ કિલોમીટરને આવરી લેતા અને ₹20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT વિભાગોનો સમાવેશ થાય છે.
જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સાથેનું સીધી કનેક્ટિવિટી EXIM કાર્ગોની ઝડપી હિલચાલને સુગમ બનાવશે, ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે અને મુંબઈના રેલવે નેટવર્કનું ભારણ ઓછું કરવામાં મદદ કરશે.
આ વિભાગોના કમિશનિંગ સાથે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) નેટવર્ક તેની સમગ્ર લંબાઈ પર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. સમર્પિત ફ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મલ્ટીમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરીને, ટ્રાન્ઝિટ સમય ઘટાડીને અને વિવિધ પ્રદેશોમાં કાર્ગોની સીમલેસ હિલચાલને સુગમ બનાવીને દેશના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT, મુંબઈથી માલગાડી સેવાઓને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત, તેઓ ટાંડા રોડ અને વડોદરા (પ્રતાપનગર) વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. નવી રેલ લાઇન અલીરાજપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે.
પ્રધાનમંત્રી 329 કિલોમીટરમાં ફેલાયેલા અને ₹9,700 કરોડથી વધુના ખર્ચના ત્રણ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણ અને વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પેસેન્જર અને ફ્રેટ ક્ષમતામાં વધારો કરશે, ટ્રાફિકનું ભારણ હળવું કરશે અને ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે.
પ્રધાનમંત્રી લગભગ ₹1,780 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇવે) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં NH-48 ના કામરેજ-ચલથાણ વિભાગનું સિક્સ-લેનિંગ; NH-48 ના વડોદરા-સુરત વિભાગ પર તાપી અને નર્મદા પરના મોટા પુલો સહિત વધારાના માળખાનું નિર્માણ; અને NH-53 પર આભવા, મિંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી ગુજરાત સરકારના લગભગ ₹2,600 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. જે મુખ્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રિંગ રોડ ફેઝ II અને કડાણા ડેમ ખાતે 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળના હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને પૂર્વ વડોદરાના 11 ગામો માટે પાણી પુરવઠા યોજના વગેરેનો સમાવેશ થાય છે.
મુંબઈમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે, જે વિશ્વની સૌથી મોટી અને પ્રભાવશાળી વાર્ષિક ફિનટેક પરિષદોમાંની એક છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિ મુંબઈમાં 8થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ રહી છે. 2020 થી, GFF એક આંતરરાષ્ટ્રીય થૉટ લીડરશિપ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે જે ફાઇનાન્સના ભવિષ્યને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ, નિયમનકારો, સેન્ટ્રલ બેંકો, નાણાકીય સંસ્થાઓ, ફિનટેક્સ, ટેકનોલોજી કંપનીઓ, રોકાણકારો, શિક્ષણવિદો અને અન્ય વૈશ્વિક હિસ્સેદારોને એકસાથે લાવે છે.
GFF 2026 ની થીમ “Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum - Trusted, Connected, Global Systems for Inclusive Finance” છે.
GFF 2026 એક સામાન્ય મંચ પર નીતિ, નિયમન, ટેકનોલોજી, મૂડી અને ઉદ્યોગ માટે સંગમ બિંદુ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ડિજિટલ ચૂકવણી અને નાણાકીય સમાવેશનમાં ભારતની આગેવાની પર આગળ વધવા અને ક્ષમતાથી અસર (Potential to Impact) તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે. ચર્ચાઓ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે કેવી રીતે એજન્ટિક AI, પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી અને અન્ય જટિલ તેમજ ઉભરતી ટેકનોલોજીઓ વૈશ્વિક સ્તરે નાગરિકો, સાહસો અને અર્થતંત્રો માટે વિશ્વસનીય, સર્વસમાવેશી અને માપી શકાય તેવા પરિણામો સર્જી શકે છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad