યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

'વિકસિત ભારત યુથ લીડર્સ ડાયલોગ 2027'નો વિકસિત ભારત ક્વિઝ સાથે પ્રારંભ


યુવાનોને પ્રધાનમંત્રીશ્રીને મળવાની અને વિકસિત ભારત માટે પોતાના વિચારો રજૂ કરવાની તક મળશે

प्रविष्टि तिथि: 19 AUG 2026 4:39PM by PIB Ahmedabad

વિકસિત ભારત યુથ લીડર્સ ડાયલોગ (VBYLD) 2027ની શરૂઆત 'વિકસિત ભારત ક્વિઝ' ના પ્રારંભ સાથે થઈ છે. આ અંતર્ગત સમગ્ર દેશના યુવાનો માટે નેતૃત્વ, નવીનતા અને રાષ્ટ્રનિર્માણની દિશામાં એક સુવ્યવસ્થિત અને ગુણવત્તા-આધારિત યાત્રામાં ભાગ લેવાની તક ખુલ્લી થઈ છે. આ યાત્રાનો અંત નવી દિલ્હીમાં યોજાનારા નેશનલ વિકસિત ભારત યુથ લીડર્સ ડાયલોગમાં થશે, જ્યાં પસંદગી પામેલા યુવાનોને પ્રધાનમંત્રી સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની તક મળશે.

VBYLD 2027એ બિન-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા એક લાખ યુવા નેતાઓ તૈયાર કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે સુસંગત છે, જે રાજકારણમાં કૌટુંબિક પૃષ્ઠભૂમિ ન ધરાવતા તેજસ્વી યુવા ભારતીયોને જાહેર જીવનમાં પ્રવેશવા, વિચારોનું યોગદાન આપવા અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તકો પૂરી પાડે છે.

આ પહેલનો ઉદ્દેશ્ય વિકસિત ભારત @2047માં યોગદાન આપવાની ઈચ્છા ધરાવતા યુવાનોની ઓળખ કરવાનો, તેમને પ્રોત્સાહિત કરવાનો અને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે. એક પારદર્શક, ગુણવત્તા-આધારિત અને બહુ-સ્તરીય પ્રક્રિયા દ્વારા, સહભાગીઓ ડિજિટલ ક્વિઝમાંથી નિબંધ ચેલેન્જ, ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ અને સ્ટેટ/UT-સ્તરના VBYLD સુધી આગળ વધીને નેશનલ VBYLD સુધી પહોંચશે.

વિકસિત ભારત ક્વિઝે દેશવ્યાપી ભાગીદારી ખોલી

ફ્લેગશિપ વિકસિત ભારત ચેલેન્જ ટ્રેકનું પ્રથમ ચરણ, વિકસિત ભારત ક્વિઝ, 17 ઓગસ્ટ થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન માય ભારત (MY Bharat) પોર્ટલ પર યોજાઈ રહ્યું છે.

15 થી 29 વર્ષની વય જૂથના યુવા ભારતીયો માટે ખુલ્લી આ ક્વિઝ બહુવિધ ભાષાઓમાં ડિજિટલ રીતે યોજાશે, જે દેશભરના યુવાનોને ભાગ લેવા માટે સક્ષમ બનાવશે.

ક્વિઝના ટોચના 10 ટકા સહભાગીઓ, વધુમાં વધુ ચાર લાખ સહભાગીઓની મર્યાદાને આધીન, આગામી તબક્કા — વિકસિત ભારત નિબંધ ચેલેન્જ — માટે ક્વોલિફાય થશે. શોર્ટલિસ્ટ થયેલા સહભાગીઓએ માય ભારત પોર્ટલ દ્વારા નિર્ધારિત વિકસિત ભારત વિષય પર 500 શબ્દોનો નિબંધ જમા કરાવવાનો રહેશે.

ક્વિઝથી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ ચેમ્પિયનશિપ સુધી

વિકસિત ભારત ચેલેન્જ પાંચ સ્તરીય માર્ગને અનુસરશે:

વિકસિત ભારત ક્વિઝ નિબંધ ચેલેન્જ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ સ્ટેટ/UT VBYLD → નેશનલ VBYLD

ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં, દરેક જિલ્લામાંથી ટોચના 50 નિબંધોને રૂબરૂ પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. દરેક જિલ્લાના ટોચના બે પ્રેઝન્ટર્સ સ્ટેટ VBYLD માટે ક્વોલિફાય થશે. ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ 10 થી 16 નવેમ્બર 2026 દરમિયાન યોજવાનું આયોજન છે.

17 નવેમ્બર થી 7 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાનાર સ્ટેટ/UT VBYLD, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરે વિવિધ VBYLD ટ્રેકને એકસાથે લાવશે. જિલ્લા સ્તરના પસંદગીકારો જ્યુરી સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે, જેમાં તેમની કામગીરીના આધારે નેશનલ રાઉન્ડ માટેની રાજ્યની ટીમોની રચના કરવામાં આવશે.

યુવા પ્રતિભા, નેતૃત્વ અને નવીનતા પ્રદર્શિત કરવા માટે છ ટ્રેક

VBYLD 2027 છ મુખ્ય ટ્રેક દ્વારા યુવા ભારતીયો માટે બહુવિધ માર્ગો પૂરા પાડશે:

  • વિકસિત ભારત ચેલેન્જ: ફ્લેગશિપ ટ્રેક જે યુવાનોને ક્વિઝ, નિબંધ ચેલેન્જ અને પ્રસ્તુતિ-આધારિત પસંદગી પ્રક્રિયા દ્વારા વિકસિત ભારત @2047 માટે નવીન વિચારો અને ઉકેલો સ્પષ્ટપણે રજૂ કરવા માટે સક્ષમ બનાવે છે.
  • સાંસ્કૃતિક ટ્રેક: લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, વક્તૃત્વ અને કાવ્યલેખન સ્પર્ધાઓ, જે યુવાનોને ભારતનો વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો અને સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડે છે.
  • ડિઝાઇન ફોર ભારત: વાસ્તવિક વિશ્વના વિકાસલક્ષી પડકારો માટે વપરાશકર્તા-કેન્દ્રિત ઉકેલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક રાષ્ટ્રીય ડિઝાઇન ચેલેન્જ.
  • હેક ફોર સોશિયલ કોઝ: એક ટેકનોલોજી-સંચાલિત નવીનતા ચેલેન્જ જે સામાજિક અને વિકાસલક્ષી પડકારો માટે સ્કેલેબલ ડિજિટલ ઉકેલોને આવકારે છે.
  • યુથ એન્ટરપ્રિન્યોર્સ ચેલેન્જ: VBYLD 2027 માટે એક નવો ટ્રેક જે યુવા સાહસિકોને રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત સ્ટાર્ટઅપ પિચ અને બિઝનેસ પ્લાન રજૂ કરવા આમંત્રણ આપે છે.
  • યુથ પાર્લામેન્ટ: VBYLD 2027 માં સંકલિત, જેના રાષ્ટ્રીય ફાઇનલિસ્ટ નેશનલ VBYLD માં ભાગ લેશે.

ભારતની વિકાસ પ્રાથમિકતાઓને સંબોધવા માટે 10-પ્રાદેશિક માળખું

વિકસિત ભારત ચેલેન્જ 10-પ્રાદેશિક માળખું અપનાવશે, જેમાં પ્રદેશ-વિશિષ્ટ વિષયો વિવિધ વિકાસલક્ષી પ્રાથમિકતાઓ અને વિકસિત ભારત @2047 તરફની ભારતની યાત્રાને પ્રતિબિંબિત કરશે.

આ વિષયો ભવિષ્યના સુશાસન, આબોહવા સુરક્ષા, વસ્તી વિષયક લાભ (ડેમોગ્રાફિક ડિવિડન્ડ), ટકાઉ ઔદ્યોગિકીકરણ, કનેક્ટિવિટી, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), આદિવાસી નેતૃત્વ, નવીનતા, ફ્રન્ટિયર ટેકનોલોજી અને બ્લુ ઇકોનોમી સહિતના ક્ષેત્રોને આવરી લેશે.

આ માળખું દેશના વિવિધ ભાગોના યુવાનોને પ્રદેશ-વિશિષ્ટ પડકારોની ઓળખ કરવા, નવીન ઉકેલો વિકસાવવા અને ભારતની વિકાસ યાત્રાને માહિતી પૂરી પાડી શકે તેવા વિચારોનું યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે.

રાષ્ટ્રીય સંવાદ પ્રધાનમંત્રી સમક્ષ વિચારો રજૂ કરવાની તક પૂરી પાડશે

આ યાત્રા 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન નવી દિલ્હીમાં નેશનલ વિકસિત ભારત યુથ લીડર્સ ડાયલોગમાં પરિણમશે.

તમામ છ ટ્રેકના પસંદગી પામેલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના જૂથો રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. વિકસિત ભારત ચેલેન્જ હેઠળ, પ્રાદેશિક ટીમો વિષય નિષ્ણાતો, સચિવો અને કેન્દ્રીય મંત્રીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે, જેમાં પ્રાદેશિક ફાઇનલિસ્ટને પ્રધાનમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવાની તક મળશે.

આમ VBYLD 2027 યુવા નેતૃત્વ માટે ગ્રાસરૂટથી રાષ્ટ્રીય સ્તરનો માર્ગ બનાવશે — વિકસિત ભારત ક્વિઝથી શરૂ કરીને, નિબંધ ચેલેન્જ, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ/UT-સ્તરની ચેમ્પિયનશિપ દ્વારા આગળ વધીને, રાષ્ટ્રીય મંચ પર પરિણમશે જ્યાં પસંદગી પામેલા યુવા નેતાઓ નીતિ નિર્માતાઓ સાથે જોડાઈ શકે અને ભારતના ભવિષ્ય માટે પોતાના વિચારો રજૂ કરી શકે.

મહત્વપૂર્ણ તારીખો:

  • વિકસિત ભારત ક્વિઝ: 17 ઓગસ્ટ – 30 સપ્ટેમ્બર 2026
  • વિકસિત ભારત નિબંધ ચેલેન્જ: 5 – 19 ઓક્ટોબર 2026
  • ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ: 10 – 16 નવેમ્બર 2026
  • સ્ટેટ/UT VBYLD: 17 નવેમ્બર – 7 ડિસેમ્બર 2026
  • નેશનલ VBYLD, નવી દિલ્હી: 10 – 12 જાન્યુઆરી 2027

SM/BS/JD


(रिलीज़ आईडी: 2301274) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Kannada