પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી કાર્યાલયે વિવિધ ક્ષેત્રો પર અલ નીનોની સંભવિત અસર અને સજ્જતાના પગલાંની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી


કૃષિ, ઊર્જા, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, આર્થિક બાબતો અને ગ્રાહક બાબતો સહિતના સંબંધિત વિભાગોના સચિવો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મંત્રાલયો દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક પ્રવૃત્તિઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું

મંત્રાલયોને ઉભરી રહેલી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને કૃષિ તથા આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માઇક્રો/સ્થાનિક સ્તરની વ્યૂહરચના સાથે કામ કરવા જણાવવામાં આવ્યું

કૃષિ ઇનપુટ્સ અને આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મંત્રાલયોને રાજ્ય સરકારો સાથે નજીકના સંકલનમાં રહીને કામ કરવા જણાવવામાં આવ્યું

प्रविष्टि तिथि: 07 JUL 2026 8:59PM by PIB Ahmedabad

ખરીફ સીઝનની પ્રગતિ અને અર્થતંત્રના અન્ય ક્ષેત્રો પર અલ નીનોની સંભવિત અસરના સંદર્ભમાં, આ સંબંધમાં હાથ ધરવામાં આવેલા સજ્જતાના પગલાંની સમીક્ષા કરવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે 7 જુલાઈ 2026 ના રોજ 'સેવા તીર્થ' ખાતે પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કૃષિ, ઊર્જા, સહકાર, પીવાનું પાણી અને સ્વચ્છતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આર્થિક બાબતો, પશુપાલન, ગ્રામીણ વિકાસ, પૃથ્વી વિજ્ઞાન, કૃષિ સંશોધન અને શિક્ષણ, ભારતીય હવામાન વિભાગ (IMD), માહિતી અને પ્રસારણ, ગ્રાહક બાબતો, નાણાકીય સેવાઓ, ખાતર અને કેન્દ્રીય જળ આયોગ સહિત પંદર કરતાં વધુ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં, IMD ના અધિકારીઓએ જૂન મહિનામાં અને 7 જુલાઈ સુધીના વરસાદની એકંદર પરિસ્થિતિ રજૂ કરી હતી. હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશકે દેશમાં ચોમાસાના વ્યાપની સ્થિતિ અને અલ નીનોની સંભવિત અસર વિશે અપડેટ આપ્યું હતું. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવામાં અંદાજે 10 દિવસનો વિલંબ થયો હતો. જોકે, 07.07.2026 સુધીના વરસાદ સાથે, અખિલ ભારતીય સ્તરે વરસાદની ખાધ ઘટીને -12% થઈ ગઈ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ ચોમાસું જોવા મળ્યું છે. જુલાઈ અને ઓગસ્ટમાં નબળાથી મધ્યમ અલ નીનોની અપેક્ષા છે. આ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે કારણ કે જુલાઈ મહિનામાં ચોમાસાની સીઝનના 30% થી વધુ વરસાદ થતો હોય છે. એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલ નીનોનું વર્ષ હોય એટલે તે વર્ષ દરમિયાન ફરજિયાતપણે સામાન્ય કરતાં ઓછો અથવા અપૂરતો વરસાદ થાય જ એવું જરૂરી નથી.

કૃષિ સચિવે ખરીફ સીઝન દરમિયાન અલ નીનોની સંભવિત અસરો સામે સજ્જતા અંગે વિગતવાર પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) આપી હતી. સમયસર નિર્ણય લેવા અને આકસ્મિક પ્રતિભાવ સક્ષમ બનાવવા માટે વરસાદ, જળાશયોના સંગ્રહ, પાકની વાવણી, ઇનપુટ્સની ઉપલબ્ધતા, બજારના પ્રવાહો, ઉભરી રહેલા જંતુઓ અને રોગચાળાની સ્થિતિ પર નજર રાખવા માટે રાજ્યો સાથે ક્રોપ વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકો બોલાવવામાં આવી રહી છે. 262 સંવેદનશીલ જિલ્લાઓ માટે જિલ્લા કૃષિ કોન્ટીજન્સી પ્લાન અપડેટ કરવામાં આવી છે. જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચરલ રિસર્ચ દ્વારા “ભારતીય કૃષિમાં અલ નીનોના જોખમોનું સંચાલન” માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP) જાહેર કરવામાં આવી છે. એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે આબોહવા સામે સ્થિતિસ્થાપક જાતો અને ટેક્નોલોજીના કારણે અપૂરતા વરસાદ છતાં પણ વર્ષોથી અન્ન ઉત્પાદન જાળવી રાખવામાં આવ્યું છે.

સંવેદનશીલ રાજ્યોમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાપ માટેના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, અને કૃષિ, નાણાકીય સેવાઓ તેમજ સહકાર વિભાગોને સમયબદ્ધ રીતે મહત્તમ વ્યાપ સુનિશ્ચિત કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પશુપાલન અને ડેરી વિભાગને મેક્રો અને માઇક્રો બંને સ્તરે સૂકા ચારા, લીલા ચારા અને પશુ આહારની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવા જણાવવામાં આવ્યું હતું.

પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે જિલ્લાઓમાં પરિસ્થિતિ પર તેમની દેખરેખ અને આજની તારીખે સ્થિર પરિસ્થિતિ હોવા અંગે માહિતી આપી હતી. એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે વિભાગ સંવેદનશીલ જિલ્લાઓમાં માઇક્રો લેવલનું આયોજન અને દેખરેખ સુનિશ્ચિત કરે. જળ સંસાધન વિભાગે દેશમાં ભૂગર્ભ જળ અને જળાશયોની સ્થિતિ શેર કરી હતી. હાલમાં પરિસ્થિતિ સ્થિર હોવા છતાં, સમગ્ર સીઝન દરમિયાન સતત નજર રાખવાની રહેશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હીટ વેવ (લૂ) માટે એડવાઇઝરી જારી કરી છે અને હીટ વેવ, ઉચ્ચ ભેજ તેમજ ડેન્ગ્યુના પ્રકોપ બંને પર નજર રાખી રહ્યું છે. ક્ષેત્રીય સ્તર (field level) સુધી એલર્ટ અને એડવાઇઝરીઓનું અસરકારક સંચાર સુનિશ્ચિત કરવાનું રહેશે.

ગ્રાહક બાબતોના વિભાગે છૂટક કિંમતોની સ્થિતિ અને ચોખા, ઘઉં તેમજ કઠોળના બફર સ્ટોકની પર્યાપ્તતા અંગે માહિતી શેર કરી હતી. ખાતર વિભાગે રબી સીઝન માટે પૂરતી ઉપલબ્ધતા અને સંભવિત ઓપનિંગ બેલેન્સ અહેવાલ આપ્યો હતો. બંને વિભાગોને આવશ્યક ચીજવસ્તુઓ અને ખાતરોની મેક્રો અને માઇક્રો બંને સ્તરે ઉપલબ્ધતા પર સતત નજર રાખવા સૂચન કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિકાસ વિભાગે 1 જુલાઈથી વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન હેઠળ શરૂ કરાયેલા કાર્યો વિશે માહિતી આપી હતી અને અત્યાર સુધીમાં 1 કરોડ માનવદિવસો (person days) રોજગારી પેદા કરવામાં આવી છે. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગે આબોહવા સામે સ્થિતિસ્થાપક બિયારણની જાતોના પ્રસાર અંગે માહિતી શેર કરી હતી. ઊર્જા વિભાગે વીજ ઉત્પાદન અને ઉપલબ્ધતાની સ્થિતિ શેર કરી હતી.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે નિર્દેશ આપ્યો હતો કે એકંદર પરિસ્થિતિ પર સતત નજર રાખવી જોઈએ અને રાજ્યો સાથેના સંકલનમાં રહીને સંવેદનશીલ જિલ્લાઓ પર ચોમાસા/વિલંબિત ચોમાસાની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ જેથી જ્યારે જરૂર પડે ત્યારે સુધારાત્મક પગલાં લઈ શકાય.

એવી પણ સૂચના આપવામાં આવી હતી કે ચારા વિકાસ યોજનાઓની સાથે પૂરતી ચારા ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવા જોઈએ અને રાજ્યો સાથે નિયમિત દેખરેખ રાખવી જોઈએ. સંવેદનશીલ જિલ્લાઓમાં પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ અગ્રતા હોવી જોઈએ. સંવેદનશીલ જિલ્લાઓમાં જળાશયોના સ્તર પર નિયમિત નજર રાખવામાં આવી રહી હતી અને જળાશયોના પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા અને ઉપલબ્ધ પાણીના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા.

એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે મુદ્દાઓનો અસરકારક રીતે ઉકેલ લાવવા માટે મંત્રાલયોએ પરસ્પર ગાઢ સંકલનમાં અને રાજ્યોની સાથે મળીને કામ કરવું જોઈએ.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2282275) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam