ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકાર દ્વારા PMGKAY હેઠળ સુધારેલી ગુણવત્તાવાળા ચોખાના પુરવઠાને મંજૂરી; 80 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે ઉત્તમ ગુણવત્તા ધરાવતા ચોખા


કાચા ચોખામાં તૂટેલા દાણા (કણકી)નું પ્રમાણ ઘટાડીને 10% અને પાર્બોઇલ્ડ ચોખામાં 5% કરાયું; KMS 2027–28થી તબક્કાવાર અમલીકરણ શરૂ થશે

અન્ન પૂરવઠાની ગુણવત્તા વધારવા, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા, પારદર્શિતા મજબૂત કરવા અને વાર્ષિક આશરે ₹2,161 કરોડની બચત કરવા માટે સુધારો

प्रविष्टि तिथि: 02 JUL 2026 3:33PM by PIB Ahmedabad

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ સપ્લાય કરવામાં આવતા ચોખાની ગુણવત્તામાં સુધારો કરવા માટે એક ઐતિહાસિક સુધારાને મંજૂરી આપી છે.

લગભગ ત્રણ દાયકામાં પ્રથમ વખત, સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સપ્લાય કરવામાં આવતા ચોખાની ગુણવત્તાના વિશિષ્ટ ધોરણોમાં સુધારો કર્યો છે જેથી લાભાર્થીઓને તેમની હાલની પાત્રતા જાળવી રાખીને નોંધપાત્ર રીતે ઓછા તૂટેલા દાણાવાળા ચોખા મળે તેની ખાતરી કરી શકાય.

મંજૂર કરાયેલી નીતિ હેઠળ:

  1. PMGKAY હેઠળ સપ્લાય કરવામાં આવતા કાચા ચોખામાં તૂટેલા દાણાનું પ્રમાણ 10% સુધીનું રહેશે, જે હાલના 25% સુધીના ધોરણનું સ્થાન લેશે.
  2. પાર્બોઇલ્ડ ચોખામાં તૂટેલા દાણાનો પ્રમાણ વધુમાં વધુ 5% રહેશે, જે અગાઉના વધુમાં વધુ 16%ના ધોરણને બદલીને નક્કી કરવામાં આવ્યું છે.

સુધારેલા ગુણવત્તાવાળા ચોખાની ખરીદી તાત્કાલિક શરૂ થશે અને ખરીફ માર્કેટિંગ સીઝન (KMS) 2027-28 સુધીમાં તમામ ખરીદી કરતા રાજ્યોમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.

PMGKAY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ સુધારેલી ગુણવત્તાવાળા ચોખાનું વિતરણ પણ તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે, જેથી તમામ રાજ્યોમાં સુધારેલા વિશિષ્ટ ધોરણો તરફ સરળ સંક્રમણ સુનિશ્ચિત કરી શકાય.

લાભાર્થીઓ માટે સારી ગુણવત્તા

આ નિર્ણય માત્ર ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ નહીં પરંતુ PMGKAY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ 80 કરોડથી વધુ લાભાર્થીઓને સપ્લાય કરવામાં આવતા અન્નની ગુણવત્તા સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. લાભાર્થીઓને તેમની પાત્રતામાં કોઈ પણ ફેરફાર વિના બહેતર દાણાની અખંડિતતા, સુધારેલો દેખાવ અને ઉચ્ચ ગ્રાહક સ્વીકાર્યતા ધરાવતા ચોખા મળશે.

તૂટેલા ચોખાનો ઉત્પાદક ઉપયોગ

સુધારેલા વિશિષ્ટ ધોરણો હેઠળ, મિલિંગ દરમિયાન પેદા થતા તૂટેલા ચોખાને અલગ કરવામાં આવશે અને અન્ય હેતુઓ માટે ઉત્પાદક રીતે ઉપયોગમાં લેવાશે. આનાથી એ સુનિશ્ચિત થશે કે ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા ખાવાલાયક ચોખા PMGKAY હેઠળના લાભાર્થીઓ સુધી પહોંચે.

નાણાકીય અને કાર્યકારી લાભો

આ સુધારાથી પરિવહન, સંગ્રહ અને હેન્ડલિંગ ખર્ચનું તર્કસંગતકરણ થવાની અપેક્ષા છે, કારણ કે તૂટેલા ચોખાની હરાજી સીધી મિલરોના પરિસરમાંથી કરવામાં આવશે. શણની થેલીઓની (જૂટ બેગ) જરૂરિયાત પણ ઘટશે, કારણ કે તૂટેલા ચોખાને HDPE બેગમાં સંગ્રહિત કરવામાં આવશે. આનાથી લોજિસ્ટિક્સ, સ્ટોરેજ અને પેકેજિંગ ખર્ચમાં ઘટાડા દ્વારા વાર્ષિક ₹2,161 કરોડનો ખર્ચ બચાવ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તૂટેલા ચોખાના વેચાણથી વધારાની આવક થશે, જે ખાદ્ય સબસિડીના બોજને ઘટાડવામાં વધુ મદદ કરશે.

પાયલોટ અમલીકરણ

આ દરખાસ્તને હરિયાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢ જેવા બહુવિધ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અમલીકરણ દ્વારા પહેલેથી જ ચકાસવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટે મોટા પાયે સુધારેલી ગુણવત્તાવાળા ચોખાના ઉત્પાદનની કાર્યકારી વ્યવહારિકતા દર્શાવી છે. કેબિનેટની મંજૂરી બાદ, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત થયેલા સુધારેલી ગુણવત્તાવાળા ચોખા પણ PMGKAY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સપ્લાય કરવામાં આવશે.

પારદર્શિતા મજબૂત કરવી

આ સુધારામાં સપ્લાય ચેઇન દરમ્યાન એન્ડ-ટુ-એન્ડ ટ્રેસેબિલિટી (શરૂઆતથી અંત સુધી ભાળ મેળવવી) સક્ષમ કરવા માટે ચોખાની થેલીઓનું QR-કોડ ટેગિંગ કરવાનું પણ પરિકલ્પિત છે, જે જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને મજબૂત બનાવશે, અને ગેરરીતિઓ કે લીકેજની કોઈ પણ શક્યતાઓને અસરકારક રીતે નાબૂદ કરશે.

સરકારે દરેક પાત્ર પરિવાર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે. હવે પછીનું પગલું સુધારેલી ગુણવત્તા સાથે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવાનું છે. આ ઐતિહાસિક નિર્ણય એ સુનિશ્ચિત કરે છે કે ગરીબ પરિવારો ગૌરવ સાથે બહેતર ગુણવત્તાવાળા ચોખા મેળવે અને સાથે જ અન્ન વ્યવસ્થાપનમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને નાણાકીય વિવેકબુદ્ધિમાં પણ સુધારો થાય.

 

મુખ્ય હાઇલાઇટ્સ

· લગભગ 30 વર્ષમાં પ્રથમ વખત ચોખામાં સ્વીકાર્ય તૂટેલા દાણાની ટકાવારીમાં ઘટાડો કરાયો.

· કાચા ચોખામાં 10% સુધી અને પાર્બોઇલ્ડ ચોખામાં 5% સુધી તૂટેલા દાણા.

· 80 કરોડથી વધુ PMGKAY લાભાર્થીઓ માટે સારી ગુણવત્તાવાળા ચોખા.

· તેના પરિણામે મળતા તૂટેલા ચોખાનો ઔદ્યોગિક ઉપયોગ માટે ઉત્પાદક વિનિયોગ.

· PDSમાં પારદર્શિતા મજબૂત કરવા માટે QR-કોડ આધારિત ટ્રેસેબિલિટી.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2280330) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada