રાષ્ટ્રપતિ સચિવાલય
મિલિટરી એન્જિનિયર સર્વિસીસના ઓફિસર તાલીમાર્થીઓએ ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
25 JUN 2026 3:59PM by PIB Ahmedabad
મિલિટરી એન્જિનિયર સર્વિસીસ (MES) ના 2023 અને 2024 ની બેચના ઓફિસર તાલીમાર્થીઓએ આજે (25 જૂન, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી.
અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એમઇએસ (MES) આપણા દેશમાં સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડરજ્જુ સમાન છે. વ્યૂહાત્મક સ્થાપનો વિકસાવીને અને તેની જાળવણી કરીને, તે આપણા સશસ્ત્ર દળોની ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિલિટરી એન્જિનિયર સર્વિસના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત પરિશ્રમ એ સુનિશ્ચિત કરવા માટે પાયારૂપ છે કે આપણા સૈનિકો, નૌસૈનિકો અને વાયુ યોદ્ધાઓ દેશના સંરક્ષણની તેમની ફરજો અસરકારક અને કાર્યક્ષમ રીતે નિભાવી શકે.

રાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને વ્યાવસાયિકતા, અખંડિતતા, તકનીકી શ્રેષ્ઠતા અને ફરજ પ્રત્યે સમર્પણના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા તાકીદ કરી હતી. તેમણે તેઓને નવતર પ્રયોગો (ઇનોવેશન) અપનાવવા, ઉભરી રહેલી ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેઓ જે પણ પ્રોજેક્ટ હાથ ધરે તેમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા સલાહ આપી હતી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સંઘર્ષો અને ભૌગોલિક રાજકીય તણાવથી ભરેલી આજની દુનિયામાં, આત્મનિર્ભરતા રાષ્ટ્રો માટે એક વ્યૂહાત્મક આવશ્યકતા બની ગઈ છે. એક આત્મનિર્ભર દેશ કટોકટીના સમયમાં તેની આર્થિક સ્થિરતા જાળવી રાખવા અને વિકાસલક્ષી પ્રાથમિકતાઓ હાથ ધરવા માટે વધુ સારી રીતે સજ્જ હોય છે. આ બાબત ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન સ્પષ્ટપણે જોવા મળી હતી, જેણે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ, અદ્યતન ટેકનોલોજી અને મજબૂત સ્થાનિક ઔદ્યોગિક આધાર દેશની ઓપરેશનલ સજ્જતા અને વ્યૂહાત્મક અસરકારકતા વધારવા માટે અભિન્ન અંગ છે. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો હતો કે MES 'મેડ ઇન ઇન્ડિયા' ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેનો ઉપયોગ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે વિશ્વ જલવાયુ પરિવર્તનઅને વિવિધ પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક આવશ્યકતા છે. એન્જિનિયર તરીકે, MES ના અધિકારીઓની જવાબદારી છે કે તેઓ આયોજન, બાંધકામ અને જાળવણીમાં પર્યાવરણને અનુકૂળ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપે. તેમણે કહ્યું કે તેમના પ્રયાસો માત્ર મજબૂત અને સુરક્ષિત ભારતમાં જ નહીં, પરંતુ સ્વચ્છ, હરિયાળા અને ટકાઉ ભારતમાં પણ યોગદાન આપનારા હોવા જોઈએ.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
SM/DK/JD
(रिलीज़ आईडी: 2278000)
आगंतुक पटल : 8