માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને "ભારત ઇનોવેટ્સ 2026"નું ઉદ્ઘાટન કર્યું, જે ભારત-ફ્રાન્સ ડીપ ટેક ગઠબંધનને મજબૂત કરે છે


ભારત અને ફ્રાન્સે તકનીકી સંબંધો ગાઢ કર્યા: પીએમ શ્રી મોદી અને રાષ્ટ્રપતિ મહામહિમ મેક્રોને નીસ (Nice) ખાતે ભારત ઇનોવેટ્સની પ્રથમ આવૃત્તિ લોન્ચ કરી

प्रविष्टि तिथि: 14 JUN 2026 7:00PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે ફ્રાન્સના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ ડી નીસ (Palais des Expositions de Nice) ખાતે ‘ભારત ઇનોવેટ્સ 2026’ ની પ્રથમ આવૃત્તિનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની એક પહલ તરીકે ભારત સરકાર દ્વારા આયોજિત આ ઉચ્ચ-પ્રભાવશાળી કાર્યક્રમ, ભારતના ડીપ ટેક ઇનોવેટર્સ અને વૈશ્વિક હિતધારકો વચ્ચે નવીનતા-પ્રેરિત ભાગીદારીને આગળ વધારવા માટે એક અગ્રણી મંચ તરીકે કામ કરે છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. અજય કુમાર સૂદ સહિત અન્ય મહાનુભાવો આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇનોવેશન અને ટેકનોલોજીમાં ભારતના વધતા જતા નેતૃત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "ભારત સ્કેલ અને સ્પીડ (Scale and Speed) સાથે ઇનોવેટ કરે છે. ભારત ટકાઉ ભવિષ્ય માટે ઇનોવેટ કરે છે, અને ભારત સમગ્ર વિશ્વ માટે ઇનોવેટ કરે છે. ઇનોવેશન ભારતના ડીએનએ (DNA) માં છે. ભારત ઇનોવેટ્સ એ ભારત સાથે વૈશ્વિક ઇનોવેશનના આગામી પ્રકરણનું સહ-નિર્માણ (Co-create) કરવા માટે વિશ્વને એક આમંત્રણ છે."

રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના જીવંત ઇનોવેશન ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, “હું દ્રઢપણે માનું છું કે નીસ આજે ભારતની બહાર ક્યારેય યોજાયેલા પ્રથમ ભારત ઇનોવેટ્સ 2026 કાર્યક્રમની યજમાની કરી રહ્યું છે, તે આપણા બંને દેશોને જોડતા સંબંધોની મજબૂતાઈનો એક શક્તિશાળી પુરાવો છે. આ સંબંધો લાંબા સમયથી ચાલી આવતી તકનીકી, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ભાગીદારી પર આધારિત છે જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેઓ એ પણ દર્શાવે છે કે આપણા બંને દેશોએ તેમની વૈજ્ઞાનિક, સાહસિક અને ઔદ્યોગિક શક્તિઓ દ્વારા હજુ ઘણું બધું સાથે મળીને નિર્માણ કરવાનું બાકી છે.”

ઉદ્ઘાટન બાદ, નેતાઓએ ભારત ઇનોવેટ્સ ઇનોવેશન પેવેલિયનનું નિરીક્ષણ (વોકથ્રુ) કર્યું હતું, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ, બાયોટેકનોલોજી, હેલ્થકેર, ઊર્જા, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ગતિશીલતા (મોબિલિટી) અને અંતરિક્ષ (સ્પેસ) ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ભારતીય ઇનોવેટર્સ અને અગ્રણી ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી 120 અત્યાધુનિક ટેકનોલોજી અને અદભૂત નવીનતાઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

ભારત ઇનોવેટ્સનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે રોકાણકારો, ઉદ્યોગો, સંસ્થાઓ અને ઇનોવેટર્સ સાથે ભાગીદારીની સુવિધા પૂરી પાડવા માટે ભારતીય ડીપટેક (DeepTech) નવીનતાઓનું પ્રદર્શન અને પ્રમોશન કરવાનો છે. આનાથી વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન, શિક્ષણ અને સાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) માં દ્વિપક્ષીય સહયોગ ગાઢ બનવાની સાથે વૈશ્વિક ઇનોવેશન નેટવર્કમાં ભારતનું સંકલન મજબૂત થવાની અપેક્ષા છે.

 

14-16 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસ માટે આયોજિત, ભારત ઇનોવેટ્સ 2026 ના વ્યાપક કાર્યક્રમમાં 11 ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચાઓ, બહુવિધ ક્ષેત્ર-કેન્દ્રિત માસ્ટરક્લાસ, ક્યુરેટેડ B2B મેચમેકિંગ મીટિંગ્સ, 50 થી વધુ સ્ટાર્ટઅપ્સને સામેલ કરતું કેન્દ્રિત ઇન્વેસ્ટર પિચ સેશન્સ અને વૈશ્વિક રોકાણકારો, કોર્પોરેટ્સ, યુનિવર્સિટીઓ, ઇન્ક્યુબેટર્સ અને નીતિ ઘડવૈયાઓ સાથે સમર્પિત નેટવર્કિંગ જોડાણોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, બાયોટેકનોલોજી, હેલ્થકેર, ઊર્જા, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, અંતરિક્ષ, સંરક્ષણ (ડિફેન્સ) અને ક્લાઇમેટ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઉભરતી તકો વિશે ચર્ચા કરવા માટે વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, શિક્ષણવિદો અને ટેકનોલોજી નિષ્ણાતોને એકસાથે લાવે છે.

ભારત ઇનોવેટ્સની આ ઉદ્ઘાટન આવૃત્તિ, સહયોગ, પ્રતિભા અને પરિવર્તનકારી ટેકનોલોજી દ્વારા સંચાલિત વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ભારતને વૈશ્વિક ઇનોવેશન હબ બનાવવા માટે ભારત અને ફ્રાન્સની સહિયારી પ્રતિબદ્ધતા તેમજ વૈશ્વિક ટેકનોલોજી લેન્ડસ્કેપમાં યોગદાન આપવામાં ભારત-ફ્રાન્સ સહકારની અગ્રતાને પ્રતિબિંબિત કરે છે.

આ પહલ અને સહભાગી સ્ટાર્ટઅપ્સ વિશે વધુ માહિતી માટે, આ વેબસાઇટની મુલાકાત લો: www.bharatinnovates.in.

SM/NP/JD


(रिलीज़ आईडी: 2272739) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Tamil , Kannada