આયુષ
14 જૂનના રોજ યોજાનાર વૈશ્વિક ઓનલાઇન યોગ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમના સૌથી વધુ વ્યુઅરશિપ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે
130થી વધુ દેશોના સહભાગીઓ વૈશ્વિક વેલનેસ આંદોલનમાં જોડાય તેવી અપેક્ષા
નોંધાયેલા સહભાગીઓને વોટ્સએપ (WhatsApp) દ્વારા ડિજિટલ સહભાગિતા પ્રમાણપત્રો પ્રાપ્ત થશે
प्रविष्टि तिथि:
13 JUN 2026 8:13PM by PIB Ahmedabad
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026 ની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ (MDNIY) અને હેબિલ્ડ (Habuild) ના સહયોગથી 14 જૂન 2026 ના રોજ એક સીમાચિહ્નરૂપ વૈશ્વિક ઓનલાઇન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ માટે સૌથી વધુ દર્શકો (Most Viewers for a YouTube Live Yoga Stream) નો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે, જે વિશ્વભરના યોગ સાધકો અને વેલનેસ ઉત્સાહીઓને એક સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ પર સાથે લાવશે.
કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ, આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ પહલમાં ભાગ લેશે. આ સામૂહિક ભાગીદારી કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાનેથી થશે, જે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા અને યોગ દ્વારા સુખાકારી (વેલનેસ) નો સંદેશ પ્રોત્સાહિત કરવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પહલ યોગની વૈશ્વિક અપીલ અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય તેમજ સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે એક શક્તિશાળી સાધન તરીકે તેની વધતી જતી સ્વીકૃતિને પ્રદર્શિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મોટા પાયે જાહેર ભાગીદારી દ્વારા, આ કાર્યક્રમ ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય સીમાઓથી પર થઈને જીવનશૈલી તરીકે યોગના સંદેશને મજબૂત કરવા માંગે છે.
આ ઓનલાઇન યોગ સત્ર સવારે 6:15 થી 7:35 (ભારતીય સમયાનુસાર - IST) દરમિયાન યોજાશે અને તેમાં 130 થી વધુ દેશોમાંથી ભાગીદારી જોવા મળે તેવી અપેક્ષા છે, જે તેને અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક ડિજિટલ યોગ મેળાવડાઓમાંથી એક બનાવશે. વિવિધ પૃષ્ઠભૂમિ, વય જૂથો અને પ્રદેશોના સહભાગીઓ સ્વાસ્થ્ય, સંવાદિતા અને સુખાકારી માટેની સહિયારી પ્રતિબદ્ધતામાં એકજૂથ થશે.
આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ના આયોજન અંતર્ગત હાથ ધરવામાં આવતી આઉટરીચ પ્રવૃત્તિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ડિજિટલ ટેકનોલોજી અને વૈશ્વિક કનેક્ટિવિટીનો લાભ લઈને, આ પહલ યોગની પહોંચને વિસ્તારવા અને વિશ્વભરમાં આ પદ્ધતિ સાથે વધુ લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવા માંગે છે.
ભાગ લેવા માટે રસ ધરાવતી વ્યક્તિઓ 1800-315-7008 પર મિસ્ડ કોલ આપીને અથવા સમર્પિત પોર્ટલ: https://moa.habit.yoga દ્વારા ઓનલાઇન નોંધણી કરાવી શકે છે.
વધુ વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને યોગ ઉત્સાહીઓના યોગદાનને માન્યતા આપવા માટે, આ કાર્યક્રમમાં જોડાનારા તમામ નોંધાયેલા સહભાગીઓને તેમના રજિસ્ટર્ડ વોટ્સએપ નંબર પર ડિજિટલ સહભાગિતા પ્રમાણપત્ર (Participation Certificate) મળશે.
આયુષ મંત્રાલયે નાગરિકો, યોગ સાધકો, શૈક્ષણિક સંસ્થાઓ, વેલનેસ સંસ્થાઓ, સામુદાયિક જૂથો અને વિશ્વભરના ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) ના સભ્યોને આ કાર્યક્રમમાં જોડાવા અને આ ઐતિહાસિક વૈશ્વિક પ્રયાસમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું છે.
આ કાર્યક્રમથી વૈશ્વિક વેલનેસ આંદોલનને આગળ વધારવામાં ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનશે અને તંદુરસ્ત તેમજ વધુ સ્થિતિસ્થાપક સમાજના નિર્માણમાં યોગની શાશ્વત પ્રાસંગિકતા પુનઃ સ્થાપિત થશે તેવી અપેક્ષા છે.
નોંધણી અને ભાગીદારી માટે: • મિસ્ડ કોલ: 1800-315-7008 • નોંધણી પોર્ટલ: https://moa.habit.yoga
SM/JD
(रिलीज़ आईडी: 2272595)
आगंतुक पटल : 8