કૃષિ મંત્રાલય
નેપાળ દ્વારા ભારતીય કેરીની આયાત પર કોઈ પ્રતિબંધ નથી
प्रविष्टि तिथि:
10 JUN 2026 8:04PM by PIB Ahmedabad
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે નેપાળે ભારતમાંથી કેરીની આયાત પર પ્રતિબંધ અથવા સસ્પેન્શન (સ્થગિતતા) લાદી દીધું છે. આ અહેવાલો તથ્યની દ્રષ્ટિએ ખોટા અને ભ્રામક છે.
નેપાળ સરકારે તેના પ્લાન્ટ ક્વોરેન્ટાઇન એન્ડ પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ સેન્ટર (નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન ઓફ નેપાળ) દ્વારા 10 જૂન 2026 ના રોજ સ્પષ્ટતા કરી છે કે ભારતીય કેરીની આયાત પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નિર્ધારિત ફાયટોસેનિટરી (વનસ્પતિ આરોગ્ય વિષયક) જરૂરિયાતોને આધિન આયાતની મંજૂરી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. આ જરૂરિયાતોનું પાલન કરવા પર અને ભારત સરકાર દ્વારા જારી કરાયેલા માન્ય ફાયટોસેનિટરી પ્રમાણપત્રો સબમિટ કરવા પર આયાત પરમિટ અને રિલીઝ ઓર્ડર જારી કરવામાં આવી રહ્યા છે.
નેપાળમાં ભારતીય કેરીની નિકાસ કોઈપણ અવરોધ વિના સતત ચાલુ છે. જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીમાં, 2005 મેટ્રિક ટન કેરી ધરાવતા કુલ 149 કન્સાઇનમેન્ટ નેપાળમાં નિકાસ કરવામાં આવ્યા છે. માત્ર જૂન 2026 દરમિયાન જ, અત્યાર સુધીમાં 266 મેટ્રિક ટન વજન ધરાવતા 18 કન્સાઇનમેન્ટ નિકાસ કરવામાં આવ્યા છે.
નેપાળે તાજેતરમાં હોટ વોટર ટ્રીટમેન્ટ (HWT) ની જરૂરિયાત સહિતની કેટલીક આયાત શરતોમાં સુધારો કર્યો હોવા છતાં, ભારત નિર્ધારિત જરૂરિયાતોના પાલન સાથે નિકાસને સરળ બનાવવાનું ચાલુ રાખે છે. આ સાથે જ, ભારતે પૂર્વ પરામર્શ વિના નવા ફાયટોસેનિટરી પગલાં દાખલ કરવા અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે અને ડબ્લ્યુટીઓ એસપીએસ (WTO SPS) કરાર અને ઇન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કન્વેન્શન (IPPC) માળખા અનુસાર યોગ્ય દ્વિપક્ષીય માધ્યમો દ્વારા આ બાબત પર ફોલો-અપ લઈ રહ્યું છે.
હિતધારકો, વેપારીઓ અને જાહેર જનતાને આયાત અને નિકાસના નિયમોને લગતી માહિતી માટે સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ ભરોસો રાખવા અને નેપાળમાં ભારતીય કેરીની નિકાસ પર કથિત વ્યાપાર પ્રતિબંધો અંગેના અચકાસાયેલા અહેવાલોને અવગણવા સલાહ આપવામાં આવે છે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2271396)
आगंतुक पटल : 7