યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અભિનેતા વિક્રાંત મેસી સાથે દેશવ્યાપી વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું


પોતાને ફિટ રાખવાની જરૂરિયાત અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) ને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકતા હજારો સ્થળોએ આ એક જ દિવસના કાર્યક્રમમાં 4 લાખથી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો

प्रविष्टि तिथि: 07 JUN 2026 4:30PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય રાજધાનીમાં માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી, વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા બોક્સર નૂપુર શિયોરાન અને પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી સાથે દેશવ્યાપી વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કર્યું હોવાથી પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.


નવી દિલ્હીમાં 15,000 થી વધુ ફિટનેસ ઉત્સાહીઓએ સાયકલ ચલાવી હતી અને કારગિલ તથા લેહથી લઈને કન્યાકુમારી અને અલેપ્પી સુધી, તેમજ ત્રિપુરાથી લઈને વડોદરા સુધી ભારતના ખૂણે-ખૂણે હજારો સ્થળોએ આ એક જ દિવસના સાયકલિંગ અભિયાનમાં 4 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

ડિસેમ્બર 2024 માં ડો. મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સાયકલિંગ પહેલે ભારતમાં 30 લાખથી વધુ લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને હજારો સ્થળો સુધી પહોંચી છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ એક મૈત્રીપૂર્ણ ટગ ઓફ વોર (દોરડા ખેંચ) માં અભિનેતા વિક્રાંત મેસીને હરાવ્યા હતા અને ત્યારબાદ "ભારત માતા કી જય" અને "ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા" ના નારા લગાવતા સાયકલ સવારો સાથે સાયકલ ચલાવી હતી.

સમગ્ર ભારતમાં વિવિધ રાજ્ય સરકારોના રમતગમત વિભાગો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF), કોસ્ટ ગાર્ડ, આર્મી, નેવી, એરફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બલ (SSB) એ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.


સાયકલ ચલાવવાના ફાયદાઓ પર ભાર મૂકતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે: “આજે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ ની 77મી આવૃત્તિ છે. સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને તમે માનસિક રીતે ફિટ રહો છો. તે બળતણ બચાવવામાં પણ મદદ કરે છે અને પૃથ્વીને સ્વચ્છ રાખે છે. તે ટ્રાફિક જામની વધતી જતી સમસ્યાનો પણ એક અસરકારક ઉકેલ છે. સાયકલિંગ એકસાથે અનેક પડકારોનો સામનો કરે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ફિટનેસ માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ફાળવવાની સલાહ આપી છે. જો આપણે આ દૈનિક ફિટનેસ રૂટિનમાં સાયકલિંગનો સમાવેશ કરીએ, તો તે આપણી ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. ચાલો આપણે બધા આપણા રોજિંદા જીવનમાં સાયકલિંગ અપનાવીએ. હું અપેક્ષા રાખું છું કે તમે 'સન્ડેઝ ઓન સાયકલ' પહેલમાં જોડાશો. નિયમિતપણે સાયકલ ચલાવો, ફિટ રહો અને પ્રધાનમંત્રી મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવામાં યોગદાન આપો.”

આ સાયકલિંગ અભિયાનમાં નેશનલ કેડેટ કોર્પ્સ (NCC), એગ્રીવિઝન, કિસાન સંઘો, રમતવીરો, સામાન્ય લોકો, માય ભારત વોલેન્ટિયર્સ, ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) ના સભ્યો, ક્રીડા ભારતીના સભ્યો અને નમો ફિટ ઇન્ડિયા સાયકલિંગ ક્લબના અનેક સભ્યોએ હેકા, ફિટસ્પાયર, દેશી ફાર્મ્સ, એવોન સાયકલ્સ અને સાયકલોફિટ વગેરે જેવા સ્પોન્સર્સના સહયોગથી ભાગ લીધો હતો.

વિવિધ મહાનગરપાલિકાઓએ પણ તેમના અધિકારક્ષેત્ર હેઠળ સાયકલિંગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં માત્ર મહિલાઓ માટે અસ્મિતા સાયકલિંગ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. સાયકલિંગ સ્પોર્ટ્સની આંતરરાષ્ટ્રીય સંસ્થા, યુસીઆઈ (UCI) એ પણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

લોકપ્રિય ફિલ્મ સ્ટાર વિક્રાંત મેસી માટે, 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' બાળપણની યાદો તાજી કરી લાવ્યું અને બેઠાડુ જીવનશૈલી તથા ભારે સ્ક્રીન ટાઇમના આ યુગમાં સારું સ્વાસ્થ્ય જાળવવાના મહત્વની યાદ અપાવી.ઘણા વર્ષો પછી, આ રવિવારની સવારે બાળપણમાં આપણે કેવી રીતે મિત્રો સાથે બહાર જતા હતા તેની યાદો તાજી કરી દીધી. ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પહેલ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેઓ રોજ સાયકલ ચલાવે છે અને દર રવિવારે ભાગ લે છે, જે ખરેખર પ્રેરણાદાયક છે. તે એક જનઆંદોલન બની ગયું છે. આજે અહીં ઓછામાં ઓછા 15000 થી 18000 લોકો હાજર છે, જે તેમની સખત મહેનત દર્શાવે છે. આપણે બધા સારા સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ છીએ. આપણે આપણા બાળકોને સ્ક્રીન ટાઇમ ઓછો કરવા અને ખરેખર મેદાનમાં જઈને રમવા માટે કહેવું જોઈએ. તમે ગમે તેટલા પૈસા કમાઓ કે ગમે તેટલી મિલકત બનાવો, સ્વાસ્થ્ય વિના કશું જ મહત્વનું નથી."


બોક્સિંગમાં 80 કિગ્રા વર્ગમાં વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીતનાર નૂપુર શિયોરાને સ્વીકાર્યું કે ફિટ ઇન્ડિયા જેવી પહેલોને કારણે ભારતીય નાગરિકો હવે શારીરિક ફિટનેસ પ્રત્યે વધુ જાગૃત થયા છે. નૂપુરે સાયકલ ચલાવતા પહેલા અભિનેતા વિક્રાંત મેસીને બોક્સિંગની કેટલીક ટિપ્સ પણ આપી હતી. ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલ ખૂબ જ સારી છે. આજે મેં અહીં જે વિશાળ જનમેદની જોઈ તે દર્શાવે છે કે આજના સમયમાં લોકો શારીરિક ફિટનેસ પ્રત્યે કેટલા જાગૃત થયા છે. અને સાયકલ ચલાવવી એ ખરેખર એક અદભુત અને આનંદપ્રદ પ્રવૃત્તિ છે. હું દરેકને વિનંતી કરું છું કે દરરોજ સાયકલ ચલાવવા અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ માટે ઓછામાં ઓછી 15-30 મિનિટ જરૂર કાઢે,” એમ નૂપુર શિયોરાને કહ્યું હતું.

પ્રખ્યાત ટ્રિપલ જમ્પ એથ્લેટ પ્રાચી તોમર અને રાષ્ટ્રીય સ્તરની 3000 મીટર સ્ટીપલચેઝર શિવાની પ્રધાનિયાએ પણ આ સાયકલોથોનમાં ભાગ લીધો હતો.

એક ફન ઝોન પણ બનાવવામાં આવ્યો હતો જેમાં લોકોને બેડમિન્ટન, ચેસ, કેરમ અને લુડો વગેરે જેવી રમતો અજમાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લેમન રેસ (ચમચી લીંબુ રેસ), બોલ ગેમ, ટગ ઓફ વોર, સ્ક્વોટ ચેલેન્જ અને પુશ-અપ ચેલેન્જ પણ યોજવામાં આવી હતી.

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ નું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), યોગાસન ભારત, રાહગીરી ફાઉન્ડેશન અને માય ભારત (MY Bharat) ના સહયોગથી કરવામાં આવે છે. આ સાયકલિંગ અભિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે ચલાવવામાં આવે છે, જેમાં એસએઆઈ (SAI) પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs), SAI ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (KISCEs) અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો (KICs) નો સમાવેશ થાય છે.

 

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2270029) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam