પોસ્ટેડ ઓન:
05 JUN 2026 3:44PM by PIB Ahmedabad
ગણતંત્ર દિવસ, 2027ના અવસર પર જાહેર થનારા પદ્મ પુરસ્કારો-2027 માટે નામાંકન/ભલામણો મેળવવાની પ્રક્રિયા 15 માર્ચ, 2026 ના રોજ શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 છે. પદ્મ પુરસ્કારો માટેના નામાંકન/ભલામણો માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in ) પર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે.
પદ્મ પુરસ્કારો, એટલે કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. વર્ષ 1954 માં સ્થાપિત કરાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે કરવામાં આવે છે. આ પુરસ્કાર 'વિશિષ્ટ કાર્ય'ને માન્યતા આપવાનો પ્રયાસ કરે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, સિવિલ સર્વિસ, વ્યાપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/શાખાઓમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોને બાદ કરતાં, પીએસયુમાં કામ કરતા કર્મચારીઓ સહિતના સરકારી સેવકો પદ્મ પુરસ્કારો માટે પાત્ર નથી.
સરકાર પદ્મ પુરસ્કારોને "પીપલ્સ પદ્મ"માં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી, તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્વ-નામાંકન સહિત અન્ય નામાંકન/ભલામણો કરે. મહિલાઓ, સમાજના નબળા વર્ગો, એસસી અને એસટી, દિવ્યાંગ વ્યક્તિઓ અને સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહેલા લોકોમાંથી એવી પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ કરવા માટે નક્કર પ્રયાસો થઈ શકે છે, જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર માન્યતા મેળવવાને પાત્ર છે.
નામાંકન/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ કરેલી તમામ સંબંધિત વિગતો શામેલ હોવી જોઈએ, જે ભલામણ કરાયેલ વ્યક્તિની તેના સંબંધિત ક્ષેત્ર/શાખામાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવાને સ્પષ્ટપણે દર્શાવતી હોય.
આ સંબંધમાં વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in ) પર 'એવોર્ડ્સ એન્ડ મેડલ્સ' શીર્ષક હેઠળ અને પદ્મ એવોર્ડ્સ પોર્ટલ (https://padmaawards.gov.in ) પર પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારો સંબંધિત કાયદા અને નિયમો લિંક https://padmaawards.gov.in/AboutAwards.aspx સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com