ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મેઘાલયની રાજધાની શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદ (NEC)ના 73મા પૂર્ણ સત્ર (પ્લેનરી સેશન)ની અધ્યક્ષતા કરી
મોદી સરકારના શાસનમાં, 12 થી વધુ શાંતિ કરારો દ્વારા ઉત્તર-પૂર્વમાં શાંતિ પાછી ફરી છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને બહેતર રેલ, રોડ અને હવાઈ કનેક્ટિવિટીએ માત્ર ભૌતિક અંતર જ નહીં પરંતુ હૃદય વચ્ચેનું અંતર પણ ઓછું કર્યું છે
પ્રધાનમંત્રી મોદીની 'એક્ટ ઈસ્ટ', 'એક્ટ ફર્સ્ટ' અને 'એક્ટ ફાસ્ટ' ની નીતિઓ દ્વારા 'પૂર્વોદય'નું વિઝન સાકાર થઈ રહ્યું છે, ઉત્તર-પૂર્વ જે એક સમયે વિવાદો અને પડકારો માટે જાણીતો પ્રદેશ હતો, તે આજે તકોના હબ તરીકે ઉભરી આવ્યો છે
ઉત્તર-પૂર્વના વિકાસ, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઓળખને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવેલી હાઇ-લેવલ ટાસ્ક ફોર્સની ભલામણોનો સંપૂર્ણ રીતે અમલ થવો જોઈએ
ઉત્તર-પૂર્વ રોકાણકારો માટે સૌથી આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોએ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમની નિયમિત સમીક્ષા કરવી જોઈએ
મેઘાલય અને મિઝોરમમાં સ્થાપિત સબરૂમ લેન્ડ પોર્ટ અને કસ્ટમ્સ સેન્ટરો ઉત્તર-પૂર્વને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈન્ડો-પેસિફિક દેશો સાથેના વ્યાપાર માટે એક મુખ્ય હબ તરીકે ઉભરી આવવા સક્ષમ બનાવશે
ભારત સરકારે માદક દ્રવ્યોની હેરફેરને નાબૂદ કરવા માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, તમામ રાજ્યોએ ડ્રગ-મુક્ત ઉત્તર-પૂર્વ અભિયાનને જન આંદોલનમાં ફેરવવું જોઈએ
ઉત્તર-પૂર્વીય રાજ્યોએ માછલી અને દૂધના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એનડીડીબી (NDDB) અને સહકાર મંત્રાલયના સહયોગથી સમગ્ર પ્રદેશમાં વધુ દૂધ આપતા પશુઓ અને સહકારી નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે
ઉત્તર-પૂર્વને અગરવુડ, એસેન્શિયલ ઓઈલ, વેલનેસ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને વાંસ આધારિત ઉદ્યોગો માટે વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ હબ તરીકે વિકસાવવા માટે એક સમર્પિત વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ
જીઆઈ (GI)-ટેગ ધરાવતા ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે દરેક રાજ્યમાં સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ, જ્યારે ઓર્ગેનિક મિશન અને ‘વન ડિસ્ટ્રિક્ટ, વન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન’ પહેલને વેગ આપવો જોઈએ
શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે, ઉત્તર-પૂર્વ એઆઈ (AI), ડેટા એનાલિટિક્સ અને બ્લોકચેન ઇનોવેશન માટે અગ્રણી હબ તરીકે ઉભરી આવવું જોઈએ
प्रविष्टि तिथि:
04 JUN 2026 8:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મેઘાલયની રાજધાની શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદ (NEC) ના 73મા પૂર્ણ સત્ર (પ્લેનરી સેશન) ની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ (MDoNER) કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મેઘાલયના રાજ્યપાલ શ્રી સી. એચ. વિજયશંકર; મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ સંગમા; ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સુકાંત મજુમદાર; કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) ના સચિવ શ્રી સંજય જાજુ ઉપસ્થિત રહ્યા હતા. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ પણ અન્ય કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે આ બેઠકમાં હાજર હતા.

બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ઉત્તર-પૂર્વના વિકાસને વેગ આપવા માટે કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન નાખવામાં આવેલા મજબૂત પાયા પર હવે વિકસિત ઉત્તર-પૂર્વનું નિર્માણ થઈ રહ્યું છે, અને આ પ્રદેશના તમામ રાજ્યોએ છેલ્લા 12 વર્ષોમાં નોંધપાત્ર ગુણાત્મક પરિવર્તન જોયું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદી સિવાય, કદાચ એવા કોઈ પ્રધાનમંત્રી નથી થયા જેમણે ઉત્તર-પૂર્વના વિકાસ માટે આટલા સતત ફોકસ અને પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું હોય.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિકાસનો પાયો માત્ર સારા કાયદો અને વ્યવસ્થા તથા સામાજિક સમરસતાના સ્તંભો પર જ નાખી શકાય છે. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં, ઉત્તર-પૂર્વમાં વિવિધ સંઘર્ષોના ઉકેલ માટે 12 થી વધુ શાંતિ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, અને 10,800 થી વધુ યુવાનો પોતાના હથિયારો હેઠા મૂકીને મુખ્ય પ્રવાહમાં આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું કે મોદી સરકારે ઉત્તર-પૂર્વને ઉગ્રવાદના દૂષણમાંથી મુક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ પ્રદેશે છેલ્લા 12 વર્ષોમાં વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જોયો છે, અને બહેતર રેલ, રોડ અને હવાઈ કનેક્ટિવિટીએ દિલ્હી અને ઉત્તર-પૂર્વ વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારના 12 વર્ષ દરમિયાન આ પ્રદેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનેક ગણું વધ્યું છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી અને ઉત્તર-પૂર્વ વચ્ચેનું ભૌગોલિક અંતર જ ઘટાડ્યું નથી પરંતુ આ પ્રદેશના લોકો અને દેશના બાકીના ભાગો વચ્ચેના ભાવનાત્મક અંતરને પણ દૂર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ એપ્રોચ' (સમગ્ર સરકારના અભિગમ) દ્વારા આ વિશાળ પ્રદેશ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં ઉત્તર-પૂર્વની વિવિધતા વિશ્વ સમક્ષ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી છે. શ્રી શાહે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ઉત્તર-પૂર્વને તકોના હોટસ્પોટ તરીકે ઓળખે છે. તેમણે નોંધ્યું હતું કે જ્યારે આ પ્રદેશ એક સમયે મુખ્યત્વે તેના સંઘર્ષો માટે જાણીતો હતો, તે હવે તેના સહ-અસ્તિત્વ અને સંવાદિતાની ભાવના માટે ઓળખાય છે. ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વની સમૃદ્ધ વિવિધતાને સાચવવી અને મજબૂત કરવી એ તમામ હિતધારકોની સામૂહિક જવાબદારી છે, જે 200 થી વધુ આદિવાસી જૂથો, 195 થી વધુ બોલીઓ અને સંસ્કૃતિઓ, ભોજન અને પરંપરાગત પોશાકની વ્યાપક શ્રેણીનું ઘર છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સહિયારા સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરીને અને તેનું જતન કરીને, પ્રધાનમંત્રી મોદી દ્વારા પરિકલ્પિત અષ્ટલક્ષ્મીના વિઝનને જમીન પર વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી શકાય છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર "એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ અને એક્ટ ફર્સ્ટ" ના સિદ્ધાંતોને જમીન પર વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં સફળ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વને તેના પોતાના ભરોસે છોડી દેવામાં આવ્યું નથી, અને તેના વિકાસને એક કેન્દ્રિત અને પ્રતિબદ્ધ અભિગમ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું કે માત્ર બજેટરી ફાળવણી દ્વારા જ વિકાસ હાંસલ કરી શકાતો નથી; તેના માટે સ્પષ્ટ વિઝન, યોગ્ય આયોજન અને અમલીકરણની ઝીણવટભરી દેખરેખની પણ જરૂર પડે છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકારના 12 વર્ષ દરમિયાન આ તમામ તત્વોને અસરકારક રીતે અનુસરવામાં આવ્યા છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે સમગ્ર ઉત્તર-પૂર્વે શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા, સમૃદ્ધિ અને વિકાસ શરૂ કરવા અને તેની અનન્ય સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવાના પડકારો પર વિજય મેળવીને પ્રગતિ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વના વિકાસ, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઓળખની જાળવણી અંગેની હાઇ-લેવલ ટાસ્ક ફોર્સનો મહત્વનો અહેવાલ એક માર્ગદર્શક શાસ્ત્ર સમાન છે. તેમણે રાજ્યોને વિનંતી કરી કે તેઓ વિવિધ માપદંડો હેઠળ ઉપલબ્ધ તમામ બજેટરી જોગવાઈઓનો ઉપયોગ કરે અને અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના 100 ટકા અમલીકરણ તરફ કામ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વની ભવિષ્યની પ્રાથમિકતાઓ હવે આ અહેવાલના આધારે નક્કી થવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દ્વારા, તમામ આઠ ઉત્તર પૂર્વીય રાજ્યો મોટા ઔદ્યોગિક રોકાણો સાથે જોડાયેલા આનુષંગિક ઉદ્યોગોની સ્થાપનાથી લાભ મેળવી શકે છે, ખાસ કરીને આવા એકમો પ્રદેશના નાના રાજ્યોમાં સ્થાપીને. તેમણે નોંધ્યું હતું કે, આસામની ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન પ્રતિબદ્ધ કરાયેલા રોકાણો ઉપરાંત, ઉત્તર-પૂર્વે આશરે ₹4.25 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કર્યું છે, જે આ પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ પરના મજબૂત ફોકસને પ્રતિબિંબિત કરે છે. શ્રી શાહે હાઇલાઇટ કર્યું હતું કે આશરે ₹27,000 કરોડના રોકાણ સાથે આસામમાં સ્થપાઈ રહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, આ પ્રદેશ અને પાડોશી પૂર્વીય દેશો માટે હેલ્થકેર હબ તરીકે ઉત્તર-પૂર્વનો વિકાસ, અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે નામરૂપ એમોનિયા-યુરિયા કોમ્પ્લેક્સ જેવા મોટા પ્રોજેક્ટ્સે અસંખ્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વિકાસને વેગ આપ્યો છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ મિકેનિઝમ માત્ર કાગળ પરની વિભાવના બનીને ન રહેવું જોઈએ, અને તેના અમલીકરણની માસિક ધોરણે તમામ ઉત્તર પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા સમીક્ષા થવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ હબ તરીકે ગુવાહાટી, ઇમ્ફાલ અને અગરતલાનો વિકાસ સતત દેખરેખ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ ઉત્તર પૂર્વીય રાજ્યોએ માછલી, ઇંડા અને દૂધના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને દેશના અન્ય ભાગોમાં વધારાના ઉત્પાદનનો પુરવઠો પૂરો પાડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. શ્રી શાહે નોંધ્યું હતું કે ભારતના કેટલાક રાજ્યોમાં ડેરી ક્ષેત્ર ખેડૂતો અને પશુપાલકો માટે સમૃદ્ધિનું મુખ્ય ચાલક બન્યું છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB), સહકાર મંત્રાલયના સહયોગથી, આ પ્રદેશમાં એક નવો પ્રયાસ શરૂ કરી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે આગામી નાણાકીય વર્ષથી એનડીડીબી દ્વારા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાર્ષિક 50,000 થી વધુ દૂધાળા પશુઓ સપ્લાય કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, સાથે જ દૂધ એકત્રીકરણ અને માર્કેટિંગ માટે મજબૂત સહારી માળખું ઊભું કરવામાં આવશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી સુધારવી, આયોજિત અને સંકલિત શહેરીકરણને પ્રોત્સાહન આપવું, અને 15 ઉચ્ચ ક્ષમતા ધરાવતા ક્ષેત્રોનો વિકાસ કરવો એ ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો માટે મુખ્ય ફોકસ વિસ્તારો રહેવા જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે જળ સંસાધનો અને કુદરતી સંપત્તિ વિકાસના કોઈપણ મોડેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને ઉત્તર પૂર્વીય રાજ્યો આ બંનેથી સમૃદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય પરિષદ (NEC) એ માત્ર ભંડોળના વિતરણ માટેના પ્લેટફોર્મ તરીકે કામ ન કરવું જોઈએ, પરંતુ વ્યૂહાત્મક આયોજન અને લાંબા ગાળાના પ્રાદેશિક વિકાસ માટેની સંસ્થા તરીકે વિકસિત થવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય રાજ્યોમાં માનવ સંસાધનોના ઉપયોગને વધારવાનો છે અને આ ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળ દ્વારા કનેક્ટિવિટી અને સંકલન દ્વારા સમગ્ર ઉત્તર-પૂર્વમાં અસરકારક રીતે પ્રાપ્ત કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે સબરૂમ લેન્ડ પોર્ટ દ્વારા પૂર્વીય પ્રદેશમાં વ્યાપાર માટે એક મોટો પ્રવેશદ્વાર ખોલ્યો છે. ગૃહ મંત્રીએ કહ્યું કે ઉત્તર-પૂર્વ હવે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો અને વ્યાપક ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે વ્યાપાર અને આર્થિક જોડાણ વિસ્તારવા માટે તૈયાર છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વના 200 થી વધુ આદિવાસી સમુદાયો અને 200 થી વધુ ભાષાઓ અને બોલીઓનું જતન કરવું જ જોઈએ. તેમણે નોંધ્યું હતું કે આ પ્રદેશે હજારો વર્ષોથી વિવિધ સમુદાયો વચ્ચે સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપ્યું છે, અને આ વિવિધતાને શક્તિના સ્ત્રોતમાં ફેરવવી આવશ્યક છે. ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વમાંથી એક પણ ભાષા કે બોલી લુપ્ત થવી એ દેશ માટે મોટું નુકસાન ગણાશે. શ્રી શાહે પ્રદેશના તમામ રાજ્યોને ઉત્તર-પૂર્વની અનન્ય ઓળખ જાળવવા માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા વિનંતી કરી હતી, અને જણાવ્યું હતું કે આ સાંસ્કૃતિક સમૃદ્ધિ પ્રદેશની સૌથી મોટી શક્તિઓમાંની એક બની શકે છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ-ડિવાઇન (PM-DevINE) યોજના હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામ અને ત્રિપુરામાં ₹65 કરોડના ક્લસ્ટર પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે, અને આ પહેલોને પ્રદેશ માટે મોડેલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવી જોઈએ. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વના આશરે 215 પાકો અને ઉત્પાદનો હાલમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ માટે સંભવિત દાવેદાર છે. તેમણે સૂચવ્યું કે દરેક રાજ્યએ જીઆઈ ટેગ મેળવવાની સમગ્ર પ્રક્રિયાની સતત દેખરેખ રાખવા અને તેને સરળ બનાવવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની સ્થાપના કરવી જોઈએ. શ્રી શાહે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ એ હીલિંગ ઇન્ડિયા મિશન માટે આદર્શ સ્થળ છે, અને પ્રદેશના તમામ રાજ્યોને પ્રદેશના કુદરતી ફાયદાઓ અને સમૃદ્ધ પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓનો લાભ ઉઠાવીને વેલનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ટૂરિઝમ માટે વ્યાપક નીતિઓ ઘડવા હાકલ કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં છેલ્લા 12 વર્ષોમાં ઉત્તર-પૂર્વમાં નાગરિકોના જાનહાનિની સંખ્યામાં 86 ટકાનો ઘટાડો થયો છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે નોંધ્યું હતું કે 12 થી વધુ ઐતિહાસિક શાંતિ કરારોએ પ્રદેશમાં વિકાસ માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે ભારત સરકારે ઉત્તર-પૂર્વમાં માદક દ્રવ્યોની હેરફેર અને વપરાશ બંનેને નાબૂદ કરવા માટે સખત અભિગમ સાથે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વીય રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓએ નાગરિકોને તેમના બંધારણીય અધિકારો વિશે જાગૃત કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે પ્રદેશમાં ઉગ્રવાદ મોટાભાગે નાબૂદ થઈ ગયો છે. ગૃહ મંત્રીએ કહ્યું કે ઉત્તર-પૂર્વે નિયમિત પોલીસિંગના ક્ષેત્રમાં નવી શરૂઆત કરવી જોઈએ. ગરીબો, મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે નવી ન્યાય સંહિતા હેઠળ સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા, ફોજદારી ન્યાય પ્રણાલીમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા, ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા દોષિત ઠેરવવાનો દર વધારવા અને કેસોની ઓનલાઇન નોંધણી અને અદાલતોમાં ઓનલાઇન જુબાની સહિતના વ્યાપક માળખાની સ્થાપના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી દરેક નાગરિકને તેના હક્કો અને ન્યાય મળી રહે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વના યુવાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને બ્લોકચેન જેવા ડિજિટલ કૌશલ્યોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર ઉત્તર-પૂર્વને આઈટી (IT) ઉદ્યોગ માટે એક મુખ્ય હબ તરીકે વિકસાવવા પ્રયાસો કરવા જોઈએ. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રદેશ જળવિદ્યુત અને સૌર ઊર્જા બંનેમાં અપાર ક્ષમતા ધરાવે છે, જેનો ઉપયોગ ટકાઉ આર્થિક વિકાસ માટે થઈ શકે છે. ગૃહ મંત્રીએ ઉત્તર-પૂર્વમાં ડેટા સેન્ટરોને આકર્ષવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ઉદ્દેશ્ય પ્રદેશની શિક્ષણ પ્રણાલી, ઔદ્યોગિક વિકાસના રોડમેપ અને તેના કુદરતી સંસાધનોના ઉપયોગ માટેના લાંબા ગાળાના વિઝનને સંરેખિત કરીને પ્રાપ્ત કરી શકાય છે, જેનાથી ટેક્નોલોજી આધારિત અર્થવ્યવસ્થા માટે મજબૂત પાયો તૈયાર થશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2269099)
आगंतुक पटल : 10