વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને કેનેડાના વેપાર મંત્રી શ્રી મનિન્દર સિદ્ધુએ 50 બિલિયન યુએસ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક અને ભારત-કેનેડા CEPA વાટાઘાટોના વહેલા નિષ્કર્ષ માટે પ્રતિબદ્ધતાનો પુર્નોચ્ચાર કર્યો


શ્રી પિયુષ ગોયલે રોકાણ, ટેકનોલોજી ભાગીદારી અને ભારત-કેનેડા CEPA વાટાઘાટોને વેગ આપવા ટોરોન્ટોમાં કેનેડાના અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી

શ્રી પિયુષ ગોયલે ટોરોન્ટોમાં 'કેનેડા-ઇન્ડિયા બિલ્ડિંગ બ્રિજિસ' ઇવેન્ટમાં મુખ્ય પ્રવચન આપ્યું, વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રહેલી તકો પર પ્રકાશ પાડ્યો

શ્રી પિયુષ ગોયલે કેનેડા-ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડટેબલની સહ-અધ્યક્ષતા કરી, વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારતના વિકાસની ગાથામાં ભાગીદાર બનવા કેનેડાના રોકાણકારોને આમંત્રણ આપ્યું

શ્રી પિયુષ ગોયલે ભારતની રોકાણ અને વિકાસની તકો પ્રદર્શિત કરવા અગ્રણી કેનેડિયન કંપનીઓ અને રોકાણકારો સાથે વન-ઓન-વન (વ્યક્તિગત) બેઠકો યોજી

શ્રી પિયુષ ગોયલે બ્રેમ્પટનમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા, ભારત-કેનેડા વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં સમુદાયની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 27 MAY 2026 10:42AM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તેમની મુલાકાતના બીજા દિવસે કેનેડાના ટોરોન્ટોમાં વરિષ્ઠ કેનેડિયન બિઝનેસ લીડર્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી યોજી હતી, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સહયોગને વધુ ઊંડો બનાવવાનો અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ તેમજ ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.

દિવસની શરૂઆત શ્રી પિયુષ ગોયલ દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટોરોન્ટો ખાતે ગ્લોબલ અફેર્સ કેનેડા, CII અને એસોચેમ (ASSOCHAM) દ્વારા આયોજિત 'કેનેડા-ઇન્ડિયા બિલ્ડિંગ બ્રિજિસ' ઇવેન્ટમાં મુખ્ય પ્રવચન આપવા સાથે થઈ હતી. આ કાર્યક્રમમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી, ઊર્જા, અને ઓઇલ એન્ડ ગેસ સહિતના ક્ષેત્રોના વ્યવસાયો, રોકાણકાર જૂથો અને ઉદ્યોગ સંગઠનોના 150 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પછી શ્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મિસ્ટર મનિન્દર સિદ્ધુ વચ્ચે રૂબરૂ સંવાદ યોજાયો હતો, જે દરમિયાન શ્રી ગોયલે ભારત અને કેનેડા વચ્ચે વધતી જતી પૂરકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને મજબૂત સરકાર-ઉદ્યોગ સહયોગ દ્વારા સંચાલિત વધુ જબૂત અને અનુમાનિત વ્યાપારી ઇકોસિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રી સિદ્ધુએ નજીકના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, કેનેડામાં અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળની હાજરીની પ્રશંસા કરી હતી, અને આ વર્ષના અંતમાં નવેમ્બરમાં ભારત માટે 'ટીમ કેનેડા ટ્રેડ મિશન'ની જાહેરાત કરી હતી. પ્રસ્તાવિત મિશનનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્રિટિકલ મિનરલ્સ (વ્યૂહાત્મક ખનિજો), પરમાણુ ઊર્જા, પુનઃપ્રાપ્ય ઊર્જા, સેમિકન્ડક્ટર્સ, ક્લીન ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગની તકો શોધવા માટે કેનેડિયન કંપનીઓને ભારતમાં લાવવાનો છે. બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન યુએસ ડોલર સુધી વિસ્તારવાના અને વર્ષના અંત સુધીમાં CEPA વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

ત્યારબાદ બંને મંત્રીઓની સહ-અધ્યક્ષતામાં 'કેનેડા-ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડટેબલ' યોજાઈ હતી. આ રાઉન્ડટેબલમાં પેન્શન ફંડ્સ અને બેંકો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારો સાથે ભારત અને કેનેડા બંનેના વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ચર્ચાઓ ભારત સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, નાણાકીય ક્ષેત્રના સુધારા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) પરના સતત ભાર પર કેન્દ્રિત હતી, જે વૈશ્વિક રોકાણકારો માટે નોંધપાત્ર તકો ઊભી કરી રહી છે. શ્રી ગોયલે હિતધારકોને સ્વચ્છ ઊર્જા, ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન વૈવિધ્યકરણ જેવા ક્ષેત્રોમાં ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું, જ્યારે બંને દેશો માટે ટકાઉ વિકાસ અને સહિયારી સમૃદ્ધિને ટેકો આપવા માટે નાણાકીય બજારોમાં સહયોગને વધુ ઊંડો બનાવવાના માર્ગો શોધવા પણ જણાવ્યું હતું.

શ્રી પિયુષ ગોયલે વીમો, ફૂડ પ્રોસેસિંગ, બેંકિંગ અને ક્રિટિકલ મિનરલ્સ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોની અગ્રણી કેનેડિયન કંપનીઓ તેમજ મુખ્ય નાણાકીય રોકાણકારો સાથે વન-ઓન-વન (વ્યક્તિગત) બેઠકો પણ યોજી હતી. ચર્ચાઓ ભારતમાં તેમની વિસ્તરતી રુચિઓ પર કેન્દ્રિત હતી અને તેમાં ભારતના મેક્રોઇકોનોમિક આઉટલુક (સમષ્ટિગત આર્થિક દૃશ્ય), પાછલા દોઢ વર્ષમાં વેપાર કરારો પર સરકારનું નવેસરથી ધ્યાન, ઉચ્ચ વિકાસ વાળા ક્ષેત્રોમાં રહેલી તકો, STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ટેલેન્ટની ઉપલબ્ધતા અને તેના પરિણામે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) નો ઉદય, વ્યૂહાત્મક રોકાણોને પ્રોત્સાહિત કરતી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ અને ભારતના સતત સુધરી રહેલા નિયમનકારી વાતાવરણ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

શ્રી પિયુષ ગોયલે હમ્બર બે પાર્ક ખાતે કનિષ્ક મેમોરિયલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પીડિતોના પરિવારો સાથે વાતચીત કરી હતી અને એર ઇન્ડિયા AI 182 આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

દિવસનો અંત બ્રેમ્પટોનના પીઅરસન કન્વેન્શન સેન્ટર ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ટોરોન્ટો દ્વારા આયોજિત રિસેપ્શન (સ્વાગત સમારોહ) સાથે થયો હતો. ભારતીય પ્રવાસીઓના સભ્યોને સંબોધતા, શ્રી પિયુષ ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત-કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ઊંડો બનાવવામાં તેની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતીય પ્રવાસીઓએ માત્ર ભારત સાથે વ્યાપાર અને રોકાણના જોડાણો વિસ્તારવામાં જ નહીં, પરંતુ સમગ્ર કેનેડામાં મજબૂત સાંસ્કૃતિક આદાનપ્રદાન, સામુદાયિક જોડાણ અને ભારતીય વ્યવસાયોના વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.

શ્રી ગોયલ કેનેડામાં અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં 100 થી વધુ ભારતીય કંપનીઓના ઉદ્યોગ અગ્રણીઓ સામેલ છે, જે ભારત-કેનેડા આર્થિક સંબંધોના સંપૂર્ણ પુનરુત્થાન તરફનું એક ઐતિહાસિક પગલું છે. આ ત્રણ દિવસીય મુલાકાત, જે 25 મેના રોજ ઓટાવા ખાતે મુખ્ય વ્યસ્તતાઓ સાથે શરૂ થઈ હતી, તેનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને આગળ વધારવાનો છે, જેમાં ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે ચાલી રહેલી વાટાઘાટોને ઝડપી બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2265714) મુલાકાતી સંખ્યા : 23