સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટેના કામચલાઉ આંકડા જાહેર; ચેરમેન શ્રી મનોજ કુમારે 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' જેવી પહેલો દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં નવો વેગ લાવવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પર ભાર મૂક્યો
ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. 1.87 લાખ કરોડને પાર; કારીગરોના મહેનતાણામાં 275% સુધીનો વધારો
ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે છેલ્લા 12 વર્ષમાં રોજગારી સર્જનમાં 56 ટકાનો વધારો નોંધાવ્યો, 2.04 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 3:09PM by PIB Ahmedabad


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે છેલ્લા 12 વર્ષોમાં વૃદ્ધિ અને પરિવર્તનની એક અસાધારણ સફર પાર કરી છે. નાણાકીય વર્ષ 2025-26માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. 1,87,105 કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણનો આંકડો છે અને તે ગ્રામીણ ભારતમાં વધતી જતી સાહસિકતા, આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણનો એક મજબૂત પુરાવો છે. 'આત્મનિર્ભર ભારત', 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' જેવા રાષ્ટ્રીય અભિયાનોથી પ્રેરિત થઈને ખાદી હવે માત્ર એક પરંપરાગત ઉત્પાદન નથી; તે 'નવા ભારતના' આત્મનિર્ભર, સ્વદેશી ગૌરવ અને ગ્રામીણ સમૃદ્ધિના એક જીવંત પ્રતીક તરીકે વિકસિત થઈ છે. ઉત્પાદન, માર્કેટિંગ અને રોજગારી સર્જનમાં નવા બેન્ચમાર્ક (માનદંડો) સ્થાપિત કરીને, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે દેશના ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જા અને દિશા પૂરી પાડી છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટેના કામચલાઉ આંકડા જાહેર
નવી દિલ્હીના રાજઘાટ સ્થિત ગાંધી દર્શન ખાતે આવેલી KVICની ઓફિસમાં નાણાકીય વર્ષ 2025-26ના કામચલાઉ આંકડા જાહેર કરતી વખતે KVICના ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે આયોગે ઉત્પાદન, વેચાણ અને રોજગારી સર્જનના ક્ષેત્રોમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે. તેમણે રેખાંકિત કર્યું કે, વર્ષ 2013-14ની સરખામણીમાં છેલ્લા 12 વર્ષમાં વેચાણમાં 501 ટકા, ઉત્પાદનમાં 380 ટકા અને રોજગારી સર્જનમાં 56 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉના વર્ષોની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા તેમણે નોંધ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં 2013-14ની સરખામણીમાં વેચાણમાં 447 ટકા અને ઉત્પાદનમાં 347 ટકાનો વધારો થયો હતો; તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2023-24માં 2013-14ની સરખામણીમાં વેચાણમાં 400 ટકા અને ઉત્પાદનમાં 315 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ રૂ. 1.87 લાખ કરોડની મર્યાદાને પાર
ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા આ નોંધપાત્ર પ્રદર્શન માત્ર 'વિકસિત ભારત@2047'ના સંકલ્પને વેગ આપી રહ્યું નથી પરંતુ ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાં સ્થાન અપાવવા તરફ પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમણે આ સિદ્ધિનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અસરકારક માર્ગદર્શન, મહાત્મા ગાંધીમાંથી મળેલી પ્રેરણા અને દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા લાખો કારીગરોની સખત મહેનતને આપ્યો હતો. KVICના ચેરમેને વધુમાં માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2013-14માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. 26,109 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2025-26માં લગભગ પાંચ ગણું વધીને, 380 ટકાનો ઉછાળો નોંધાવીને રૂ. 1,25,296 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં વેચાણ રૂ. 31,154 કરોડ હતું, તે નાણાકીય વર્ષ 2025-26માં લગભગ છ ગણું વધીને, 501 ટકાની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવીને રૂ. 1,87,105 કરોડ પર પહોંચ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણનો આંકડો દર્શાવે છે.
ખાદી કાપડના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
ખાદી કાપડ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. ઉત્પાદન, જે 2013-14માં રૂ. 811 કરોડ હતું, તે નાણાકીય વર્ષ 2025-26માં વધીને રૂ. 3,974 કરોડ થયું છે, જે આશરે 390 ટકાનો વધારો દર્શાવે છે. સાથે જ, વેચાણ રૂ. 1,081 કરોડથી વધીને રૂ. 7,869 કરોડ સુધી પહોંચી ગયું છે, જે આશરે 628 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પ્રધાનમંત્રી દ્વારા ખાદીના સતત પ્રમોશન અને પ્રચારની સકારાત્મક અસર આ ક્ષેત્રની વધતી જતી સ્વીકૃતિ અને બજારના વિસ્તરણમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન અને વેચાણના નવા રેકોર્ડ
ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. વર્ષ 2013-14માં ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. 25,298 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2025-26માં વધીને રૂ. 1,21,322 કરોડ થયું છે, જે આશરે 380 ટકાનો વધારો છે. તેવી જ રીતે, વેચાણ રૂ. 30,073 કરોડથી વધીને રૂ. 1,79,236 કરોડ થયું છે, જે આશરે 496 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગ્રામોદ્યોગ ક્ષેત્રે રોજગારી સર્જનમાં પણ મોટું યોગદાન આપ્યું છે. વર્ષ 2013-14માં આ ક્ષેત્રમાં 1.19 કરોડ લોકો કાર્યરત હતા, આ આંકડો નાણાકીય વર્ષ 2025-26માં વધીને લગભગ 1.99 કરોડ થયો છે, જે ગ્રામીણ આજીવિકા ઊભી કરવામાં આ ક્ષેત્રની વધતી જતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'ઘર-ઘર સ્વદેશી' જેવા અભિયાનોની અસરને કારણે ગ્રામોદ્યોગ ઉત્પાદનોની માંગમાં સતત વધારો જોવા મળ્યો છે; પરિણામે, આ ક્ષેત્ર ગ્રામીણ ઉદ્યોગોના વિસ્તરણ, બજારના સુદ્રઢીકરણ અને રોજગારી સર્જન માટે એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે.
રોજગારી સર્જનમાં KVICની ઐતિહાસિક સિદ્ધિ
KVIC એ રોજગારી સર્જનના ક્ષેત્રમાં પણ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ 2013-14માં ખાદી અને ગ્રામોદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંચિત રોજગારી 1.30 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025-26માં વધીને 2.04 કરોડ થઈ છે, જે 56 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, આ રીતે ગ્રામીણ આજીવિકા પૂરી પાડવામાં KVICની મહત્વની ભૂમિકા રેખાંકિત થાય છે.
PMEGP એ સ્વ-રોજગાર અને સાહસિકતાને નવો વેગ આપ્યો
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 66,494 નવા એકમો સ્થાપવામાં આવ્યા હતા અને આ એકમો માટે રૂ. 7,375 કરોડની લોન સામે રૂ. 2,457 કરોડની માર્જિન મની સબસિડી વિતરિત કરવામાં આવી હતી. આ એકમો દ્વારા 7,31,434 લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 10,84,679 એકમો સ્થાપવામાં આવ્યા છે, જેના માટે કુલ રૂ. 80,705 કરોડની લોન સામે રૂ. 29,623 કરોડની માર્જિન મની સબસિડી આપવામાં આવી છે. આ પહેલ દ્વારા આજદિન સુધીમાં અંદાજે 97.95 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ ટૂલ-કિટ વિતરણ દ્વારા કારીગરોનું સશક્તિકરણ
ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 51,230 ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સ (કુંભારી ચાકડા), 2,46,099 બી-બોક્સ (મધમાખીના બોક્સ) અને મધમાખી વસાહતો, 2,674 ઓટોમેટિક અને પેડલથી ચાલતા અગરબત્તી બનાવવાના મશીનો, 7,669 ફૂટવેર મેન્યુફેક્ચરિંગ અને રિપેરિંગ ટૂલ-કિટ્સ, 836 પેપર પ્લેટ અને દોના (પતરાળા) બનાવવાના મશીનો, એસી રિપેરિંગ, મોબાઇલ રિપેરિંગ, ટેલરિંગ (દરજીકામ), ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર માટે 7,571 ટૂલ-કિટ્સ; ટર્નવૂડ, વેસ્ટ વૂડ ક્રાફ્ટ અને લાકડાના રમકડા બનાવવા માટે 5,138 મશીનો અને તાડના ગોળ, ઓઇલ ઘાણી નિષ્કર્ષણ અને આંબલી પ્રોસેસિંગ માટે 1,789 મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, આ યોજના હેઠળ 37,769 મશીનો, ટૂલકિટ્સ અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષની સમીક્ષા દર્શાવે છે કે 2022-23માં 21,874 એકમો, નાણાકીય વર્ષ 2023-24માં 29,540, નાણાકીય વર્ષ 2024-25માં 38,904 અને નાણાકીય વર્ષ 2025-26માં 37,769 મશીનો અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ, KVIC એ અત્યાર સુધીમાં કુલ 3,23,006 મશીનો, ટૂલકિટ્સ અને સાધનોનું વિતરણ કર્યું છે, જે 'આત્મનિર્ભર ભારત'ની અનુભૂતિ તરફ નોંધપાત્ર યોગદાન આપે છે.
KVICના પ્રયાસો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન
KVIC એ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, KVICના વિવિધ તાલીમ કાર્યક્રમો હેઠળ 79,682 તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી; ખાસ કરીને, આ તાલીમાર્થીઓમાંથી 47,382 મહિલાઓ હતી, જે કુલ સંખ્યાના આશરે 59 ટકા જેટલી થાય છે. વધુમાં, PMEGP યોજના હેઠળ, 2025-26 દરમિયાન 28,180 મહિલા સાહસિકોએ વ્યાપારી એકમોની સ્થાપના કરી હતી, જેનાથી 3,09,980 મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી થઈ હતી, આ આંકડો મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આ યોજનાની મોટી ભૂમિકા પર ભાર મૂકે છે. ખાદી ક્ષેત્રના અંદાજે 5,00,000 કારીગરોમાં મહિલાઓ 80 ટકાથી વધુ હિસ્સો ધરાવતી હોવાથી, આ ક્ષેત્ર મહિલા સંચાલિત આર્થિક સશક્તિકરણ માટે એક અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે.
કારીગરોના મહેનતાણામાં 275% સુધીનો વધારો
કારીગરોને ચૂકવવામાં આવતા મહેનતાણામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે વર્ષ 2013-14માં રૂ. 4 પ્રતિ આંટી (હેન્ક) થી વધીને હાલના રૂ. 15 પ્રતિ આંટી દર પર પહોંચી ગયું છે, જે આશરે 275 ટકાનો વધારો દર્શાવે છે.
સરકારી ખરીદી, પ્રદર્શન વેચાણ અને રાષ્ટ્રીય ધ્વજની માંગમાં વૃદ્ધિ
આ સાથે, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની સરકારી ખરીદી વધીને રૂ. 92.08 કરોડ થઈ છે, જે આ ક્ષેત્રની વધતી જતી સ્વીકૃતિ અને સંસ્થાકીય માંગમાં વધારો દર્શાવે છે. તેવી જ રીતે, ખાદી ઉત્પાદનો માટેના પ્રદર્શનો અને માર્કેટિંગ પહેલો દ્વારા રૂ. 30.83 કરોડનું વેચાણ નોંધાયું હતું, જે બજારના વિસ્તરણ અને ગ્રાહક જોડાણને મજબૂત બનાવે છે. વધુમાં, રાષ્ટ્રીય ધ્વજના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 2013-14માં રૂ. 0.87 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 2.35 કરોડ થયો છે. આ વૃદ્ધિ દેશમાં 'હર ઘર તિરંગા' જેવા જનઅભિયાનોની અસર તેમજ ખાદી સાથે લોકોના વધી રહેલા જોડાણ પર ભાર મૂકે છે.


SM/BS/JD
(રીલીઝ આઈડી: 2265390)
મુલાકાતી સંખ્યા : 35