માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ (યુજી) પુનઃપરીક્ષાના સુરક્ષિત, સુદ્રઢ અને સફળ આયોજન માટે રાજ્યોને પત્ર લખ્યો

પોસ્ટેડ ઓન: 25 MAY 2026 6:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને 21 જૂન, 2026 ના રોજ યોજાનારી નીટ (યુજી) [NEET (UG)] પુનઃપરીક્ષાના સુચારુ, નિષ્પક્ષ અને સફળ આયોજન માટે દેશભરના તમામ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો અને વહીવટદારોને પત્ર લખીને સહકાર માંગ્યો છે. હાલમાં પ્રવર્તતી તીવ્ર હીટવેવ (કાળઝાળ ગરમી) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય મંત્રીએ પરીક્ષાર્થીઓની સુવિધા અને સુખાકારી માટે પરીક્ષા કેન્દ્રો પર તમામ આવશ્યક પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ ખાસ વિનંતી કરી છે.

તેમના પત્રમાં શ્રી પ્રધાને લખ્યું છે કે: “હાલની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, હું આપને વિનંતી કરું છું કે આપના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પરીક્ષાનું આયોજન કરતા જિલ્લા સત્તાધિકારીઓ અને તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને ઉમેદવારોની સુવિધા માટે આવશ્યક પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા યોગ્ય સૂચનાઓ જારી કરવા કૃપા કરો. આ સુવિધાઓમાં પીવાનું શુદ્ધ પાણી, બેસવાની પૂરતી વ્યવસ્થા, ચાલુ હાલતમાં પંખા/કુલર, સ્વચ્છ વોશરૂમ, છાંયડાવાળા વેઇટિંગ એરિયા (પ્રતીક્ષા ખંડ), અવિરત વીજ પુરવઠો અને જ્યાં જરૂર હોય ત્યાં પોર્ટેબલ ટોઇલેટનો સમાવેશ થઈ શકે છે.”

વિદ્યાર્થીઓના હિત અને સુખાકારી સર્વોપરી હોવા પર ભાર મૂકતા મંત્રીએ તમામ રાજ્ય સરકારોને પરીક્ષાના દિવસે, એટલે કે 21 જૂનના રોજ ઉમેદવારો માટે પરિવહન (વાહનવ્યવહાર) ની પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું.

શ્રી પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નીટ (યુજી) 2026 ની પુનઃપરીક્ષા સુચારુ, પારદર્શી અને નિષ્પક્ષ રીતે લેવાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો પોતાનો સંપૂર્ણ સહકાર આપશે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2265129) મુલાકાતી સંખ્યા : 19