સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ જિનીવામાં યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભાની બેઠક દરમિયાન “ફેફસાંના આરોગ્યની તપાસ અંગે મંત્રીસ્તરીય દૃષ્ટિકોણ” વિષયક સ્ટોપ ટીબી પાર્ટનરશિપના સાઇડ-ઇવેન્ટને સંબોધિત કર્યું
સમયસર સ્ક્રીનિંગ, વહેલું નિદાન અને સારવાર સુધી સમાન પહોંચ એ સ્થિતિસ્થાપક અને લોકો-કેન્દ્રિત સ્વાસ્થ્ય પ્રણાલીઓના મૂળમાં રહેલું છે: શ્રી નડ્ડા
“રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અને ‘ટીબી-મુક્ત ભારત’ના વિઝન હેઠળ, ભારતે વિશ્વના સૌથી મોટા સ્ક્રીનિંગ અને વહેલા નિદાનના પ્રયાસોમાંથી એક હાથ ધર્યો છે”
“ભારતમાં ખાસ કરીને અંતરિયાળ અને વંચિત વિસ્તારોમાં નિદાનમાં થતા વિલંબને ઘટાડવા માટે મોલેક્યુલર ટેસ્ટિંગ પ્લેટફોર્મ્સ, ડિજિટલ ચેસ્ટ એક્સ-રે સેવાઓ, AI-સહાયિત અર્થઘટન સાધનો, હેન્ડહેલ્ડ સ્ક્રીનિંગ ઉપકરણો અને વિકેન્દ્રિત ટેસ્ટિંગ પ્રણાલીઓ મોટા પાયે તૈનાત કરવામાં આવી રહી છે”
“ટીબી મુક્ત ભારત અભિયાન દ્વારા, ભારતે ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને સહાય કરવા માટે નાગરિકો, સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને સમુદાયોને એકત્રિત કર્યા છે”
“ભારતની ટીબી મુક્ત ભારત એપ, જેમાં “ખુશી” નામનું AI-સક્ષમ બહુભાષી ચેટબોટ સામેલ છે, તે લક્ષણો, હકદારીઓ અને નજીકની નિદાન સુવિધાઓ વિશે રીઅલ-ટાઇમ માર્ગદર્શન પૂરું પાડે છે”
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વિશ્વભરમાં ફેફસાના સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ માટે વ્યવહારુ અને સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવા) ઉકેલોને આગળ વધારવામાં સરકારો, નવીનતાકારો, ભાગીદારો અને સમુદાયો સાથે સહયોગ કરવા માટે ભારતની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
21 MAY 2026 9:18AM by PIB Ahmedabad
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનિવા ખાતે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 79મા સત્ર દરમિયાન “ફેફસાના સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ પર મંત્રી સ્તરીય પરિપ્રેક્ષ્ય” વિષયક ઉચ્ચ સ્તરીય સાઇડ ઇવેન્ટને સંબોધિત કરી હતી. “શું તમારી સ્વાસ્થ્ય પ્રણાલી ફેફસાના સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ સાથે સંઘર્ષ કરી રહી છે?” શીર્ષક ધરાવતો આ કાર્યક્રમ સ્ટોપ ટીબી પાર્ટનરશિપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને ભારત, જાપાન, ફિલિપાઇન્સ તેમજ ઝામ્બિયા દ્વારા સંયુક્ત રીતે સહ-આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રતિષ્ઠિત મેળાવડાને સંબોધતા શ્રી નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમયસર સ્ક્રીનિંગ, વહેલું નિદાન અને સારવાર સુધી સમાન પહોંચ એ સ્થિતિસ્થાપક અને લોકો-કેન્દ્રિત સ્વાસ્થ્ય પ્રણાલીઓના મૂળમાં રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે ફેફસાના સ્વાસ્થ્યના સ્ક્રીનિંગને મજબૂત બનાવવું એ માત્ર ટેકનોલોજી કે નિદાનના સાધનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જીવન બચાવવા, પીડા ઘટાડવા, સ્વાસ્થ્ય પાછળ થતા ભારે ખર્ચને અટકાવવા, આજીવિકાનું રક્ષણ કરવા અને સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત કરવા વિશે છે.
ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ને નાબૂદ કરવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ટ્યુબરક્યુલોસિસ નાબૂદી કાર્યક્રમ અને ‘ટીબી-મુક્ત ભારત’ના વિઝન હેઠળ, ભારતે વિશ્વના સૌથી મોટા સ્ક્રીનિંગ અને વહેલી ભાળ મેળવવાના પ્રયાસોમાંથી એક હાથ ધર્યો છે.” તેમણે રેખાંકિત કર્યું હતું કે દેશે “ઘરે-ઘરે જઈને આઉટરીચ, મોબાઈલ સ્ક્રીનિંગ ટીમો, સમુદાય અભિયાનો અને ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોમાં તેમજ સંવેદનશીલ વસ્તી વચ્ચે કેન્દ્રિત ઝુંબેશો દ્વારા સંવેદનશીલ વસ્તીમાં સક્રિય કેસ શોધવાની પ્રક્રિયાનો વિસ્તાર કર્યો છે.”

શ્રી નડ્ડાએ વધુમાં માહિતી આપી હતી કે ભારતે ટીબી અને ફેફસાના અન્ય રોગોની ભાળ મેળવવા માટે આધુનિક નિદાન પદ્ધતિઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નિદાનમાં થતા વિલંબને ઘટાડવા માટે, ખાસ કરીને અંતરિયાળ અને વંચિત પ્રદેશોમાં, મોલેક્યુલર ટેસ્ટિંગ પ્લેટફોર્મ્સ, ડિજિટલ ચેસ્ટ એક્સ-રે સેવાઓ, AI-સહાયિત અર્થઘટન (ઇન્ટરપ્રિટેશન) સાધનો, હેન્ડહેલ્ડ સ્ક્રીનિંગ ઉપકરણો અને વિકેન્દ્રિત ટેસ્ટિંગ પ્રણાલીઓ મોટા પાયે તૈનાત કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “નવીનતાએ સમાનતા માટે સેવા આપવી જોઈએ અને ટેકનોલોજી છેવાડાના માણસ સુધી પહોંચવી જોઈએ.”
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ હેઠળ પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ સુધારાઓની ભૂમિકા અને સ્વાસ્થ્ય સેવાઓને સમુદાયોની નજીક લાવવામાં અગ્રીમ હરોળના વ્યાપક કાર્યબળની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે માત્ર નિદાન જ પૂરતું નથી અને પોષણ સહાય, સારવારના પાલન માટેની સહાય, સામાજિક સુરક્ષા અને સામુદાયિક એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ટીબી મુક્ત ભારત અભિયાન દ્વારા, ભારતે ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને સહાય કરવા માટે નાગરિકો, સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને સમુદાયોને એકત્રિત કર્યા છે.”

ભારતની ડિજિટલ પહેલો વિશે વાત કરતા શ્રી નડ્ડાએ નોંધ્યું હતું કે મંત્રાલયે 'ટીબી મુક્ત ભારત એપ' શરૂ કરી છે જેમાં “ખુશી” નામનું AI-સક્ષમ બહુભાષી ચેટબોટ છે, જે પ્રારંભિક સ્તરના (એન્ટ્રી-લેવલ) સ્માર્ટફોન પર પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ લક્ષણો, હકદારીઓ અને નજીકની નિદાન સુવિધાઓ વિશે રીઅલ-ટાઇમ માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી લક્ષણોની શરૂઆત અને સમયસર સારવાર વચ્ચેના અંતરને ઘટાડવામાં મદદ મળે છે.
વધુ મજબૂત વૈશ્વિક સહયોગની હાકલ કરતા શ્રી નડ્ડાએ ફેફસાના સ્વાસ્થ્યને આગળ વધારવા માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ (યુનિવર્સલ હેલ્થ કવરેજ) ના માળખામાં ફેફસાના સ્વાસ્થ્યને મુખ્ય પ્રવાહમાં લાવવું, નિદાન, ડિજિટલ સાધનો અને સ્ક્રીનિંગ ટેકનોલોજી સુધી પરવડે તેવી પહોંચનો વિસ્તાર કરવો, શ્વસન સ્વાસ્થ્ય માટે પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત કરવી, નવીનતા, સ્થાનિક ઉત્પાદન અને ટેકનોલોજી હસ્તાંતરણને પ્રોત્સાહન આપવું, અને ટીબી તેમજ ફેફસાના અન્ય રોગોની રોકથામ અને વહેલી ભાળ મેળવવા માટે ટકાઉ ધિરાણ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

વૈશ્વિક લક્ષ્યાંકો કરતાં વહેલા ટીબીનો અંત લાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ટીબી સામેની લડાઈ વધુ મજબૂત સ્વાસ્થ્ય પ્રણાલીઓ, બહેતર નિદાન, સ્વચ્છ વાતાવરણ, સુધારેલા પોષણ અને વધુ સમાન સમાજો તરફનો પ્રવેશદ્વાર બની શકે છે. તેમણે વૈશ્વિક સમુદાયને વિલંબિત નિદાનથી વહેલી ભાળ મેળવવા તરફ, છૂટાછવાયાં કાર્યક્રમોથી સંકલિત સંભાળ તરફ અને રોગ નિયંત્રણથી સ્વાસ્થ્ય પ્રણાલીના પરિવર્તન તરફ આગળ વધવા વિનંતી કરી હતી.
શ્રી નડ્ડાએ વિશ્વભરમાં ફેફસાના સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ માટે વ્યવહારુ અને સ્કેલેબલ ઉકેલોને આગળ વધારવામાં સરકારો, નવીનતાકારો, વિકાસ ભાગીદારો અને સમુદાયો સાથે સહયોગ કરવા માટે ભારતની સજ્જતાનો પુનરોચ્ચાર કરીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2263540)
आगंतुक पटल : 52