પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ના 130મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.01.2026)

प्रविष्टि तिथि: 25 JAN 2026 11:53AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર

વર્ષ 2026ની આ પહેલી 'મન કી બાત' છે. કાલે 26 જાન્યુઆરીએ આપણે બધાં 'ગણતંત્ર દિવસ'નું પર્વ મનાવીશું. આ જ દિવસે આપણું બંધારણ લાગુ થયું હતું. 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને આપણા બંધારણ ઘડવૈયાઓને નમન કરવાનો અવસર આપે છે. આજે 25 જાન્યુઆરીનો દિવસ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે 'રાષ્ટ્રીય મતદાર દિવસ' (National Voters Day) છે. મતદાર જ લોકતંત્રનો આત્મા હોય છે.

સાથીઓ,

સામાન્ય રીતે, જ્યારે કોઈ 18 વર્ષનું થઈ જાય છે, મતદાર બની જાય છે, તો તેને જીવનનો એક સામાન્ય પડાવ માનવામાં આવે છે, પરંતુ હકીકતે આ અવસર કોઈ પણ ભારતીયના જીવનનું બહુ મોટું સીમાચિહ્ન હોય છે. આથી ખૂબ જ આવશ્યક છે કે આપણે દેશમાં વૉટર બનવાનો, મતદાર બનવાનો ઉત્સવ મનાવીએ. જેવી રીતે આપણે જન્મદિન પર શુભકામનાઓ આપીએ છીએ અને તેને ઉજવીએ છીએ, બરાબર એ જ રીતે, જ્યારે પણ કોઈ યુવા પહેલી વાર મતદાર બને તો સમગ્ર વિસ્તાર, ગામ કે પછી શહેર એક થઈને તેને અભિનંદન આપે અને મીઠાઈ વહેંચવામાં આવે. તેનાથી લોકોમાં મતદાર પ્રત્યે જાગૃતિ વધશે. તેની સાથે જ એ ભાવના વધુ સશક્ત થશે કે એક મતદાર થવું કેટલું મહત્ત્વપૂર્ણ છે.

સાથીઓ,

દેશમાં જે પણ લોકો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા રહે છે, જે આપણા લોકતંત્રને જીવંત રાખવા માટે ધરતી પર રહીને કામ કરે છે, હું તે બધાની પ્રશંસા કરવા માગીશ. આજે 'મતદાર દિવસ' પર હું મારા યુવાન સાથીઓને અનુરોધ કરીશ કે તેઓ 18 વર્ષના થાય ત્યારે મતદારના રૂપમાં પોતાની નોંધણી કરાવે. બંધારણે દરેક નાગરિક પાસેથી જે કર્તવ્ય ભાવનાના પાલનની અપેક્ષા રાખી છે તેનાથી તે અપેક્ષા પણ પૂરી થશે અને ભારતનું લોકતંત્ર પણ મજબૂત રહેશે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજકાલ હું સૉશિયલ મીડિયા પર એક રસપ્રદ ટ્રેન્ડ જોઈ રહ્યો છું. લોકો વર્ષ 2016ની પોતાની સ્મૃતિઓને ફરી તાજી કરી રહ્યા છે. તે ભાવનાની સાથે, હું પણ તમારી સાથે પોતાની એક સ્મૃતિને તાજી કરવા માગું છું. દસ વર્ષ પહેલાં જાન્યુઆરી 2016માં આપણે એક મહત્ત્વાકાંક્ષી યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારે આપણને એ વાતની અનુભૂતિ હતી કે ભલે તે એક નાનકડું કેમ ન હોય, પરંતુ તે યુવા પેઢી માટે, દેશના ભવિષ્ય માટે, ઘણું અગત્યનું છે. ત્યારે કેટલાક લોકો એ સમજી નહોતા શક્યા કે તે છેવટે છે શું?

સાથીઓ,

હું જે યાત્રાની વાત કરી રહ્યો છું તે છે સ્ટાર્ટ અપ ઇન્ડિયાની યાત્રા. આ અદ્ભુત યાત્રાના નાયકો આપણા યુવાન સાથીઓ છે. પોતાના સુવિધાજનક ક્ષેત્રમાંથી બહાર નીકળીને તેમણે જે નવીન શોધો કરી, તે ઇતિહાસમાં અંકિત થઈ રહી છે.

સાથીઓ,

ભારતમાં આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમ બની ચૂકી છે. તે સ્ટાર્ટ અપ પરંપરાથી હટીને છે. આજે તે એવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જેના વિશે દસ વર્ષ પહેલાં સુધી કલ્પના પણ નહોતી કરી શકાતી. એઆઈ, અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, સેમી કન્ડક્ટર, મોબિલિટી, ગ્રીન હાઇડ્રૉજન, બાયૉટૅક્નૉલૉજી...તમે નામ લો અને કોઈ ને કોઈ ભારતીય સ્ટાર્ટ અપ તે ક્ષેત્રમાં કામ કરતું જોવા મળશે. હું મારા તે બધા યુવા સાથીઓને નમન કરું છું જે કોઈ ને કોઈ સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા છે અથવા તો પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવા માગે છે.

સાથીઓ,

આજે 'મન કી બાત'ના માધ્યમથી હું દેશવાસીઓ, વિશેષ તો ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા યુવાનોને એક અનુરોધ અવશ્ય કરવા માગું છું. ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પર દુનિયાની નજર છે. આવા સમયમાં આપણા બધાં પર એક બહુ મોટી જવાબદારી પણ છે. તે જવાબદારી છે- ગુણવત્તા પર ભાર મૂકવાની. થાય છે, ચાલે છે, ચાલી જશે, એ યુગ હવે ચાલ્યો ગયો. આવો, આ વર્ષે આપણે પૂરી શક્તિથી ગુણવત્તાને પ્રાથમિકતા આપીએ. આપણો બધાનો એક જ મંત્ર હોય, ગુણવત્તા, ગુણવત્તા અને કેવળ ગુણવત્તા. કાલથી આજે વધુ સારી ગુણવત્તા. આપણે જે પણ મેન્યૂફૅક્ચર કરીએ છીએ તેની ગુણવત્તાને વધુ સારી બનાવવાનો સંકલ્પ લઈએ. ચાહે, આપણાં કાપડ હોય, ટૅક્નૉલૉજી કે પછી ઇલેક્ટ્રૉનિક્સ, અરે ! પેકેજિંગ પણ કેમ ન હોય, ભારતીય ઉત્પાદનનો અર્થ જ બની જવો જોઈએ - ઉચ્ચ ગુણવત્તા. આવો, નિપુણતાને આપણે આપણો માપદંડ બનાવીએ. આપણે સંકલ્પ લઈએ કે ગુણવત્તામાં ન કોઈ કમી રહેશે, ન ગુણવત્તા સાથે કોઈ સમજૂતી થશે અને મેં તો લાલ કિલ્લા પરથી કહ્યું હતું-'Zero defect - Zero effect'. આવું કરીને જ આપણે વિકસિત ભારતની યાત્રાને ઝડપથી આગળ લઈ જઈ શકીશું.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણા દેશના લોકો ઘણા અભિનવ શોધક (ઇન્નૉવેટિવ) છે. સમસ્યાઓનું સમાધાન શોધવું એ આપણા દેશવાસીઓના સ્વભાવમાં છે. કેટલાક લોકો આ કામ સ્ટાર્ટ અપ દ્વારા કરે છે તો કેટલાક લોકો સમાજની સામૂહિક શક્તિથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સામે આવ્યો છે. અહીંથી પસાર થતી તમસા નદીને લોકોએ નવું જીવન આપ્યું છે. તમસા માત્ર એક નદી જ નથી, પરંતુ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની સજીવ ધારા છે. અયોધ્યાથી નીકળીને ગંગામાં સમાહિત થનારી આ નદી ક્યારેક આ ક્ષેત્રના લોકોના જનજીવનનો આધારસ્તંભ રહેતી હતી, પરંતુ પ્રદૂષણના કારણે તેની અવિચળ ધારામાં અડચણ આવવા લાગી હતી. રગડો, કચરો અને ગંદકીએ આ નદીના પ્રવાહને રોકી દીધો હતો. તે પછી અહીંના લોકોએ તેને એક નવું જીવન આપવાનું અભિયાન શરૂ કર્યું. નદીની સફાઈ કરવામાં આવી અને તેના કિનારા પર છાયાદાર, ફળદાર વૃક્ષો લગાવ્યાં. સ્થાનિક લોકો કર્તવ્ય ભાવનાથી આ કામમાં જોડાયા અને બધાના પ્રયાસથી નદીનો પુનરુદ્ધાર થઈ ગયો.

સાથીઓ,

જન ભાગીદારીનો આવો જ પ્રયાસ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં પણ જોવા મળ્યો છે. આ એ ક્ષેત્ર છે જે દુષ્કાળની ગંભીર સમસ્યા સામે લડતું રહ્યું છે. અહીંની માટી લાલ અને રેતાળ છે. આ કારણે લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે. અહીંનાં અનેક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી વરસાદ પડતો નથી. અનેક વાર તો લોકો અનંતપુરની તુલના રેગિસ્તાનમાં દુષ્કાળની સ્થિતિ સાથે પણ કરી દે છે. સાથીઓ, આ સમસ્યાના સમાધાન માટે સ્થાનિક લોકોએ જળાશયોને સાફ કરવાનો સંકલ્પ કર્યો. પછી પ્રશાસનના સહયોગથી અહીં 'અનંત નીરુ સંરક્ષણમ્ પ્રૉજેક્ટ'ની શરૂઆત થઈ. આ પ્રયાસ હેઠળ ૧૦થી વધુ જળાશયોને જીવન દાન મળ્યું છે. આ જળાશયોમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. તેની સાથે જ 7,000થી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યાં છે. અર્થાત્ અનંતપુરમાં જળ સંરક્ષણની સાથોસાથ હરિયાળું આવરણ પણ વધ્યું છે. અહીંનાં બાળકો હવે તરવાનો આનંદ પણ લઈ શકે છે. એક રીતે કહીએ તો અહીંની પૂરી ઇકૉ સિસ્ટમ ફરીથી નિખરી ગઈ છે.

સાથીઓ,

આઝમગઢ હોય, અનંતપુર કે પછી દેશની કોઈ પણ જગ્યા, એ જોઈને ખુશી થાય છે કે લોકો એક સંપ થઈને કર્તવ્ય ભાવથી મોટા સંકલ્પો સિદ્ધ કરી રહ્યા છે. જન ભાગીદારી અને સામૂહિકતાની આ ભાવના આપણા દેશની સૌથી મોટી શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણા દેશમાં ભજન અને કીર્તન સદીઓથી આપણી સંસ્કૃતિનો આત્મા રહ્યાં છે. આપણે મંદિરોમાં ભજન સાંભળ્યાં છે, કથા સાંભળતી વખતે સાંભળ્યાં છે, અને દરેક યુગમાં ભક્તિને પોતાના સમયના હિસાબથી જીવી છે. આજની પેઢી પણ કંઈક નવો કમાલ કરી રહી છે. આજના યુવાનોએ ભક્તિને પોતાના અનુભવ અને પોતાની જીવનશૈલીમાં ઢાળી લીધી છે. આ વિચારસરણીથી એક નવું સાંસ્કૃતિક ચલણ ઉભરીને સામે આવ્યું છે. તમે સૉશિયલ મીડિયા પર આવા વિડિયો અવશ્ય જોયા હશે. દેશનાં અલગ-અલગ શહેરોમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ રહ્યા છે. મંચ સજાવેલો હોય છે. રોશની હોય છે. સંગીત હોય છે. પૂરો તામઝામ હોય છે અને વાતાવરણ પણ કોઈ સંગીતના કાર્યક્રમથી સહેજેય ઓછો નથી હોતો. એવું જ લાગે છે કે જાણે કોઈ મોટી સંગીત સભા થવાની હોય પરંતુ અહીં જે ગાવામાં આવે છે તે પૂરી તન્મયતાની સાથે, પૂરી લગન સાથે, પૂરા લય સાથે ભજનની ગૂંજ હોય છે. આ ચલણને આજે 'ભજન ક્લબિંગ' કહેવાય છે અને ખાસ તો, જેન ઝી વચ્ચે તે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. એ જોઈને સારું લાગે છે કે આ આયોજનોમાં ભજનની ગરીમા અને પવિત્રતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ભક્તિને હળવાશથી નથી લેવાતી. ન શબ્દોની મર્યાદા તૂટે છે અને ન તો ભાવની. મંચ આધુનિક હોઈ શકે છે, સંગીતની પ્રસ્તુતિ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળ ભાવના તે જ રહે છે. અધ્યાત્મનો એક નિરંતર પ્રવાહ અહીં અનુભવાય છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે આપણી સંસ્કૃતિ અને તહેવાર દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. વિશ્વના પ્રત્યેક ખૂણામાં ભારતના તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવાય છે. દરેક પ્રકારની સાંસ્કૃતિક જીવંતતાના બનાવી રાખવામાં આપણાં ભારતવંશી ભાઈઓ-બહેનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાની સંસ્કૃતિની મૂળ ભાવનાને સંરક્ષિત કરીને તેને આગળ વધારી રહ્યાં છે. આ અંગે મલયેશિયામાં પણ આપણો ભારતીય સમુદાય ઘણું પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે મલયેશિયામાં ૫૦૦થી વધુ તમિળ શાળા છે. તેમાં તમિળ ભાષાના અભ્યાસની સાથે જ અન્ય વિષયોને પણ તમિળમાં ભણાવવામાં આવે છે. તે ઉપરાંત અહીં તેલુગુ અને પંજાબી સહિત અન્ય ભારતીય ભાષાઓ પર પણ બહુ ધ્યાન અપાય છે.

સાથીઓ,

ભારત અને મલેશિયા વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં એક સમાજની મોટી ભૂમિકા છે. તેનું નામ છે મલેશિયા ઇન્ડિયા હેરિટેજ સોસાયટી. અલગ-અલગ કાર્યકર્મોની સાથે જ આ સંસ્થા એક હેરિટેજ વૉકનું પણ આયોજન કરે છે. તેમાં બંને દેશોને પરસ્પર જોડનારાં સાંસ્કૃતિક સ્થાનોને આવરી લેવાય છે. ગત મહિને મલેશિયામાં 'લાલ પાડ સાડી' આઇકૉનિક વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાડીનો બંગાળની આપણી સંસ્કૃતિ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં આ સાડીને પહેરવાનો વિક્રમ થયો, જેને મલયેશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં અંકિત કરવામાં આવ્યો. આ અવસર પર ઓડિશી નૃત્ય અને બાઉલ સંગીતે તો લોકોનું મન જીતી લીધું. હું કહી શકું છું-

Saya Berbanga /Dengan Diaspora India /The Malaysia //

Mereka Mambawa /India dan Malaysia /Semakin Rapa //

મને મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ પર ગર્વ છે. ભારત અને મલયેશિયાને તેઓ વધુ નજીક લાવી રહ્યા છે.

મલેશિયાના આપણા ભારતવંશીઓને મારી ઘણી-ઘણી શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે ભારતના કોઈ પણ ભાગમાં ચાલ્યા જઈએ, ત્યાં આપણને કંઈ ને કંઈ અસાધારણ, અભૂતપૂર્વ થતું અવશ્ય જોવા મળી જાય છે. અનેક વાર મીડિયાના ચળકાટમાં આ વાતો જગ્યા નથી બનાવી શકતી. પરંતુ તેનાથી ખબર પડે છે કે આપણા સમાજની સાચી શક્તિ શું છે? તેનાથી આપણને એ મૂલ્ય પ્રણાલિની પણ ઝલક મળી જાય છે, જેમાં એકતાની ભાવના સર્વોપરી છે. ગુજરાતમાં બેચરાજીમાં ચંદનકી ગામની પરંપરા પોતાની રીતે અનોખી છે. જો હું તમને કહું કે અહીંના લોકો, વિશેષ તો વૃદ્ધો પોતાનાં ઘરોમાં જમવા્નું નથી બનાવતા, તો તમને આશ્ચર્ય થશે. તેનું કારણ છે ગામનું શાનદાર સામુદાયિક રસોડું (community kitchen). આ સામુદાયિક રસોડામાં એક સાથે સમગ્ર ગામનું બધું ભોજન બને છે અને લોકો સાથે બેસીને ભોજન કરે છે. ગત પંદર વર્ષથી આ પરંપરા નિરંતર ચાલતી આવી છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના માટે ટિફિન સેવા પણ ઉપલબ્ધ છે. એટલે કે હૉમ ડિલિવરીની પણ પૂરી વ્યવસ્થા છે. ગામનું આ સામૂહિક ભોજન લોકોને આનંદથી ભરી દે છે. આ પહેલ ન માત્ર લોકોને પરસ્પર જોડે છે, પરંતુ તેનાથી પારિવારિક ભાવનાને પણ ઉત્તેજન મળે છે.

સાથીઓ,

ભારતની પરિવાર વ્યવસ્થા- ફેમિલી સિસ્ટમ, આપણી પરંપરાનો અભિન્ન હિસ્સો છે. દુનિયાના અનેક દેશોમાં તેને ખૂબ જ કૌતુહલ સાથે જોવામાં આવે છે. અનેક દેશોમાં આવી પરિવાર વ્યવસ્થા અંગે ખૂબ જ સન્માનનો ભાવ છે. કેટલાક દિવસ પહેલાં જ મારા ભાઈ યુએઇના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ શૈખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ભારત આવ્યા હતા. તેમણે મને જણાવ્યું કે યુએઇ વર્ષ 2026ને પરિવારના વર્ષ (Year Of Family) તરીકે મનાવી રહ્યું છે. હેતુ એ છે કે ત્યાંના લોકો વચ્ચે સૌહાર્દ અને સામુદાયિક ભાવના વધુ મજબૂત બને, ખરેખર તે ખૂબ જ પ્રશંસનીય પહેલ છે.

સાથીઓ,

જ્યારે પરિવાર અને સમાજની શક્તિ મળે છે, તો આપણે મોટામાં મોટા પડકારને પરાસ્ત કરી શકીએ છીએ. મને અનંતનાગના શેખગુન્ડ ગામ વિશે જાણકારી મળી છે. અહીં ડ્રગ્સ, તમાકુ, સિગરેટ અને દારૂ સંબંધિત પડકારો ઘણા વધી ગયા હતા. આ બધાને જોઈને અહીંના મીરજાફરજી એટલા હેરાન થઈ ગયા કે તેમણે આ સમસ્યાને દૂર કરવાનો નિશ્ચય કરી લીધો. તેમણે ગામના યુવાનોથી લઈને વૃદ્ધો...સુધી બધાને એક કર્યા. તેમની આ પહેલની અસર કંઈક એવી રહી કે અહીંની દુકાનોએ તમાકુ ઉત્પાદનોને વેચવાનું જ બંધ કરી દીધું. આ પ્રયાસથી ડ્રગ્સના ભયને લઈને પણ લોકોમાં જાગૃતિ વધી છે.

સાથીઓ,

આપણા દેશમાં એવી અનેક સંસ્થાઓ છે જે વર્ષોથી નિઃસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં જોડાયેલી છે, જેમ કે એક સંસ્થા છે  પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ફરીદપુરમાં. તેનું નામ છે વિવેકાનંદ લોક શિક્ષા નિકેતન. આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી બાળકો અને વૃદ્ધોની દેખભાળમાં લાગેલી છે. ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ અને શિક્ષકોના પ્રશિક્ષણની સાથે જ આ સંસ્થા સમાજ કલ્યાણનાં અનેક ભલાઈનાં કામોમાં લાગેલી છે. મારી કામના છે કે નિઃસ્વાર્થ સેવાનો આ ભાવ દેશવાસીઓ વચ્ચે નિરંતર વધુ ને વધુ સશક્ત થતો રહે.

મારા પ્રિય દેશવાસીઓ,

'મન કી બાત'માં આપણે નિરંતર સ્વચ્છતાનો વિષય ઉઠાવતા રહ્યા છીએ. મને એ જોઈને ગર્વ થાય છે કે આપણા યુવાનો પોતાની આસપાસની સ્વચ્છતા માટે ખૂબ જ સજાગ છે. અરુણાચલ પ્રદેશમાં થયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે મને જાણકારી મળી છે. અરુણાચલ એ ધરતી છે જ્યાં દેશમાં સૌથી પહેલું સૂર્યનું કિરણ પહોંચે છે. અહીંના લોકો 'જય હિંદ' કહીને એકબીજાનું અભિવાદન કરે છે. અહીં ઈટાનગરમાં યુવાનોનો સમૂહ એ ભાગની સફાઈ માટે એકઠો થયો જેના પર વધુ ધ્યાન આપવાની આવશ્યતા હતી. આ યુવાનોએ અલગ-અલગ શહેરોમાં સાર્વજનિક સ્થળોની સાફ-સફાઈને પોતાનું મિશન બનાવ્યું. તે પછી ઈટાનગર, નાહરલાગુન, દોઈમુખ, સેપ્પા, પાલિન અને પાસીઘાટ...ત્યાં પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું. આ યુવાનો અત્યાર સુધીમાં લગભગ 11 લાખ કિલોથી વધુ કચરાની સફાઈ કરી ચૂક્યા છે. વિચારો મિત્રો, નવયુવાનોએ મળીને 11 લાખ કિલો કચરાને હટાવ્યો.

સાથીઓ,

એક બીજું ઉદાહરણ આસામનું છે. આસામના નાગાંવમાં ત્યાંની જૂની ગલીઓ સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અહીં કેટલાક લોકોએ પોતાની ગલીઓને મળીને સાફ રાખવાનો સંકલ્પ લીધો. ધીરે-ધીરે તેમની સાથે બીજા લોકો પણ જોડાતા ગયા. આ રીતે એક એવી ટીમ તૈયાર થઈ ગઈ જેમણે ગલીઓમાંથી ઘણો બધો કચરો હટાવી દીધો. સાથીઓ, આવો જ એક પ્રયાસ બેંગ્લુરુમાં થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં સૉફા વૅસ્ટ (sofa waste) એક મોટી સમસ્યા બન્યો છે. આથી કેટલાક વ્યાવસાયિકો એક સંપ થઈને આ સમસ્યાને પોતાની રીતે ઉકેલી રહ્યા છે.

સાથીઓ,

આજે અનેક શહેરોમાં એવી ટીમો છે, જે લેન્ડફિલ વેસ્ટના રિસાઇકલિંગમાં લાગી છે. ચેન્નાઈમાં આવી જ એક ટીમે બહુ સારું કામ કર્યું છે. આવાં ઉદાહરણોથી જાણવા મળે છે કે સ્વચ્છતા સાથે જોડાયેલો દરેક પ્રયાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે. આપણે સ્વચ્છતા માટે વ્યક્તિગત રીતે કે પછી ટીમની રીતે, પોતાના પ્રયાસો વધારવા પડશે, ત્યારે આપણાં શહેરો વધુ સારાં બનશે.

મારા પ્રિય દેશવાસીઓ,

જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત થાય છે, તો ઘણી વાર આપણા મનમાં મોટી યોજનાઓ, મોટાં અભિયાનો અને મોટાં-મોટાં સંગઠનોની વાતો આવે છે. પરંતુ ઘણી વાર પરિવર્તનની શરૂઆત ખૂબ જ સાધારણ રીતે થાય છે. એક વ્યક્તિથી, એક વિસ્તારથી, એક પગલાથી અને સતત કરવામાં આવેલા નાના-નાના પ્રયાસોથી પણ મોટાં પરિવર્તન આવે છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારના રહેવાસી બેનોય દાસજીનો પ્રયાસ આનું જ ઉદાહરણ છે. ગત અનેક વર્ષોથી તેમણે પોતાના જિલ્લાને હરિયાળો કરવાનું કામ એકલા હાથે કર્યું છે. બેનોયદાસજીએ હજારો વૃક્ષો લગાવ્યાં છે. અનેક વાર છોડ ખરીદવાથી લઈને તેમને લગાવવા અને દેખભાળ કરવાનો બધો ખર્ચો પોતે ઉઠાવ્યો છે. જ્યાં જરૂર પડી, ત્યાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને નગરપાલિકાઓએ સાથે મળીને કામ કર્યું. તેમના પ્રયાસોથી સડકના કિનારે હરિયાળી વધુ વધી ગઈ છે.

સાથીઓ,

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના જગદીશ પ્રસાદ અહિરવારજીનો પ્રયાસ ખૂબ જ વખાણવા લાયક છે. તેઓ જંગલમાં વન રક્ષક (બીટ ગાર્ડ) તરીકે પોતાની સેવા આપે છે. એક વાર ચોકી કરતી વખતે તેમણે અનુભવ્યું કે જંગલમાં વિદ્યમાન અનેક ઔષધીય ઝાડપાનની જાણકારી ક્યાંય પણ વ્યવસ્થિત રીતે અંકિત નથી. જગદીશજી આ જાણકારી આગામી પેઢી સુધી પહોંચાડવા માગતા હતા. આથી તેમણે ઔષધીય ઝાડપાનની ઓળખ કરવાનું અને તેની નોંધ બનાવવાનું શરૂ કર્યું. તેમણે સવા સોથી વધુ ઔષધીય ઝાડપાનની ઓળખ કરી. દરેક ઝાડપાનની તસવીર, નામ, ઉપયોગ અને પ્રાપ્તિ સ્થાનની જાણકારી પ્રાપ્ત કરી. તેમણે મેળવેલી જાણકારીને વન વિભાગે સંકલિત કરી અને પુસ્તકના રૂપમાં પ્રકાશિત પણ કરી.

આ પુસ્તકમાં અપાયેલી જાણકારી હવે સંશોધકો, વિદ્યાર્થીઓ અને વન અધિકારીઓને ઘણી કામમાં આવી રહી છે.

સાથીઓ,

પર્યાવરણ સંરક્ષણની આ ભાવના આજે મોટા સ્તર પર પણ દેખાઈ રહી છે. આ વિચારસરણીની સાથે દેશભરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સાથે આજે કરોડો લોકો જોડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 200 કરોડથી વધુ વૃક્ષો લગાવાઈ પણ ચૂક્યાં છે. તે દર્શાવે છે કે પર્યાવરણ સંરક્ષણ અંગે હવે લોકો વધુ જાગૃત છે, અને કોઈ ને કોઈ રૂપે પોતાનું યોગદાન આપવા માગે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

હું તમારા બધાંની એક બીજી વાત માટે પ્રશંસા કરવા માગું છું, કારણ છે- મિલેટ્સ એટલે કે શ્રી અન્ન. મને એ જોઈને પ્રસન્નતા છે કે શ્રી અન્ન પ્રત્યે દેશના લોકોનો લગાવ નિરંતર વધી રહ્યો છે. આમ તો, આપણે ૨૦૨૩ને millet year ઘોષિત કર્યું હતું. પરંતુ આજે ત્રણ વર્ષ પછી પણ તે અંગે દેશ અને દુનિયામાં જે જુસ્સો અને સમર્પણ છે, તે ખૂબ જ ઉત્સાહિત કરનારો છે.

સાથીઓ,

તમિળનાડુના કલ્લ-કુરિચી જિલ્લામાં મહિલા ખેડૂતોનો એક સમૂહ પ્રેરણાસ્રોત બની ગયો છે. અહીંના ‘પેરિયાપલયમ મિલેટ’ એફપીસી સાથે લગભગ 800 મહિલા ખેડૂતો જોડાયેલી છે. મિલેટ્સની વધતી લોકપ્રિયતાને જોતાં આ મહિલાઓએ મિલેટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરી. હવે તેઓ મિલેટ્સથી બનેલાં ઉત્પાદનોને સીધા બજાર સુધી પહોંચાડી રહ્યાં છે.

સાથીઓ, રાજસ્થાનના રામસરમાં પણ ખેડૂતો શ્રીઅન્ન અંગે નવાં સંશોધનો કરી રહ્યાં છે. અહીંની રામસર ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે 900થી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ ખેડુતો મુખ્ય રીતે બાજરીની ખેતી કરે છે. અહીં બાજરાને પ્રૉસેસ કરીને રેડી ટૂ ઈટ લાડવા તૈયાર કરવામાં આવે છે. તેની બજારમાં ઘણી માગ છે. એટલું જ નહીં, સાથીઓ, મને તો એ જાણીને પ્રસન્નતા થાય છે કે આજકાલ અનેક એવા મંદિરો છે, જે પોતાના પ્રસાદમાં કેવળ milletsનો ઉપયોગ કરે છે. હું એ મંદિરના બધા વ્યવસ્થાપકોને હૃદયથી અભિનંદન આપું છું, તેમની આ પહેલ માટે.

સાથીઓ,

મિલેટ્સ, શ્રી અન્નથી અન્નદાતાઓની કમાણી વધવાની સાથે જ તે લોકોના સ્વાસ્થ્યમાં સુધારની પણ બાંયધરી (ગેરંટી) બનતું જઈ રહ્યું છે. મિલેટ્સ પોષણમાં ભરપૂર હોય છે, સુપર ફુડ હોય છે. આપણા દેશમાં શિયાળો તો ખાણીપીણી માટે ખૂબ જ સારો મનાય છે. આવામાં, આ દિવસોમાં આપણે શ્રી અન્ન અવશ્ય ખાવું જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ,

'મન કી બાત'માં આપણને એક વાર ફરી અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો. આ કાર્યક્રમ આપણને બધાને પોતાના દેશની ઉપલબ્ધિઓની અનુભૂતિ કરવાનો અને ઉજવવાનો અવસર આપે છે. ફેબ્રુઆરીમાં આવો જ એક અવસર આવી રહ્યો છે. આગામી મહિને ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાવા જઈ રહી છે. આ શિખર પરિષદમાં દુનિયાભરના, વિશેષ રીતે, ટૅક્નૉલૉજીના ક્ષેત્ર સાથે જોડાયેલા વિશેષજ્ઞો ભારત આવશે. આ સંમેલન AIના વિશ્વમાં ભારતની પ્રગતિ અને ઉપલબ્ધિઓને પણ સામે લાવશે. હું તેમાં સહભાગી થનારા પ્રત્યેકને હૃદયથી અભિનંદન આપું છું. આગામી મહિને 'મન કી બાત'માં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ પર આપણે અવશ્ય વાત કરીશું. દેશવાસીઓની અન્ય ઉપલબ્ધિઓ વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી મને 'મન કી બાત'માં વિદાય આપશો. કાલના પ્રજાસત્તાક દિવસ માટે એક વાર ફરી આપ સહુને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.

ધન્યવાદ.

 

SM/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2218417) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Manipuri , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Odia , Tamil , Kannada , Malayalam