ચૂંટણી આયોગ
ECI આવતીકાલે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરશે
प्रविष्टि तिथि:
24 JAN 2026 3:00PM by PIB Ahmedabad
ભારતનું ચૂંટણી પંચ (ECI) આવતીકાલે નવી દિલ્હીમાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD-2026) ની ઉજવણી કરવા માટે તૈયાર છે. આ વર્ષે, કાર્યક્રમની થીમ “મેરા ભારત, મેરા મત” (My India, My Vote) છે, જેની ટેગલાઈન “ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક” (Citizen at the Heart of Indian Democracy) છે.
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી અર્જુન રામ મેઘવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશી સાથે કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
પરંપરા મુજબ, ભારતના માનનીય રાષ્ટ્રપતિ કાર્યક્રમને સંબોધિત કરે છે અને નવા નોંધાયેલા યુવા મતદારોને ઈલેક્ટર્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ (EPIC) સોંપે છે. માનનીય રાષ્ટ્રપતિ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, ચૂંટણી વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ, નવીન મતદાતા જાગૃતિ, આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ અને પાલન, તાલીમ અને ક્ષમતા નિર્માણ સહિતની વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ ચૂંટણી પદ્ધતિઓ માટેના પુરસ્કારો (Best Electoral Practices Awards), તેમજ અન્ય વિશેષ પુરસ્કારો અને મીડિયા માટેના પુરસ્કારો પણ અર્પણ કરે છે.
NVD-2026 માં બે પ્રકાશનોનું વિમોચન પણ થશે – '2025: પહેલો અને નવીનતાઓનું વર્ષ' (2025: A year of Initiatives and Innovations) અને ‘ચૂનાવ કા પર્વ, બિહાર કા ગર્વ’, જે બિહારમાં સામાન્ય ચૂંટણીઓના સફળ સંચાલન પરનું પ્રકાશન છે. આ પ્રસંગે ચૂંટણી વ્યવસ્થાપન અને લોકશાહી વિકાસમાં ECI ના વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરતો એક વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ચૂંટણીના વિવિધ પાસાઓ, જેમાં મતદાર યાદી તૈયાર કરવી અને ચૂંટણીનું સંચાલન સામેલ છે, તેને પ્રદર્શિત કરતું એક સમર્પિત પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન મતદારોના લાભ માટે ECI દ્વારા લેવામાં આવેલી તાજેતરની પહેલો અને 2025 માં બિહાર વિધાનસભાની ચૂંટણીઓના સફળ સંચાલન પર પણ પ્રકાશ પાડશે.
NVD ની ઉજવણી દેશભરમાં રાજ્ય અને જિલ્લા સ્તરે અનુક્રમે મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) ની કચેરીઓ દ્વારા એકસાથે કરવામાં આવે છે. બૂથ લેવલ ઓફિસરો (BLOs) પણ તેમના સંબંધિત મતદાન મથકોના સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરી અને નવા નોંધાયેલા મતદારોનું સન્માન કરશે તેમજ નવા મતદારોને EPIC સોંપશે.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2218172)
आगंतुक पटल : 21