રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ સ્લોવેકિયા-ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું
કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિને હોનોરિસ કૌસા ડોક્ટરેટની ડિગ્રી પ્રદાન કરી
રાષ્ટ્રપતિએ સ્લોવાક કંપનીઓને 'મેક ઇન ઇન્ડિયા' પહેલમાં જોડાવા આમંત્રણ આપ્યું
Posted On:
10 APR 2025 8:54PM by PIB Ahmedabad
સ્લોવેકિયાની મુલાકાતના બીજા દિવસે (10 એપ્રિલ, 2025) ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ બ્રાટિસ્લાવામાં સ્લોવેકિયા-ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું.
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત અને સ્લોવેકિયા વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. વર્ષોથી આપણા દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ કર્યો છે. હવે આપણા વેપારના બાસ્કેટના વૈવિધ્યકરણનું અન્વેષણ કરવાનો સમય આવી ગયો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે ટેકનોલોજી, નવીનતા અને સ્થાયી વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. આપણે પુનઃપ્રાપ્ય ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેલિકોમ, ઓટો અને ઓટો-કોમ્પોનેન્ટ્સ, ફાર્મા અને બાયોટેકનોલોજી, સ્પેસ અને ફિનટેકમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની અપેક્ષા છે અને અમે સ્લોવેકિયા જેવા અમારા મિત્રો સાથે ભાગીદારીમાં આ કામ કરવાની આશા રાખીએ છીએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે અને સ્લોવેકિયા, યુરોપમાં તેના મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યૂહાત્મક સ્થાન સાથે, ઊંડા વેપાર અને રોકાણ સંબંધો માટે મોટી તકો પ્રસ્તુત કરે છે. યુરોપિયન યુનિયનના મુખ્ય સભ્ય અને ઓટોમોટિવ, સંરક્ષણ અને હાઈ-ટેક ઉદ્યોગોના કેન્દ્ર તરીકે, સ્લોવેકિયાને ભારતના વિશાળ ઉપભોક્તા બજાર, કુશળ કાર્યબળ અને સમૃદ્ધ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો લાભ મળશે. તેમણે સ્લોવાક કંપનીઓને અમારી 'મેક ઇન ઇન્ડિયા' પહેલમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્લોવેકિયા-ઇન્ડિયા બિઝનેસ ફોરમ સમન્વયની શોધ કરવા અને પરસ્પર લાભદાયક ભાગીદારીનું નિર્માણ કરવા માટે એક ઉત્કૃષ્ટ મંચ તરીકે કામ કરે છે. તેમણે વ્યવસાયિક નેતાઓને તકોનો લાભ લેવા અને આને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવા વિનંતી કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ફોરમમાં થયેલી ચર્ચાવિચારણાથી સ્થાયી ભાગીદારી થશે.
ત્યાર પછીના જોડાણમાં, રાષ્ટ્રપતિએ નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને જાહેર સેવા અને શાસનમાં તેમની વિશિષ્ટ કારકિર્દી, સામાજિક ન્યાય અને સર્વસમાવેશકતા માટે હિમાયત, અને શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા માટેના યોગદાનને માન્યતા આપવા માટે હોનોરિસ કૌસા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
પોતાના સ્વીકૃતિ ભાષણમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ એક સન્માન છે, જે એક દેશ અને સંસ્કૃતિને આપવામાં આવી રહ્યું છે. જે પ્રાચીનકાળથી શાંતિ અને અધ્યયનની દીવાદાંડી છે. તત્ત્વજ્ઞાની સંત કોન્સ્ટનટાઈન સિરિલના નામ પરથી એક સંસ્થામાંથી આ પદવી મેળવવી એ ખાસ કરીને અર્થપૂર્ણ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણ એ માત્ર વ્યક્તિગત સશક્તિકરણ માટેનું જ નહીં પરંતુ રાષ્ટ્રીય વિકાસ માટેનું પણ એક સાધન છે. આ બાબતને પારખીને ભારતે શિક્ષણને તેની રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનાના હાર્દસ્થાને મૂક્યું છે. તેની અડધી વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે. ત્યારે ભારત આવતીકાલની નોલેજ ઇકોનોમીને આગળ વધારવા માટે તેના યુવાનોમાં રોકાણ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત આધુનિકતા અને ટેકનોલોજીને અપનાવે છે, ત્યારે પણ આપણી પ્રગતિનાં મૂળ આપણી પ્રાચીન દાર્શનિક પરંપરાઓનાં ડહાપણમાં રહેલાં છે. તેમણે જણાવ્યું હતું કે જે રીતે સેન્ટ કોન્સ્ટેન્ટાઇન સિરિલના કામે સ્લેવિક ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખનો પાયો નાખ્યો છે. તેવી જ રીતે ભારતીય દાર્શનિક પરંપરાઓએ લાંબા સમયથી આપણા સમાજના બૌદ્ધિક અને આધ્યાત્મિક તાણાવાણાને આકાર આપ્યો છે. ભારતીય શાસ્ત્રીય ફિલસૂફી આત્મનિરીક્ષણ અને નૈતિક આચરણ પર ભાર મૂકીને વાસ્તવિકતાનું સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંશોધન પૂરું પાડે છે. તે બહુવિધ દ્રષ્ટિકોણો, અને સ્વ-જ્ઞાન અને આંતરિક અનુભવના મહત્વને પ્રકાશિત કરે છે. તેણીને એ જાણીને આનંદ થયો કે ઉપનિષદોનું કાલાતીત શાણપણ સ્લોવેકિયામાં પણ પડઘો પાડે છે.
ત્યાર પછીના જોડાણમાં રાષ્ટ્રપતિએ પ્રમુખ પીટર પેલેગ્રિની સાથે બ્રાટિસ્લાવામાં જગુઆર લેન્ડ રોવર ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને પ્લાન્ટની ઉત્પાદન સુવિધાઓ નિહાળી હતી.
આ પહેલા સવારે રાષ્ટ્રપતિએ સ્લોવાક બાળકો દ્વારા કરવામાં આવેલા ચિત્રોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સ્લોવાક-ઇન્ડિયન ફ્રેન્ડશિપ સોસાયટી, ભારતીય દૂતાવાસના સહયોગથી, 2015 થી પેઇન્ટિંગ સ્પર્ધા 'બ્યૂટી હિડન ઇન ફેરી ટેલ્સ - ઇન્ડિયા થ્રુ ધ આઇઝ ઓફ સ્લોવાક ચિલ્ડ્રન' નું આયોજન કરે છે. તેમણે શ્રીમતી લેન્કા મુકોવા દ્વારા સંચાલિત રામાયણ પર કઠપૂતળીનો શો પણ જોયો હતો. શ્રીમતી લેન્કા પ્રેસોવમાં બાબાડલો પપેટ થિયેટરનો ભાગ છે, જે 30 વર્ષથી કઠપૂતળી દ્વારા બાળકોને શિક્ષિત કરે છે.
ગઈકાલે સાંજે (9 એપ્રિલ, 2025) રાષ્ટ્રપતિએ ઐતિહાસિક બ્રાટિસ્લાવા કેસલમાં રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની દ્વારા તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં ભાગ લીધો હતો.
સ્લોવાક કલાકારોએ રાષ્ટ્રગાન સહિત મનમોહક મ્યુઝિકલ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. જે ભોજન સમારંભ દરમિયાન બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે. https://www.youtube.com/watch?v=_9EgakGJ_QM, https://www.youtube.com/watch?v=sJVciPS5WDI
તેમના ભોજન સમારંભની ટિપ્પણીમાં, રાષ્ટ્રપતિએ ઉષ્માસભર સ્વાગત અને આતિથ્ય-સત્કાર બદલ સરકાર અને સ્લોવેકિયાના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, યોગ અને આયુર્વેદથી માંડીને ભારતીય વાનગીઓ સુધી સ્લોવેકિયામાં ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ આપણાં મજબૂત લોકો વચ્ચેનાં જોડાણનો પુરાવો છે. તેમણે બંને દેશો વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવાની ભારતની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

WA44.JPG)
DIRE.JPG)

બેન્ક્વેટ સ્પીચ -સ્લોવેકિયા
કોન્સ્ટનટાઈન ધ ફિલોસોફર યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની ઉપાધિ
બિઝનેસ ફોરમ ઇન્ડિયા-સ્લોવેકિયા
AP/IJ/GP/JD
(Release ID: 2120803)
Visitor Counter : 53