પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભના સફળ સમાપન પર લોકસભાને સંબોધન કર્યું


હું તે નાગરિકોને નમન કરું છું, જેમના પ્રયત્નોથી મહાકુંભનું સફળ આયોજન શક્ય થઈ શક્યું: પ્રધાનમંત્રી

મહાકુંભની સફળતામાં અનેક લોકોએ યોગદાન આપ્યું છે, હું સરકાર અને સમાજના તમામ કર્મયોગીઓને અભિનંદન આપું છું: પ્રધાનમંત્રી

મહાકુંભના આયોજનમાં આપણે એક 'મહાપ્રયાસ'ને જોયો છે: પ્રધાનમંત્રી

આ મહાકુંભનું નેતૃત્વ લોકોએ કર્યું હતું, તેમના સંકલ્પથી અને તેમની અતૂટ ભક્તિથી તેમને પ્રેરિત કર્યાં: પ્રધાનમંત્રી

પ્રયાગરાજ મહાકુંભ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે એક જાગૃત રાષ્ટ્રની ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી

મહાકુંભે એકતાની ભાવનાને મજબૂત કરી છે: પ્રધાનમંત્રી

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પ્રધાનમંત્રી

આસ્થા અને વારસા સાથે જોડાવાની ભાવના એ આજના ભારતની સૌથી મોટી સંપત્તિ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 18 MAR 2025 1:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના અસંખ્ય નાગરિકોને હૃદયપૂર્વક વંદન કર્યા હતા, જેમના પ્રયત્નોથી મહાકુંભની ભવ્ય સફળતા સુનિશ્ચિત થઈ હતી. મહાકુંભને સફળ બનાવવામાં વિવિધ વ્યક્તિઓ અને જૂથોના સામૂહિક યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે સરકાર, સમાજ અને તેમાં સામેલ તમામ સમર્પિત કાર્યકરોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં લોકો અને ખાસ કરીને પ્રયાગરાજનાં નાગરિકોનો અમૂલ્ય સાથ-સહકાર અને સહભાગીતા બદલ સમગ્ર દેશનાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો હતો.

મહાકુંભના ભવ્ય આયોજન માટે જરૂરી પુષ્કળ પ્રયાસો પર ભાર મૂકીને, ગંગાને પૃથ્વી પર લાવવાના સુપ્રસિદ્ધ ભગીરથના પ્રયાસો સાથે સરખામણી કરીને શ્રી મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન "સબ કા પ્રયાસ"ના મહત્વ પર ભાર મૂકવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, "મહાકુંભે ભારતની ભવ્યતા દુનિયાને પ્રદર્શિત કરી હતી. મહાકુંભ લોકોની અવિરત શ્રદ્ધાથી પ્રેરિત થઈને લોકોના સામૂહિક સંકલ્પ, નિષ્ઠા અને સમર્પણનું પ્રતીક છે."

પ્રધાનમંત્રીએ મહાકુંભ દરમિયાન જોવા મળેલી રાષ્ટ્રીય ચેતનાની ગહન જાગૃતિ પર પ્રકાશ પાડ્યો હતો અને ચેતના કેવી રીતે દેશને નવા સંકલ્પો તરફ દોરી જાય છે અને તેની પરિપૂર્ણતા માટે પ્રેરિત કરે છે તે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મહાકુંભમાં રાષ્ટ્રની ક્ષમતાઓ અંગે કેટલાક લોકો દ્વારા રાખવામાં આવેલી શંકાઓ અને આશંકાઓને અસરકારક રીતે દૂર કરવામાં આવી છે.

ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ અને વર્ષે આયોજિત મહાકુંભ વચ્ચે સમાંતર રૂપરેખા દોરતા રાષ્ટ્રની પરિવર્તનકારી સફર પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમો આગામી સહસ્ત્રાબ્દી માટે રાષ્ટ્રની તૈયારીને વધારે મજબૂત કરે છે. રાષ્ટ્રની સામૂહિક ચેતના તેની પ્રચૂર સંભવિતતાને પ્રતિબિંબિત કરે છે. માનવ ઇતિહાસની જેમ કોઈ પણ રાષ્ટ્રનાં ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ક્ષણો આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ છે. શ્રી મોદીએ સ્વદેશી ચળવળ દરમિયાન આધ્યાત્મિક પુનરુત્થાન, શિકાગોમાં સ્વામી વિવેકાનંદના આઇકોનિક ભાષણ અને 1857નો સ્વતંત્રતા સંગ્રામ, ભગતસિંહની શહીદી, નેતાજી સુભાષચંદ્ર બોઝની "દિલ્હી ચલો" હાકલ અને મહાત્મા ગાંધીની દાંડી કૂચ જેવી ભારતની આઝાદીની લડતમાં ચાવીરૂપ ક્ષણોને ટાંકીને રાષ્ટ્રને જાગૃત કરનાર અને નવી દિશા પ્રદાન કરનારા ભારતના ઐતિહાસિક સિમાચિહ્નો પર પ્રતિબિંબિત કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, "પ્રયાગરાજ મહાકુંભ પણ રીતે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે દેશની જાગૃત ભાવનાનું પ્રતીક છે."

ભારતમાં લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જોવા મળેલા ઉત્સાહ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે કેવી રીતે કરોડો ભક્તોએ સુવિધા કે અસુવિધાની ચિંતા કર્યા વિના, અટલ શ્રદ્ધા સાથે ભાગ લીધો અને દેશની અપાર શક્તિનું પ્રદર્શન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં મોરેશિયસની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યાં તેઓ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના ત્રિવેણીથી પવિત્ર જળ લઈને ગયા હતા, અને મોરેશિયસના ગંગા તળાવમાં પવિત્ર જળ અર્પણ કરવામાં આવ્યું ત્યારે ભક્તિ અને ઉજવણીના તીવ્ર વાતાવરણની નોંધ લીધી હતી. તેમણે ભાર મૂક્યો કે આ ભારતની પરંપરાઓ, સંસ્કૃતિ અને મૂલ્યોને સ્વીકારવાની, ઉજવણી કરવાની અને સાચવવાની વધતી જતી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

શ્રી મોદીએ પેઢી દર પેઢી ચાલતી પરંપરાઓના અવિરત સાતત્ય પર ટિપ્પણી કરી, અને ભારતના આધુનિક યુવાનો મહાકુંભ અને અન્ય તહેવારોમાં ઊંડા આદર સાથે કેવી રીતે સક્રિયપણે ભાગ લે છે તેના પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના યુવાનો તેમની પરંપરાઓ, શ્રદ્ધા અને માન્યતાઓને ગર્વથી સ્વીકારી રહ્યા છે, જે ભારતના સાંસ્કૃતિક વારસા સાથેના તેમના મજબૂત જોડાણને દર્શાવે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ પણ સમાજ તેના વારસા પર ગર્વ અનુભવે છે, ત્યારે તે ભવ્ય અને પ્રેરણાદાયી ક્ષણોનું નિર્માણ કરે છે, જે મહાકુંભ દરમિયાન જોવા મળ્યું હતું. પ્રકારનું ગૌરવ એકતાને પ્રોત્સાહન આપે છે અને નોંધપાત્ર રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનો આત્મવિશ્વાસ મજબૂત કરે છે. પરંપરાઓ, વિશ્વાસ અને વારસા સાથેનું જોડાણ સમકાલીન ભારત માટે કિંમતી સંપત્તિ છે, જે દેશની સામૂહિક તાકાત અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહાકુંભનાં ઘણાં અમૂલ્ય પરિણામો મળ્યાં છે, જેમાં એકતાની ભાવના સૌથી પવિત્ર અર્પણ છે. પ્રધાનમંત્રીએ બાબત પર ભાર મૂક્યો હતો કે, પ્રયાગરાજમાં દેશનાં દરેક ક્ષેત્ર અને ખૂણેખૂણાનાં લોકો કેવી રીતે એકત્ર થયા છે, વ્યક્તિગત અહંકારને બાજુએ મૂકીને "હું" ને બદલે "અમે"ની સામૂહિક ભાવનાને અપનાવી છે. વિવિધ રાજ્યોમાંથી આવેલી વ્યક્તિઓ પવિત્ર ત્રિવેણીનો ભાગ બની હતી. જેણે રાષ્ટ્રવાદ અને એકતાની ભાવનાને મજબૂત બનાવી હતી. જ્યારે વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો સંગમમાં "હર હર ગંગે"નો ઉદ્ઘોષ કરતા હતા. ત્યારે તે "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના હાર્દને પ્રતિબિંબિત કરે છે અને એકતાની ભાવનામાં વધારો કરે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મહાકુંભે ભારતની અપાર શક્તિનું પ્રદર્શન કરતાં, નાના અને મોટા  લોકો વચ્ચે ભેદભાવની ગેરહાજરીનું પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રની અંદર રહેલી આંતરિક એકતા એટલી ગહન છે કે તે તમામ વિભાજનકારી પ્રયત્નોને દૂર કરે છે. એકતા ભારતીયો માટે મહાન નસીબ છે અને વિભાજનનો સામનો કરી રહેલા વિશ્વમાં નોંધપાત્ર તાકાત છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, "વિવિધતામાં એકતા" ભારતની ઓળખ છે, ભાવના સતત અનુભવાય છે, જેનું ઉદાહરણ પ્રયાગરાજ મહાકુંભની ભવ્યતાથી જોવા મળે છે. તેમણે દેશને વિવિધતામાં એકતાની વિશિષ્ટ લાક્ષણિકતાને સમૃદ્ધ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી.

મહાકુંભમાંથી પ્રાપ્ત થયેલી અસંખ્ય પ્રેરણાઓ વિશે બોલતાં શ્રી મોદીએ દેશમાં નદીઓના વિશાળ નેટવર્ક પર પ્રકાશ પાડ્યો હતો, જેમાંથી ઘણી નદીઓ પડકારોનો સામનો કરી રહી છે. તેમણે મહાકુંભથી પ્રેરિત નદી ઉત્સવોની પરંપરાને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે, પ્રકારની પહેલથી વર્તમાન પેઢીને પાણીનું મહત્ત્વ સમજવામાં, નદીની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને નદીઓનું સંરક્ષણ સુનિશ્ચિત થશે.

પ્રધાનમંત્રીએ અંતમાં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાકુંભમાંથી મળેલી પ્રેરણાઓ દેશના સંકલ્પોને પ્રાપ્ત કરવા માટે એક મજબૂત માધ્યમ તરીકે કામ કરશે. તેમણે મહાકુંભના આયોજનમાં સામેલ દરેક વ્યક્તિની પ્રશંસા કરી હતી અને દેશભરના તમામ ભક્તોને વંદન કર્યા હતા અને ગૃહ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2112202) Visitor Counter : 45