ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કોકરાઝાર, આસામમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ)ની 57મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું


ABSU વગર બોડો કરાર શક્ય ન હોત, ABSU એ બોડોલેન્ડમાં શાંતિ અને વિકાસ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

દિલ્હીમાં એક મુખ્ય માર્ગનું નામ બોડોપા ઉપેન્દ્ર નાથ બ્રહ્માજીના નામ પર રાખવામાં આવશે

મોદી સરકાર આગામી બે વર્ષમાં BTR શાંતિ કરારના 100 ટકા અમલીકરણ પૂર્ણ કરશે

મોદી સરકાર અને આસામ સરકાર બોડોપા ઉપેન્દ્ર નાથ બ્રહ્માજીના સપનાઓને પૂર્ણ કરશે

ભૂતકાળમાં, બોડોલેન્ડમાં અશાંતિ, અરાજકતા અને અલગતાવાદ વિશે ચર્ચાઓ થતી હતી, હવે, શિક્ષણ, વિકાસ અને ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે

ભૂતકાળમાં, જ્યાં બોડોલેન્ડ ક્ષેત્રમાં એક સમયે ગોળીઓ ચાલતી હતી, આજે, બોડો યુવાનો ત્રિરંગો લહેરાવી રહ્યા છે

હવે, "બોડોલેન્ડથી મશરૂમ" દિલ્હીમાં પણ ઉપલબ્ધ છે, બોડોલેન્ડના એક ડઝનથી વધુ ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે

આસામ કમાન્ડો બટાલિયનમાં 400 બોડો યુવાનોની ભરતી કરીને એક નવી શરૂઆત કરવામાં આવી છે

Posted On: 16 MAR 2025 5:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે આસામના કોકરાઝારમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ)ની 57મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી ડો.હિમંત બિસ્વા સરમા, વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિસ્વજીત દૈમારી, કેન્દ્રીય ગૃહ સચિવ અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

IMG_6287.JPG

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ)એ આ વિસ્તારમાં શાંતિ, વિકાસ અને ઉત્સાહ સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એબીએસયુની ભૂમિકા વિના, બોડો સમજૂતી શક્ય ન હોત, અને બોડોલેન્ડમાં શાંતિ સ્થાપિત થઈ શકી ન હોત. આ પ્રસંગે શ્રી શાહે બોડોલેન્ડની શાંતિ માટે લડનારા પાંચ હજાર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે જ્યારે સંપૂર્ણ બોડોલેન્ડ તેના નેતા ઉપેન્દ્ર નાથ બ્રહ્માજીએ ચીંધેલા માર્ગને અનુસરી રહ્યું છે. ત્યારે સરકારે દિલ્હીમાં એક અગ્રણી માર્ગને બોડોપા ઉપેન્દ્ર નાથ બ્રહ્મા માર્ગ નામ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપેન્દ્રનાથ બ્રહ્માજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર અને આસામ સરકાર બોડોપા ઉપેન્દ્રનાથ બ્રહ્માજીનાં દરેક સ્વપ્નને સાકાર કરશે.

IMG_6254.JPG

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે એબીએસયુ શિક્ષણ, સશક્તિકરણ અને વિકાસને આગળ વધારી રહી છે. એબીએસયુના પ્રયાસોના કારણે જ આજે વિદ્યાર્થીઓ બોડો ભાષામાં 12માં ધોરણ સુધીની પરીક્ષા આપી શકે છે. આના પરિણામે, આપણી બોડો ભાષાને માન્યતા મળી છે અને તે આગામી ઘણાં વર્ષો સુધી જીવંત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ બોડોલેન્ડમાં સ્થાપિત શાંતિનો મજબૂત સંદેશ આપે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે 27 જાન્યુઆરી, 2020નાં રોજ બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં, ત્યારે વિપક્ષ તેની મજાક ઉડાવતું હતું. જો કે આજે કેન્દ્ર સરકાર અને આસામ સરકારે આ કરારની 82 ટકા શરતો પૂરી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આગામી બે વર્ષમાં આ કરારનો 100 ટકા હિસ્સો લાગુ કરશે. ત્યાર બાદ બીટીઆરમાં કાયમી શાંતિ સ્થપાશે.

CR3_5350.JPG

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બીટીઆર શાંતિ સમજૂતી હેઠળ સરકારે 1 એપ્રિલ, 2022ના રોજ સમગ્ર બીટીઆર વિસ્તારમાંથી આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA) હટાવી દીધો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારનાં 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' (ઓડીઓપી) કાર્યક્રમ અંતર્ગત આજે કોકરાઝારનાં મશરૂમ "મશરૂમ ફ્રોમ બોડોલેન્ડ" તરીકે ઓળખાય છે. જેને દિલ્હીની હોટેલ્સના મેનુમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. બોડોલેન્ડમાં સ્થપાયેલી શાંતિને કારણે આ શક્ય બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાંતિને કારણે બોડોલેન્ડ 'ડુરાન્ડ કપ' ટુર્નામેન્ટની યજમાની કરી શક્યા હતા. તેમણે બોડોલેન્ડના એથ્લીટ્સને અપીલ કરી હતી કે, તેઓ વર્ષ 2036માં ભારતમાં યોજાનારા સંભવિત ઓલિમ્પિકની તૈયારી શરુ કરી દે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બોડોલેન્ડનાં એક ડઝનથી વધારે ઉત્પાદનોને જીઆઈ (ભૌગોલિક સંકેત) ટેગ મળ્યાં છે. જેના કારણે સમગ્ર બીટીઆર વિસ્તારમાં ધીમે ધીમે ઔદ્યોગિક વાતાવરણ ઊભું થઇ રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, એક સમય હતો જ્યારે અશાંતિ, અરાજકતા અને અલગતાવાદની ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે તેનું ધ્યાન શિક્ષણ, વિકાસ અને ઉદ્યોગ તરફ વળ્યું છે.

9B7A9801.JPG

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને આસામ સરકારે બોડોલેન્ડના વિકાસ માટે ₹1,500 કરોડની ફાળવણી કરી છે. જોકે આ વિસ્તારની વસતી માત્ર 35 લાખ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં કાર્યકાળ દરમિયાન બંધારણની આઠમી અનુસૂચિમાં બોડો ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સોનીતપુર અને બિસ્વનાથ જિલ્લાઓનો સમાવેશ કરીને બીટીઆર ક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સેંકડો યુવાનોને સમાજનાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યાં છે. ઘણાં શસ્ત્રો સરેન્ડર કરવામાં આવ્યાં અને છેલ્લાં ત્રણ વર્ષમાં આસામમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી)ના 4881 સભ્યોના પુનર્વસન પાછળ 287 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જેમાંથી 90 ટકા રકમ મોદી સરકારે પૂરી પાડી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, રોજગારી અને કૌશલ્ય વિકાસ માટે ઘણું કામ થયું છે. એનજીઓ એસઆઈપી એન્ડ આરડી, કેવીકે, કેવીકે, કેવીઆઈસી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને બાગાયત સહિત તમામ ક્ષેત્રોમાં સામેલ છે, જેથી સ્થાનિક લોકો સાથે કામ કરી શકાય અને તેમને પ્રગતિ કરવામાં મદદ મળી શકે.

9B7A9738.JPG

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આસામના મુખ્યમંત્રી ડો.સરમાએ આસામ કમાન્ડો બટાલિયનમાં 400 બોડો યુવાનોની ભરતી કરીને નવી શરૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આસામમાં કુલ નવ વિદ્રોહી જૂથો સાથે કરાર કર્યા છે, જેમાં 10,000થી વધુ યુવાનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યાં એક સમયે ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યાં આજે બોડો યુવાનો હાથમાં તિરંગો લહેરાવી રહ્યાં છે. આ નજારો આખા દેશને એક સંદેશ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે બોડો સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં, ત્યારે બોડોલેન્ડ અને આસામ જ નહીં, પણ સંપૂર્ણ દેશ ખુશ હતો. જે રીતે બોડોલેન્ડના લોકો દેશને પ્રેમ કરે છે, તે જ રીતે આખો દેશ બોડોલેન્ડ અને તેના લોકોને ચાહે છે અને તેના યુવાનોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, બોડોલેન્ડનાં લોકોનાં અનુસરણમાં આવતા બાથોઉ ધર્મનું ઘણું મહત્વ છે. તેમણે સમજાવ્યું કે બાથોઉ બે તત્વોથી બનેલું છે, અને તેનો અર્થ "પાંચ તત્વોના સર્જકનું ઊંડું રહસ્ય" છે. પાંચ તત્વો અથવા પંચતત્વમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જળનો સમાવેશ થાય છે. જે તમારા મહાન ધર્મનો પાયો બનાવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ બાથોઉ ધર્મનો સંદેશ ફેલાવવાનો પ્રયત્ન કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સંપૂર્ણ પૂર્વોત્તર વિદ્રોહ, આંદોલનો, નાકાબંધી, હડતાળો અને હિંસા જેવા મુદ્દાઓમાંથી મુક્ત થઈ ગયું છે અને તેને વિકાસનાં માર્ગે અગ્રેસર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં પીએમ મોદી અને ડો.હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી, જે આસામમાં ₹5 લાખ કરોડનું રોકાણ લાવી રહી છે. તેમણે બોડો યુવાનોને તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને શાંતિ પ્રક્રિયામાં ફાળો આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોડોલેન્ડમાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું લક્ષ્ય છે કે બોડો યુવાનો વિશ્વભરના યુવાનો સાથે સ્પર્ધા કરી શકે. તેમણે ખાતરી આપી હતી કે, ભારત સરકાર અને આસામ સરકાર બોડોલેન્ડનાં વિકાસમાં કોઈ કસર છોડશે નહીં.

AP/IJ/GP/JD


(Release ID: 2111642) Visitor Counter : 44