ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ એક્સ્પિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL) દ્વારા આયોજિત પૂર્વોત્તર વિદ્યાર્થી અને યુવા સંસદને સંબોધન કર્યું
પોતાની સમૃદ્ધ સંસ્કૃતિથી સમૃદ્ધ પૂર્વોત્તર, ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરને કેન્દ્ર સરકારના દરેક કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ બનાવ્યું
દરેક ક્ષેત્રમાં ભારતે વિશ્વનું નેતૃત્વ કરવું જોઈએ, મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદનું આ સપનું હવે સાકાર થવા લાગ્યું છે
મોદી સરકારે 12 કરારો પર હસ્તાક્ષર કરીને પૂર્વોત્તરમાં શાંતિનો માર્ગ મોકળો કર્યો છે, જેના દ્વારા 10,000થી વધુ યુવાનો આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે
વિકસિત ભારતના નિર્માણમાં પૂર્વોત્તરનું યોગદાન સૌથી મહત્વનું રહેશે
2027 સુધીમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોની રાજધાનીઓને ટ્રેન, વિમાન અને સડક દ્વારા જોડવામાં આવશે, મોદી સરકારના શાસનમાં પૂર્વોત્તરના ભૌતિક અંતરમાં ઘટાડો કરવામાં આવ્યો છે એટલું જ નહીં, હૃદય વચ્ચેનું અંતર પણ ઓછું કરવામાં આવ્યું છે
આગામી સમયમાં પૂર્વોત્તરના યુવાનોને રોજગાર માટે બીજે ક્યાંય જવું નહીં પડે
વિદ્યાર્થી પરિષદ યુવાનોને યોગ્ય દિશા બતાવે છે એટલું જ નહીં, પરંતુ તેમના ચારિત્ર્યને આકાર આપવામાં પણ મદદ કરે છે
ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL)માં વિદ્યાર્થીઓના અનુભવે પૂર્વોત્તરને દેશના બાકીના ભાગો સાથે ભાવનાત્મક રીતે જોડ્યું છે
વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી સંસ્થાએ હંમેશાં દરેક પ્રોજેક્ટમાં રાષ્ટ્રને પ્રાધાન્ય આપ્યું છે, પછી ભલે તે આપત્તિ દરમિયાન સહાય પૂરી પાડતી હોય કે રાષ્ટ્રીય કટોકટીમાં મદદ કરતી હોય
Posted On:
11 MAR 2025 4:49PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પૂર્વોત્તર વિદ્યાર્થી અને યુવા સંસદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્ટુડન્ટ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL) દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પૂર્વોત્તરને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય રત્ન સમાન ગણાવી હતી. જે વારસામાં સમૃદ્ધ છે, જે ભારતના સાંસ્કૃતિક તાણાવાણાને વધારે છે. તેમણે ખાસ કરીને પ્રવાસનનાં દ્રષ્ટિકોણથી વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાની આ ક્ષેત્રની પ્રચૂર સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતમાં સૌથી ઊંચો બુદ્ધિઆંક ધરાવતા પૂર્વોત્તરના યુવાનોની પ્રશંસા પણ કરી હતી અને નોંધ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી વધુ મહેનત કરતી કેટલીક જનજાતિઓ વસે છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વોત્તર વિવિધતાની ભૂમિ છે, જેમાં 220થી વધારે આદિવાસી જૂથો, 160 જનજાતિઓ, 200 બોલીઓ અને ભાષાઓ, 50 વિશિષ્ટ તહેવારો અને 30થી વધારે વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય સ્વરૂપો સામેલ છે.
શ્રી અમિત શાહે સ્વીકાર્યું હતું કે, અનેક વિશિષ્ટ ગુણો હોવા છતાં, જ્યારે વિવિધ ભ્રમણાઓ અને વિવાદો ઊભા કરીને વિદ્રોહ અને અલગાવવાદને વેગ મળ્યો હતો, ત્યારે પૂર્વોત્તર વિકાસમાં પાછળ રહી ગયું હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે હિંસા, બંધ, ડ્રગ્સ, નાકાબંધી અને પ્રાદેશિકવાદે આ પ્રદેશને વિભાજિત કર્યો છે. જેના કારણે માત્ર ઉત્તર-પૂર્વ અને દેશના બાકીના ભાગો વચ્ચે જ નહીં પરંતુ આ ક્ષેત્રની અંદરના રાજ્યો વચ્ચે પણ વિભાજન થયું છે. પરિણામે, પૂર્વોત્તરને વિકાસમાં 40 વર્ષના વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન આતંકવાદ અને અલગતાવાદી જૂથો મુખ્ય અવરોધો બન્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે પણ તેમનો પક્ષ સત્તામાં આવ્યો છે, ત્યારે તેણે હંમેશા પૂર્વોત્તરને પ્રાથમિકતા આપી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉ આટલા મોટા અને અવિકસિત ક્ષેત્ર માટે કોઈ અલગ મંત્રાલય નહોતું, પણ અટલજીના નેતૃત્વમાં સરકાર દરમિયાન તેની સ્થાપના થઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર કેન્દ્ર સરકારના દરેક કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, ઉત્તર-પૂર્વ અને ભારત વચ્ચેનું અંતર ઘટાડવું. તેમણે જાહેરાત કરી હતી કે, વર્ષ 2027 સુધીમાં ઉત્તર-પૂર્વનાં તમામ રાજ્યોની રાજધાનીઓ રેલવે, હવાઈ અને માર્ગ નેટવર્ક મારફતે જોડાઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ન માત્ર પૂર્વોત્તર અને ભારતનાં અન્ય ભાગો વચ્ચે ભૌતિક જોડાણ વધાર્યું છે, પણ ભાવનાત્મક મતભેદો દૂર કરવા પણ કામ કર્યું છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે દરેક યોજનાનાં હાર્દમાં પૂર્વોત્તરને જાળવી રાખ્યું છે, તેઓ એક પછી એક વિદ્રોહી જૂથો સાથે ચર્ચાવિચારણા કરે છે, તેમની ચિંતાઓ સમજે છે અને સમજૂતીઓ મારફતે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા કામ કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં અત્યારે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. 2004 થી 2014 ની વચ્ચે, આ વિસ્તારમાં હિંસાના 11,000 બનાવો બન્યા હતા. જ્યારે 2014 થી 2024 સુધીમાં, આ સંખ્યા લગભગ 70% ઘટીને 3,428 થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, સુરક્ષા દળોના મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોના મૃત્યુમાં 89 ટકાનો ઘટાડો થયો છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, મોદી સરકારે તમામ વિદ્રોહી જૂથો સાથે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. જેના પગલે 10,500થી વધારે બળવાખોરોએ તેમનાં શસ્ત્રો સુપરત કરી દીધાં છે અને મુખ્ય પ્રવાહમાં પુનઃસંકલન સ્થાપિત કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં વિદ્રોહી જૂથો સાથે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયાં છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ સરકારે પૂર્વોત્તરની ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિ, વેશભૂષા, પરંપરાગત નૃત્યો અને કળાઓનું સન્માન કર્યું છે અને તેનું જતન કર્યું છે. ત્યારે 10,000થી વધારે વ્યક્તિઓ દ્વારા શસ્ત્રોની શરણાગતિને પ્રોત્સાહન આપીને સમગ્ર વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રદેશનો વિકાસ શાંતિ વિના શક્ય નથી. કારણ કે શાંતિ એ પ્રગતિ માટેની મૂળભૂત પૂર્વશરત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી શાહે મોદી સરકાર હેઠળ અવકાશ ટેકનોલોજીથી પૂર્વોત્તરને થયેલા નોંધપાત્ર ફાયદાઓ વિશે જણાવ્યું હતું, જેમાં પૂર્વોત્તર અંતરિક્ષ એપ્લિકેશન સેન્ટર (એનઈએસએસી) મારફતે આશરે 110 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વમાં પૂરનાં વ્યવસ્થાપન માટે સેટેલાઇટ મેપિંગ અને ટોપોગ્રાફીનો ઉપયોગ આ વિસ્તારમાં 300થી વધારે તળાવોનાં નિર્માણની યોજના બનાવવા માટે કરવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં પૂરનું કાયમી વ્યવસ્થાપન સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન છેલ્લા 10 વર્ષોમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકારે આ ક્ષેત્ર માટે અંદાજપત્રીય જોગવાઈઓમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014-15ની સરખામણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 માટે બજેટમાં 153 ટકાનો વધારો કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી માટે માર્ગો પર રૂ. 41,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ગ્રામીણ માર્ગો પર રૂ. 47,000 કરોડનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક રીતે મોદી સરકારે નોર્થ-ઇસ્ટમાં 90,000 કરોડ રૂપિયા ખાસ કરીને સડકો માટે ખર્ચ કર્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એર કનેક્ટિવિટી માટે 64 નવા હવાઈ માર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ પાછળ રૂ.4,800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે રેલવે માટે રૂ.18,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે બ્રહ્મપુત્રા નદી પર ભારતનાં સૌથી મોટા રેલ-કમ-રોડ પુલનું નિર્માણ થયું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીએ ભૂપેન હઝારિકા સેતુનું નિર્માણ કર્યું હતું. અરુણાચલ પ્રદેશને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રદાન કર્યું હતું, રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ કર્યું હતું તથા આસામથી ભૂતાન સુધી નવી રેલવે લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, વર્ષ 2027 સુધીમાં ઉત્તર-પૂર્વનાં તમામ રાજ્યોની રાજધાનીઓ ટ્રેન, હવાઈ અને માર્ગ મારફતે જોડાઈ જશે. મોદી સરકારના શાસનમાં નોર્થ ઇસ્ટનું માત્ર ફિઝિકલ ડિસ્ટન્સ જ ઓછું નથી થયું, પરંતુ દિલો વચ્ચેનું અંતર પણ ઓછું કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે સિક્કિમમાં ૧૦૦ ટકા જૈવિક ખેતીનું લક્ષ્ય અમારી સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે આસામમાં ₹27,000 કરોડનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ આવી રહ્યો છે, જે યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તર-પૂર્વમાં રૂ. 2.5 લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિકાસનો પાયો છેલ્લાં 10 વર્ષ દરમિયાન મોદી સરકારનાં શાસનમાં નંખાયો હતો અને આગામી 10 વર્ષમાં પૂર્વોત્તરનાં કોઈ પણ બાળકને કામ માટે દેશનાં અન્ય ભાગમાં જવું પડશે નહીં; તેમને ત્યાં જ રોજગાર મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 'આઝાદી કા અમૃત મહોત્સવ' દરમિયાન અમે સંકલ્પ કર્યો હતો કે, 2047 સુધીમાં ભારત એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની જશે અને દરેક ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતમાતા પોતાની સંપૂર્ણ તાકાત અને ઊર્જા સાથે દુનિયાની સામે ઊભાં થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ભારતે દુનિયાનું નેતૃત્વ કરવું જોઈએ; મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદનું આ સપનું હવે સાકાર થવા લાગ્યું છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રક્રિયામાં યુવાનોને સામેલ કરવા અમારી સરકારે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ સૌથી પહેલા નવી શિક્ષણ નીતિ રજૂ કરી હતી. જેમાં અમે આપણી ભાષાઓને સાચવવા અને માતૃભાષાને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ મારફતે આપણી શિક્ષણ વ્યવસ્થા સ્થાનિક અને વૈશ્વિક એમ બંને પ્રકારની હશે, જે યુવાનો માટે ઘણી તકોનું સર્જન કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનાં હૃદયની ખૂબ જ નજીક છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર માત્ર બજેટ ફાળવણી માટે જ નહીં, પરંતુ પૂર્વોત્તરના વિકાસ, એકતા અને શાંતિ માટે પણ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થી સંસદ સારું આયોજન છે. પરંતુ તેને અહીં પુરતું માર્યાદિત ન રાખતા તેને અન્ય સંગઠનો અને વિદ્યાર્થી પરિષદ વચ્ચે સેતુ બનાવવા માટે એક એવી વ્યવસ્થા બનાવવી જોઈએ, જેથી તમામ યુવા સંગઠનો રાષ્ટ્રની શક્તિમાં ફાળો આપે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરિષદ યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે એટલું જ નહીં, પણ તેમના પાત્રને આકાર આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠનની પણ પ્રશંસા કરી હતી. જેણે દરેક રીતે રાષ્ટ્રને સતત પ્રાધાન્ય આપ્યું હતું, પછી ભલે તે આપત્તિના સમયે સહકાર આપવાનું હોય કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સહાય કરવાનું હોય.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પૂર્વોત્તરને દેશના બાકીના ભાગો સાથે ભાવનાત્મક રીતે જોડવામાં ભૂમિકા બદલ સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL)ની પણ પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દેશભરમાં 4,000થી વધારે પરિવારો છે જ્યાં ર્વોત્તરનાં બાળકો રહે છે, જેઓ એસઇઆઈએલ મારફતે તેમની સાથે જોડાઈ રહ્યાં છે, જેને તેમણે અતુલ્ય તાકાત ગણાવી હતી. શ્રી શાહે વિદ્યાર્થી પરિષદને સંગઠનાત્મક સમર્પણની ભાવના પેદા કરવાનો શ્રેય આપ્યો હતો. જેણે SEIL જેવી પહેલોને આટલા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
AP/IJ/GP/JD
(Release ID: 2110374)
Visitor Counter : 45
Read this release in:
Assamese
,
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Malayalam