ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં વડનગરમાં અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું
વડનગરમાં જન્મેલા એક સામાન્ય છોકરાથી લઈને વૈશ્વિક નેતા બનવા સુધીની મોદીજીની સફર, ભવિષ્યમાં દેશ અને દુનિયાભરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો વિષય બનશે
આજે, દુનિયા મોદીજીના પગલે ચાલી રહી છે, તેમણે જે ગરીબીનો સામનો કર્યો હતો તેને કરુણામાં પરિવર્તિત કરી અને ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું
'પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય' એ દુનિયાનું એકમાત્ર સંગ્રહાલય છે જ્યાં ઇતિહાસ અને ઉત્ખનન એકસાથે આવે છે
આ સંગ્રહાલય, વડનગરની 2,500 વર્ષ જૂની સંસ્કૃતિને જીવંત બનાવે છે, સાથે સાથે ઇતિહાસના વિવિધ સમયગાળામાં પ્રચલિત સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને શાસનમાં યોગદાનને પણ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે
જ્યારે વડનગરનો ઇતિહાસ 500 વર્ષ પછી લખાશે, ત્યારે વડનગર ચોક્કસપણે મોદીજીના જન્મસ્થળ તરીકે યાદ કરવામાં આવશે
મોદીજી સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના વારસાને ખૂબ જ તેજસ્વીતા અને સમર્પણ સાથે આગળ ધપાવી રહ્યા છે
પ્રતિકૂળ પરિસ્થિતિમાં જન્મ લેવાનો અને કોઈપણ પ્રકારની કડવાશ વિના સમગ્ર સમાજનું ભલું કરવાનો વિચાર ફક્ત ઈશ્વરદત્ત પ્રતિભાશાળી વ્યક્તિને જ આવી શકે છે અને તે છે મોદીજી
Posted On:
16 JAN 2025 6:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્લાન, અર્બન રોડ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સફર પર બનેલી એક ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહ્યું છે અને આ કાર્યક્રમ મોદીજીના જન્મસ્થળ પર પણ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વડનગરને દેશ અને દુનિયાના નકશામાં મોખરાનું સ્થાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડનગર વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે, જે તેની સાતત્યતા અને જીવંતતાને કારણે દરેક યુગની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રભાવિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, વડનગરની આ યાત્રા હજારો વર્ષ સુધી ફેલાયેલી છે અને તે 2,500 વર્ષ કરતાં પણ વધારે જૂની હોવાના તેના પુરાવા પણ છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, લોકોએ આ આર્કિયોલોજિકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ અને ઉત્ખનન સ્થળની મુલાકાત લેવી જોઈએ, કારણ કે દુનિયામાં એવું કોઈ મ્યુઝિયમ નથી કે જ્યાં ઇતિહાસ અને ઉત્ખનન આટલી અનોખી રીતે સહઅસ્તિત્વ ધરાવતું હોય. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ અંદાજે રૂ.300 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મ્યુઝિયમે વડનગર જ નહીં પરંતુ ગુજરાતની અને સમગ્ર દેશની સંસ્કૃતિને પણ વિશ્વના નકશા પર મૂકી છે. તેમણે કહ્યું કે મ્યુઝિયમ તૈયાર કરનારાઓએ મ્યુઝિયમની ઇમારત અને ખોદકામ સ્થળમાં વડનગરની 2500 વર્ષથી વધુ જૂની મુસાફરીને જીવંત બનાવી છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આ સંગ્રહાલય વડનગરની પ્રાચીનતાને પ્રદર્શિત કરવાની સાથે તેની સંસ્કૃતિ, વેપાર, શહેરી આયોજન, શિક્ષણ અને તેનાં ઇતિહાસનાં વિવિધ સમયગાળા દરમિયાનનાં શાસનનાં પ્રદાનને પણ પ્રદર્શિત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે પ્રેરણા સંકુલનું પણ ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને જે શાળામાં પ્રધાનમંત્રી મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તે શાળા હવે દેશભરનાં બાળકોને તેમણે ચીંધેલા માર્ગ પર શીખવા અને ચાલવા માટે આવકાર આપી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રેરણા સંકુલ ભવિષ્યમાં આ પ્રકારની અનેક મહાન વ્યક્તિઓનાં સર્જનમાં પ્રદાન કરશે. શ્રી શાહે આજે સ્પોર્ટસ સંકુલના ઉદઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2036માં અમદાવાદમાં યોજાનારા ઓલિમ્પિક માટે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને ત્યાં સુધીમાં વડનગરના બાળકો તે રમતોમાં ભાગ લેવા માટે તૈયાર થઈ જશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડનગરની સંસ્કૃતિ અને ઇતિહાસ અતિ પ્રાચીન છે અને અહીં શાશ્વત તપસ્વીઓ તપસ્યા, ધ્યાન અને જ્ઞાનની શોધના વિવિધ સ્વરૂપોમાં જોડાયેલા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જૈન તપસ્વીઓએ અસંખ્ય જૈન અગમ-નિગમની રચના કરી હતી અને અહીં તપસ્યા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એવું પણ માનવામાં આવે છે કે જૈન ધર્મગ્રંથ કલ્પસૂત્રનું પ્રથમ જાહેર વાંચન, જે પરંપરાગત રીતે ફક્ત તપસ્વીઓ દ્વારા વાંચવામાં આવતું હતું, તે અહીં થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ સસ્થળે બૌદ્ધ મઠ પણ છે, અને ઘણા બૌદ્ધ ભિક્ષુઓ જ્ઞાનની તરસ છીપાવવા અહીં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સ્થળ ત્રણ મહાન ધર્મોની ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે અને વડનગરની સ્કંદ પુરાણથી માંડીને ચમત્કારપુર, આનર્તપુર, આનંદપુર, વૃદ્ધનગર અને વડનગર સુધીની સંપૂર્ણ યાત્રાને આ સંગ્રહાલયમાં દૃષ્ટાંતો સાથે દર્શાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ જે પંચ પ્રણ લીધી હતી, જેમાં અન્ય લોકોની સાથે સાથે આપણાં વારસામાં ગર્વ લેવાનો પણ સમાવેશ થાય છે, તે રાષ્ટ્ર માટેનાં તેમનાં વિઝનનો એક ભાગ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીએ દેશનાં યુવાનોને પંચ પ્રણનો આ સંદેશ આપ્યો છે, જેથી તેઓ સંસ્થાનવાદનાં તમામ ચિહ્નોને છોડી શકે અને આપણાં વારસામાં ગર્વ અનુભવવા માટે પ્રેરિત થાય, જેથી તેઓ આધુનિકતાનાં આધારે ભવિષ્યને આકાર આપવા સક્ષમ બને. તેમણે જણાવ્યું હતું કે, આ સંગ્રહાલયના માધ્યમથી આપણા વારસાનું ગૌરવ અને ગુલામીના અવશેષોને નાબૂદ કરવાનું વાસ્તવિકતા બની રહ્યું છે. શ્રી શાહે વધુમાં સમજાવ્યું હતું કે, આ સંગ્રહાલય આપણા આર્થિક, આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસના સ્તરોનું જતન કરે છે, જે વડનગરના 2,500 વર્ષના ઇતિહાસમાં ભારતની સાંસ્કૃતિક, રાજકીય, વહીવટી યાત્રા અને શહેરી આયોજન તરફ આંગળી ચીંધશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અમે અમારી ખોવાયેલી વિરાસતને પાછી લાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ગુજરાતમાંથી ચોરાયેલી મહિષાસુર મર્દિનીની પ્રતિમા સહિત લગભગ 350 કલાકૃતિને ભારત પરત લાવવામાં આવી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાન ભવ્યતા અને જોમ સાથે સ્વામી દયાનંદજી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલનાં વારસાને આગળ વધારવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ વડનગર અને ગુજરાતને દેશ-દુનિયામાં પ્રખ્યાત બનાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોદીજીનું વડનગરમાં વિતાવેલા બાળપણથી માંડીને દેશના પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા બનવા સુધીનું સમગ્ર જીવન આગામી દિવસોમાં ભારત અને દુનિયાભરના અનેક વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટેનો વિષય બની રહેશે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, એક જ ભાષણમાં શ્રી નરેન્દ્ર મોદીજીનાં સમગ્ર જીવનનું વર્ણન કરવું અશક્ય છે. તેમણે કહ્યું હતું કે, મોદીજીની વડનગરમાં ગરીબ પરિવારમાં જન્મેલા બાળકથી લઈને સમગ્ર દુનિયાનું માર્ગદર્શન કરતા વૈશ્વિક નેતા બનવા સુધીની સફર અવર્ણનીય છે અને તેને શબ્દોમાં વર્ણવી ન શકાય. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીજી, જેમણે પોતાનું બાળપણ એક ચા વેચનાર પિતા અને એક ગરીબ માતાના પુત્ર તરીકે અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું, તેઓ કોઈ પણ પ્રકારની કડવાશ રાખ્યા વિના મોટા થયા છે. મોદીજીએ દેશની સેવા એ રીતે કરી છે કે જે ગરીબી તેમણે બાળપણમાં સહન કરી હતી તે દેશના અન્ય કોઈ બાળકને સહન કરવી નહીં પડે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ તેમનાં જીવનમાં જે ગરીબીનો સામનો કરવો પડ્યો હતો, તેને કરૂણામાં પરિવર્તિત કરી હતી અને એક મહાન વિઝન સાથે સમગ્ર દેશમાં ગરીબોનાં કલ્યાણ માટે કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મોદીજીએ લાખો લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ કામ કર્યું છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જન્મ લેવો અને કોઈ પણ પ્રકારની કડવાશને આશ્રય આપ્યા વિના સમાજનાં કલ્યાણનો વિચાર કરવો એ એક એવો ગુણ છે, જે વડનગરનાં સપૂત નરેન્દ્ર મોદી જેવા ઈશ્વરદત્ત પ્રતિભાસંપન્ન વ્યક્તિમાંથી જ આવી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મોદીજીએ તેમના બાળપણમાં જ પોતાના શિક્ષણમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો અને ત્યારથી જ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે તેમણે પ્રાથમિક શિક્ષણને ઘણું મહત્ત્વ આપ્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીએ ગુજરાતમાં 'કન્યા કેળવણી યાત્રા' નામની એક પહેલ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ છોકરા અને છોકરીઓને શિક્ષિત કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યનો ડ્રોપઆઉટ રેશિયો 37 ટકા હતો, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીમાં ડ્રોપઆઉટ રેશિયો માંડ એક ટકા હતો.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીએ લોકોની સમસ્યાઓ સમજવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો અને રાજ્યનાં મુખ્યમંત્રી બન્યાં પછી એ તમામ સમસ્યાઓનું સમાધાન કરવાની દિશામાં કામ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મોદીજીએ ગુજરાતમાં એક સંગઠન આધારિત પાર્ટીની કલ્પના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીએ લોકપ્રિયતા મેળવવા માટે એક નવો અભિગમ પ્રસ્તુત કર્યો છે, જે જ્ઞાતિ, વ્યક્તિત્વ કે વંશવાદની રાજનીતિ પર આધારિત નથી, પણ વિચારધારા અને વિકાસ પર આધારિત છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશમાં રાજકારણ સગાવાદથી ઘેરાયેલું છે, ત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ તેના સ્થાને 'પોલિટિક્સ ઑફ પર્ફોમન્સ' સ્થાપિત કરવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં મોદીજીએ સર્વસમાવેશક અને વિસ્તૃત વિકાસનું મોડલ ઊભું કર્યું હતું, જેથી રાજ્યનો કોઈ પણ વિસ્તાર કે વ્યક્તિ પાછળ ન રહી જાય. તેમણે ધ્યાન દોર્યું હતું કે, મોદીજીએ ગુજરાતમાં વન બંધુ કલ્યાણ યોજના, સાગર ખેડુ કલ્યાણ યોજના, 24 કલાક વીજળીનો પુરવઠો, રોડ નેટવર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૌર ઊર્જાની પહેલો, માળખાગત શહેરી અને ગ્રામીણ વિકાસ તથા સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મોડેલ સમગ્ર દેશમાં વ્યાપકપણે જાણીતું બન્યું છે અને "ગુજરાત મોડેલ" તરીકે તેનો સ્વીકાર થયો છે, આ જ કારણ છે કે મોદીજીને ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી તરીકે બઢતી મળી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મોદીજીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને પુનરુત્થાન પરના ભાષણોએ લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મોદીજીના કાર્યકાળમાં ભગવાન રામ લલ્લા માટે ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું સપનું પૂર્ણ થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સપૂતે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370ને રદ કરી હતી અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની દિશામાં કામ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ત્રણ તલાક મારફતે મુસ્લિમ બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે અને મોદીજીએ તેનો અંત લાવવા પગલાં લીધાં હતાં. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદીજીએ કોમન સિવિલ કોડ લાગુ કરીને બિનસાંપ્રદાયિકતાની સ્થાપના કરી હતી. શ્રી શાહે ધ્યાન દોર્યું હતું કે, મોદીજીના દ્રઢ નિશ્ચય અને આતંકવાદ અને નકસલવાદ સામેની સતત ઝુંબેશને કારણે આ બંને મુદ્દાઓ હવે દેશમાં સમાપ્ત થવાના આરે છે. તેમણે ઉમેર્યું હતું કે, મજબૂત સુરક્ષા નીતિને કારણે સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેનાથી દુનિયાને સ્પષ્ટ સંદેશ મળ્યો હતો કે, આપણા દેશની સેના અને સરહદો સાથે કોઈ દખલગીરી કરી શકે નહીં, નહીંતર તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. અંતમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મોદીજીએ સુસજ્જ સેનાનું નિર્માણ કરીને, ગરીબોનાં કલ્યાણને પ્રોત્સાહન આપીને, ગ્રામીણ વિકાસ અને કૃષિને અર્થતંત્રનો મજબૂત સ્તંભ બનાવીને અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં કામ કર્યું હતું.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ રોજગારીનાં સર્જન અને ગ્રામીણ વિકાસ માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને ગરીબોનાં ઘરો સુધી સીધું શાસન પહોંચાડવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડીબીટી, ડિજિટલ ઇન્ડિયા, આધાર કાર્ડ અને ઓનલાઇન બેંકિંગ મારફતે જનકલ્યાણ માટે ટેકનોલોજીનાં ઉપયોગથી મોદીજી ભારતને આશ્ચર્યજનક રીતે દુનિયાથી આગળ લઈ જવા સક્ષમ બન્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીએ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ મારફતે લાખો રોજગારીનું સર્જન કર્યું હતું અને ભારતને મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કર્યું હતું.
શ્રી શાહે ધ્યાન દોર્યું હતું કે, મોદીજીએ માત્ર યોગ અને આયુર્વેદને જ નહીં, પણ ભારતની તમામ ભાષાઓને પણ પુનર્જીવિત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદીજીએ આદિવાસી સમુદાયો, પછાત વર્ગો અને દલિતોનાં કલ્યાણને આગળ વધાર્યું છે તથા વિધાનસભા અને સંસદમાં તેમને 33 ટકા અનામત સુનિશ્ચિત કરીને મહિલાઓને સશક્ત બનાવી છે, જેથી તેમને નીતિનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન થઈ છે. તેમણે નોંધ્યું હતું કે, મોદીજીનાં કાર્યકાળ દરમિયાન એક મજબૂત વિદેશ નીતિનો ઉદય થયો હતો અને તેમણે કહ્યું હતું કે, ભારત અન્ય લોકોને ડરાવીને કે પોતાનું માથું ઝુકાવીને આગળ વધવા ઇચ્છતું નથી. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ વિદેશ નીતિમાં એક નવી પરંપરાની સ્થાપના કરી છે, જે સમાનતા અને પારસ્પરિક સન્માન પર આધારિત અન્ય દેશો સાથે સંવાદ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આજથી 500 વર્ષ પછી જ્યારે વડનગરનો ઇતિહાસ લખાશે ત્યારે નિ:શંકપણે તેને મોદીજી સહિત અનેક મહાન ચિંતકોના જન્મસ્થળ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના વિઝનને કારણે જ વડનગરની 2500 વર્ષની યાત્રાને મ્યુઝિયમના રૂપમાં જાળવી રાખવામાં આવી છે, જેને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંગ્રહાલય વડનગરનાં ઇતિહાસને વૈશ્વિક નકશા પર સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા પ્રધાનમંત્રી મોદીજીનું સમર્પણ અને કર્મયોગ વડનગરને ભવિષ્યમાં દુનિયાનાં લોકો માટે કુતૂહલ, જ્ઞાન અને આચરણનું કેન્દ્ર બનાવશે.
*****
(Release ID: 2093529)
Visitor Counter : 71