ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆર એન્ડ ડી)માં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
મોડસ ઓપરેન્ડી બ્યુરોમાં બીપીઆર એન્ડ ડી, એનસીઆરબી, જેલના અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોએ ગુનાઓની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કરવું જોઈએ
બીપીઆર એન્ડ ડીએ પાયાનાં સ્તરે પોલીસિંગમાં આવતા પડકારોને ઓળખવા માટે સંશોધન હાથ ધરવું જોઈએ અને તેમના માટે ઉકેલો શોધવાની દિશામાં કામ કરવું જોઈએ
Posted On:
09 JAN 2025 6:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર જનરલ બીપીઆર એન્ડ ડી, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ મંત્રીએ બીપીઆરએન્ડડીના છ વિભાગો તેમજ આઉટલાઈંગ યુનિટ્સ (કેપ્ટ ભોપાલ અને સીડીટીઆઈ), તેમની સિદ્ધિઓ, ચાલુ કાર્યો અને ભવિષ્યના રોડમેપની સમીક્ષા કરી હતી. તેમણે નવા ફોજદારી કાયદા (એનસીએલ)ના અમલીકરણ માટે બીપીઆર એન્ડ ડી દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો અને પહેલોની વિશેષ સમીક્ષા પણ કરી હતી.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બીપીઆરએન્ડડી ભારતીય પોલીસ દળોને સ્માર્ટ દળોમાં પરિવર્તિત કરવા કટિબદ્ધ છે, જેથી પોલીસ તેમજ આંતરિક સુરક્ષાનાં પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકાય અને તેમને જરૂરી બૌદ્ધિક, ભૌતિક અને સંગઠનાત્મક સંસાધનોથી સજ્જ કરી શકાય.
બેઠકમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે મોડસ ઓપરેન્ડી બ્યૂરોમાં બીપીઆર એન્ડ ડી, એનસીઆરબી, જેલ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોએ ગુનાઓની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, બીપીઆરએન્ડડીએ પાયાનાં સ્તરે પોલીસિંગમાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ઓળખવા સંશોધન હાથ ધરવું જોઈએ અને તેમનાં સમાધાનો શોધવાની દિશામાં કામ કરવું જોઈએ.
શ્રી અમિત શાહે સંશોધન અભ્યાસો અને વિવિધ પ્રોજેક્ટોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ સાથે જોડાણ સહિત વિવિધ હિતધારકોનાં પ્રદાનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે પોલીસ દળોને વધુમાં વધુ લાભ આપવા તેમજ પોલીસની જાહેર છબી સુધારવા માટે બીપીઆર એન્ડ ડી પ્રોજેક્ટ્સ અને અભ્યાસો તેમજ પ્રકાશનો માટે વૈશ્વિક સ્તરે વિસ્તૃત અવકાશ અને પહોંચ માટે સૂચનાઓ આપી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એનસીએલ તાલીમ અને અમલીકરણ, હાલની પોલીસ અને જેલ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓના અપગ્રેડેશન દ્વારા પોલીસ દળોના આધુનિકીકરણ અને નવા યુગના પડકારોને પહોંચી વળવા માટે બ્યુરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે મંત્રાલયને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડતી નોડલ એજન્સી તરીકે બીપીઆરએન્ડડીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી શાહે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનાં તમામ આધારસ્તંભોને તેમની વિશિષ્ટ જરૂરિયાતોને આધારે લક્ષિત મદદ માટે બ્યુરોનાં કાર્યને વધારે સુવ્યવસ્થિત કરવા માટેનાં દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગૃહ મંત્રીએ પોલીસની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે 'મેક ઇન ઇન્ડિયા' મોડલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ સમસ્યાની ઓળખ અને અસરકારક સમાધાન માટે ફોજદારી ન્યાય પ્રણાલીના હિતધારકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયની વિસ્તૃત સંડોવણી માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહ પ્રધાને બ્યુરોને તેની સુગમ કામગીરી માટે ટેકો અને સહાયની ખાતરી આપી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2091579)
Visitor Counter : 34