સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025


આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા

Posted On: 02 JAN 2025 12:35PM by PIB Ahmedabad

" મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે."

આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ 'ગંગા' નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. બીજા નવજાત શિશુ સાથે, ‘કુંભ’ નામના એક બાળકના જન્મની સાથે, આ જન્મ જીવનના ચક્ર અને મહાકુંભના તહેવારના આશીર્વાદને સમાવે છે. મહાકુંભની સત્તાવાર શરૂઆત પહેલા કાર્યરત થયેલી આ હોસ્પિટલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઝીણવટભરી તૈયારીઓનું પ્રમાણ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ તે વાત સુનિશ્ચિત કરે છે કે મહાકુંભની પવિત્રતા માનવ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પરંપરાને પ્રગતિ સાથે જોડે છે.

સનાતન ધર્મના શિખરના રૂપમાં પ્રતિષ્ઠિત મહાકુંભ વર્ષ 2025માં પ્રયાગરાજમાં તેની ભવ્યતાને ઉજાગર કરશે. "યાત્રાધામોના રાજા" અથવા તીર્થરાજ તરીકે ઓળખાતું પ્રયાગરાજ એક એવું શહેર છે જ્યાં પૌરાણિક કથાઓ, આધ્યાત્મિકતા અને ઇતિહાસનો સમન્વય થાય છે, જે તેને સનાતન સંસ્કૃતિનું કાલાતીત મૂર્ત અવતાર બનાવે છે. આ પવિત્ર ભૂમિ, જ્યાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી નદીઓનો સંગમ થાય છે,  દૈવી આશીર્વાદ અને મોક્ષ મેળવવા ઇચ્છતા લાખો લોકો માટે આધ્યાત્મિક રસ જગાડવાનું કામ કરે  છે. અહીં, મહાકુંભ એક દિવ્ય યાત્રામાં પરિવર્તિત થાય છે - જે  ભક્તિ, ધ્યાન અને આધ્યાત્મિકતાની એક 'ત્રિવેણી' છે.

પ્રયાગરાજના આધ્યાત્મિક રત્નોમાંથી એક છે ચહલ-પહલવાળા લોકનાથ વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત બાબા લોકનાથ મહાદેવ મંદિર. કાશીના બાબા વિશ્વનાથના 'પ્રતિરૂપ' ગણાતા બાબા લોકનાથના મંદિરમાં શાશ્વત ભક્તિના નાદ સંભળાય છે. આ સ્વયંભૂ શિવલિંગનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને મહાભારતમાં જોવા મળે છે, જે તેના પ્રાચીન મૂળને રેખાંકિત કરે છે. યાત્રાળુઓનું માનવું છે કે બાબા લોકનાથના આશીર્વાદ મેળવવાથી સાંસારિક સંઘર્ષો દૂર થઈ શકે છે, અને ભવ્ય મહાકુંભ દરમિયાન, હજારો લોકો આ પવિત્ર સ્થળ પર દિવ્યતાનો અનુભવ કરવા માટે એકત્રિત થઈ રહ્યાં છે. મદન મોહન માલવીયા જેવા દિગ્ગજોની સાથે તેના જોડાણથી મંદિરનો સાંસ્કૃતિક વારસો વધુ સમૃદ્ધ છે. શિવરાત્રી પર તેની પ્રતિષ્ઠિત શિવજીની જાનની શોભાયાત્રા અને વાઇબ્રેન્ટ હોળીની ઉજવણી પ્રયાગરાજના આધ્યાત્મિક ઉત્સાહમાં અદમ્ય વધારો કરે છે. આ શહેર મહાકુંભની તૈયારી કરી રહ્યું છે ત્યારે બાબા લોકનાથનું મંદિર ચોક્કસપણે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે કેન્દ્રબિંદુ બની રહેશે.

મહાકુંભના આધ્યાત્મિક નગરીનું અખાડા ક્ષેત્ર ભક્તિભાવથી ધબકે છે કારણ કે નાગા સંન્યાસીઓ અને સંતો અનુષ્ઠાન કરવા, ધ્યાન ધરવા અને જ્ઞાનની વહેંચણી કરવા માટે એકઠાં થાય છે. તેમાંય મહંત શ્રવણ ગિરી અને મહંત તારા ગિરીની વાતો એક અનોખા આકર્ષણથી ગુંજી ઉઠે છે. તેમના પાલતુ પ્રાણીઓ - અનુક્રમે લાલી અને સોમા પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ સનાતન ધર્મના કરુણામય તત્ત્વને પ્રકાશિત કરે છે, જ્યાં દરેક જીવને દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. આ સંતો જેમણે સાંસારિક બંધનો ત્યાગ કર્યો છે, તેઓ તેમના પાલતુ પ્રાણીઓ સાથે કૌટુંબિક સંબંધો રાખે છે, જે અહિંસા અને બિનશરતી પ્રેમના સિદ્ધાંતને અપનાવે છે. આવા વર્ણનો તપસ્વીઓના કઠોર જીવનને માનવીય બનાવે છે અને મહાકુંભની સર્વસમાવેશકતાની ભાવનાને રેખાંકિત કરે છે, જે આધ્યાત્મિકતા અને અસ્તિત્વના સરળ આનંદ વચ્ચે સમાનતા દર્શાવે છે.

શાંત ઝુંસી વિસ્તારમાં સ્થિત મહર્ષિ દુર્વાસા આશ્રમ, પ્રયાગરાજના આધ્યાત્મિક આકર્ષણમાં વધુ એક સ્તર ઉમેરે છે. પૌરાણિક ઋષિ મહર્ષિ દુર્વાસા સાથે સંકળાયેલી આ પ્રાચીન જગ્યામાં દિવ્ય તપસ્યા અને મુક્તિની કથાઓ સમાયેલી છે. એવું કહેવામાં આવે છે કે મહર્ષિ દુર્વાસાના ગહન ધ્યાનથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા, જેમણે તેમને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રના પ્રકોપથી સુરક્ષા પ્રદાન કરી હતી. ઋષિ દ્વારા સ્થાપિત શિવલિંગ 'અભયદાન' (ભયથી મુક્તિ) મેળવવા માંગતા ભક્તો માટે આશાનું કિરણ બની રહ્યું છે. મહાકુંભની તૈયારીમાં, આશ્રમમાં મહત્વપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેના લાલ બલુઆ પત્થરોના દરવાજા અને ઉત્કૃષ્ટ સુવિધાઓથી યાત્રાળુઓને તેની પવિત્રતામાં ડૂબવા માટે આમંત્રિત કર્યાં છે. આ પ્રયાગરાજને વ્યાખ્યાયિત કરતી પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિકતા વચ્ચેના શાશ્વત બંધનની યાદ અપાવે છે.

કુંભને ચતુષ્પરિમાણીય ઉત્સવ તરીકે વર્ણવવામાં આવ્યો છે – એક આધ્યાત્મિક યાત્રા, એક તાર્કિક ચમત્કાર, એક આર્થિક ઘટના અને વૈશ્વિક એકતાનો પુરાવો. કલ્પવાસની વિભાવના, જ્યાં વ્યક્તિઓ જીવનના શાશ્વત સત્યોને સ્વીકારવા માટે ક્ષણિક ડિજિટલ વિશ્વથી અલગ થાય છે, તે મહાકુંભની પરિવર્તનશીલ શક્તિનું પ્રતીક છે. મહાકુંભ એ માત્ર એક આયોજન નથી; તે જીવન જીવવાની એક રીત છે, એક એવો તહેવાર છે જે ઈશ્વરીય બંધારણ દ્વારા સંચાલિત હોય છે. તેનો આત્મા સંતો અને ઋષિમુનિઓના સત્સંગમાં રહેલો છે, જ્યાં ધર્મ વાણિજ્ય સાથે જોડાય છે, સનાતન વૈદિક હિંદુ ધર્મના મૂલ્યોને જાળવી રાખે છે.

2025માં સંગમની પવિત્ર રેતી પર લાખો ભક્તોની રાહ જોવાઈ રહી છે, મહાકુંભ એક એવો આધ્યાત્મિક મહાપર્વ હોવાનું વચન આપે છે અન્યથી અલગ હશે. તે પોતાના મૂળ સાથે ફરીથી જોડાવા, સનાતન ધર્મના શાશ્વત જ્ઞાનનો અનુભવ કરવા અને ભૌતિકતાથી પર હોય તેવા ઉત્સવમાં ભાગ લેવાનું આમંત્રણ છે. બાબા લોકનાથના દિવ્ય આશીર્વાદથી માંડીને મહર્ષિ દુર્વાસાના પૌરાણિક વારસા સુધી, તપસ્વીઓના માનવીય બંધનોથી માંડીને જીવનના ચમત્કારો સુધી, મહાકુંભ આસ્થા, ભક્તિ અને ઉત્કૃષ્ટતાનો એક સમન્વય છે.

સંદર્ભો

https://kumbh.gov.in/

ઉત્તર પ્રદેશ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ (ડી.પી.આઈ.આર.)

pdf ફાઇલ જોવા કૃપા કરીને અહીં ક્લીક કરો

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2089553) Visitor Counter : 66