ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે સશસ્ત્ર સીમા બલ (SSB)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઈન્ટીગ્રેટેડ ચેક પોઈન્ટ (ICP) અગરતલા અને પેટ્રાપોલ ખાતે BGFના નવા બનેલા રહેણાંક સંકુલનું ઈ-ઉદઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ, બેરેક, CAPF ઈ-હાઉસિંગ, શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ વડે CAPF કર્મચારીઓના જીવનને સરળ બનાવી રહી છે
SSB જવાનો સરહદી વિસ્તારના યુવાનોને તાલીમ આપીને સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહ્યા છે
SSBએ સરહદી ગામોની સંસ્કૃતિ, ભાષા અને સમૃદ્ધ વારસાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું અનોખું કામ કર્યું છે
સશાસ્ત્ર સીમા દળ તેની ફરજો દ્વારા "સેવા, સુરક્ષા અને ભાઈચારો" ના સૂત્રને પૂર્ણ કર્યું છે
SSBએ નેપાળ અને ભૂતાન સાથે વિશ્વાસ, વારસો અને મિત્રતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે
SSB ઝીરો-ટોલરન્સની નીતિ સાથે સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવા, માદક દ્રવ્યો, શસ્ત્રો, વન્યજીવો, વન ઉત્પાદનો અને નકલી ચલણની દાણચોરીને રોકવા માટે સતત કામ કરી રહ્યું છે
SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યા છે
પૂર હોય કે ભૂસ્ખલન, SSB જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય હાથ ધર્યું
Posted On:
20 DEC 2024 5:02PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સરહદોની સુરક્ષા અને પૂર્વી વિસ્તારમાંથી ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગૃહ મંત્રીએ શહીદોના પરિવારજનોને કહ્યું કે તેમના વીર સપૂતોના બલિદાને દેશને એક નવું જીવન, ઉર્જા અને ઉત્સાહ આપ્યો છે અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 61 વર્ષમાં એસએસબીને 4 પદ્મશ્રી, 1 કીર્તિ ચક્ર, 6 શૌર્ય ચક્ર, 2 રાષ્ટ્રપતિ વીરતા મેડલ, 25 પોલીસ વીરતા મેડલ અને 35 વીરતા મેડલ પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે એસએસબી દ્વારા પ્રાપ્ત આ રાષ્ટ્રીય સ્તરના સન્માનો બતાવે છે કે એસએસબી જવાનો તેમની ફરજો નિભાવવા માટે કેટલા નિર્ધારિત છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સશસ્ત્ર સીમા દળે ભારતનાં સરહદી ગામડાંઓની સંસ્કૃતિ, ભાષા અને સમૃદ્ધ વારસાને દેશની મુખ્યધારા સાથે જોડવાનું વિશિષ્ટ કાર્ય કર્યું છે. તેમણે કહ્યું હતું કે, એસએસબીએ તેની ફરજો મારફતે "સેવા, સુરક્ષા અને બંધુત્વ"નું સૂત્ર પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે એસએસબીએ નેપાળ અને ભૂટાન સાથે વિશ્વાસ, વિરાસત અને મિત્રતાની પરંપરાને આગળ વધારી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ એક બોર્ડર, એક ફોર્સની નીતિ અપનાવી હતી, ત્યારબાદ એસએસબીને નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી સીમાની સતર્કતા અને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1963માં તેની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એસએસબીએ સરહદી ગામડાઓમાં ભારત સાથે દેશભક્તિ અને જોડાણની ભાવના પેદા કરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશવાસીઓને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે, કારણ કે એસએસબીનાં જવાનો નેપાળ અને ભૂતાન સાથેની ભારતની 2450 કિલોમીટર લાંબી સરહદ પર રક્ષક તરીકે ઊભા છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 61 વર્ષનાં પોતાનાં ગૌરવશાળી ઇતિહાસમાં એસએસબીએ સેવા, સુરક્ષા અને બંધુત્વનાં સૂત્રને સાકાર કર્યું છે તથા દેશસેવાની ભાવના, ભક્તિ અને રાષ્ટ્ર પ્રથમનાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એસએસબીના જવાનોએ ખૂબ જ સક્રિયપણે સરહદ પર નશીલા દ્રવ્યોની દાણચોરી, માનવ તસ્કરી, શસ્ત્રોની દાણચોરી અને દેશવિરોધી તત્ત્વોની ઘૂસણખોરી અટકાવી છે. તેમણે કહ્યું કે એસએસબીએ સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ દળ સાથે સંકલન કરીને સમગ્ર પૂર્વીય વિસ્તારને નક્સલ મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, એસએસબીએ લગભગ ચાર દાયકા પછી બિહાર અને ઝારખંડને નક્સલમુક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, સિલિગુડી કોરિડોર પૂર્વ ભારતનું અતિ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને અહીં એસએસબીની તૈનાતી સમગ્ર દેશ માટે આશ્વાસન અને આત્મવિશ્વાસનું કારણ છે. તેમણે કહ્યું કે એસએસબીની તકેદારીને કારણે અમે પૂર્વ વિસ્તારમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યા છીએ.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને નેપાળ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનાં ગૌરવનું સન્માન કરવામાં આવે છે, ત્યારે એસએસબી દ્વારા નો મેન્સ લેન્ડમાં થયેલાં 1100થી વધારે અતિક્રમણોને દૂર કરવા એ એક મોટી ઉપલબ્ધિ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરહદથી 15 કિલોમીટરની અંદર સરકારી જમીન પર અતિક્રમણ સામે એસએસબીએ છેલ્લાં 3 વર્ષમાં ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે એસએસબી હજારો એકર સરકારી જમીનને અતિક્રમણથી મુક્ત કરવામાં સફળ રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એસએસબી ઝીરો-ટોલરન્સ નીતિ સાથે સરકારી જમીન પરનાં અતિક્રમણને દૂર કરવા, નશીલા દ્રવ્યો, શસ્ત્રો, વન્યજીવન, વનપેદાશો અને બનાવટી ચલણની દાણચોરી અટકાવવા સતત કામ કરે છે. તેમણે કહ્યું કે એસએસબીએ 4,000 થી વધુ દાણચોરો, 16000 કિલોથી વધુ માદક દ્રવ્યો, 208 શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે એસએસબીએ 183 માનવ તસ્કરોની ધરપકડ કરી છે અને 231 છોકરીઓ સહિત 301 પીડિતોને બચાવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એસએસબીએ મહિલાઓનાં ગૌરવનું રક્ષણ કરવામાં ચોક્કસ પણે મોટી ભૂમિકા ભજવી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એસએસબીએ આતંકવાદ પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરમાં પણ સંપૂર્ણ સતર્કતા સાથે પોતાની ફરજ અદા કરી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં એસએસબીની તૈનાતીથી તમામ સુરક્ષા દળોને મોટો વેગ મળ્યો છે. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એસએસબીના જવાનોએ અલગ અલગ ઓપરેશનમાં 19થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા અને 14 આતંકીઓની ધરપકડ કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે એસએસબીએ છેલ્લા 7 વર્ષમાં 600 થી વધુ માઓવાદીઓની ધરપકડ કરી છે, 15થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે અને એસએસબીની કાર્યવાહીને કારણે 28 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે એસએસબીની ફરજો ફક્ત સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દળ વિવિધ રાહત કામગીરીમાં પણ જોડાયું છે અને આપત્તિઓ દરમિયાન સંપૂર્ણ તત્પરતાથી લોકોની મદદ કરી છે. તેમણે કહ્યું કે પૂર હોય કે ભૂસ્ખલન, આ જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી હાથ ધરી છે અને દેશના લોકો સાથે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એસએસબી જવાનોની નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ નિશ્ચયથી લાખો લોકોનાં જીવનનું રક્ષણ થયું છે અને તેનાથી દેશનાં લોકોનાં હૃદયમાં એસએસબી પ્રત્યે સારી લાગણી જન્મી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ, બેરેક, સીએપીએફ ઇ-હાઉસિંગ અને સ્કોલરશિપ જેવી યોજનાઓ સાથે સીએપીએફનાં કર્મચારીઓનાં જીવનને વધારે સરળ બનાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના કલ્યાણ માટે 41 લાખથી વધુ આયુષ્માન કાર્ડ બનાવ્યા છે, જેના દ્વારા 1600 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ સાથે 13 હજાર આવાસ, 113 બેરેક અને ઈ-આવાસ પોર્ટલ બનાવવામાં આવ્યા છે જેના દ્વારા હજારો મકાનોની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સીએપીએફ ઇ-હાઉસિંગ પોર્ટલનો લાભ 6 લાખ 31 હજાર 346 ફોર્સના જવાનોને મળી ચૂક્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે રમતગમતના ક્ષેત્રમાં પણ એસએસબીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને દેશ માટે 72 ચંદ્રકો જીત્યા છે. તેમણે કહ્યું કે એસએસબીના પ્રશિક્ષિત કર્મચારીઓએ સરહદી વિસ્તારોના યુવાનોને મધમાખી ઉછેર, કમ્પ્યુટર, મોબાઇલ રિપેરિંગ અને ડ્રાઇવિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં તાલીમ આપીને સ્વરોજગારી માટે તૈયાર કર્યા છે. આ સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એસએસબીએ પણ 36000 જેટલા યુવાનોને નશાની લતના દૂષણ વિશે જાગૃત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે એસએસબીએ સીએપીએફના વૃક્ષારોપણ અભિયાનને આગળ વધાર્યું છે અને અમારા સીએપીએફ જવાનોએ 15 નવેમ્બર 2024 સુધીમાં 6 કરોડથી વધુ વૃક્ષો વાવીને ધરતી માતાની સેવા કરી છે.
AP/IJ/GP/JD
(Release ID: 2086553)
Visitor Counter : 27