પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિકની ટિપ્પણીનો મૂળપાઠ (22 ઓક્ટોબર, 2024)

Posted On: 22 OCT 2024 7:24PM by PIB Ahmedabad

મહામહિમ,

તમારી મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હું નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ સમિટ માટે કાઝાન જેવા સુંદર શહેરની મુલાકાત લેવાની તક મળતાં મને આનંદ થાય છે. આ શહેર ભારત સાથે ઊંડા અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. કાઝાનમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ શરૂ થવાથી આ સંબંધો વધુ મજબૂત બનશે.

મહામહિમ,

છેલ્લા ત્રણ મહિનામાં રશિયાની મારી બે મુલાકાતો અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને દર્શાવે છે. જુલાઈમાં મોસ્કોમાં આયોજિત અમારા વાર્ષિક શિખર સંમેલનથી દરેક ક્ષેત્રમાં આપણો સહયોગ વધુ મજબૂત બન્યો છે.

મહામહિમ,

હું તમને પાછલા વર્ષમાં બ્રિક્સની સફળ અધ્યક્ષતા માટે અભિનંદન આપું છું. છેલ્લા પંદર વર્ષોમાં, બ્રિક્સે તેની આગવી ઓળખ સ્થાપિત કરી છે, અને હવે વિશ્વભરના ગંભીર દેશો તેમાં જોડાવા ઈચ્છે છે. હું બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.

મહામહિમ,

અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને નિયમિત સંપર્કમાં છીએ. મેં અગાઉ કહ્યું તેમ, અમે માનીએ છીએ કે મુદ્દાઓનું નિરાકરણ માત્ર શાંતિપૂર્ણ માધ્યમોથી જ પ્રાપ્ત થવું જોઈએ. અમે શાંતિ અને સ્થિરતાના વહેલી તકે પુનઃસ્થાપનને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમારા તમામ પ્રયાસો માનવતાને પ્રાથમિકતા આપે છે. ભારત ભવિષ્યમાં પણ તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.

મહામહિમ,

આ તમામ બાબતો પર આપણા વિચારો શેર કરવાની આજે બીજી એક મહત્વપૂર્ણ તક છે. ફરી એકવાર, ખૂબ ખૂબ આભાર.

AP/GP/JD




(Release ID: 2067152) Visitor Counter : 37