માહિતી અને પ્રસારણ મંત્રાલય
લાઇટ્સ, કૅમેરા, ઍવૉર્ડ્સ!
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા
મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમની જીવનપર્યંત સિદ્ધિ બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મુએ કહ્યું કે ફિલ્મો અને સોશિયલ મીડિયા સમાજને બદલવા માટે સૌથી શક્તિશાળી માધ્યમ છે
સરકાર ટૂંક સમયમાં જ મુંબઈમાં ભારતની પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીની સ્થાપના કરશે
સરકારનું વિઝન ફિલ્મ ઉદ્યોગના ત્રણ મુખ્ય આધારસ્તંભોની આસપાસ વિકસિત કરવાનું છે; ટેલેન્ટ પૂલ વિકસિત કરવું, ફિલ્મ નિર્માણમાં સામેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રક્રિયાનું સરળીકરણ: શ્રી અશ્વિની વૈષ્ણવ
Posted On:
08 OCT 2024 9:27PM by PIB Ahmedabad
"તમે નિદ્રાધીન હો તો પણ તમારાં સ્વપ્નોને કદી સૂવા ન દો". આ શબ્દો ફિલ્મ જગતના દિગ્ગજ મિથુન દાના રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ કેટેગરીમાં 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર યુવા એવોર્ડ વિજેતાઓને કહ્યાં. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા, તો વિજ્ઞાન ભવનનું આખું તાળિઓના ગડગડાટથી ઊભું થઈ ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મિથુન દાએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના સંઘર્ષના અનુભવો જણાવ્યા હતા. તેમણે પોતાના શ્યામ રંગને કારણે જે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો તે યાદ કર્યો અને પોતાનો નૃત્ય સફળતાનો મંત્ર એવોર્ડ વિજેતાઓ અને ઓડિટોરિયમમાં હાજર પ્રેક્ષકો સાથે શેર કર્યો. મહત્વાકાંક્ષી યુવા પ્રતિભા કલાકારોને તેમનો સંદેશ હતો કે તેઓ પોતાના સપનાનો પીછો કરતી વખતે પોતાની પ્રતિભાને ઓળખે.
70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, ફિલ્મો અને સોશિયલ મીડિયા સમાજને બદલવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. તેમણે આ પુરસ્કારોના માધ્યમથી ઉભરતી પ્રતિભાઓને એક સમાન મંચ પ્રદાન કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયની પણ પ્રશંસા કરી હતી, જ્યાં તેઓ દેશના મોટા નામો અને પ્રોડક્શન હાઉસની સાથે એક જ મંચ પર આવી શકે છે.
આ એવોર્ડ સમારંભમાં મનોજ વાજપેયી, વિશાલ ભારદ્વાજ, નીના ગુપ્તા, કરણ જોહર, ઋષભ શેટ્ટી વગેરે જેવા એવોર્ડ વિજેતાઓએ ભાગ લીધો હતો. શર્મિલા ટાગોર, પ્રસૂન જોશી વગેરે જેવી ભારતીય સિનેમાની અન્ય હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. એ. આર. રહેમાન અને મણિરત્નમ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ એ પારિતોષિક વિજેતાઓમાં સામેલ હતી, જેમણે સાતમી વખત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો, જે ઉદ્યોગ પર તેમની કાયમી પ્રતિભા અને પ્રભાવનો પુરાવો છે. તેમની સિદ્ધિઓ ભારતીય સિનેમાના નિરંતર વિકસતા જતા લેન્ડસ્કેપમાં મહત્વાકાંક્ષી અને સ્થાપિત એમ બંને પ્રકારના કલાકારોને સતત પ્રેરણા પૂરી પાડે છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (માહિતી અને પ્રસારણ), રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ શ્રી સંજય જાજુ, શ્રી રાહુલ રવૈલ, શ્રી નીલા માધવ પાંડા તથા નિર્ણાયક મંડળ તરીકે શ્રી ગંગાધર મુદલિયાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી અશ્વિની વૈષ્ણવે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, ટેકનિશિયનો અને સિનેમાની કળા સાથે સંકળાયેલા તમામ હિતધારકોની તેજસ્વીતાની ઉજવણી કરતી આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનો ભાગ બનવાનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે ભારતીય સિનેમા અને સમાજમાં અસાધારણ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયેલા મહાન અભિનેતા મિથુન ચક્રવર્તીની પ્રશંસા કરી હતી. તેમણે પીઢ અભિનેતાની અનુકરણીય કારકિર્દી અને જાહેર સેવાને સ્વીકારતા કહ્યું, "મિથુનદા, તમારું જીવન એ તમારો સંદેશ છે. તમે સ્કીન પર અને સ્ક્રીનની બહાર બંને રીતે આપણા સમાજ માટે એક આઇકોન છો."
શ્રી વૈષ્ણવે નવ પ્રથમ દિગ્દર્શકોની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો, તેમની સાહસિક વાર્તા કહેવાની શૈલીને બિરદાવી હતી અને સર્જનાત્મક અર્થતંત્રને આગળ ધપાવવામાં ફિલ્મ ઉદ્યોગ કે સ્ટાર્ટઅપમાં યુવાન સંશોધકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (આઇઆઇસીટી)
સર્જનાત્મક ઉદ્યોગોના વિકાસને વધુ સમર્થન આપવા માટે, શ્રી વૈષ્ણવે એક ઐતિહાસિક પહેલની જાહેરાત કરી હતી - મુંબઈમાં પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (આઈઆઈસીટી)ની સ્થાપના, આઇઆઇટી અને આઇઆઇએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની તર્જ પર, કે જેણે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ટેકનિકલ અને સંચાલકીય પ્રતિભાઓનું સર્જન કર્યું છે (તેમાંના કેટલાક ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે જેવા મોટા દિગ્ગજોનું નેતૃત્વ કરે છે). આઇઆઇસીટી સર્જનાત્મક કૌશલ્યો અને જ્ઞાન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નવી સંસ્થા નવીનતા, રચનાત્મકતા અને પ્રતિભા વિકાસ માટેના કેન્દ્ર તરીકે કામ કરશે, જે સુનિશ્ચિત કરશે કે ભારત વૈશ્વિક રચનાત્મક અર્થતંત્રમાં મોખરે રહે.
તેમણે ત્રણ મુખ્ય આધારસ્તંભો સાથે ફિલ્મ ઉદ્યોગને વિકસાવવા માટે સરકારના દ્રષ્ટિકોણની પણ રૂપરેખા આપી હતી:
- ટેલેન્ટ પાઇપલાઇનનો વિકાસ : ફિલ્મ નિર્માણમાં ટેકનોલોજીની વધતી જતી ભૂમિકાને ઓળખીને તેમણે મજબૂત ટેલેન્ટ પાઇપલાઇનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઇટી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રોમાં ભારતની સફળતા સાથે સમાંતર દોરીને તેમણે સર્જનાત્મક ટેકનોલોજીમાં પ્રતિભાઓને વિકસાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં આઇઆઇસીટીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- માળખાગત વિકાસ : શ્રી વૈષ્ણવે ફિલ્મ ઉદ્યોગની વિકસતી જરૂરિયાતોને સમર્થન આપવા માટે વૈશ્વિક કક્ષાના માળખાગત સુવિધાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગના નેતાઓને એક પાયો બનાવવા માટે વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપ્યું જે ભારતીય સિનેમાને વૈશ્વિક ધોરણો તરફ દોરી જશે.
- પ્રક્રિયાઓનું સરળીકરણ : મંત્રીશ્રીએ ફિલ્મ નિર્માતાઓ માટે પરવાનગીઓને સરળ બનાવવાની ચર્ચા કરી હતી, જેથી તેમના માટે રેલવે, જંગલો અને પુરાતત્ત્વીય સ્થળો જેવા વિવિધ સ્થળોનો તેમના પ્રોજેક્ટ્સમાં ઉપયોગ કરવાનું સરળ બની શકે. આ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાથી સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળશે અને અમલદારશાહી અવરોધોમાં ઘટાડો થશે.
શ્રી વૈષ્ણવે ક્લાસિક ફિલ્મોથી માંડીને પોસ્ટર્સ અને અખબારોની ક્લિપિંગ્સ સુધી ભારતના સમૃદ્ધ ફિલ્મ વારસાને જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે શેર કર્યું હતું કે, ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય ખજાનાની સુરક્ષા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ પ્રસંગે સચિવ શ્રી સંજય જાજુએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની નોન-ફિચર ફિલ્મ્સ કેટેગરીમાં 32 વિવિધ ભાષાઓમાં 309 ફિલ્મો અને 17 ભાષાઓમાં 128 ફિલ્મો પ્રાપ્ત થઈ હતી, જે આપણી સાંસ્કૃતિક પરિદ્રશ્યની સમૃદ્ધિ અને આપણી કથાનકનો સમાવેશ સૂચવે છે. વૈશ્વિક રોગચાળાની પૃષ્ઠભૂમિમાં ફિલ્મ ઉદ્યોગની સ્થિતિ સ્થાપકતાને માન્યતા આપીને, તેમણે વાર્તા કહેવાની તેમની કળા દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા બદલ ફિલ્મ નિર્માતાઓની પ્રશંસા કરી હતી.
70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની હાઈલાઈટ્સ
આ વર્ષના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિવિધ પ્રકારની ફિલ્મો અને પ્રતિભાઓમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવાની પરંપરા યથાવત રાખી છે. 2022 માટેના એવોર્ડ્સમાં કેટલાક ઉમદા વિજેતાઓ સામેલ છે:
- બેસ્ટ ફિચર ફિલ્મ: આનંદ એકરશી દ્વાર દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ "અટ્ટમ (ધ પ્લે)"ને તેની કલાત્મક પ્રતિભા માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.
- બેસ્ટ નોન-ફિચર ફિલ્મ: સિદ્ધાંત સરીન દ્વારા દિગ્દર્શિત "આયના (મિરર)", એ આ સન્માન પ્રાપ્ત કર્યું છે.
- બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલઃ "કંતારા" (કન્નડ)માં પોતાના મનમોહક અભિનય માટે ઋષભ શેટ્ટીને આ એવોર્ડ મળ્યો
- બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલઃ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ નિત્યા મેનન "તિરુચિત્રમ્બલમ" (તમિલ)માં અને માનસી પારેખ "કચ્છ એક્સપ્રેસ" (ગુજરાતી)માં તેમના અભિનય માટે શેર કરવામાં આવશે.
- બેસ્ટ ડિરેક્શનઃ સૂરજ આર.બડજાત્યાએ હિન્દી ફિલ્મ "ઉંચાઈ"માં પોતાના કામ માટે જીત્યો
અન્ય કેટલાક એવોર્ડ વિજેતાઓમાં એવીજીસી (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ એન્ડ કોમિક) કેટેગરીમાં "બ્રહ્માસ્ત્ર - ભાગ 1: શિવા", સંપૂર્ણ મનોરજંન પ્રદાન કરનારી સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટે "કંતારા" અને સિનેમા પરની શ્રેષ્ઠ પુસ્તક માટે "કિશોર કુમાર: ધ અલ્ટિમેટ બાયોગ્રાફી"નો સમાવેશ થાય છે.
પુરસ્કારોની સંપૂર્ણ યાદી નીચે આપેલી લિંક પર જોઈ શકાશેઃ
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2045960
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2063334)
Visitor Counter : 88