પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ના 114મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29-09-2024)

Posted On: 29 SEP 2024 12:09PM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

‘મન કી બાત’ની 10 વર્ષની યાત્રાએ એક એવી માળા તૈયાર કરી છે, જેમાં, દરેક episodeની સાથે નવી ગાથાઓ, નવા કીર્તિમાન, નવા વ્યક્તિત્વ જોડાઈ જાય છે. આપણા સમાજમાં સામૂહિકતાની ભાવના સાથે જે પણ કામ થઈ રહ્યા છે, તેને ‘મન કી બાત’ દ્વારા સન્માન મળે છે. મારુ મન પણ ત્યારે ગર્વથી ભરાઈ જાય છે, જ્યારે હું ‘મન કી બાત’ માટે આવેલી ચિઠ્ઠીઓ વાંચું છું. આપણા દેશમાં કેટલા પ્રતિભાવાન લોકો છે, તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાનો કેટલો જુસ્સો છે. તેઓ લોકોની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તેમના વિષે જાણીને હું ઉર્જાથી ભરાઈ જાઉં છું. ‘મન કી બાત’ની આ સમગ્ર પ્રક્રિયા મારે માટે એવી છે, જાણે મંદિર જઈને ઈશ્વરના દર્શન કરવા. ‘મન કી બાત’ની દરેક વાતોને, દરેક ઘટનાઓને, દરેક ચિઠ્ઠીઓને યાદ કરું છું તો એવું લાગે છે કે હું જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું સ્વરૂપ છે તેમના દર્શન કરી રહ્યો છું.

સાથીઓ, હું આજે દૂરદર્શન, પ્રસાર ભારતી અને All India Radio સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રસંશા કરીશ. તેમના અથાગ પ્રયત્નોથી ‘મન કી બાત’ આ મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યો છે. હું વિવિધ TV channelsનો, Regional TV channelsનો પણ આભારી છું જેમણે નિરંતર તેને પ્રસારિત કર્યો છે. ‘મન કી બાત’ દ્વારા આપણે જે મુદ્દાઓને ઉઠાવ્યા, તેને લઈને ઘણા Media House એ ઝુંબેશ પણ ચલાવી. હું Print Mediaને પણ ધન્યવાદ આપું છું કે તેમણે તેને ઘરે-ઘરે પહોંચાડ્યો. હું એ YouTubersને પણ ધન્યવાદ આપીશ કે જેમણે ‘મન કી બાત’ પર ઘણા કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમોને દેશની 22 ભાષાઓની સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકે છે. મને સારું લાગે છે જ્યારે લોકો એમ કહે છે, કે તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમને પોતાની સ્થાનીય ભાષામાં સાંભળ્યો. તમારામાંથી ઘણા લોકોને એ ખબર હશે કે ‘મન કી બાત’ કાર્યક્રમ પર આધારિત એક Quiz competition પણ ચાલી રહી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. Mygov.inમાં જઈને તમે આ competitionમાં ભાગ લઈ શકો છો અને ઈનામ પણ જીતી શકો છો. આજે આ મહત્વપૂર્ણ પડાવ પર, હું એક વાર ફરી તમારા સૌના આશીર્વાદ માંગુ છું. પવિત્ર મન અને પૂર્ણ સમર્પણ ભાવથી, હું આવી જ રીતે, ભારતના લોકોની મહાનતાના ગીત ગાતો રહું. દેશની સામૂહિક શક્તિને, આપણે સૌ, આ જ રીતે celebrate કરતાં રહીએ – આ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે, જનતા-જનાર્દનને પ્રાર્થના છે.

મારા પ્રિય દેશવાસીઓ, પાછલા કેટલાક અઠવાડિયાથી દેશના અલગ-અલગ ભાગોમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. વરસાદની આ ઋતુ, આપણને યાદ અપાવે છે કે ‘જળ-સંરક્ષણ’ કેટલું જરૂરી છે, પાણી બચાવવું કેટલું જરૂરી છે. વર્ષા ઋતુમાં બચાવેલું પાણી, જળ સંકટના મહિનાઓમાં ખૂબ મદદ કરે છે, અને આ જ ‘Catch the Rain’ જેવા અભિયાનોની ભાવના છે. મને ખુશી છે કે પાણીના સંરક્ષણને લઈને કેટલાય લોકો નવી પહેલ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જોવા મળ્યો છે. તમે જાણો જ છો કે ઝાંસી બુંદેલખંડમાં છે, જેની ઓળખાણ જ પાણીની તંગી સાથે જોડાયેલી છે. અહિયાં ઝાંસીમાં કેટલીક મહિલાઓએ ઘુરારી નદીને નવું જીવન આપ્યું છે. આ મહિલાઓ Self help groupની સાથે જોડાયેલી છે અને તેમણે ‘જળ-સહેલી’ બની આ અભિયાનનું નેતૃત્વ પણ કર્યું છે. આ મહિલાઓએ મૃતપ્રાય થઈ ચૂકેલી ઘુરારી નદીને જે રીતે બચાવી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ જળ-સાહેલીઓએ બોરીઓમાં રેતી ભરીને ચેકડેમ (check dam) તૈયાર કર્યો, વરસાદના પાણીને વેડફાતું રોક્યું અને નદીને પાણીથી ભરપૂર કરી દીધી. આ મહિલાઓએ સેંકડો જળાશયોના નિર્માણ અને તેમના Revivalમાં પણ આગળ પડતો સહકાર આપ્યો. તેનાથી આ ક્ષેત્રના લોકોની પાણીની સમસ્યા તો દૂર થઈ જ છે, તેમના ચહેરા ઉપર, ખુશીઓ પણ પાછી ફરી છે.

સાથીઓ, ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને આગળ વધારે છે તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્યપ્રદેશના બે ખૂબ જ પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહિયાં ડીંડોરીના રયપૂરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-જળ સ્તર ઘણું વધી ગયું છે. તેનો ફાયદો ગામની મહિલાઓને મળ્યો. અહીયાં ‘શારદા આજીવિકા સ્વયં સહાયતા સમૂહ’ તેનાથી જોડાયેલી મહિલાઓને મત્સ્યપાલનનો નવો વ્યવસાય પણ મળી ગયો. આ મહિલાઓએ Fish-Parlour પણ શરૂ કર્યું છે, જ્યાં થતાં માછલીઓના વેચાણથી તેમની આવક પણ વધી રહી છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં પણ મહિલાઓનો પ્રયાસ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. અહિયાના ખોંપ ગામનું મોટું તળાવ જ્યારે સુકાવા લાગ્યું ત્યારે મહિલાઓએ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઉઠાવ્યું. ‘હરિ બગીયા સ્વયં સહાયતા સમૂહ’ની આ મહિલાઓએ તળાવમાંથી મોટા પ્રમાણમાં કાંપ કાઢ્યો, તળાવમાંથી જે કંપ નીકળ્યો તેનો ઉપયોગ તેમણે બિનઉપજાઉ જમીન પર fruit forest તૈયાર કરવામાં કર્યો. આ મહિલાઓની મહેનતથી ન કેવળ તળાવમાં ખૂબ પાણી ભરાયા, પરંતુ, પાકની ઉપજ પણ ઘણી વધી છે. દેશના ખૂણે-ખૂણે ચાલી રહેલા ‘જળ-સંરક્ષણ’ ના આવા પ્રયત્નો પાણીના સંકટને ખાળવામાં ઘણા મદદરૂપ સાબિત થવાના છે.મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ તમારી આસપાસ થતાં આવા પ્રયત્નોમાં જરૂરથી જોડાશો.  

મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સીમાવર્તી ગામ છે ‘ઝાલા’. અહિયાના યુવાઓએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. તેઓ પોતાના ગામમાં “ધન્યવાદ પ્રકૃતિ’ કે પછી કહીએ ‘Thank you Nature’ અભિયાન ચલાવી રહ્યા છે.  જેના હેઠળ ગામમાં રોજ બે કલાક સફાઇ કરવામાં આવે છે. ગામની ગલીઓમાં વિખરાયેલા કચરાને એકઠો કરીને, તેને, ગામની બહાર, નક્કી કરેલી જગ્યા પર, નાખવામાં આવે છે. જેનાથી ઝાલા ગામ પણ સ્વચ્છ થઈ રહ્યું છે અને લોકો જાગરૂક પણ થઈ રહ્યા છે. ત્યાં વિચારો કે આમ જ દરેક ગામ, દરેક ગલી-દરેક મહોલ્લો, પોતાના ત્યાં આવી જ રીતે Thank You અભિયાન શરૂ કરી દે, તો કેટલું મોટું પરિવર્તન આવી શકે છે.

સાથીઓ, સ્વચ્છતાને લઈને પુડુચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અહિયાં રમ્યાજી નામની મહિલા, માહે municipality અને તેની આસપાસના ક્ષેત્રના યુવાઓની એક ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમના લોકો પોતાના પ્રયાસોથી માહે Area અને ખાસકરીને ત્યાંનાં Beachesને સંપૂર્ણ રીતે સાફ-સૂથરું બનાવી રહ્યા છે.

સાથીઓ, મેં અહિયાં માત્ર બે પ્રયાસોની ચર્ચા કરી છે, પરંતુ, આપણે આસપાસ જોઈએ, તો જોઈશું કે દેશના દરેક ભાગમાં ‘સ્વચ્છતા’ને લઈને કોઈ-ને-કોઈ અનોખો પ્રયાસ જરૂર ચાલી રહ્યા છે. થોડાક જ દિવસમાં આવનાર 2 ઓક્ટોબર એ ‘સ્વચ્છ ભારત મિશન’ના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોના અભિનંદનનો છે જેમણે આ ભારતીય ઇતિહાસને આટલું મોટું જન-આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ છે, જેઓ જીવનપર્યંત, આ ઉદેશ્ય માટે સમર્પિત રહ્યા.   

સાથીઓ, આજે આ ‘સ્વચ્છ ભારત મિશન’ની જ સફળતા છે કે ‘Waste to Wealth’નો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો ‘Reduce, Reuse અને Recycle’ પર વાત કરવા લાગ્યા છે, તેના ઉદાહરણ આપવા લાગ્યા છે. હવે જેમકે મને કેરળમાં કોઝિકોડમાં એક અદભૂત પ્રયત્ન વિષે જાણ થઈ. અહિયાં seventy four (74) yearના સુબ્રમણ્યનજી 23 હજારથી વધુ ખુરશીઓનું સમારકામ કરીને તેને ફરીથી વાપરવા લાયક બનાવી ચૂક્યા છે. લોકો તો તેમને Reduce, Reuse અને Recycle, એટલે કે, RRR (Triple R) Champion પણ કહે છે. તેમના આ અનોખા પ્રયાસોને કોઝિકોડ સિવિલ સ્ટેશન, PWD, અને LICની ઓફિસોમાં પણ જોઈ શકે છે.

સાથીઓ, સ્વચ્છતાને લઈને હાલ ચાલી રહેલા અભિયાનો સાથે આપણે વધુમાં વધુ લોકોને જોડવાના છે, અને આ એક અભિયાન, કોઈ એક દિવસનું, એક વર્ષનું, નથી હોતું, આ યુગો-યુગો સુધી નિરંતર કરતાં રહેવાનું કામ છે. આ જ્યાં સુધી આપણો સ્વભાવ બની જાય ‘સ્વચ્છતા’, ત્યાં સુધી કરતાં રહેવાનું કામ છે. મારો તમને સૌને આગ્રહ છે કે તમે પણ તમારા પરિવાર, મિત્રો, પાડોશીઓ કે સહકર્મીઓની સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ જરૂર લો. હું એક વાર ફરી ‘સ્વચ્છ ભારત મિશન’ની સફળતા પર તમને સૌને અભિનંદન પાઠવું છું.

મારા પ્યારા દેશવાસીઓ, આપણને સૌને આપણાં વારસા પર ખૂબ ગર્વ છે. અને હું તો હમેશા કહું છું ‘વિકાસ પણ-વારસો પણ’. આ જ કારણ છે કે  મને હાલની મારી અમેરિકા યાત્રાના એક ખાસ પાસાને લઈને ખૂબ બધા સંદેશા મળી રહ્યા છે. એક વાર ફરી આપણી પ્રાચીન કલાકૃતિઓનો પરત આવવા બાબતે ઘણી ચર્ચા થઈ રહી છે. હું તેને લઈને આપ સૌની ભાવનાઓને સમજી શકું છું. અને ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ તેના વિષે કહેવા ઈચ્છું છું.

સાથીઓ, અમેરિકાની મારી યાત્રા દરમિયાન અમેરિકી સરકારે ભારતને લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને સંપૂર્ણ રીતે પોતાનાપણું બતાવીને ડેલાવેર (Delaware)ના પોતાના  વ્યક્તિગત આવાસમાં આમાંની કેટલીક કલાકૃતિઓ મને બતાવી. પરત કરેલી કલાકૃતિઓ Terracotta, Stone, હાથીના દાંત, લાકડા, તાંબા અને કાંસા જેવી વસ્તુઓમાંથી બની છે. જેમાંની કેટલીક તો ચાર હજાર વર્ષ જૂની છે. ચાર હજાર વર્ષ જૂની કલાકૃતિઓથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓને અમેરિકાએ પરત કરી છે. – જેમાં ફૂલદાની, દેવી-દેવતાઓની ટેરાકોટા(terracotta) તક્તીઓ, જૈન તીર્થંકરોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પણ સમાવિષ્ટ છે. પરત કરેલી વસ્તુઓમાં પશુઓની કેટલીક આકૃતિઓ પણ છે. પુરુષ અને મહિલાની આકૃતિઓવાળી જમ્મુ-કાશ્મીરની terracotta tiles તો ખૂબ જ રસપ્રદ છે. તેમાં કાંસાથી બનેલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ પણ છે, જે, દક્ષિણ ભારતની છે. પરત કરેલી વસ્તુઓમાં મોટી સંખ્યામાં ભગવાન વિષ્ણુના ચિત્રો પણ છે. તે મોટેભાગે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. આ કલાકૃતિઓને જોઈને ખબર પડે છે કે આપણા પૂર્વજો કેટલું ઝીણું કાંતતા હતા. કલાને લઈને તેમનામાં ગજબની સૂઝ-બૂઝ હતી. આમાંની ઘણી કલાકૃતિઓને તસ્કરી અને બીજી અવૈધ રીતે દેશની બહાર લઈ જવામાં આવી હતી. આ ગંભીર ગુનો છે – એક રીતે દેશના વારસાને નષ્ટ કરવા જેવુ છે, પણ મને એ વાતની ખુશી છે, કે પાછલા એક દશકમાં, આવી કેટલીય કલાકૃતિઓ, અને આપણી ઘણી બધી પ્રાચીન ધરોહરોની ‘ઘર વાપસી’ થઈ છે. આ દિશામાં, આજે, ભારત કેટલાય દેશો સાથે મળીને કામ પણ કરી રહ્યું છે.

મને વિશ્વાસ છે જ્યારે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ છીએ તો દુનિયા પણ તેનું સન્માન કરે છે, અને તેનું જ પરિણામ છે કે આજે વિશ્વના કેટલાય દેશો આપણે ત્યાંથી ગઈ હોય, તેવી કલાકૃતિઓ આપણને પાછી આપી રહ્યા છે.    

મારા પ્રિય સાથીઓ, જો હું પૂછું કે કોઈ બાળક કઈ ભાષા સૌથી સરળતાથી અને જલ્દી શીખે છે – તો તમારો જવાબ હશે ‘માતૃભાષા’. આપણા દેશમાં લગભગ વીસ હજાર ભાષાઓ અને બોલીઓ છે અને આ બધી જ કોઈ-ને-કોઈની તો માતૃભાષા છે જ છે. કેટલીક ભાષાઓ એવી છે જેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ તમને એ જાણીને આનંદ થશે, કે તે ભાષાઓને સંરક્ષિત કરવા માટે, આજે, અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ એક ભાષા છે આપણી ‘સંથાલી’ ભાષા. ‘સંથાલી’ને digital Innovationની મદદથી નવી ઓળખ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘સંથાલી’ આપણાં દેશના કેટલાય રાજ્યોમાં રહેતા સંથાલ જનજાતી સમુદાયના લોકો બોલે છે. ભારત સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં પણ સંથાલી બોલનાર આદિવાસી સમુદાય જોવા મળે છે. સંથાલી ભાષાની online ઓળખ તૈયાર કરવા માટે ઓરિસ્સાના મયુરભંજમાં રહેનારા શ્રીમાન રામજીત ટુડુ એક અભિયાન ચલાવી રહ્યા છે. રામજીતજી એ એક એવું digital platform તૈયાર કર્યું છે, જ્યાં સંથાલી ભાષા સાથે જોડાયેલા સાહિત્યને વાંચી શકાય છે અને સંથાલી ભાષામાં લખી શકાય છે. ખરેખર તો કેટલાક વર્ષો પહેલા રામજીતજી એ મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો તો તેઓ એ વાતથી દુખી થયા કે પોતાની માતૃભાષામાં સંદેશ નથી મોકલી શકતા. તેના પછી તેઓ ‘સંથાલી ભાષા’ની લિપિ ‘ઓલ ચિકી’ને ટાઇપ કરવાની સંભાવનાઓ શોધવા લાગ્યા.પોતાના અમુક મિત્રોની મદદ થી તેમણે ‘ઓલ ચિકી’માં ટાઇપ કરવાની ટૅક્નિક વિકસિત કરી લીધી. આજે તેમના પ્રયાસો દ્વારા ‘સંથાલી’ ભાષામાં લખાયેલ લેખ લાખો લોકો સુધી પહોંચી રહ્યા છે.

સાથીઓ, જ્યારે આપણા દૃઢ સંકલ્પની સાથે સામૂહિક ભાગીદારીનો સંગમ થાય છે તો આખા સમાજ માટે અદભૂત પરિણામો સામે આવે છે. જેનો સૌથી તાજું ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’ – આ અભિયાન અદભૂત અભિયાન રહ્યું, જન-ભાગીદારીનું આવું ઉદાહરણ ખરેખર ખૂબ જ પ્રેરિત કરનારું છે. પર્યાવરણ સંરક્ષણને લઈને શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં દેશના ખૂણે-ખૂણે લોકોએ કમાલ કરી બતાવી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ લક્ષ્ય કરતાં વધુ સંખ્યામાં છોડ-રોપણ કરી નવો રેકોર્ડ બનાવ્યો. આ અભિયાનના હેઠળ ઉત્તર પ્રદેશમાં 26 કરોડથી વધારે છોડ રોપવામાં આવ્યા. ગુજરાતનાં લોકોએ 15 કરોડથી વધારે છોડ રોપ્યા. રાજસ્થાનમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ 6 કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા. દેશની હજારો શાળાઓ પણ આ અભિયાનમાં જોર-શોરથી ભાગ લઈ રહી છે.

સાથીઓ, આપણા દેશમાં વૃક્ષ ઉગાડવાથી જોડાયેલા કેટલાય ઉદાહરણો સામે આવતા રહે છે. આવું જ એક ઉદાહરણ છે તેલંગાણાના કે.એન.રાજશેખરજીનું. વૃક્ષો રોપવા પાછળની તેમની પ્રતિબદ્ધતા આપણને સૌને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ ચાર વર્ષ પહેલા તેમણે વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે નક્કી કર્યું કે દરરોજ એક વૃક્ષ તો જરૂર લગાવશે. તેમણે આ ઝુંબેશનું કઠોર વ્રતની જેમ પાલન કર્યું. તેઓ 1500થી વધુ છોડ વાવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે એક અકસ્માતનો શિકાર થવા છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી ડગ્યા નહીં. હું આવા બધા જ પ્રયાસોની હૃદયથી પ્રસંશા કરું છું. મારો તમને પણ આગ્રહ છે કે ‘એક પેડ માં કે નામ’ આ પવિત્ર અભિયાન સાથે તમે જરૂર જોડાવો.

મારા પ્રિય સાથીઓ, તમે જોયું હશે, આપણી આસ-પાસ કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીમાં પણ ધૈર્ય નથી ખોતા, પરંતુ તેનાથી શીખે છે. આવી જ એક મહિલા છે સુબાશ્રી, જેમને પોતાના પ્રયાસથી, દુર્લભ અને ખૂબ જ ઉપયોગી જડી-બુટીઓનો એક અદભૂત બગીચો તૈયાર કર્યો છે. તેઓ તમિલનાડુના મદુરાઇના રહેનારા છે. એમતો વ્યવસાયે તેઓ શિક્ષક છે, પણ ઔષધીય વનસ્પતિઓ, Medical Herbsના પ્રત્યે તેમને ઊંડી લાગણી છે. તેમની આ લાગણી 80ના દશકમાં ત્યારે શરૂ થઈ, જ્યારે એક વાર, તેમના પિતાને ઝેરી સાપ કરડી ગયો. ત્યારે પારંપરિક જડી-બુટીઓએ તેમના પિતાની તબિયત સુધારવામાં ઘણી મદદ કરી હતી. આ ઘટના પછી તેમણે પારંપરિક ઔષધિઓ અને જડીબુટીઓની શોધ શરૂ કરી. આજે મદુરાઇના વેરિચિયુર ગામમાં તેમનો અનોખો Herbal Garden છે, જેમાં 500થી વધારે ઔષધીય છોડ છે. પોતાના આ બગીચાને તૈયાર કરવા માટે તેઓએ ખૂબ મહેનત કરી છે. એક-એક છોડ શોધવા તેમણે દૂર-દૂરની યાત્રાઓ કરી, માહિતીઓ એકઠી કરી અને કેટલીક વાર બીજા લોકોની મદદ પણ માંગી. કોવિડના સમયે તેમણે Immunity વધારનારી જડી-બુટીઓ લોકો સુધી પહોંચાડી. આજે તેમના Herbal Garden ને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. તેઓ બધાને herbal છોડની માહિતી અને ઉપયોગ વિષે જણાવે છે. સુબાશ્રી આપણા એ પારંપરિક વારસાને આગળ લઈ જઈ રહી છે, જે સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેમનો Herbal Garden આપણા અતીત ને ભવિષ્યની સાથે જોડે છે. તેમને આપણી ખૂબ બધી શુભકામનાઓ.

              સાથીઓ, બદલાતા આ સમયમાં Nature of Jobs બદલાઈ રહી છે અને નવા-નવા સેક્ટર ઊભરી રહ્યા છે. જેમકે Gaming, Animation, Reel Making, Film Making કે Poster Making. જો આમાંથી કોઈ skillમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો તો તમારા Talentને બહુ મોટો મંચ મળી શકે છે, જો તમે કોઈ Band સાથે જોડાઓ છો કે પછી Community Radio માટે કામ કરો છો, તો પણ તમારા માટે ખૂબ મોટો અવસર છે.

તમારા Talent અને Creativityને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘Create in India’ આ theme હેઠળ 25 Challenges શરૂ કરી છે. આ Challenges તમને જરૂર રસપ્રદ લાગશે. કેટલીક Challenges તો Music, Education અને અહિયાં સુધી કે Anti-Piracy પર પણ Focused છે. આ આયોજનમાં ઘણા બધા Proffesional Organization પણ સામેલ છે, જે, આ Challengesને પોતાનો પૂરો support આપી રહ્યા છે. આમાં સામેલ થવા માટે તમે wavesindia.org પર login કરી શકો છો. દેશ-બહારના creatorsને મારો વિશેષ આગ્રહ છે કે તેઓ આમાં જરૂર ભાગ લે અને પોતાની creativityને સામે લાવે.

              મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એક વધુ મહત્વપૂર્ણ અભિયાનને 10 વર્ષ પૂરા થાય છે. આ અભિયાનની સફળતામાં, દેશના મોટા ઉધ્યોગોથી લઈને નાના દુકાનદારો સુધીનું યોગદાન સામેલ છે. હું વાત કરું છું ‘Make In India’ની. આજે મને આ જોઈને ખૂબ જ ખુશી મળે છે, કે ગરીબ, મધ્યમ વર્ગ અને MSMEsને આ અભિયાનથી ખૂબ ફાયદો મળી રહ્યો છે. આ અભિયાને દરેક વર્ગના લોકોને પોતાનું Talent સામે લાવવાનો અવસર આપ્યો છે. આજે ભારત Manufacturingનું powerhouse બન્યું છે અને દેશની યુવા-શક્તિના લીધે દુનિયા-ભરની દૃષ્ટિ આપણા પર છે.Automobiles હોય, Textiles હોય, Aviation હોય, Electronics હોય, કે પછી Defense, દરેક sectorમાં દેશનું export સતત વધી રહ્યું છે. દેશમાં FDIનું સતત વધવું પણ આપણા ‘Make In India’ની સફળતાની ગાથા કહી રહ્યું છે. હવે આપણે મુખ્ય રૂપે બે વસ્તુઓ પર focus કરી રહ્યા છીએ. પહેલું છે ‘Quality’ એટલે કે, આપણા દેશમાં બનેલી વસ્તુઓ global standardની હોય. અને બીજું છે Vocal for Local, એટલે કે, સ્થાનીય વસ્તુઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે. ‘મન કી બાત’માં આપણે #MyProductMyPrideની પણ ચર્ચા કરી. Local Productને પ્રોત્સાહન આપવા માટે દેશના લોકોને કેવી રીતે લાભ થાય છે, તે એક ઉદાહરણથી સમજી શકાય છે.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Textileની એક જૂની પરંપરા છે. ‘ભંડારા ટસર સિલ્ક હૅન્ડલૂમ’ (‘Bhandara Tusser Silk Handloom’) ટસર સિલ્ક (Tusser Silk) પોતાની design, રંગ અને મજબૂતી માટે ઓળખાય છે. ભંડારાના કેટલાક ભાગોમાં 50થી વધુ ‘Self Help Group’, આને સંરક્ષિત કરવાના કામમાં લાગેલા છે. આમાં મહિલાઓની બહુ મોટી ભાગીદારી છે. આ Silk ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે અને સ્થાનીય સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે, અને આ જ તો ‘Make in India’ની spirit છે.

              સાથીઓ, તહેવારોની આ ઋતુમાં તમે ફરીથી પોતાના જૂના સંકલ્પને પણ જરૂરથી પુનરાવર્તિત કરો. કઈં પણ ખરીદીશું, તે, ‘Made in India’, જ હોવું જોઈએ, કોઈ પણ gift આપીશું, તે પણ ‘Made in India’ હોવું જોઈએ. માત્ર માટીના દીવા ખરીદવા જ ‘Vocal for Local’ નથી. તમારે તમારા ક્ષેત્રમાં બનેલા સ્થાનિય ઉત્પાદનોને વધુમાં વધુ promote કરવું જોઈએ. એવી કોઈ પણ product, જેને બનાવવા માટે ભારતના કોઈ કારીગરનો પરસેવો પડ્યો હોય, જે ભારતની માટીમાં બની હોય, તે આપણું ગૌરવ છે – આપણે આ જ ગૌરવ પર ચાર ચાંદ લગાવવાના છે.

               સાથીઓ, ‘મન કી બાત’ના આ episodeમાં મને તમારી સાથે જોડાઈને ખૂબ સારું લાગ્યું. આ કાર્યક્રમથી સંકળાયેલા તમારા વિચાર અને સલાહ અમને જરૂર મોકલાવજો. મને તમારા પત્રો અને સંદેશાઓની પ્રતિક્ષા રહેશે. થોડા જ દિવસો પછી તહેવારોની season શરૂ થવાની છે. નવરાત્રી સાથે એની શરૂઆત થશે અને પછી આવતા બે મહિના સુધી પૂજા-પાઠ, વ્રત-તહેવાર, ઉમંગ-ઉલ્લાસ, ચારો તરફ, આ જ વાતાવરણ છવાયેલું રહેશે. હું આવનાર તહેવારોની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ, પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો સાથે તહેવારનો ખૂબ આનંદ ઉઠાવો, અને બીજાઓને પણ, પોતાના આનંદમાં સહભાગી બનાવો. આવતા મહિને ‘મન કી બાત’ કઇંક વધુ નવા વિષયોની સાથે તમારાથી જોડાશે. તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2060044) Visitor Counter : 206