યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યો!


પેરા શૂટિંગમાં એક રાઇઝિંગ સ્ટાર

Posted On: 01 SEP 2024 11:16AM by PIB Ahmedabad

પરિચય

મોના અગ્રવાલ એક એવું નામ છે જે પેરા શૂટિંગમાં શ્રેષ્ઠતાનો પર્યાય બની ગયું છે. તેમણે પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને વૈશ્વિક રમતગમતના દ્રશ્ય પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. મોનાની પ્રારંભિક જીવનના પડકારોને પહોંચી વળવાથી લઈને તેની રમતમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવા સુધીની યાત્રા તેની ધૈર્ય અને નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.

Image

પ્રારંભિક જીવન અને શિક્ષણ

8 નવેમ્બર, 1987ના રોજ રાજસ્થાનના સીકરમાં જન્મેલી, મોનાને જીવનની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે મોનાને માત્ર નવ મહિનાની ઉંમરે પોલિયો થયો હતો, જેના કારણે તેના બંને નીચલા અંગો પર અસર પડી હતી. તેમ છતાં તેમણે દ્રઢ નિશ્ચય સાથે પોતાનું શિક્ષણ યથાવત રાખ્યું, આર્ટ્સમાં ડિગ્રી પૂર્ણ કરી અને હાલમાં ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા મનોવિજ્ઞાનમાં માસ્ટરનો  અભ્યાસ કરી રહી છે.

ધૈર્ય અને નિશ્ચયની યાત્રા

23 વર્ષની ઉંમરે મોનાએ ઘર છોડીને સ્વતંત્ર જીવન જીવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. મોનાએ એચઆર અને માર્કેટિંગની ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી ભજવી હતી અને માર્ગમાં આવતા અસંખ્ય શારીરિક પડકારોનો સામનો કર્યો હતો. 2016માં, તેણે તેનું ધ્યાન પેરા-એથ્લેટિક્સ પર કેન્દ્રિત કર્યું હતું, જ્યાં તેણે થ્રો ઇવેન્ટ્સમાં સ્ટેટમાં પ્રવેશ કર્યો હતો, અને ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે સ્ટેટ-લેવલ પેરા પાવરલિફ્ટિંગમાં પણ ભાગ લીધો હતો અને અનેક ચંદ્રકો મેળવ્યા હતા.

ભારતમાં સિટિંગ વોલીબોલમાં અગ્રણી

મોના તેની એથ્લેટિક સિદ્ધિઓ ઉપરાંત ભારતમાં મહિલાઓ માટે સિટિંગ વોલીબોલમાં પણ અગ્રેસર રહી છે. કેપ્ટન તરીકે તેણે રાજસ્થાન સ્ટેટની ટીમને 2019માં મહિલાઓ માટેની પ્રથમ નેશનલ સિટિંગ વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અપાવ્યો હતો. જોકે તેની પસંદગી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે કરવામાં આવી હતી, પરંતુ ગર્ભાવસ્થાને કારણે તે ભાગ લઈ શકી ન હતી.

રાઇફલ શૂટિંગ પસંદ કર્યું

ડિસેમ્બર 2021માં, મોનાએ વ્યક્તિગત રમતમાં આગળ વધવાનું નક્કી કર્યું અને રાઇફલ શૂટિંગ પસંદ કર્યું. તેની સ્વાભાવિક પ્રતિભા શરુઆતથી જ સ્પષ્ટ દેખાતી હતી, તેણે 2022માં નેશનલ સિલ્વર મેડલ જીત્યો. 2023ના મધ્ય સુધીમાં, મોનાએ  તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપમાં મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો  અને ચોથી એશિયન પેરા ગેમ્સમાં છઠ્ઠા સ્થાને રહી હતી. મોનાની ધીરજનું ફળ તેની ચોથી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં મળ્યું, જ્યાં તેણે ગોલ્ડ મેડલ અને પેરાલિમ્પિક ક્વોટા મેળવ્યો  અને નવો એશિયન રેકોર્ડ બનાવ્યો. આ નોંધપાત્ર સિદ્ધિએ વૈશ્વિક મંચ પર પેરા શૂટિંગમાં ટોચના દાવેદાર તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવી છે.

તાલીમ અને આધાર

મોના અગ્રવાલની પેરા શૂટિંગમાં સફળતા સુધીની સફરને ટેકો આપવામાં ભારત સરકારનો મહત્વનો ફાળો રહ્યો છે. મોનાને ખેલો ઇન્ડિયા યોજના અને નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ (એનસીઓઇ) પ્રોગ્રામ જેવી પહેલ દ્વારા તેની તાલીમ અને સ્પર્ધાની જરૂરિયાતો માટે આવશ્યક નાણાકીય સહાય મળી છે. આ કાર્યક્રમોએ તેમને નવી દિલ્હીની ડૉ. કરણી સિંઘ શૂટિંગ રેન્જમાં રહેવા-જમવાની અને રહેવાની વ્યવસ્થા સહિતની વૈશ્વિક કક્ષાની સગવડો ઉપલબ્ધ કરાવી છે અને સાથે સાથે રમતગમતનાં જરૂરી સાધનો અને એસેસરીઝ પણ ઉપલબ્ધ કરાવ્યાં છે. આ વ્યાપક સપોર્ટ સિસ્ટમ મોનાને તેની કુશળતાને વધારવામાં અને પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના તેના સ્વપ્નને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નિર્ણાયક રહી છે.

નિષ્કર્ષ

મોના અગ્રવાલની આ સફર દ્રઢતા, દ્રઢ સંકલ્પ અને સફળતાની પ્રેરણાદાયી કહાની છે. જ્યારે તે પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે તેની સિદ્ધિઓ દરેક જગ્યાએ મહત્વાકાંક્ષી એથ્લેટ્સ માટે આશા અને પ્રેરણાની દીવાદાંડીનું કામ કરે છે.

સંદર્ભો

ભારતીય એથ્લેટ્સ: પેરિસ પેરાલિમ્પિક્સ 2024 પીડીએફ

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2050115

મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યો!

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2050557) Visitor Counter : 113