પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું


"ભારતની ફિનટેક ક્રાંતિ નાણાકીય સર્વસમાવેશકતામાં સુધારો કરવાની સાથે સાથે નવીનતાને વેગ આપી રહી છે"

ભારતની ફિનટેક વિવિધતાએ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા"

"જન ધન યોજના નાણાકીય સર્વસમાવેશકતાને વધારવામાં મહત્ત્વપૂર્ણ રહી "

"યુપીઆઈ ભારતની ફિનટેકની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે"

“ જન ધન કાર્યક્રમે મહિલાઓના નાણાકીય સશક્તિકરણનો મજબૂત પાયો નાખ્યો છે”

ભારતમાં ફિનટેક દ્વારા લાવવામાં આવેલું પરિવર્તન માત્ર ટેકનોલોજી પૂરતું મર્યાદિત નથી, તેની સામાજિક અસર દૂરગામી છે"

ફિનટેક એ નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે"

"ભારતની ફિનટેક ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વમાં જીવનની સરળતાને વધારશે, અમારું શ્રેષ્ઠ હજી આવવાનું બાકી છે"

Posted On: 30 AUG 2024 1:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી. જીએફએફનું આયોજન પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય ફિનટેકમાં ભારતની હરણફાળ દર્શાવવાનો અને આ ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવવાનો છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશ પણ તહેવારોનાં સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે દેશનું અર્થતંત્ર અને બજાર ઉજવણીનાં મૂડમાં છે અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન સ્વપ્નોનાં શહેર, મુંબઈમાં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવો અને મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત અગાઉ આ પ્રદર્શનમાં પોતાના અનુભવો અને આદાનપ્રદાન વિશે બોલતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ યુવાનોમાં નવીન આવિષ્કારો અને ભવિષ્યની શક્યતાઓની સંપૂર્ણ નવી દુનિયાનાં સાક્ષી બની શકે છે. તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024નાં સફળ આયોજનમાં સામેલ તમામ લોકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારતની ફિનટેક નવીનતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "અગાઉ ભારતની મુલાકાતે આવેલા વિદેશી મહેમાનો તેની સાંસ્કૃતિક વિવિધતાથી દંગ રહી જતા હતા, હવે તેઓ તેની ફિનટેક વિવિધતાથી પણ દંગ રહી જાય છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતની ફિનટેક ક્રાંતિ એરપોર્ટ પર આગમનની ક્ષણથી લઈને સ્ટ્રીટ ફૂડ અને શોપિંગનો અનુભવ સુધી વ્યાપકપણે જોવા મળે છે. "છેલ્લાં 10 વર્ષોમાં, ઉદ્યોગને 31 અબજ ડોલરથી વધુનું વિક્રમી રોકાણ મળ્યું છે અને સાથે સાથે 500 ટકાની સ્ટાર્ટઅપ વૃદ્ધિ જોવા મળી છે," તેમણે ક્રાંતિ લાવવા માટે ઝીરો બેલેન્સથી શરૂ થતા સસ્તા મોબાઇલ ફોન, સસ્તા ડેટા અને જન ધન બેંક ખાતાઓ પર પ્રકાશ પાડતા ભારપૂર્વક જણાવ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આજે દેશમાં બ્રોડબેન્ડ વપરાશકારોની કુલ સંખ્યા 60 મિલિયનથી વધીને 940 મિલિયન થઈ છે." શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ભાગ્યે જ કોઈ 18 વર્ષીય વ્યક્તિ આધાર, ડિજિટલ ઓળખ વિના હશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે દેશમાં 530 મિલિયનથી વધારે લોકો પાસે જન ધન ખાતાઓ છે. એક રીતે અમે ફક્ત 10 વર્ષમાં સમગ્ર યુરોપિયન યુનિયનની સમકક્ષ વસતિને બેંકો સાથે જોડી દીધી છે, "તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જન ધન, આધાર અને મોબાઇલની ત્રિપુટીએ 'કેશ ઇઝ કિંગ'ની માનસિકતાને તોડી નાખી છે અને દુનિયામાં ભારતમાં થઈ રહેલા ડિજિટલ વ્યવહારોમાંથી આશરે અડધોઅડધ નાણાકીય વ્યવહારો માટે માર્ગ મોકળો કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની યુપીઆઈ દુનિયામાં ફિનટેકનું મોટું ઉદાહરણ બની ગઈ છે." તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી દરેક ગામ અને શહેરમાં તમામ હવામાનની સ્થિતિમાં 27 X 7 બેંકિંગ સેવાઓ શક્ય બની છે. પ્રધાનમંત્રીએ કોવિડ રોગચાળાને યાદ કરીને કહ્યું હતું કે, ભારત દુનિયામાં એવા ગણ્યાગાંઠ્યા દેશોમાંથી એક છે, જ્યાં બેંકિંગ વ્યવસ્થા અવિરત રહી છે.

પ્રધાનમંત્રીએ થોડા દિવસો અગાઉ જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ યોજના મહિલા સશક્તિકરણનું મોટું માધ્યમ બની ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં મહિલાઓ માટે 29 કરોડથી વધારે બેંક ખાતાં સ્થાપિત કરવામાં આવ્યાં છે, જેનાથી બચત અને રોકાણ માટે નવી તકો ખુલી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જનધન ખાતાઓની ફિલોસોફી પર સૌથી મોટી માઇક્રોફાઇનાન્સ યોજના મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં રૂ. 27 ટ્રિલિયનની ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, "આ યોજનાનાં લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે." તેમણે વધુમાં સમજાવ્યું હતું કે, જન-ધન ખાતાઓનો ઉપયોગ સ્વ-સહાય જૂથોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે પણ થાય છે અને તેનાથી 10 કરોડ ગ્રામીણ મહિલાઓને લાભ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "જન ધન કાર્યક્રમે મહિલાઓના નાણાકીય સશક્તિકરણનો મજબૂત પાયો નાખ્યો છે."

દુનિયા માટે સમાંતર અર્થતંત્રનાં જોખમો વિશે સાવચેત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ફિનટેકએ આ પ્રકારની વ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં અસરકારક ભૂમિકા ભજવી છે અને પારદર્શકતાનાં ઉદયનો શ્રેય પણ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજીએ ભારતમાં પારદર્શકતા લાવી છે અને સેંકડો સરકારી યોજનાઓમાં ઉપયોગમાં લેવાતી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનાં અમલીકરણનું ઉદાહરણ આપ્યું હતું, જેણે સિસ્ટમમાં લીકેજને અટકાવ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અત્યારે લોકો ઔપચારિક બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાણનાં ફાયદાઓ જોઈ શકે છે."

દેશમાં ફિનટેક ઉદ્યોગે જે ફેરફારો કર્યા છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી ભારતની ટેકનોલોજીને લગતા મોરચે તો પરિવર્તન આવ્યું જ છે, પણ સાથે સાથે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેનો તફાવત એકસાથે બંધ કરીને વ્યાપક સામાજિક અસર પણ થઈ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ જે બેંકિંગ સેવાઓ આખો દિવસ લેતી હતી, જે ખેડૂતો અને મધ્યમ વર્ગનાં પરિવારો માટે અવરોધોનું સર્જન કરતી હતી, તે જ હવે ફિનટેકની મદદથી મોબાઇલ ફોન પર સરળતાથી સુલભ થઈ શકે છે.

નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કરવામાં ફિનટેકની ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સરળતાથી ઉપલબ્ધ લોન, ક્રેડિટ કાર્ડ, રોકાણ અને વીમાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ફિનટેકએ ધિરાણની સુલભતા સરળ અને સર્વસમાવેશક બનાવી છે તથા તેમણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જેણે શેરી વિક્રેતાઓને કોલેટરલ-ફ્રી લોન મેળવવા અને ડિજિટલ વ્યવહારોની મદદથી તેમના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા સક્ષમ બનાવ્યા છે. તેમણે શેર બજારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ, રોકાણ અહેવાલો અને ડીમેટ ખાતા ખોલવાની સરળ સુલભતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડિજિટલ ઇન્ડિયાનાં ઉદયનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રિમોટ હેલ્થકેર સેવાઓ, ડિજિટલ શિક્ષણ અને કૌશલ્ય શિક્ષણ જેવી સેવાઓ ફિનટેક વિના શક્ય નહીં બને. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "ભારતની ફિનટેક ક્રાંતિ એ જીવનની ગરિમા અને જીવનની ગુણવત્તાને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ફિનટેક ક્રાંતિએ હાંસલ કરેલી સિદ્ધિઓ માત્ર નવીનતાઓ વિશે જ નહીં, પણ દત્તક લેવાની પણ છે. આ ક્રાંતિની ગતિ અને વ્યાપને અપનાવવા બદલ ભારતની જનતાની પ્રશંસા કરતાં શ્રી મોદીએ આ પરિવર્તન લાવવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)ની ભૂમિકાને પણ બિરદાવી હતી અને ઉમેર્યું હતું કે, આ ટેકનોલોજી સાથે સંબંધિત વિશ્વાસ ઊભો કરવા માટે દેશમાં અદ્ભુત નવીનતાઓ કરવામાં આવી છે.

ડિજિટલ ઓન્લી બેંકો અને નિયો-બેંકિંગની આધુનિક વિભાવનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "21મી સદીની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને જ્યારે ચલણથી ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ સુધીની સફરમાં અમને થોડો સમય લાગ્યો છે, ત્યારે અમે દરરોજ નવીનતાઓ જોઈ રહ્યાં છીએ." ડિજિટલ ટ્વિન્સ ટેકનોલોજીની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેનાથી દુનિયાનાં જોખમનાં વ્યવસ્થાપનની, છેતરપિંડીની તપાસનું મૂલ્યાંકન કરવાની અને ગ્રાહકોને અનુભવ પ્રદાન કરવાની રીતમાં પરિવર્તન આવશે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)ના ફાયદાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે ઓનલાઇન શોપિંગને સર્વસમાવેશક બનાવી રહી છે અને નાના ઉદ્યોગો અને ઉદ્યોગસાહસોને મોટી તકો સાથે જોડી રહી છે. અત્યારે એકાઉન્ટ એગ્રીગેટર્સ કંપનીઓનાં સુચારુ કામકાજ માટે ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છે, ટ્રેડ પ્લેટફોર્મને કારણે નાની સંસ્થાઓનાં લિક્વિડ અને કેશ ફ્લોમાં સુધારો થઈ રહ્યો છે અને ઇ-આરયુપીઆઈ જેવા ડિજિટલ વાઉચરનો ઉપયોગ અનેક સ્વરૂપે થઈ રહ્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ ઉત્પાદનો વિશ્વના અન્ય દેશો માટે પણ એટલા જ ઉપયોગી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતે એઆઈ માટે વૈશ્વિક માળખાની હાકલ કરી છે." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ક્યુઆર કોડની સાથે સાઉન્ડ બોક્સનો ઉપયોગ આ પ્રકારની નવીનતા છે. તેમણે ભારતનાં ફિનટેક ક્ષેત્રને સરકારનાં બેંક સખી કાર્યક્રમનો અભ્યાસ કરવા પણ અપીલ કરી હતી તથા દરેક ગામમાં બેંકિંગ અને ડિજિટલ જાગૃતિ ફેલાવવામાં દિકરીઓનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, જેથી ફિનટેકને નવું બજાર મળશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ફિનટેક ક્ષેત્રને સહાય કરવા નીતિગત સ્તરે તમામ જરૂરી ફેરફારો કરી રહી છે તથા એન્જલ ટેક્સ નાબૂદ કરવાનાં ઉદાહરણો આપ્યાં હતાં, દેશમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા રૂ. 1 લાખ કરોડની ફાળવણી કરી હતી તથા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનો અમલ કર્યો હતો. સાયબર ફ્રોડનો અંત લાવવાની જરૂરિયાત વ્યક્ત કરીને  પ્રધાનમંત્રીએ નિયમનકારોને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં ફિનટેક અને સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિમાં સાયબર ફ્રોડ આડે ન આવે તેની ખાતરી કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતની પ્રાથમિકતા સ્થાયી આર્થિક વૃદ્ધિ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર અદ્યતન ટેકનોલોજી અને નિયમનકારી માળખા સાથે નાણાકીય બજારોને મજબૂત કરવા મજબૂત, પારદર્શક અને કાર્યદક્ષ વ્યવસ્થાઓ ઊભી કરી રહી છે. તેમણે ગ્રીન ફાઇનાન્સ અને નાણાકીય સમાવેશની સંતૃપ્તિ સાથે ટકાઉ વિકાસને ટેકો આપવાનો ઉલ્લેખ કર્યો છે.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની ફિનટેક ઇકોસિસ્ટમ ભારતનાં લોકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી પ્રદાન કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને ખાતરી છે કે, ભારતની ફિનટેક ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વનાં જીવનની સરળતાને વધારશે. અમારું સર્વશ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે." પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ પાંચ વર્ષ પછી જીએફએફની 10મી આવૃત્તિમાં પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનાં સમાપન અગાઉ પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદની સાથે સેલ્ફી ખેંચાવી હતી અને સમજાવ્યું હતું કે, એઆઇનાં ઉપયોગથી જે કોઈપણ વ્યક્તિ પોતાની જાતને ફોટોગ્રાફમાં જુએ છે, તે નમો એપનાં ફોટો સેક્શનની મુલાકાત લઈને અને પોતાની સેલ્ફી અપલોડ કરીને તેની સુલભતા મેળવી શકે છે.

આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શ્રી શક્તિકાંત દાસ અને જીએફએફનાં ચેરમેન શ્રી ક્રિસ ગોપાલાક્રિષ્નન ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ સંયુક્તપણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન કરી રહી છે. ભારત અને અન્ય વિવિધ દેશોના નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો, વરિષ્ઠ બેન્કરો, ઉદ્યોગના અગ્રણીઓ અને શિક્ષણવિદો સહિત આશરે 800 વક્તાઓ આ પરિષદમાં 350થી વધુ સત્રોને સંબોધિત કરશે. તે ફિનટેક લેન્ડસ્કેપમાં નવીનતમ નવીનતાઓ પણ પ્રદર્શિત કરશે. જીએફએફ 2024માં 20 થી વધુ વિચારશીલ નેતૃત્વ અહેવાલો અને શ્વેત પત્રો શરૂ કરવામાં આવશે, જે આંતરદૃષ્ટિ અને ઊંડાણપૂર્વકની ઉદ્યોગની માહિતી પ્રદાન કરશે.

 

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2050032) Visitor Counter : 49