પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
Posted On:
10 JUL 2024 11:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેનામાં પ્રવાસી ભારતીયો દ્વારા તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ત્યાં પહોંચતાં જ સમુદાયે પ્રધાનમંત્રીનું વિશેષ ઉષ્મા અને સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રિયાના કેન્દ્રીય શ્રમ અને અર્થતંત્ર મંત્રી મહામહિમ શ્રી માર્ટિન કોચરે પણ સામુદાયિક મેળાવડામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ભારતીય ડાયસ્પોરા સહભાગી થયા હતા.
પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ભારતીય ડાયસ્પોરા દ્વારા કરવામાં આવેલા પ્રદાન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બંને મૈત્રીપૂર્ણ દેશો રાજદ્વારી સંબંધોનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં હતાં, ત્યારે તેમની આ દેશની મુલાકાતે તેને ખરા અર્થમાં વિશેષ સ્વરૂપ આપ્યું હતું. બંને દેશોનાં સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને બહુવચનવાદી લોકાચારને યાદ કરીને તેમણે તાજેતરની ભારતીય ચૂંટણીઓની વિસ્તૃતતા, વ્યાપ અને સફળતા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતનાં લોકોએ સાતત્ય માટે મતદાન કર્યું હતું અને તેમને ઐતિહાસિક ત્રીજી મુદત માટે જનાદેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં દેશે હાંસલ કરેલી પરિવર્તનકારી પ્રગતિ વિશે વાત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ – વિકસિત ભારત બનવા તરફનાં માર્ગે નજીકનાં ભવિષ્યમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. તેમણે ગ્રીન ગ્રોથ અને ઇનોવેશનમાં ઓસ્ટ્રિયન કુશળતા કેવી રીતે ભારતની ભાગીદારી કરી શકે છે તે વિશે વાત કરી હતી, જે તેની ઊંચી વૃદ્ધિના માર્ગે અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. તેમણે ભારત "વિશ્વબંધુ" હોવાનું તથા વૈશ્વિક પ્રગતિ અને સુખાકારીમાં પ્રદાન કરવા વિશે પણ વાત કરી હતી. તેમણે સમુદાયને માતૃભૂમિ સાથે તેમના સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણને પોષવાનું ચાલુ રાખવા વિનંતી કરી હતી, પછી ભલેને તેઓ તેમના નવા વતનમાં સમૃદ્ધ થાય. આ સંદર્ભમાં તેમણે ભારતીય ફિલસૂફી, ભાષાઓ અને વિચારોમાં ઊંડા બૌદ્ધિક રસનો ઉલ્લેખ કર્યો હતો, જે ઓસ્ટ્રિયામાં સદીઓથી અસ્તિત્વમાં છે.
ઓસ્ટ્રિયામાં આશરે 31,000 ભારતીય લોકો વસે છે. ભારતીય ડાયસ્પોરામાં મુખ્યત્વે હેલ્થકેર અને અન્ય ક્ષેત્રોમાં તથા સંયુક્ત રાષ્ટ્રની બહુપક્ષીય સંસ્થાઓમાં કામ કરતા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રિયામાં લગભગ 500 ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2032299)
Visitor Counter : 117
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam